સંપાદકનો પત્ર

'સફારી'--મે, ૨૦૦૯

રૂપિયા દસ હજાર કરોડની મોંઘીદાટ ચૂંટણી, જે લોકશાહીના નામે સસ્તી મજાક છે!

ભારતીય લોકતંત્રને મજબૂત અને સુદ્રઢ બનાવવાના આશયે દેશના એક જવાબદાર નાગરિક તરીકે વૉટિંગ કરવામાં કર્તવ્ય નિભાવ્યાનો સંતોષ માની રહ્યા હો તો આગામી ફકરાથી શરૂ થતી ચર્ચા અચૂક વાંચો. ચર્ચામાં માયૂસીનો સૂર અનુભવો એ બનવાજોગ છે. પરંતુ ખરૂં પૂછો તો એ માયૂસી દેશના ૭૧ કરોડ મતદારોની ટ્રૅજડિ છે.

લોકશાહીની તવારીખમાં સૌથી મોંઘી ચૂંટણીનો રેકૉર્ડ ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીએ સ્થાપ્યો છે, પરંતુ ખર્ચનો જંગી આંકડો જાણતા પહેલાં કેટલાક સુપરલેટિવ આંકડા વાંચો. આ વખતે લોકસભાની ચૂંટણી દેશભરનાં કુલ ૮,૦૦,૦૦૦ મતદાન મથકો પર યોજવામાં આવી. બધાં પોલિંગ બૂથ પર ‘કાયદો અને વ્યવસ્થા’ જળવાય એ માટે લગભગ ૨૧,૦૦,૦૦૦ સુરક્ષા કર્મચારીઓને તૈનાત રાખવામાં આવ્યા. મતદાન પહેલાંનાં, મતદાન વખતનાં અને મતદાન પછીનાં ચૂંટણીલક્ષી કાર્યો માટે કુલ ૪૦,૦૦,૦૦૦ સરકારી કર્મચારીઓનો સ્ટાફ કામે લગાડવામાં આવ્યો. લોકસભાની ચૂંટણી પાછળ કરવામાં આવેલો કુલ ખર્ચ--અંદાજે ૧૦,૦૦૦ કરોડ! દેશના પ્રત્યેક મતદારે મતદાનનો વિશિષ્ટાધિકાર ભોગવવા માટે રૂ.૧૪૦નો ખર્ચ ભોગવવાનો થયો. કરદાતા મતદારોએ તેમના માટે ચાલતા કલ્યાણકાર્યોમાં એટલો કાપ મૂકી ચૂંટણીખર્ચનું બિલ આડકતરી રીતે ચૂકવવાનું થયું.

બદલામાં મતદારોને શું મળવાનું છે ? અગાઉની લોકસભા ચૂંટણીના રિઝલ્ટનું વન્સ મૉર થાય એ શક્ય છે. મતલબ કે વધુ એક ત્રિશંકુ લોકસભા મળે તેમ છે, કેમ કે સ્પષ્ટ બહુમતીથી એકેય રાજકીય પક્ષ ચૂંટાઇ આવે તેમ લાગતું નથી. કેન્દ્રમાં નવી સરકારનું ગઠન મતદારોના વોટ્સથી નહિ, પણ ચૂંટણીના રિઝલ્ટ જાહેર થયા બાદ સાંસદોની સોદાબાજીમાં જે તે રાજકીય પક્ષે લડાવેલી નોટ્સથી થવાનું છે, એટલે સરવાળે તો મતદારોનું કાંત્યું પીંજ્યું રૂનું રૂ થવાનું છે. લોકશાહીનો તે શરમજનક કટાક્ષ છે. દસ હજાર કરોડનું આંધણ મૂક્યા પછી પણ દિલ્હીમાં સ્પષ્ટ બહુમતીવાળી સરકાર રચાઇ શકતી ન હોય અને ચીભડાંની ભારી જેવી મિશ્રસરકાર પ્રજાના માથે ઠોકી બેસાડાતી હોય તો મતદારોના વોટનું મહત્ત્વ ક્યાં રહ્યું? મતદારોને અપાતી ઉમેદવારની પસંદગીનુંય મહત્ત્વ ક્યાં રહ્યું? ખેદની વાત છે કે આવા કઢંગા, વિકૃત્ત અને હાસ્યાસ્પદ માહોલને આપણે ત્યાં મિશ્ર સરકારના નવા યુગના ઉદય તરીકે ઓળખાવાય છે.

લોકશાહીની આટલી હદે દુર્દશા થવાનું કારણ શું ? મૂળભૂત કારણ તો એ જ કે દેશનો દરેક રાજકીય પક્ષ તેની ઓળખાણનાં કે અસલિયતનાં મૂળિયાં ચાવી ગયો છે. કોઇ પક્ષનું આજે તેનું આગવું કહી શકાય તેવું સ્વતંત્ર અસ્તિત્વ નથી. પરિણામે ચૂંટણીઓ પણ રાજકીય પક્ષો વચ્ચે ખેલાતી નથી. વિશિષ્ટ અથવા ચોક્કસ પિછાણના રાજકીય પક્ષને બદલે કોકટેઇલ જેવા વિવિધ ગઠબંધનો અને તડજોડિયા મોરચાઓ ચૂંટણી લડે છે, જેમનો ચહેરો પણ પામી શકાતો નથી. આ સ્થિતિ ૧૯૬૦-૭૦ ના અરસામાં ન હતી. ગણીને માંડ અડધો ડઝન પક્ષો હતા. દરેકને પોતપોતાની ચોક્કસ વિચારસરણી હતી, માટે સ્વતંત્ર પિછાણ હતી. સૌ પોતપોતાની રાજકીય તેમજ આર્થિક વિચારધારામાં સ્પષ્ટ અને મક્કમ હતા, એટલે મતદારો તેમને સરળતાપૂર્વક ઓળખ્યા બાદ જે તે પક્ષને મત આપી શકતા હતા. આજે દેશમાં છ નહિ, પણ ૧,૦૦૦થી પણ વધુ રાજકીય પક્ષો છે. અપક્ષ ઉમેદવારોનો રાફડો એટલી હદે ફાટ્યો છે કે ચૂંટણી પંચ પાસે ઉમેદવારને ફાળવવા માટેનાં સિમ્બોલ ખૂટી પડ્યાં છે. તામિલ નાડુમાં બનેલો એક કિસ્સો જુઓ. છાપેલાં કાંટલાનાં બધાં ચૂંટણીચિહ્નો એનાયત કરી દેવાયાં બાદ ચૂંટણી પંચે એક ઉમેદવારને કાંસકાનો સિમ્બોલ ફાળવવાનો વારો આવ્યો. એ પછી બીજા ઉમેદવારે સિમ્બોલની માગણી કરી ત્યારે તેને બે કાંસકાનો સિમ્બોલ અપાયો. માનો યા ન માનો, પણ ત્રીજો ઉમેદવાર પણ ફૂટી નીકળ્યો ત્યારે ચૂંટણી પંચે તેને ત્રણ કાંસકાનો સિમ્બોલ ફાળવ્યો. આ બિલિવ ઇટ ઑર નૉટ જેવો કિસ્સો ચોક્કસ વિચારસરણી ધરાવતા પક્ષના દુષ્કાળનું ઉદાહરણ છે. પક્ષોની જ સંખ્યા હજાર કરતાં વધારે હોય ત્યાં મતદારોએ વિચારસરણીના રંગોને અલગ કેમ તારવવાં?

ભારતીય લોકશાહી આર્થિક, સામાજિક અને રાજકીય વિચારધારાને માપદંડ તરીકે પાછળ ક્યાંક પડતી મૂકીને હવે વ્યક્તિગત ડ્રામાબાજીના તબક્કામાં પ્રવેશી છે. ખોખલા રાજકીય આગેવાનો તેમના રોજેરોજના સમાચારનો અજૅન્ડા નક્કી કરે છે અને પ્રચાર માધ્યમો તેમની ટ્યૂન પર નાચે છે. સોનિયા ગાંધીએ જાહેરસભામાં આજે શું કહ્યું?, અડવાણી મહમદ અલી ઝીણા માટે વખાણના શબ્દો કેમ બોલ્યા?, રાહુલ ગાંધી યુવાનોમાં કેવી રીતે છવાઇ ગયા છે?, પ્રિયંકા ગાંધી બીજી પ્રિયદર્શિની બનશે કે કેમ?, ફિલ્મ સ્ટાર ચિરંજીવની પહેલી જ જાહેરસભામાં કેટલા લાખની મેદની એકઠી થઇ?, વરુણ ગાંધીએ ઉશ્કેરણીજનક ભાષણમાં શું કહ્યું? વગેરે ક્ષુલ્લક બાબતોને લગતા સમાચારો દરરોજ દેશનાં હજારો અખબારોમાં તેમજ સેંકડો ટેલિવિઝન ચેનલોમાં ચમક્યા કરે છે.

આનાં કરતાં વધુ ગંભીર પ્રશ્નો શું દેશ સામે છે જ નહિ? ભારતમાં વારતહેવારે આતંકવાદી હુમલાઓ થાય, દેશમાં શિક્ષિત બેકારોની સંખ્યા વધતી રહે, ઓરિસ્સાના કાલાહાંડી પ્રદેશમાં આજે પણ લોકો વનસ્પતિનાં મૂળિયાં આરોગીને પેટનો ખાડો પૂરતા હોય, રોજના હજારો બાંગલા દેશીઓ ભારતમાં ગેરકાયદે ઘૂસી આવતા હોય, રૂ. ૨પ,૦૦૦ કરોડના બજેટ હેઠળ હાથ ધરાયેલા ઇન્ટિગ્રેટેડ મિસાઇલ પ્રોગ્રામને સરકાર એકાએક પડતો મૂકી દે અને દેશના આર્થિક વિકાસને રૂંધતા મહત્ત્વના પ્રશ્નો રાષ્ટ્રવ્યાપી ચર્ચા માગી લેતા હોય ત્યારે રાજકીય આગેવાનો (તથા પ્રચાર માધ્યમો પણ) મતદારોમાં વૈચારિક જાગૃતિ આણવાને બદલે તેમનું ધ્યાન છીછરી બાબતો તરફ દોરે એ કેમ ચાલે? ૨૦૦૯ની લોકસભા ચૂંટણી કોઇ પણ જાતના ચોક્કસ મુદ્દા વિના લડાઇ રહી છે. વીજળી, પાણી અને રોડરસ્તા વગેરે ચીલાચાલુ મુદ્દાને બાકાત રાખો તો ચૂંટણી લડવાનો કોઇ પાવરફુલ અજૅન્ડા એકેય રાજકીય પક્ષ આપી શક્યો નથી. ચૂંટાયા પછી દેશનો વહીવટ શી રીતે ચલાવવામાં આવશે તેની આછીપાતળી રૂપરેખા સુદ્ધાં જો તેઓ નક્કી કરી શકતા નથી તો પ્રજાએ તેમની પાસે શી અપેક્ષા રાખવી?

છેલ્લે ભારતની લોકશાહીને (તેમજ મતદારોના વોટને) કોડીના મૂલ્યનો સાબિત કરતો એક દાખલો--પાંચ વર્ષ પહેલાં ૨૦૦૪માં લોકસભાના પ૪૩ સાંસદો માટે ચૂંટણી યોજાઇ હતી. વિવિધ રાજકીય પક્ષોના પ૪૩ ઉમેદવારો પૈકી ૧૨૦ મહાનુભાવો એવા હતા કે જેમના નામે પુલિસ કેસ દર્જ થયેલો હતો. કાનૂની રીતે તેઓ અપરાધી હતા. આમાં વળી ૬ ‘આગેવાનો’ તો એવા કે જેઓ જેલમાં સજા ભોગવી રહ્યા હતા. ચૂંટણીમાં પોતાનો વિજય થયાના સમાચાર તેમને જેલમાં મળ્યા ! વધુ એક દાખલો ૧૯૯૬ની લોકસભા ચૂંટણીનો છે. દેશભરમાંથી કુલ ૧૩,૯પ૨ ઉમેદવારો ચૂંટણીમાં ઊભા રહ્યા હતા, જે પૈકી ૧,પ૦૦ ઉમેદવારો ક્રિમિનલ રેકૉર્ડ ધરાવતા હતા. કુલ ૪,૭૨૨ વિધાનસભ્યોમાંથી ૭૦૦ જણા સામે એક યા બીજા ગુના બદલ કાનૂની ખટલો ચાલી રહ્યો હતો. ચૂંટણી દરમ્યાન ચૂંટણી પંચના સુરક્ષા કર્મચારીઓએ કોમ્બિંગ ઑપરેશનમાં વિવિધ સ્થળોએથી બધું મળી ૨,૦૦૦ બંદૂકો, ૧૧,૦૦૦ ગોળીઓ, ૧૭પ જેટલા સ્ફોટક પદાર્થો તથા પ૭,૦૦૦ જેટલા બોમ્બ અંકે કર્યા.

આખી વાતનો ટૂંકસાર એ છે કે કેન્દ્રમાં સરકાર કોની રચાશે તે ભારતનો સરેરાશ મતદાતા પોતાના વોટથી નક્કી કરી શકતો નથી. ભારતનું રાજકારણ વોટથી નહિ, પણ નોટથી ચાલે છે અને તેમાં કાયદો-વ્યવસ્થાની ડગલે ને પગલે ઐસીતૈસી થતી રહે છે, માટીપગા નેતાઓ પ્રજાના માથે રાજ કરે છે અને દેશ સામે ઊભેલા ગંભીર પ્રશ્નો વણઉકેલ રહી જવા પામે છે. પ્રજાએ લોકતંત્રને મજબૂત અને સુદ્રઢ બનાવવાના આશયે કરેલું વોટિંગ સરવાળે નિરર્થક ઠરે છે. આને પ્રજાની ટ્રૅજડિ નહિ કહો તો બીજું શું કહેશો?

Comments

  1. ખરેખર,સમસ્યા સાચિ અને કરુણ છે..
    પરંતુ આ સમસ્યા નો હલ શું હોઇ શકે..!?
    ફરી-ફરી ઉદભવતો સવાલ એ જ કે એક common માણસ શુ કરી શકે..!?

    ReplyDelete
  2. સમસ્યા બહુ જટીલ છે. અને એના માટે દરેક નાગરીકે જાગૃત
    થવું જોઈએ. દરેક મતદાતા એ મત આપવો જોઇએ.

    -અશ્વિન પઢિયાર

    ReplyDelete
  3. chutni lok shahi mate yojay chhe ane biji baju lok shahi ni j katal thay chhe.koi pan pax ne lok shahi nu man nathi k tena koi adhikarione temni farajnu mahtv j nathi.praja to chadiya ni jem bani gayi chhe.koi pax be char sara kam kari ne prajane bolvi de chhe pan be char khota kam kare te koi jotu j nathi. a mate ek j upay chhe praja jagrut bane ane koi neta ni jarur chhe j kharekhar desh ma shachi samanta ane binsampradayikata lave.

    ReplyDelete
  4. I think that the whole election process needs to be scrapped and rebuilt from scratch. I know it requires to change the Constitution of India, so be it. I know it is easy to say and hard to do but do we have any other option? Depends on how tolerant we are to let such things happen again and again?

    ReplyDelete
  5. We Indians boast of our culture and civilization and on the other hand we have an entire army of saffron and white clothed fellowmen ( sadhus & netas) who are ready to suck the last drop of blood form the common man. Every nook and corner we will find corruption, bureaucracy, poverty and much more. We lack self-discipline at all, we are happy discussing about the situation and commenting on the situation. Many of us try to get in to the system to change it but end in changing themselves or loosing their life bcoz system here is stronger than the citizen. Govt. is " of the money, by the money & for the money." I strongly believe that we need a dictator badly. Mr. Harshal please reply with yr view points.

    ReplyDelete
  6. Harshalbhai,

    Aje j safari ma tamara blogspot nu address vanchyu. Hu haji vichar j karto hato ke safari na lekh net par vanchva male to kevu saaru. Aapno blog chalu karva badal khub khub abhaar..

    Today, I am 43. I have been reading safari since its very first issue. Great to find you and safari here..

    ReplyDelete
  7. સાહેબ શ્રી
    નમસ્કર હુ સફારિ નો જુનો વાચક છુ આપ્નિ લોકશાહીની આટલી હદે દુર્દશા થવાનું કારણ શું ? મૂળભૂત કારણ તો એ જ કે દેશનો દરેક રાજકીય પક્ષ તેની ઓળખાણનાં કે અસલિયતનાં મૂળિયાં ચાવી ગયો છે. કોઇ પક્ષનું આજે તેનું આગવું કહી શકાય તેવું સ્વતંત્ર અસ્તિત્વ નથી. વાત સાથે સમંત છુ
    દો. વિજય પિથદિઆ

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya