જીભ પર નહિ, જીવમાં વસે તે માતૃભાષા


02-08-2020. ગુજરાત સમાચાર. રવિ પૂર્તિમાં પ્રગટ થયેલો લેખ.

કોલમનું નામઃ એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા (તંત્રીઃ ‘જિપ્સી’ મેગેઝિન www.iamgypsy.in)

માતૃભૂમિ અને માતૃભાષા સેવાના સનાતન યજ્ઞો છે, જે પેઢી દર પેઢી ચાલુ રહેવા જોઇએ

જીભ પર નહિ, જીવમાં વસે તે માતૃભાષા

કોઈ ભાષા બીજી કરતાં ચડિયાતી કે ઊતરતી હોતી નથી. હા, ભાષાને જોવાની દૃષ્‍ટિ ઊંચી યા નીચી હોઈ શકે છે—અને તે વ્‍યક્તિગત મામલો છે.

----------------------

દેવભાષા સંસ્‍કૃત જગતની સૌથી પ્રાચીન ભાષા હોવાનું કહેવાય છે. ‌િબ્રટનના વિલિયમ ડેલરિમ્‍પલ જેવા અભ્‍યાસુ ઇતિહાસકારોના મતે સંસ્‍કૃત કમ સે કમ ૮,૦૦૦ વર્ષ પુરાણી તો ખરી. આ લાંબા સમયગાળા દરમ્‍યાન સંસ્‍કૃતમાં સમૃદ્ધિકરણ થતું રહ્યું અને લગભગ પોણા ત્રણ હજાર વર્ષ પહેલાં મહર્ષિ પા‌િણનીએ તેને વ્‍યાકરણબદ્ધ કરી પરિપૂર્ણ બનાવી. આ જાણ્યા પછી સવાલ એ થાય કે આઠ હજાર વર્ષ પહેલાં ઉદ્‍ભવેલી મૂળ સંસ્‍કૃતનું અવતરણ કેવી રીતે થયું? આનો ઠોસ જવાબ તો ન હોય, પણ પુરાણકથા અનુસાર ભોળાનાથ શિવજીના ડમરૂનાદમાંથી સંસ્‍કૃતની ઉત્‍પત્તિ થઈ હતી. આવી કલ્‍પનાને ગુજરાતી રંગમંચમાં સીમા‌ચિહ્ન સાબિત થયેલા ‘સંતુ રંગીલી’ નાટકમાં શબ્‍દરૂપે સરસ રીતે વ્યક્ત કરવામાં આવી છે. શબ્‍દો આમ છેઃ

‘જગમાં જ્યારે કામ પડ્યું ભાષાનું... ઋષિઓ ત્‍યારે ગયા શંભુની પાસે... જાણ્યો હેત (હેતુ) પ્રથમથી પ્રભુએ ઉરમાં (ધ્‍યાનથી)... હતા નિત્‍યતા ઉમા (પાર્વતી) સંગ કૈલાસે... ડમરું બજાવ્યું ચૌદ વાર નટરાજે... ત્યાંથી પ્રગટ્યા અક્ષર વિશ્વવિલાસે...!’

સૂચિતાર્થ એ કે નટરાજે ચૌદ વખત ડમરું બજાવીને ૧૨ સ્‍વરો, ૧ અનુસ્‍વાર અને ૧ વિસર્ગ માટે જે વિવિધ નાદ પેદા કર્યા તેના પરથી ઋષિઓએ સંસ્‍કૃતના ૪૮ મૂળાક્ષરોની રચના કરી. વર્ષો બાદ તેમાંથી ગુજરાતી, હિંદી, મરાઠી, સિંધી, પંજાબી, બંગાળી, તમિલ, મલયાલમ વગેરે ભાષાઓ જુદા જુદા સ્‍વરૂપે ગઠન પામી.

બારમી સદીના અંત સુધી ભારતમાં સંસ્‍કૃતનું વ્‍યાપક ચલણ રહ્યું, પણ ત્‍યાર પછી વિદેશી આક્રમણખોરોએ ઉત્તર ભારતના પ્રાંતોમાં ડેરા જમાવ્‍યા અને ત્‍યાં પોતાની ભાષા ઠોકી બેસાડી ત્‍યારે દેવભાષાની પડતીનો આરંભ થયો. સંસ્‍કૃતને બીજો ફટકો ઓગણીસમી સદીમાં અંગ્રેજીએ માર્યો—અને એ તો ગડદાપાટુ સાબિત થયો.

વિખ્‍યાત ઇતિહાસકાર અને સંસ્‍કૃતના ‌િવદ્વાન શેલ્‍ડન પોલોકે તેમના અભ્‍યાસ લેખોમાં નોંધ્‍યું છે તેમ અંગ્રેજીના આગમન પહેલાં અઢારમી સદીમાં જયપુરના મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીયના રાજમાં સંસ્‍કૃતની બોલબાલા હતી. રાજકીય કારોબાર સંસ્‍કૃત ભાષામાં ચાલતો હતો એટલું જ નહિ, પ્રજાજનો પણ એ જ ભાષામાં વાતચીત કરે અને નવી પેઢી સંસ્‍કૃતમાં અક્ષરજ્ઞાન મેળવે. દક્ષિણ ભારતના રાજા કૃષ્‍ણરાજા વાડિયારના શાસનનો કેસ આનાથી જુદો નહોતો. સંસ્‍કૃતને રાજા વાડિયારે રાજભાષા તરીકે અપનાવી હતી.

ઈ.સ. ૧૮૩૨માં અંગ્રેજોએ આપણે ત્‍યાં અંગ્રેજી શિક્ષણ દાખલ કર્યું તેનાં જૂજ વર્ષ પહેલાં બંગાળ પ્રેસિડન્‍સી કહેવાતા પ્રાંતના પાંચ જિલ્‍લામાં સંસ્‍કૃત માધ્‍યમની ૩પ૩ શાળાઓ હતી. બંગાળમાં અંગ્રેજી શિક્ષણ દાખલ થયાનાં થોડાં જ વર્ષમાં તેમનું આવી બન્‍યું.

એક સમયે વારાણસીનું બનારસ સંસ્‍કૃત વિદ્યાલય તેના પાઠકોને સંસ્‍કૃતમાં જ વિવિધ વિષયોનું ભણતર પૂરું પાડતું હતું. પરંતુ ભારતમાં અંગ્રેજી શિક્ષણનાં મૂળ નખાયા પછી ઈ.સ. ૧૮૪૩માં જ્હોન મ્‍યૂઅર નામના લાટસાહેબે બનારસ સંસ્‍કૃત વિદ્યાલયનું અંગ્રેજીકરણ શરૂ કરી દીધું. પહેલાં તેણે વિદ્યાલયમાં અંગ્રેજી ભાષા સેકન્‍ડ લેન્ગવેજ તરીકે દાખલ કરી અને થોડા વખતમાં તેને ભણતરનું મુખ્‍ય માધ્‍યમ બનાવી સંસ્‍કૃતને હાંસિયામાં ધકેલી મૂકી.

ભાષાવિદ્દો જેને The Mother of all languages તરીકે ઓળખાવે છે તે સંસ્‍કૃતનું મહાત્‍મ્ય બ્રિટિશહિંદના ફ્રાન્‍સ કિલહોર્ન અને હોરેસ વિલ્‍સન જેવા ચુનંદા ગોરા અમલદારો પામી ગયા હતા. આથી તેને જીવતી રાખવા માટે તેમણે પોતાની જાત ઘસી નાખી. પરંતુ એવા સુખદ અપવાદો જૂજ હોવાથી પરિણામ એ આવ્યું કે ભારતમાં અંગ્રેજી શિક્ષણ દાખલ કરાયાના પોણસો-સો વર્ષના નજીવા સમયગાળામાં સંસ્‍કૃત લગભગ ભૂંસાઈ ગઈ. આજે સવાસો કરોડની વસ્‍તી ધરાવતા દેશમાં માંડ ૦.૧પ ટકા લોકો સંસ્‍કૃત બોલી-લખી-વાંચી શકતા હોય તે કેવી દયનીય સ્થિતિ છે. આ આંકડો જોતાં પસાસેક વર્ષ પછી તો ભારતમાં સંસ્‍કૃતનું અસ્‍તિત્‍વ હશે કે કેમ એ બાબતે શંકા થાય.

સંસ્‍કૃતની જેમ ભારતની ઘણી પ્રાંતીય ભાષાની સ્‍થિતિ ડામાડોળ થઈ છે અથવા થવામાં છે. આમાં ઘણો દોષ અંગ્રેજોએ દાખલ કરેલી શિક્ષણ પ્રણાલિનો હોય તો કેટલોક આપણો પણ ખરો. અંગ્રેજી અપનાવવાની તીવ્ર તૃષ્‍ણામાં પ્રાંતીય ભાષાઓ પ્રત્‍યે આપણે ઓરમાયું વર્તન દાખવતા આવ્યા છીએ. કેટલી હદે તે પણ જુઓ.

ત્રણેક દાયકા પહેલાં ‘શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હોવું જોઈએ કે માતૃભાષા?’ એ સવાલ પર તંદુરસ્‍ત ચર્ચા થઈ શકતી હતી. આજે તો ખુદ સવાલમાં જ તંદુરસ્‍તી નથી. કારણ દેખીતું છે. અંગ્રેજીકરણના જમાનામાં માતૃભાષાની શાળાઓ કાં તો બંધ થઈ ચૂકી છે અથવા તો પૂરતા વિદ્યાર્થીઓના અભાવે બિસ્‍માર સ્‍થિતિમાં આવી પડી છે.  (National University of Education, Planning and Administrationના એક રિપોર્ટ મુજબ ૨૦૦૩થી ૨૦૧૧ના વર્ષ દરમ્‍યાન ભારતમાં અંગ્રેજી માધ્‍યમ તરફ વળેલા વિદ્યાર્થીઓની સંખ્‍યામાં ૨૭૩ ટકાનો વધારો થયો હતો.) સંતાનોને માતૃભાષામાં શિક્ષણ આપવા માગતા વાલીઓ બિસ્‍માર શાળાની સ્‍થિતિ સુધરવાની પ્રતીક્ષામાં છે, તો શાળાઓ તેમની હાલત સુધારવા વાલીઓ તરફથી ફી રૂપે મળવાપાત્ર આર્થિક સહયોગના ભરોસે બેઠી છે. આમાં પ્રથમ પહેલ બેમાંથી કયો પક્ષ કરે? જટિલ સવાલ છે, જેનો ઉકેલ ન આવતાં પ્રાંતીય ભાષાની શાળાઓ અંગ્રેજી તરફ વળી છે.

આપણે ત્‍યાં વાલીઓનો એક મોટો વર્ગ એવું પણ માનતો થયો  છે કે સંતાનને અંગ્રેજી માધ્‍યમમાં ભણાવવાથી જ તેની ઉજ્જવળ કારકિર્દી ઘડી શકાય. જુદી રીતે કહો તો માતૃભાષાનું શિક્ષણ તેને જરા ‘પાછળ’ છોડી દેશે એવો તેમનો ખ્‍યાલ છે. આ ધારણાએ છેલ્‍લા પાંચ વર્ષમાં બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ઝારખંડ જેવા હિંદી બેલ્‍ટમાં અંગ્રેજી માધ્‍યમ તરફ વળેલા છાત્રોની સંખ્‍યામાં અનુક્રમે ૪૭૦૦ ટકાનો, ૧૦૦૦ ટકાનો, પ૨પ ટકાનો અને ૪પ૮ ટકાનો વધારો કર્યો છે. (નોંધઃ આંકડા લખવામાં કોઈ ભૂલ નથી).

‘શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હોવું જોઈએ કે માતૃભાષા?’ જેવો સવાલ આજે ભારતમાં ગૌણ બની ચૂક્યો છે, તો બીજી તરફ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, ચીન, કોરિયા વગેરે જેવા દેશો માટે તો એ ­પ્રશ્નનું જાણે કે અસ્‍તિત્‍વ જ નથી. કારણ કે તેમણે પોતાની માતૃભાષાને શિક્ષણના માધ્યમ તરીકે ક્યારની અપનાવી લીધી છે. આ દેશોની નવી પેઢીનું અંગ્રેજી જરા કાચું છે. સરકારમાં સર્વોચ્‍ચ હોદ્દો ભોગવતા પ્રમુખ કે વડા પ્રધાનથી લઈને સરકારી અધિકારીઅોને પણ અંગ્રેજી બોલવામાં તકલીફ પડે છે. આથી પરદેશમાં તેઅો પોતાની ભાષામાં જ ­પ્રવચન આપે છે. દુભાષિયાએ ખડે પગે રહેવું પડે તો ભલે! અંગ્રેજી ન આવડતું હોવાની વિશ્વ સ્‍તરે છાપ પડે તો પણ ભલે! પરંતુ એ ખાતર માતૃભાષા પર અંગ્રેજીનું બુલડોઝર ફરવા દેવાનું નહિ. એક દાખલો રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનનો છે, જેઓ દુનિયાના કોઈ પણ દેશની રાજદ્વારી મુલાકાતે જાય ત્‍યારે ત્‍યાં બધો વાર્તાલાપ માતૃભાષામાં જ ચલાવે છે.

અંગ્રેજીનું કાચુંપાકું જ્ઞાન ધરાવતા રશિયાના વિજ્ઞાનીઓ આજે પણ બધું વૈજ્ઞાનિક સંશોધન માતૃભાષામાં કરે છે. અંતરિક્ષ ક્ષેત્રે રૂસી વિજ્ઞાનીઓએ અમેરિકાના અંગ્રેજીભાષી વિજ્ઞાનીઓને વર્ષો સુધી હંફાવ્યા હતા એ જાણીતી વાત છે. જાપાનીઓ કડકડાટ અંગ્રેજીના અભાવે પણ ટેક્નોલોજિના ક્ષેત્રે અમેરિકાને ઓવરટેક કરી ગયા છે. શસ્ત્રસરંજામમાં તથા અણુવીજળીમાં ફ્રાન્સનું સ્થાન આગળ પડતું છે. મિરાજ-2000 અને થોડા દિવસ પહેલાં આપણે ત્‍યાં જેમની પધરામણી થઈ તે સુપરફાઇટર રફાલ જેવાં લડાયક વિમાનો તેમજ અગોસ્તા પ્રકારની વર્લ્ડ-ક્લાસ સબમરીન ફ્રાન્‍સે બનાવી છે. કલાકના સાડા ત્રણસો કિલોમીટરે ધસી જતી TGV નામની ટ્રેન એ દેશમાં દોડે છે. આ બધી મહારત શું ફ્રેન્ચ ભેજાબાજોએ અંગ્રેજીના જ્ઞાનને કારણે હાંસલ કરી? નહિ! હકીકત છે કે પેરિસ જેવા મોટા શહેરોની ભાગોળ છોડીને નીકળો ત્‍યાર પછી ફ્રાન્‍સમાં અંગ્રેજીનું ­પ્રમાણ નહિવત્ જેવું છે.

સાપેક્ષવાદના સિદ્ધાંતો રજૂ કરનાર ­પ્રખર બુદ્ધિશાળી આલ્બર્ટ આઇન્સ્ટાઇને પોતે જર્મનીના ઝયૂરિક શહેરમાં જર્મન ભાષામાં જ શિક્ષણ લીધું હતું. ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો પણ તેઓ અંગ્રેજીમાં નહિ, જર્મનમાં ભણ્યા હતા. સાપેક્ષવાદનો જટિલ સિદ્ધાંત સમજાવવા માટે તેમણે અંગ્રેજીને બદલે પોતાની માતૃભાષા જર્મનનો સહારો લીધો હતો. વળી આર્કિમિડિઝ, ગેલિલિયો, ડેમોક્રિટસ, ભાસ્કરાચાર્ય, આર્યભટ્ટ, બ્રહ્મગુપ્‍ત વગેરે જેવા વિદ્વાનોને અંગ્રેજી કોણ શીખવવા ગયું હતું?

આ તો જાણે ભાષાને કેળવણીના માધ્‍યમ તરીકે જોવાની વાત થઈ. બીજો મહત્ત્વનો મુદ્દો માતૃભાષા પ્રત્‍યેના મમત્વનો છે. આદર-સમ્‍માનનો છે. આ બાબતે પણ આપણે ‘પશ્ચિમી સંસ્‍કૃતિ’ પાસે શીખવા જેવું છે. જર્મની, ફ્રાન્સ, ઇટાલી, પોર્ટુગલ, સ્‍પેન વગેરે જેવા યુરોપી દેશોએ તથા જાપાન, કોરિયા, મલયેશિયા, ચીન જેવા એશિયાઈ દેશોએ અંગ્રેજીને સેકન્‍ડ લેન્‍ગ્વેજ તરીકે અપનાવી છે. આથી દુકાનનાં પાટિયાં, રસ્‍તાનાં નામો, રેલવે તથા બસ સ્‍ટેશન પરનાં લખાણો, બજારુ ચીજવસ્‍તુનાં પડીકાં વગેરે પર તેઓ માતૃભાષાનો ઉપયોગ કરે છે. આ તેમના લોહીમાં ભળેલી માતૃભાષા પ્રત્યેના પ્રેમનું ઉદાહરણ છે.

બીજો દાખલો સ્‍વિટ્ઝરલેન્‍ડનો લઈએ. આ યુરોપી દેશને જર્મની, ઇટાલી અને ફ્રાન્‍સ એમ ત્રણ મોટા દેશોની સીમા સ્‍પર્શે છે. આથી અહીં ત્રણ ભાષા-સંસ્‍કૃતિનો મિલાપ થયો છે. ઉત્તરે ઝ્યૂરિક અને બર્ન જેવા શહેરોમાં જાવ તો ત્‍યાં બધો વ્‍યવહાર જર્મન ભાષામાં ચાલે. પશ્ચિમમાં જીનિવા શહેરના રહીશો ફ્રેન્‍ચ ભાષામાં ગોટપીટ કરે, તો દક્ષિણ-પૂર્વમાં લુગાનો અને ટિકિનો જેવા પ્રાંતોમાં ઇટાલીયન ભાષાનું ચલણ! સ્‍વાનુભવે જાણેલી વાત છે કે જીનિવાથી એકાદ ટ્રેન ઊપડે ત્‍યારે તેમાં બધી ઘોષણા ફ્રેન્‍ચમાં થાય. ફ્રેન્‍ચ વિસ્‍તાર છોડીને ટ્રેન સ્‍વિટ્ઝરલેન્‍ડના પાટનગર બર્ન તરફ આવે કે તરત અનાઉન્‍સમેન્‍ટની ભાષા જર્મન થઈ જાય અને દક્ષિણ-પૂર્વે પહોંચતાની સાથે જ બધો વ્‍યવહાર ઇટાલિયન ભાષામાં! આવી બધી પળોજણમાં પડવાને બદલે અને ત્રણ નોખી ભાષાઓને દેશની ઓફિશ્‍યલ લેન્‍ગવેજ તરીકે સ્‍વીકારવાને બદલે સ્‍વિટ્ઝરલેન્‍ડ આખા દેશમાં અંગ્રેજી દાખલ કરી શક્યું હોત. પરંતુ એમ કરવાથી ત્રણેય સરહદી પ્રાંતોમાં વસતા લોકોની માતૃભાષાનું અપમાન થયું ગણાય એટલું જ નહિ, તેમની લાગણી દુભાય. આને કહેવાય ભાષા પ્રત્‍યેનો આદર. સ્‍વિટ્ઝરલેન્‍ડનો દાખલો સમજાવે છે કે કોઈ ભાષા બીજી કરતાં ચડિયાતી કે ઊતરતી હોતી નથી. હા, ભાષાને જોવાની દૃષ્‍ટિ ઊંચી યા નીચી હોઈ શકે છે—અને તે વ્‍યક્તિગત મામલો છે.

વીસમી સદીના બીજા દાયકાની શરૂઆતે કવિવર રવીન્‍દ્ર નાથ ટાગોરે જાહેરમાં કહેલું કે, ‘अंग्रेजी शिक्षा अनिवार्य हो, बिना उसके विश्व के कपाट खुल नहीं सकते हैं ।’

અંગ્રેજી ભાષાની આવશ્‍યકતા સમજતા, પરંતુ તેના વાંકે પ્રાંતીય ભાષાના લેવાતા ભોગથી ચિંતિત મહાત્‍મા ગાંધીએ કવિવરને માર્ચ, ૧૯૨૧ના ‘યંગ ઇન્ડિયા’ અંકમાં એમ જણાવીને ટપાર્યા કે,

मैं चाहता हूं कि हमारे देश के जवान लड़के-लड़कियों को साहित्‍य में रस हो, तो वे भले ही दुनिया की दूसरी भाषाओं की तरह ही अंग्रेजी भी पढ़ें । लेकिन मुझे यह नहीं बरदाश्त होगा कि हिन्दुस्तान का एक भी आदमी अपनी मातृभाषा को भूल जाए, उसकी हँसी उड़ाए, उससे शरमाए या उसे ऐसा लगे कि वह अपने अच्छे से अच्छे विचार अपनी भाषा में नहीं रख सकता । हम अपनी मातृभाषा को भूलते जा रहे हैं अौर अन्य भाषाओं से भी ईर्ष्या करते हैं तथा बड़ी आसानी से इस बात में विश्वास कर लेते हैं कि अंग्रेजी भारत की आम भाषा का स्थान ले लेगी, यह यहाँ तक कि मातृभाषा का भी ।’

­પ્રસંગને આજે ૧૦૦ વર્ષ થવા આવ્યાં. છતાં બે વિભૂતિઓ વચ્‍ચે સહજ રીતે ઊઠેલો મુદ્દો ‘શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હોવું જોઈએ કે માતૃભાષા?’ આજે પણ કેટલો તાજો છે!

માતૃભાષાનો વારસો હંમેશાં નવી પેઢીએ સાચવવાનો થતો હોય છે—અને નવી પેઢીમાં માતૃભાષાને જીવંત રાખવામાં શિક્ષણનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું છે. માન્‍યું એક અંગ્રેજીનું જ્ઞાન જરૂરી નહિ, બલકે અનિવાર્ય છે. પરંતુ માતૃભાષાના ભોગે અંગ્રેજીને વધુ પડતું પ્રાધાન્‍ય આપવાને બદલે તેને સેકન્‍ડ લેન્ગવેજ તરીકે શીખવવામાં આવે તો માતૃભાષા ટકે અને પેઢી દર પેઢી આગળ વધે.

બાકી તો જ્હોન ગ્રોટફ્રિડ વોન હેર્ડર નામના ફિલસૂફે વર્ષો પહેલાં જણાવ્યું તેમ કોઈ ભાષા મરી પરવારે ત્યારે તેની સાથે સંકળાયેલા વિચારો, સભ્યતા, ધાર્મિક માન્‍યતાઓ, રહેણીકરણી તથા જીવનના મૂળભૂત સિદ્ધાંતો પણ અંતિમ સંસ્‍કાર પામે છે.

©Harshal Pushkarna
©કોપીરાઇટેડ મટીરીઅલ. લેખકની પરવાનગી વિના લખાણનો કે તેના ભાગનો ઉપયોગ કરવો નહિ.

Comments

Popular posts from this blog

Vijaygupta Maurya