લંડનઃ ‘સફારી’ની સ્ટડી-ટૂરનું સફરનામું (ભાગ-૧)

‘સફારી’ના અંકો તૈયાર કરવાના તકાદાને કારણે તેમજ અન્ય રોજિંદા કામકાજના સખત દબાણને કારણે અમદાવાદની બહાર નીકળવાનું ભાગ્યે જ થાય, એટલે દિવાળીમાં કાયદેસર પંદર દિવસનું વેકેશન માણવાની પ્રથા અમે રાખી છે. દર વર્ષે ભારતનું એકાદ પસંદ કરી સેલ્ફ ડ્રાઇવ કરીને પંદર દિવસમાં લગભગ આખું રાજ્ય ખૂંદી વળવાની સ્ટડી ટુર હેઠળ અત્યાર સુધી મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મેઘાલય, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, પૂર્વીય ઉત્તર પ્રદેશ વગેરે જેવા રાજ્યોનો પ્રવાસ ખેડ્યો છે. પ્રવાસ સ્વાભાવિક રીતે સ્ટડી ટુર જેવો હોય, જેમાં જે તે રાજ્યના દૂરદરાજના પ્રદેશોમાં જઇ ત્યાંની ખૂબીઓ, પ્રાકૃતિક (તેમજ માનવસર્જિત) અજાયબીઓ, મ્યુઝિયમો તેમજ અન્ય રસપ્રદ પાસાંઓ જોવાજાણવાનો તકાદો મોખરે હોય. આરામ અને ખાણી-પીણીને હંમેશાં મિનિમિમ પ્રયોરિટી અપાતી હોય છે.

આ રીતે પ્રવાસ કરવાથી મગજની વિચાર ક્ષિતિજો ખીલે છે, જે તે દેશપ્રદેશ વિશે જ્ઞાનમાં વધારો થાય છે અને સૌથી મોટો લાભ એ કે ‘સફારી’ની ડેટાબેન્ક તેમજ ફોટોબેન્ક ક્રમશઃ સમૃદ્ધ બનતી જાય છે. (આ લખનારે વિવિધ પ્રવાસો દરમ્યાન અત્યાર સુધી પાડેલા અંદાજે ૮,૦૦૦ ફોટોગ્રાફ્સ ‘સફારી’ની ફોટોબેન્કમાં છે).

આ વખતે દિવાળીની રજાઓ દરમ્યાન બ્રિટન અને ફ્રાન્સનો યાદગાર પ્રવાસ ખેડ્યો. હંમેશની આદત મુજબ પ્રવાસનું આયોજન જાતે જ કર્યું અને પૂર્વતૈયારીઓ છેક માર્ચ, ૨૦૦૯થી આરંભી. જે સ્થળે જવાનું હોય ત્યાંનો પાકો અભ્યાસ કરવાની મારી જૂની અને સ્વભાવગત આદત છે, એટલે સૌ પહેલાં બેય દેશો વિશેનાં વિવિધ પુસ્તકો વાંચ્યાં જેથી તે દેશ વિશે પૂરતા માહિતગાર બની શકાય અને ત્યાં ગયા પછી એકાએક ચંદ્ર પર કે મંગળ પર આવી પહોંચ્યાની અનુભૂતિ ન થાય.

બ્રિટન-ફ્રાન્સનો પ્રવાસ કુલ મળીને ૧૪ દિવસનો હતો, જે પૈકી આઠ દિવસ બ્રિટન ખાતે ફાળવ્યા હતા. બ્રિટન વિશે અગાઉ ઘણું બધું વાંચ્યું-જાણ્યું હતું, એટલે એ દેશ જોવાની વર્ષોથી અદમ્ય ઇચ્છા હતી. ખાસ તો લંડનનાં વિવિધ મ્યુઝિયમોની મુલાકત લેવાની તેમજ ઇ.સ. ૧૬૬૬માં એ શહેર આગમાં ભસ્મીભૂત થઇ ગયા બાદ ક્રિસ્ટોફર રેન નામના અંગ્રેજે નવેસરથી બાંધેલા લંડનના વિક્ટોરિયન બાંધણીનાં મકાનો જોવાની ભારે તાલાવેલી હતી. આ મકાનો નિકટથી જોઇ શકાય તેમજ થેમ્સ નદીનો રિવર ફ્રન્ટ એરિયા માણી શકાય એ ખાતર લંડનમાં ટાવર બ્રિજ પાસે હોટલ બૂક કરી હતી. શહેરનાં ઘણાંખરાં મ્યુઝિયમો તથા જાણીતા સ્થાપત્યો હોટલની આસપાસના વિસ્તારોમાં હતા.

ભારતમાં તેમજ વિદેશમાં અત્યાર સુધી જે પ્રવાસ ખેડ્યો તેનો અવિસ્મરણીય ટ્રાવેલોગ મગજમાં સંઘરાયેલો પડ્યો છે. ક્યારેય તેને લખવાનો અને જાહેરમાં માહિતી શેર કરવાનો વારો આવ્યો નથી. આ વખતે યુરોપનો પ્રવાસ કર્યા પછી લાગ્યું કે બ્લોગના માધ્યમ દ્વારા એ કામ કરવા જેવું છે, જેથી પ્રવાસશોખીન સમરસિયાઓને કદાચ મારો ટ્રાવેલોગ કામમાં લાગે. બ્રિટનમાં આઠ દિવસના તેમજ ફ્રાન્સમાં છ દિવસના રોકાણ દરમ્યાન ઘણું બધું જોવા-જાણવા મળ્યું. બેઉ દેશોનું પ્રવાસવર્ણન બ્લોગ પર ટુકડે-ટુકડે પર મૂકું છું. એવી આશા સાથે કે ભવિષ્યમાં એ દેશોની મુલાકાત લેનાર વાચકને કદાચ અહીં લખેલી માહિતી ઉપયોગી લાગે. બાકી તો એક વાંચનસામગ્રી તરીકે પણ પ્રસ્તુત માહિતી જ્ઞાનવર્ધક નીવડે એમ છે.

તારીખવાર (તેમજ ટુકડે ટુકડે) થનારા પ્રવાસવર્ણનમાં પહેલો વારો બ્રિટનનો.


લંડન
ઓક્ટોબર ૧૨, ૨૦૦૯

ટાવર ઓફ લંડન


લંડન પહોંચ્યા બાદ પ્રવાસનો આરંભ ટાવર ઓફ લંડનથી કર્યો. ઇ.સ. ૧૦૮૦માં ઈંગ્લેન્ડના વિલિયમ ધ કોન્કરર નામના શાસકે થેમ્સના કાંઠે વ્હાઇટ ટાવર નામના પહેલવહેલા કિલ્લાનું બાંધકામ શરૂ કરાવ્યું એ પછી વખત જતાં જુદા જુદા શાસકોએ તે કિલ્લાની આસપાસ નવાં બાંધકામો કરાવ્યાં છે. વ્હાઇટ ટાવર ૨૭ મીટર ઊંચો છે અને તેની દીવાલો ૪.૫ મીટર જાડી છે. આ ટાવરના બાંધકામ માટે વપરાયેલા પથ્થર ફ્રાન્સના Caen (ઉચ્ચાર કોં) નગરેથી ખાસ મંગાવવામાં આવ્યા હતા. આજે ટાવર ઓફ લંડનમાં લગભગ અઢારેક ટાવર છે, જેમને સોલ્ટ ટાવર, બ્રોડ એરો ટાવર, કોન્સ્ટેબલ ટાવર, બ્રિક ટાવર, ફ્લિન્ટ ટાવર, બેલ ટાવર, ક્રેડલ ટાવર વગેરે જેવા નામોએ ઓળખવામાં આવે છે. પ્રાચીન ઈંગ્લેન્ડના રાજાઓની કલાકૃતિઓથી માંડીને શસ્ત્રો સુધીની વિવિધ આઇટમો જુદા જુદા ટાવરમાં પ્રદર્શિત કરાઇ છે. ઘણાખરા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર જો કે જેવેલ હાઉસ કહેવાતું ભવ્ય મકાન છે, જ્યાં ભારતના કોહિનૂર હીરા સહિત બીજા શાહી રત્નો, આભૂષણો તેમજ બ્રિટિશ તાજ ડિસ્પ્લે કરાયા છે. ભારતના મહારાજા દુલિપસિંહ પાસેથી કુનેહપૂર્વક પડાવી લેવામાં આવેલા કોહિનૂર હીરાના શોકેસ પાસે અંગ્રેજોએ ઠાવકી ભાષામાં એવા મતલબનું બોર્ડ માર્યું છે કે કોહિનૂર હીરો દુલિપસિંહ રાણી વિક્ટોરિયાને ભેટ ધરી દીધો હતો.

ટાવર ઓફ લંડન તેના લોહિયાળ ઇતિહાસ તેમજ ભૂતકાળમાં ત્યાં ચાલતી ભેદી, રહસ્યમય પ્રવૃત્તિઓ બદલ જાણીતો છે. આ ટાવરમાં મુખ્ય કરીને સજા પામેલા કેદીઓને, યુદ્ધમાં પકડાયેલા પારકા દેશપ્રદેશના સૈનિકોને તેમજ સાજિશકારોને બંદીવાન રાખી તેમના પર બેરહેમીપૂર્વક અત્યાચારો કરાતા હતા. ફ્રાન્સનો રાજા જ્હોન બીજો, સ્કોટલેન્ડનો રાજા ડેવિડ બીજો, ઈંગ્લેન્ડનો રાજા હેન્રી છઠ્ઠો, ઈંગ્લેન્ડની એલિઝબેથ-૧ (જે વખત જતાં ત્યાંની રાણી બની હતી), અંગ્રેજ ઉમરાવ-કમ-કવિ સર વોલ્ટર રેલે, ગનપાવર પ્લોટનો મુખ્ય આરોપી ગાય ફોક્સ તથા હિટલરનો મંત્રી રૂડોલ્ફ હેસ જેવા વી.આઇ.પી. ‘ગુનેગારો’ ટાવર ઓફ લંડનમાં કેદી તરીકે રહી ચૂક્યા છે. રાજા સામે ષડયંત્ર રચનાર રીઢા ગુનેગારોને બ્લડી ટાવરમાં દિવસો સુધી શારીરિક યાતનાઓ આપીને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેનો મૃતદેહ આખરે ટ્રેઇટર્સ ગેઇટ કહેવાતા ખાસ દરવાજા મારફત થેમ્સમાં નાખી દેવાતો હતો.

ટાવર ઓફ લંડનમાં વર્ષો સુધી ખૂનામરકીની જે પ્રવૃત્તિઓ ચાલી તેણે વખત જતાં કેટલીક વાયકાઓને તેમજ અંધશ્રદ્ધાઓને જન્મ આપ્યો. દા.ત. બ્લડી ટાવરના ભોંયરામાં આજની તારીખેય મોડી રાતના સન્નાટા વચ્ચે વિવિધ જાતના અવાજો સંભળાતા હોવાનું કહેવાય છે. આ ટાવરમાં શિરચ્છેદ વડે જેની કત્લ કરવામાં આવેલી તે એની બોલિન નામની રાણીની તેમજ હેન્રી છઠ્ઠાની છાયાકૃત્તિ વારેતહેવારે દેખાતી હોવાની ચિત્રવિચિત્ર કથાઓ પણ અહીં વ્યાપક છે. આ પ્રકારની કથિત છાયાકૃતિ જોઇને ટાવર ઓફ લંડનનો એક ચોકિયાત જાન્યુઆરી ૧૮૧૬માં આઘાતથી માર્યો ગયો હોવાની તવારીખી નોંધ છે.

આજે ટાવર ઓફ લંડનમાં શાહી કુટુમ્બની કોઇ વ્યક્તિ રહેતી નથી. કિલ્લો યમોન વોર્ડર્સ અગર તો બીફઇટર્સ કહેવાતા યુનિફોર્મસજ્જ કુલ ૩૫ ચોકિયાતોની દેખરેખ હેઠળ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ટુરિસ્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ચારસો વર્ષ થયે યમોન વોર્ડર્સ ચોકિયાતો દરરોજ રાત્રે ટાવર ઓફ લંડનના દરવાજા બંધ કરી તેની ચાવીઓ મુખ્ય વોર્ડરને સુપરત કરે છે. આ ઔપચારિક વિધિ સેરીમની ઓફ ધ કી તરીકે ઓળખાય છે. પર્યટકો તે વિધિ નજરે જોઇ શકે છે, પણ તે માટેની (ફ્રી) ટિકિટ બેથી ત્રણ મહિના પહેલાં લેવી પડે છે. લંડન પ્રવાસે જવાના ત્રણ મહિના પહેલાં અમે ઓક્ટોબર, ૧૨ ના રોજ રાત્રે સાડા નવ વાગ્યે થનારી સેરીમની ઓફ ધ કી માટેની ટિકિટો મંગાવી લીધી હતી. આ વિધિ જોવાનું જો કે અમે ચૂકી ગયા. દિવસ આખો લંડનની સ્ટ્રીટ્સમાં ટાંટિયાતોડ કરીને થાક્યા બાદ રાત્રિના સાડા નવ સુધી જાગવાનું જોર અમારામાં બચ્યું ન હતું.


ટાવર ઓફ લંડનમાં પાંત્રીસ યમોન વોર્ડર્સ ઉપરાંત રેવન કહેવાતા કુલ સાત કાગડાઓનો પણ કાયમી વસવાટ છે. દરેક કાગડાનું સત્તાવાર નામકરણ કરાયું છે અને દરેકની પૂરતી કાળજી અહીં લેવાય છે. આનું વળી બીજું એક ભેદી કારણ છે. વર્ષો પહેલાં ટાવર ઓફ લંડનમાં રેવનની ચહલપહલ રહેતી ત્યારે કિલ્લામાં રોયલ વેધશાળાના ખગોળશાસ્ત્રી જ્હોન ફલેમસ્ટીડને આકાશદર્શનમાં ખલેલ પડતી હતી. રાજા ચાર્લ્સ બીજાને તેણે ફરિયાદ કરી, એટલે રાજાએ ટાવર ઓફ લંડનમાંથી બધા કાગડા તગેડી મૂકવાનો નિર્ણય લીધો. એક સલાહકારે જો કે રાજાને એ પગલું ભરતા અટકાવ્યો અને જણાવ્યું કે ટાવર ઓફ લંડનમાં જ્યાં સુધી રેવનનો વાસ છે ત્યાં સુધી જ ચાર્લ્સ ગાદી પર ટકી રહેશે. કાગડાની ગેરહાજરી બાદ સામ્રાજ્યની પડતી દશા થયા વિના ન રહે એ વાત સલાહકારે ચાર્લ્સ બીજા સમક્ષ બહુ ગંભીરતાથી મૂકી. ગભરાયેલા ચાર્લ્સે છેવટે પોતાનો નિર્ણય બદલ્યો. રેવનને નહિ, પણ જ્હોન ફ્લેમસ્ટીડને લંડનની ભાગોળે મોકલી આપ્યો અને ત્યાં તેને માટે નવી વેધશાળા સ્થાપી. આ વેધશાળાનું વખત જતાં જાણીતું બનેલું નામ એટલે ગ્રીનવીચ ઓબ્ઝર્વેટરી, જ્યાંથી આંતરરાષ્ટ્રીય દિનાંકરેખા પસાર થાય છે.


ટાવર બ્રિજ


ટાવર ઓફ લંડનમાં લગભગ ચારેક કલાક વીતાવ્યા બાદ અમે ટાવર બ્રિજની મુલાકાત લીધી. જૂન, ૧૮૯૪માં બનેલા એ સસ્પેન્શન પુલનો ગોટળો અનેક લોકો લંડન બ્રિજ જોડે કરતા હોય છે. વાસ્તવમાં બેય બ્રિજ જુદા છે. થેમ્સમાંથી મોટા કદનું જહાજ પસાર થવાનું હોય ત્યારે ટાવર બ્રિજનો મધ્ય હિસ્સો બે ભાગે ખૂલીને અદ્ધર ચડે છે. (બ્રિજના બેય ફાંટાને ઊંચા કરતી મિકેનિઝમ ૧૯૭૪ સુધી સ્ટીમ પાવર્ડ હતી, આજે હાઇડ્રોલિક છે. બ્રિજ કયા ટાઇમે ખૂલે તેનું ટાઇમટેબલ ટાવર બ્રિજની ઓફિશિયલ વેબસાઇટમાં રોજેરોજ અપડેટ કરાવામાં આવે છે.) સદ્ભાગ્યે બ્રિજને ખૂલતો જોવાનો મોકો અમને સાંપડ્યો. ટાવર બ્રિજના મુખ્ય રસ્તાની ઉપર પદયાત્રીઓ માટે વોક-વે બનાવેલો છે, જે આજે વપરાતો નથી. ટાવર બ્રિજનું પ્રદર્શન જોવા માગતા લોકો એ વોક-વે પર ચાલતા જઇ શકે છે. લગભગ ૭૦,૦૦૦ ટન કોન્ક્રિટ અને ૧૦,૦૦૦ ટન સ્ટીલ વડે બનેલા ટાવર બ્રિજમાં મોડર્ન-કમ-વિક્ટોરિયન બાંધણીનું મસ્ત કોમ્બિનેશન જોવા મળે છે.


એચ.એમ.એસ. બેલ્ફાસ્ટ

ટાવર બ્રિજ પાર કર્યા પછી લંડન બ્રિજ તરફ જવાનો રિવર ફ્રન્ટનો એરિયા તેમજ ત્યાંનાં મોડર્ન મકાનો જોવાલાયક છે. (લંડનમાં પગપાળા પ્રવાસ કરવાની મજા જ નિરાળી છે). ખાસ કરીને સીટી સેન્ટર કહેવાતું મકાન તેમજ તેની આસપાસનો વિસ્તાર સરસ છે. અહીં થેમ્સમાં લાંગરેલા બ્રિટિશ યુદ્ધજહાજ એચ.એમ.એસ. બેલ્ફાસ્ટની મુલાકાત અચૂક લેવા જેવી છે. વિશ્વયુદ્ધ-2 ના કેટલાંય દરિયાઇ યુદ્ધોમાં લડેલા એ જહાજના એન્જિનરૂમથી માંડીને કેપ્ટનની કેબિન સુધીના લગભગ દરેક વિભાગોમાં પગપાળા જઇ શકાય છે. ટિકિટ ખરીદ કર્યા પછી આપવામાં આવતા મોબાઇલ ફોનની સાઇઝના ઓડિઓ ગાઇડ વડે જહાજના ઇતિહાસથી માંડીને તેના વિવિધ વિભાગોનો સરસ પરિચય મળી રહે છે.


ધ મોન્યુમેન્ટ ઓફ ગ્રેટ ફાયર ઓફ લંડન


દેખાવે તદ્દન સિમ્પલ પ્રકારના લંડન બ્રિજને પાર કર્યા પછી કિંગ વિલિયમ સ્ટ્રીટ પર આગળ વધો તો ફિશ સ્ટ્રીટ હિલ પર ધ મોન્યુમેન્ટ કહેવાતો ઊંચો મિનારો જોવા મળે છે. ૧૬૬૬માં લાગેલી ભીષણ આગમાં ઘણુંખરૂં લંડન ભસ્મીભૂત થયું તેની યાદગીરીરૂપે ૬૧ મીટર ઊંચો ટાવર બનાવવામાં આવ્યો છે, જેની ટોચે ચઢવા માટે (અને ઊતરવા માટે પણ!) ૩૧૧ પગથિયાં સર્પાકાર નિસરણીની પેટર્નમાં બનાવાયા છે. પગથિયાં ચઢવાનું કામ જરા થકવનારૂં છે, પણ ઉપર પહોંચ્યા બાદ જોવા મળતો લંડનનો પેનેરોમિક વ્યૂ બધો થાક ભૂલાવી દે ! પગથિયા ઊતરીને નીચે આવનાર દરેક મુલાકાતીને તેના ‘સાહસ’ના પ્રતીકરૂપે એક સર્ટિફિકેટ આપવામાં આવે છે, જે યાદગીરી તરીકે સાચવી રાખવા જેવું છે.

આખા દિવસ દરમ્યાન અંદાજે બારથી તેર કિલોમીટર પગપાળા પ્રવાસ કરીને તેમજ ત્રણસો પ્લસ પગથિયા ચઢવા-ઊતરવાના ‘સાહસ’ બદલ સર્ટિફિકેટ મેળવીને મોડી સાંજે વાયા ગ્રેસચર્ચ સ્ટ્રીટ અમે હોટલ તરફ પ્રયાણ કર્યું--નેચરલી, પગપાળા ચાલીને!

(ક્રમશઃ)

Comments

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. વિસ્તૃત વર્ણન બદલ ખુબ ખુબ આભાર...વર્ણન માં ઘણી બધી બાબતો નવી જાણવા મળી જે ત્યાં વારં વાર જવા છતા પણ અજાણી હતી.. હવે આગળ ના દિવસો ના વર્ણન માટે ઉત્સુકતા વધારે છે.. સમય મળે ત્યારે જરૂર થી update કરશો...

    ReplyDelete
  3. Informative yet refreshing. much more than 'Rome ma Ras-Puri, Paris ma Patra' or 'touching' the locations. Nice to see you living the real meaning of 'Safari'.

    ReplyDelete
  4. Wow..Harshalji,
    You have started a new milestone for you,kudos.
    You are correct-travel interested people like me would love to read your detailed yet innovative travellog!
    Many times I get argyments about planning and travelling on our own, I cant understand, why Gujarati people who are one of the oldest traveller in India are now afraid to experiment and go for the softies as Urvish mentioned.
    We are waiting eagerly for the next episodes.

    ReplyDelete
  5. very nice travelogue. Thanks for sharing the wonderful experience. I will be waiting for more episodes of this.

    Thanks a lot.
    nayan

    ReplyDelete
  6. હર્ષલ સર...
    ખૂબ જ માહિતિસભર છતાં મનોરંજક લેખ.
    સર...છેલ્લં થોડાં દિવસથી જ આપના બ્લોગની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે.ક્યારનું કહેવું હતું...પણ સંકોચ થતો હતો.

    મારે આપને માત્ર એક બાબત પ્રત્યે ધ્યાન દોરવું છે કે તમે જ્યારે પોસ્ટ અપલોડ કરો ત્યારે "JUSTIFY" કરીને મૂકવાનું રાખો તો બ્લોગ વધુ આકર્ષક દેખાશે...

    ReplyDelete
  7. આપના સૂચન બદલ આભાર. નવી પોસ્ટ JUSTIFY ફોર્મેટમાં મૂકી છે.

    ReplyDelete
  8. કેમ છો હર્શલભાઈ, તમારો બ્લોગ મૈં પેહલી વાર જોયો અને મને પ્રવાસવર્ણનો વાંચવાનો શોખ હોવાથી ખુબજ ગમ્યો . તસ્વીરો પણ અદભૂત છે.
    amit-crossword book store

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન