સંપાદકનો પત્ર
હોસ્પિટલ વેસ્ટનું રિસાઇકલિંગ
સફારી--એપ્રિલ, ૨૦૦૯
જમાનો રિસાઇકલિંગનો છે. ‘પર્યાવરણ બચાવો’ના નામે કાગળથી માંડીને પ્લાસ્ટિક સુધીના પદાર્થોને રિસાઇકલ કરી તેમને (નવા સ્વરૂપે) પુનઃ ઉપયોગમાં લેવાય એ તો જાણે સમજ્યા, પરંતુ કચરામાં નખાયેલી ઇન્જેક્શનની સિરિન્જ તેમજ સલાઇન બોટલો જેવા મેડિકલ વેસ્ટને રિસાઇકલિંગનું ધોરણ લાગૂ પાડવામાં આવે ત્યારે કેવી મોકાણ સર્જાય તેનો દાખલો થોડા વખત પહેલાં ગુજરાતમાં જોવા મળ્યો. સાબરકાંઠામાં મોડાસા ખાતે હેપેટાઇટીસબીનો અસાધ્ય રોગ ફૂટી નીકળ્યા પછી ગણતરીના દિવસોમાં જ બેફામ રીતે ફેલાવા લાગ્યો ત્યારે તેનું કારણ તપાસતાં માલૂમ પડ્યું કે ત્યાંનાં કેટલાંક ખાનગી દવાખાનાં ઇન્જેક્શનની સિરિન્જ રિસાઇકલિંગના ધોરણે વાપરતાં હતાં. પ્લાસ્ટિકની ડિસ્પોઝિબલ સિરિન્જ એક કરતાં વધુ વખત વપરાતી હતી અને સરવાળે હેપેટાઇટીસબીનો ચેપ ફેલાવવામાં નિમિત્ત બનતી હતી. આ ઘટસ્ફોટ છાપરે ચડ્યો (અને વખત જતાં છાપે પણ ચડ્યો) ત્યારે સરકારી લેવલે સઘન તપાસ હાથ ધરવામાં આવી. માત્ર મોડાસામાં નહિ, ગુજરાતનાં બીજાં કેટલાંક શહેરોમાં પણ મેડિકલ વેસ્ટના રિસાઇકલિંગનો વેપલો ચલાવતાં સંખ્યાબંધ ‘કારખાનાં’ એ તપાસમાં પકડાયાં.
સ્થાનિક હોસ્પિટલો દ્વારા તેમજ ખાનગી દવાખાનાં દ્વારા કૂડામાં ફેંકી દેવામાં આવતી પ્લાસ્ટિકની સિરિન્જને નવા પેકિંગમાં કેમિસ્ટની દુકાને પહોંચતી કરવાનું સ્કેન્ડલ માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી. દેશવ્યાપી છે. હોસ્પિટલોએ તેમજ પ્રાઇવેટ ક્લિનિકોએ બેજવાબદારીપૂર્વક ફેંકી દીધેલી પ્લાસ્ટિકની સિરિન્જનો તેમજ સલાઇન બોટલોનો મેડિકલ વેસ્ટ તે સ્કેન્ડલમાં કેન્દ્ર સ્થાને છે. આ ખતરનાક બલા સર્જવામાં વળી કોઇ નિમિત્ત બન્યું હોય તો તે હેપેટાઇટીસબી એટલે કે ચેપી કમળાનો તથા એઇડ્ઝનો જીવલેણ રોગ છે. વિરોધાભાસ એ છે કે બન્ને રોગોનો ચેપ ફેલાતો રોકવા માટે અગમચેતીનાં જે પગલાં લેવાનું શરૂ થયું એ જ છેવટે આવું વ્યાપારી સ્કેન્ડલ પેદા કરવા માટે કારણભૂત બન્યાં છે. ખાસ કરીને એઇડ્ઝના નાઇલાજ રોગનો ઉપાડો વધ્યા પછી ડૉક્ટરો માત્ર ડિસ્પોઝેબલ સિરિન્જ વાપરવાનો આગ્રહ રાખે છે એટલું જ નહિ, પણ ઇન્જેક્શન લેતો રોગી પોતે ક્યારેક કાચની પરંપરાગત સિરિન્જને માન્ય રાખતો નથી. પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ સિરિન્જનો તે આગ્રહ રાખે છે. પરિણામે દેશમાં એવી સિરિન્જનું ઉત્પાદન છેલ્લાં કેટલાંક વર્ષમાં ગજબનાક રીતે વધ્યું છે. ઇન્જેક્શનો પણ સહેજ મોંઘાં થયાં છે અને બીજી તરફ ડિસ્પોઝેબલ સિરિન્જની માગ એકસરખી ચાલુ રહેવાને કારણે નકામી બનેલી સિરિન્જને બીજી વખત ડિસ્પોઝેબલ તરીકે ખપાવી તગડા માર્જિનનો નફો રળવાની લાલચ વધી છે. આ પ્રલોભન છેવટે એ જ સિરિન્જને ચેપના ફેલાવામાં નિમિત્ત બનાવે છે કે જેનું ધમધોકાર ઉત્પાદન કરવા પાછળ ચેપનો ફેલાવો રોકવા સિવાય બીજો આશય નથી. વાસ્તવમાં ડૉક્ટરો જો ડિસ્પોઝેબલ સિરિન્જને કચરાભેગી ફેંકી દેતા પહેલાં તેના ટુકડા કરવા જેટલો સમય ન આપી શકતા હોય તો તેમણે કાચની (ગરમ પાણીમાં સ્ટરિલાઇઝ કરી શકાતી) જૂનાવાણી અને પરંપરાગત સિરિન્જ વડે કામ ચલાવવું જોઇએ. આમાં ચેપ ફેલાવાનું જોખમ કદાચ ઓછું છે.
આની કેફિયતમાં ડૉક્ટરો કદાચ એમ કહી શકે કે પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ સિરિન્જના ટુકડા કરવાનું સહેલું નથી. આ કેફિયતને વાજબી ગણી શકાય, કેમ કે સારી પ્રેક્ટિસ કરતો સરેરાશ ડૉક્ટર દરરોજ ૨પ૩૦ સિરિન્જ વાપરી નાખતો હોય છે. હોસ્પિટલમાં પણ રોજની સેંકડોના હિસાબે સિરિન્જનો વપરાશ થતો હોય છે. આવા સંજોગોમાં સિરિન્જના ટુકડા કરવાનું હંમેશાં કૂથૂં બને છે, એટલે સ્વાભાવિક રીતે ઢગલાબંધ સિરિન્જને પરબારી ઉકરડે નાખી દેવાનો સરળ માર્ગ અપનાવાય છે. વપરાયેલી સિરિન્જનો નાશ કરવાના વિકલ્પ તરીકે તેને જીવાણુંમુક્ત કરી શકાય, જેના માટે સિરિન્જને કેટલીક સેકન્ડ પૂરતી અગ્નિશિખા ઉપર ધરી રાખવાની હોય છે. એઇડ્ઝના વાયરસનો નાશ થાય ત્યાર પછી સિરિન્જને કેટલોક સમય બ્લિચિંગના સોલ્યુશનમાં ડૂબાડી રાખવાનું પણ જરૂરી છે. પરંતુ દેખીતી રીતે આવું જફાવાળું કામ રોજેરોજ કરવાની ડૉક્ટરોને કે હોસ્પિટલના સંચાલકોને ફુરસદ હોતી નથી. નતીજારૂપે બીજા તબીબી ડિસ્પોઝેબલ સાધનો તો ઠીક, પણ સિરિન્જના પાપે જ એઇડ્ઝ કે (મોડાસાના કેસમાં બન્યું તેમ) ચેપી કમળા જેવા રોગોના ફેલાવાએ સ્પીડ પકડી છે.
કોઇ પણ સામાન્ય હોસ્પિટલે રોજેરોજ ફેંકી દીધેલા પોતાના ઉકરડામાં ડિસ્પોઝેબલ સિરિન્જ ઉપરાંત લોહી વડે ખરડાયેલું સર્જિકલ કોટન, પરૂ વડે દૂષિત થયેલા મલમપટ્ટા, સલાઇનની ખાલી બોટલો, ઇન્જેક્શનોની ઍમ્પ્યુલ્સ વગેરે પણ હોય છે. વિશેષમાં રોજબરોજનાં ઑપરેશનો દરમ્યાન કાપકૂપ દ્વારા કાઢી લેવાયેલાં માનવશરીરના કેટલાક રોગગ્રસ્ત હિસ્સા પણ હોય છે. ઍપેન્ડિક્સ, કાકડા અને ગાંઠો સાથે માંસના નકામાં કટકા પણ બીજા કૂડા સાથે ભળી ગયા પછી એ કચરામાં તદ્રન જીવાણુમુક્ત ન હોય એવું તો કશું રહેતું નથી. કચરાવીણુ મજૂરો છેવટે એ જ ભેળસેળને ફંફોસી સલાઇનના કે લોહીના બાટલા જેવી અમુક બિકાઉ ચીજોને અલગ તારવે છે. સિરિન્જના કિલોદીઠ રૂા. ૮ થી ૧૦ અને સલાઇનની ખાલી બોટલોના પ્રતિકિલો વીસેક રૂપિયા ઉપજાવે છે. આ બધો સરંજામ રિસાઇકલિંગના નામે ફરી વખત પેક થવા માટે ઉત્પાદકો સુધી પહોંચી જાય છે. આ પ્રકારની સેકન્ડ હેન્ડ ચીજો વાપરવામાં જેમને શરમસંકોચ જણાતો ન હોય તેવા ઉત્પાદકો તે ચીજોને બરાબર જીવાણુમુક્ત કરવાની પણ યોગ્ય કાળજી ન દાખવે એ સમજી શકાય એવી વાત છે. આ નૈતિક જવાબદારીને તેઓ પોતાની નાગરિક ફરજ સમજતા હોય તો પહેલી વાત એ કે સેકન્ડ હેન્ડ ચીજો તેઓ રિપેકિંગ માટે ખરીદે જ નહિ.
ભારતનાં કેટલાંક સ્વૈચ્છિક મેડિકલ એસોસિએશનો સરકારને વારંવાર ભલામણ કરતાં રહ્યાં છે કે સિરિન્જ અને સલાઇન બોટલ જેવા સરંજામને તેણે ફૂડ એન્ડ ડ્રગ ઍક્ટના નેજા હેઠળ લાવવો જોઇએ. આ કાયદો અત્યારે ફક્ત સલાઇન વોટરને તથા સિરિન્જ મારફત દર્દીને અપાતા ઔષધિય પ્રવાહીને લાગુ પડે છે, માટે એમ કહી શકાય કે એ ચીજો પર કાયદાનો પાકો અંકુશ છે. પરંતુ એ પદાર્થો જેમાં ભરાય છે એવી બોટલોની કે સિરિન્જની ગુણવત્તા જાળવવા માટે એટલે કે તેમનો દુરૂપયોગ રોકવા માટે કડક કાયદો જ નથી. પરિણામે અંદરના પદાર્થોને અણિશુદ્ધ રાખવાનું ફરમાવતા કેન્દ્રના ફૂડ એન્ડ ડ્રગ ઍક્ટનું પણ કશું મહત્ત્વ રહેતું નથી. એક સ્વૈચ્છિક મેડિકલ સંસ્થાના તબીબી પ્રવક્તા કહે છે કે, ઔષધિય પ્રવાહી માટે સેંકડો જાતનાં કડક ધારાધોરણો નક્કી થયાં હોય, પણ બીજી તરફ એ પ્રવાહી ભરેલું કન્ટેઇનર બધી રીતે કાયદામુક્ત હોય એવું તો ભારતમાં જ બને!
યુરોપઅમેરિકી દેશોમાં ક્લિનિકલ વેસ્ટને લગતા કાયદાકાનૂનો જુદા છે. હોસ્પિટલોને ફરજ પડાય છે કે તેઓ ચેપી જીવાણુ વડે દૂષિત થયેલા કૂડાકચરાને ખાસ ભઠ્ઠીમાં મીનીમમ ૯૦૦ અંશ સેલ્શિયસના તાપમાને બાળી નાખે. તકેદારીનું આવું પગલું ભારતમાં પણ સેવાભાવી તબીબી સંસ્થાઓ વર્ષો થયે સૂચવતી રહી છે, કેમ કે એઇડ્ઝના તેમજ ચેપી કમળાના ફેલાવાને રોકવાનો એ જ મુખ્ય અસરકારક માર્ગ છે. કેટલાક જીવાણુઓ કમ સે કમ એક સેકન્ડ લગી ૯૦૦ અંશ સેલ્શિયસનું તાપમાન મળ્યા પછી જ મરે છે. આ ગરમી સામાન્ય ભઠ્ઠીને બદલે ઇન્સિનરેટર કહેવાતા ખાસ ભઠ્ઠામાં જ પેદા કરી શકાય છે, પણ ભારતની ઘણીખરી હોસ્પિટલોમાં તે સગવડ નથી. આને લીધે મેડિકલ વેસ્ટના રિસાઇકલિંગ માટે કેટલાક ઉત્પાદકોને ફાવતું મળે છે. વપરાયેલો માલ તેઓ કચરાના ભાવે ખરીદે છે અને નવા પેકિંગમાં બજારભાવે વેચે છે.
આ સ્થિતિ દ્વારા પેદા થયેલા મેડિકલ વેસ્ટ રિસાઇકલિંગના વ્યાપક સ્કેન્ડલને લીધે ભારતમાં દર વર્ષે સેંકડો નિર્દોષ લોકો અકાળે મોતને ભેટે છેઅને સરકાર મૂક પ્રેક્ષક બનીને આખો તમાશો જોયા કરે છે!
everything is right but it is time of elections so our "RESPECTABLE" government is sooooooo busy !!! so they cant give their concentration on such "FOOLISH" issues!! (according to gov. not to me!!) when elections will b over then they will listen this type of issues and will create a "PANCH" for investigation and then they will forget it!! jane kai banyu j hoy tem !! aa sarkar nu varsagat valan 6e ... pachi bhale te game te sarkar hoy UPA or BJP... on this matter they all are same !!!!
ReplyDeleteકદાચ મોત પા્છળના બારે ટકોરા મારી રહ્યું હોય અને લોકો ઉંઘતા હોય તેવો નઝારો છેં. આમા લોકો પણ શું કરી શકે ? કદાચ કાઈ નહી.
ReplyDeletehello sir, i read safari since i was let's say, 5 years old. i appreciate your writings very much and never miss an issue. i've learnt from you. now i want your opinion about my writings. the blog address is www.nishitsshah.blogspot.com . please mail me your response at nish_shah161@rediffmail.com. it would encourage me to write. thanks.
ReplyDeleteFor syringe and other small waste govt. should provide a machine like waste paper cutting machine..!
ReplyDelete