રાજકીય પક્ષોના મેનિફેસ્ટો--કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના

કોઇપણ જાતના અજેન્ડા વિના લડાઇ રહેલી લોકસભાની ચૂંટણી, આધેડ વયના રાજકીય આગેવાનો દ્વારા વાણીવિલાસ ભૂલીને પ્રદર્શિત થઇ રહેલી બાલિશતા, નેતાઓ પર જૂતાફેંકના બની રહેલા કિસ્સા, દેશ આખાને માથે લેનાર આઇ.પી.એલ. ક્રિકેટ મેચો, ફિલ્મ પ્રોડ્યુસરોનો અને મલ્ટિપ્લેક્સ માલિકો સાથે ચાલી રહેલો ગજગ્રાહ, તાતાની નેનો કારે મચાવેલી ધૂમ, આર્થિક મંદી, શેરબજારના ઇક્વીટી આંકની રોજિંદી ઉછળકૂદ, પાકિસ્તાની આતંકવાદી કાસબનો અદાલતી કેસ કોણ લડે તે અંગે ચાલી રહેલી ચર્ચાઓ વગેરે જેવા સમાચારો જાણવાચર્ચામાં આજકાલ સરેરાશ ભારતીયનો દિવસ આખો પસાર થઇ જાય છે. બત્રીસ લાખ ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા ભારતમાં દિલ્હી, મુંબઇ, બેંગલૂરૂ, હૈદરાબાદ, અમદાવાદ વગેરે જેવાં મુખ્ય શહેરો ઉપરાંત દૂરદરાજનાં વિસ્તારોમાં રોજેરોજ કંઇક નવાજૂની બનતી રહે છે. અલબત્ત, મીડિયાની નજર ત્યાં સુધી પહોંચતી નથી અને રાજકીય મહાનુભાવોને તેની દરકાર કરવાની ફુરસદ નથી.

સમાચારોમાં ન ચમકતો અને રાજકીય પાર્ટીઓના મેનિફેસ્ટોમાં કદી સ્થાન ન પામેલો એક સીરિઅસ મુદ્દો ઓરિસ્સાના કાલાહાંડી પ્રદેશના લોકોએ વર્ષો થયે વેઠવા પડતા ભૂખમરાનો છે. અહીં વસતા દરિદ્રોને વર્ષના આઠ મહિના કેરીના સૂકા ગોટલા અને જંગલી વનસ્પતિનાં મૂળિયાં સિવાય બીજો ખોરાક ગનીમત થતો નથી. કેરીના સૂકા ગોટલાને તેમજ વાંસના ટુકડાઓને પાણીમાં ઉકાળીને તેનો ઉકાળો તેઓ રોજિંદા ધોરણે પીએ છે અને વનસ્પતિનાં કૂમળાં મૂળિયાં આરોગીને તેઓ પેટનો ખાડો પૂરે છે. (૨૦૦૭માં બી.બી.સી.ના એક રિપોર્ટર પોતાની ટીમ સાથે કાલાહાંડી ગયા ત્યારે સ્થાનિક પ્રજાએ તેમના સ્વાગતમાં નાસ્તા તરીકે પાંદડાં અને મૂળિયાં ધર્યાં). કાલાહાંડીના ગરીબોને વિનામૂલ્યે ઘઉંચોખા મળતા હોવાનો રિપોર્ટ સરકારી ચોપડે દર્જ છે, પણ હકીકતમાં સરકારી ફૂડ સપ્લાયનો સરકારી બાબુઓ દ્વારા અધવચ્ચે જ વહીવટ થઇ જાય છે.

કાલાહાંડી જેવો બીજો દાખલો મધ્ય પ્રદેશના સુર્ગુજા જિલ્લામાં રહેતા પછાત આદિવાસીઓ છે, જેઓ ક્યારેક માત્ર ચૂનાના પથ્થરો આરોગીને દિવસો ખેંચી નાખે છે. હોજરીમાં પથ્થરનો ભાર તેમને ભરપેટ જમ્યાનો અહેસાસ કરાવે છે. આ બન્ને શાપિત વિસ્તારોમાં લગભગ ૮૦ ટકા લોકો આજે પણ ભૂખમરાને કારણે મરે છે. લાંબો સમય રાખી મૂકાતા કેરીના ગોટલામાં ક્યારેક ઝેરી તત્વો પેદા થાય છે અને તે જાનલેવા નીવડે છે. બીજી તરફ જંગલી વનસ્પતિનાં મૂળિયાંમાં તેમજ પાંદડાંમાં માનવહોજરી જેમને ન્યાય આપી શકે તેવાં પોષકદ્રવ્યો લેશમાત્ર હોતાં નથી, એટલે તે પણ અખાદ્ય છે. ચૂનાના પથ્થરોને તો ગમે તેટલી ઉદાર વ્યાખ્યા આપી પણ ખાદ્ય સાબિત કરી શકે નહિ.

ઉદારીકરણની હવા ગરીબીની રેખાને ઓળંગીને તળિયાના લેવલે પહોંચી શકી નથી, જ્યાં બે ટંકનું ભોજન તો ઠીક ખાદ્ય ખોરાકની વ્યાખ્યા જેને લાગૂ પાડી શકાય તેવી ખાદ્યસામગ્રી પણ દુષ્કર છે. આ વાસ્તવિકતા સીસા જેવી નક્કર છે. માટીપગા રાજકીય મહાનુભાવો માટે કાલાહાંડીના તેમજ સુર્ગુજાના દરિદ્રો કદી ચૂંટણીનો અજેન્ડા બની શકવાના નથી. પરિણામે એ દરિદ્રો માટે સપરમો દિવસ ક્યારેય આવવાનો નથી. કેરીના ગોટલાનો તેમજ વાંસના ટુકડાનો ઉકાળો, વનસ્પતિનાં મૂળિયાં અને ચૂનાના પથ્થરો તેમના મેનુકાર્ડમાં વર્ષોથી છે અને હજી કેટલાં વર્ષ સુધી યથાવત રહેશે તે કોણ જાણે!

આપણે ત્યાં અદાલતો પછી મહત્તમ જૂઠ્ઠાણાં રાજકીય પક્ષોના મેનિફેસ્ટોમાં ચલાવાય છે, પરંતુ ભલું થાય મતદારોનું કે જેઓ આવા ફાલતુ દસ્તાવેજોને કદી વાંચતા નથી. પરિણામે ગરીબોને રૂપિયેબે રૂપિયે કિલોના ભાવે ચોખા આપવાનો વાયદો કરતી પોલિટિકલ પાર્ટી તેનો એ વાયદો પૂરો કરે છે કેમ એ જોવાજાણવાની દરકાર સરેરાશ ભારતીય ક્યાં કરવાનો છે? અલબત્ત, હોતા હૈ, ચલતા હૈ--દેશનું ગાડું આમ જ ગબડતું આવ્યું છે.

Comments

  1. Really a nice one....
    An Eye opening post...

    This time all the people should go n Vote.. Atleast SAFARI readers must go 4 VOTE...

    Hope we can change this reality...

    Otherwise where is Dr. Kalam's INDIA 2020?
    just India watching all 'faltu' 20-20 matches??

    Is this Dr. Kalam's Dream??

    It is more important to fulfil basic needs of our citizens than Mission Moon with man...

    ReplyDelete
  2. Bhai, After a looooog time..I have started to read your right-up through this way. Let me satisfy myself meanwhile I get all previous volumes of Safari.

    ReplyDelete
  3. આપણે ત્યાં અદાલતો પછી મહત્તમ જૂઠ્ઠાણાં રાજકીય પક્ષોના મેનિફેસ્ટોમાં ચલાવાય છે, પરંતુ ભલું થાય મતદારોનું કે જેઓ આવા ફાલતુ દસ્તાવેજોને કદી વાંચતા નથી.

    તદદન સાચું...

    ReplyDelete
  4. સાહેબ શ્રી
    નમસ્કર તમારા પ્રયત્નો જોરદાર છે પરંતુ ભારતિય પોલિતિક્સ વિશે કહેવુ મુશ્કેલ છે દો. વિજય પિથદિઆ

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન