લંડનઃ ‘સફારી’ની સ્ટડી-ટૂરનું સફરનામું (ભાગ-૫)

લંડન
ઓક્ટોબર ૧૬, ૨૦૦૯

મેરિટાઇમ મ્યુઝિયમ, ગ્રીનવીચ
ગ્રીનવીચ એ દક્ષિણ લંડનનો રમણીય પ્રાન્ત છે. શહેરીકરણની હવા તેને હજી લાગી નથી, એટલે ગ્રીનવીચ ટાઉનની સ્ટ્રીટ્સમાં ફરતી વખતે લંડનથી સેંકડો કિલોમીટર દૂર કન્ટ્રી સાઇડ આવી પહોંચ્યાનો સ્વાભાવિક અનુભવ થાય છે. ગ્રીનવીચમાં લીલોતરી બેસુમાર છે, મકાનો નાનાં છે અને રસ્તા પર વાહનોનો ટ્રાફિક મર્યાદિત છે. સેન્ટ્રલ લંડનથી ગ્રીનવીચ ફેરી બોટ થકી અગર તો ડોકલેન્ડ્સ લાઇટ રેલ્વે/DLR થકી પહોંચી શકાય છે. અમે DLR નું માધ્યમ પસંદ કરેલું, એટલે હોટલ પાસેથી (વ્હાઇટચેપલ રોડથી) બસમાં પહેલાં લાઇમહાઉસ સ્ટેશને ગયા અને ત્યાંથી ગ્રીનવીચની પકડી. ડોકલેન્ડસ વિસ્તારનાં ઊંચાંઊંચાં મકાનોના ‘કોન્ક્રિટ જંગલ’ વચ્ચેથી પસાર થતી ડ્રાયવરરહિત (સ્વયંસંચાલિત) DLR માં પ્રવાસ ખેડવાનો અનુભવ કરવા જેવો છે.

ગ્રીનવીચમાં બ્રિટિશ નૌકાદળનું મેરિટાઇમ મ્યુઝિયમ છે, જેની મુલાકાત લેવા માટે અમે કટી સરાક નામના DLR સ્ટેશને ઉતર્યા. અહીંથી ચાલીને મ્યુઝિયમ પહોંચતા દસેક મિનિટ થાય. પ્રાચીનથી શરૂ કરીને અર્વાચીન સમયમાં જહાજો વડે સમુદ્રનું ખેડાણ કેવી રીતે કરાયું તે સમજાવતાં એક્ઝિબિટ્સનો મેરિટાઇમ મ્યુઝિયમમાં પાર નથી. બ્રિટિશ નૌકાદળ માટે કેટલાંય જહાજો બાંધનાર વાડિયા શીપ બિલ્ડર્સના લવજી વાડિયા તેમજ નસરવાનજી વાડિયા જેવા ભારતીયોના ફોટા મેરિટાઇમ મ્યુઝિયમમાં જોઇને આનંદ અને ગર્વ થયો. ઇ.સ. ૧૮૦૫માં ફ્રેન્ચો અને સ્પેશિનો સામે બ્રિટને બેટલ ઓફ ટ્રફાલ્ગર કહેવાતું જે ભીષણ યુદ્ધ ખેલ્યું તેમાં બ્રિટિશ નૌકાદળનાં ઘણાં જહાજો વાડિયાએ બાંધેલા હતા. આ યુદ્ધના હીરો તરીકે ઇતિહાસમાં અમર બનેલા બ્રિટિશ એડમિરલ હોરેશિયો નેલ્સનનો યુનિફોર્મ તેમજ માથાના વાળ મેરિટાઇમ મ્યુઝિયમમાં સચવાયેલા પડ્યા છે.
(નોંધઃ ઉપલા માળે શીપ સિમ્યુલેટરમાં જહાજ ચલાવવાનો જાતઅનુભવ કરવા જેવો છે).


રોયલ ઓબ્ઝર્વેટરી, ગ્રીનવીચ
સત્તરમી સદીમાં રાજા ચાર્લ્સ બીજાના શાસન વખતે ટાવર ઓફ લંડનમાં રેવન કાગડાનો ત્રાસ (જુઓ, સ્ટડીટૂરનું સફરનામું ભાગઃ૧) ન હોત તો ? રાજા ચાર્લ્સના ખગોળશાસ્ત્રી જેમ્સ ફ્લેમસ્ટીડને આકાશદર્શનમાં રેવનના ટોળાએ ખલેલ પાડી ન હોત અને કાગડાના ત્રાસ સામે ફ્લેમસ્ટીડે ચાર્લ્સને ફરિયાદ કરી ન હોત તો ? તો આજે ગ્રીનવીચ ખાતે રોયલ ઓબ્ઝર્વેટરીનું અસ્તિત્વ ન હોત!

ગ્રીનવીચની જગવિખ્યાત વેધશાળાના, તેના પ્રાંગણમાં આવેલી મોટા ડાયલવાળી શેપર્ડ ક્લોકના તેમજ આંતરરાષ્ટ્રીય દિનાંકરેખા દર્શાવતી પટ્ટીના કેટલાક ફોટા ‘સફારી’ના જે તે અંકોમાં અગાઉ પ્રગટ કર્યા હતા. દર વખતે એમ થતું કે ગ્રીનવીચની વેધશાળા રૂબરૂ મુલાકાત લઇને જોવાનો અવસર મળે તો કેવું સારૂં! આંતરરાષ્ટ્રીય દિનાંકરેખા (૦ અંશ રેખાંશ) દર્શાવતી પટ્ટીની બેઉ તરફ અકેક પગ મૂકી પૃથ્વીના પૂર્વ-પશ્ચિમ ગોળાર્ધમાં ‘ઊભા’ રહેવા માળે તો કેવો રોમાંચ જાગે!

આ જાતનો તરવરાટ નહિ નહિ તોય પંદરેક વર્ષથી થતો હતો. ઓક્ટોબર ૧૬, ૨૦૦૯ના રોજ ગ્રીનવીચ વેધશાળાની મુલાકાત લીધી ત્યારે ઘડીભર માનવામાં ન આવ્યું કે અહીંથી હજારો કિલોમીટર દૂર અમદાવાદમાં ‘સફારી’ની ઓફિસમાં બેઠા બેઠા અત્યાર સુધી જેના વિશે ઘણી બધી વખત લખ્યું અને જેને માત્ર ફોટામાં જ આટલાં વર્ષ જોતા રહ્યા તે ગ્રીનવીચની રોયલ ઓબ્ઝર્વેટરી અત્યારે નજર સામે છે! એક અજબ પ્રકારનો થનગનાટ થતો હતો, જેને કારણે ઊંચી ટેકરી પર આવેલી વેધશાળાનું ચઢાણ મોટાં ડગલાં ભરીને ચઢી જવાનું જોમ અને જોર આવી ગયું.
ગ્રીનવીચ વેધશાળાના પ્રાંગણમાં આવેલી (૧૮૫૨માં બનેલી) શેપર્ડ ક્લોકના પહેલાં તો આઠ-દસ ફોટા ખેંચી લીધા. ત્યાર બાદ વેધશાળામાં દાખલ થયા અને યુરેનસ ગ્રહના શોધક બ્રિટિશ ખગોળશાસ્ત્રી વિલિયિમ હર્ષલે બનાવેલા ટેલિસ્કોપનું મોડેલ જોયું અને પછી ઉતાવળા પગલે સીધા પ્રાઇમ મેરિડિયન કહેવાતી આંતરરાષ્ટ્રીય દિનાંકરેખા પાસે પહોંચ્યા. પૃથ્વીના શૂન્ય અંશ રેખાંશની કલ્પિત લીટીને અહીં છએક ઈંચ જાડા પટ્ટા તરીકે દર્શાવી છે. (ઉપરનો ફોટો). એક પગ પટ્ટાની ડાબી તરફ અને એક પગ જમણી તરફ રાખીને ઊભા રહો, એટલે એમ કહી શકાય કે પૃથ્વીના પૂર્વ-પશ્ચિમ એમ બેઉ ગોળાર્ધ પર એક જ સમયે સામટી હાજરી આપી! આ જાતનો, પણ જરા જુદો અનુભવ વિષુવવૃત્ત પાસે કરી શકાય, જ્યાં શૂન્ય અંશ અક્ષાંશની બેય તરફ પગ ફેલાવીને પૃથ્વીના ઉત્તર-દક્ષિણ ગોળાર્ધ પર એકસાથે પગ મૂક્યા ગણાય.

આંતરરાષ્ટ્રીય દિનાંકરેખા ઉપરાંત ગ્રીનવીચની વેધશાળામાં જોવા જેવાં આકર્ષણોઃ વેધશાળાનું ૨૮ ઈંચ વ્યાસનું ટેલિસ્કોપ, શૂન્ય અંશ રેખાંશ સૂચવવા વેધશાળાથી સૂર્યાસ્ત પછી રોજ તાકવામાં આવતો લેસરનો લીલા રંગનો શેરડો, ખગોળશાસ્ત્રી જ્હોન ફ્લેમસ્ટીડનો આવાસ, મિલેનિયમ ક્લોક તથા બપોરે બરાબર ૧:૦૦ વાગ્યે ઉપર ચડતો અને થોડા વખતમાં ફરી નીચે આવતો લાલ રંગનો ટાઇમ બોલ. આ ઉપરાંત વેધશાળાનું પ્રાચીન મકાન પોતે નિરાંતે જોવા જેવું છે. પ્રાઇમ મેરિડિયન લાઇનની બાજુમાં એક ઓટોમેટિક મશીન મૂકવામાં આવ્યું છે. એક પાઉન્ડનો સિક્કો તેમાં નાખો, એટલે A4 સાઇઝનો પ્રિન્ટઆઉટ બહાર નીકળે છે. ગ્રીનવીચ વેધશાળાની કઇ તરીખે અને કયા સમયે તમે મુલાકાત લીધી તેની વિગત પ્રિન્ટઆઉટમાં છપાઇને આવે છે. યાદગીરી તરીકે એ પ્રિન્ટઆઉટ સાચવી રાખવા જેવો બને છે. ઊંચી ટેકરી પર આવેલી વેધશાળાની ચોતરફનો લીલોછમ પ્રદેશ એટલો રળિયામણો છે કે પ્રકૃતિપ્રેમીઓ અહીં આખો દિવસ સહેલાઇથી પસાર કરી શકે.

વેધશાળાના પ્રાંગણમાં કેટલાક કલાકો વીતાવીને, ટાઇમ બોલને ચઢતો અને ઊતરતો જોઇને, રોયલ ઓબ્ઝર્વેટરીના ઘણા બધા ફોટાઓ પાડીને તેમજ ત્યાંની ગિફ્ટ શોપમાંથી યાદગીરીરૂપે બે પ્રતીકો ખરીદીને અમે વળતો પ્રવાસ આરંભ્યો. અહીં હજી કેટલોક સમય રહેવાની તીવ્ર ઇચ્છા હતી, પણ આગામી મુકામે પહોંચવું જરૂરી હતું. આ મુકામ એટલે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ, જ્યાં પહેલી વારની મુલાકાત વખતે કેટલાક હોલ અમે ચૂકી ગયા હતા. ગ્રીનવીચના કટી સરાક સ્ટેશનેથી DLR માં બેસી અમે બૉ-રોડ સ્ટેશને ઊતર્યા અને ત્યાંથી સાઉથ કેન્સિંગ્ટનની ટ્રેન પકડી. અગાઉ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં જે વિભાગો જોવાના રહી ગયા હતા તેમની મુલાકાત લીધા બાદ સાંજે વળી હોટલભેગા થયા.

આવતી કાલે લંડનની ઉત્તર-પશ્ચિમે ત્રીસેક કિલોમીટર છેટે આવેલા હેન્ડન નામના સ્થળે જવાનું હતું--જ્ઞાનવિજ્ઞાનની વધુ એક રોમાંચક સફર માટે તથા સરપ્રાઇઝ માટે!

(ક્રમશઃ)

Comments

  1. You lucky person, I went there last Saturday and missed that 28inc telescope because it only opens on special days (details are on there web site), in your case I can say for special person as well.
    You are right to say The Maze is breath taking site. I have been there many times and yet I have missed so much. Safari do go beyond the horizon. Well done Harshal bahi and Safari team.

    ReplyDelete
  2. Harshalji,

    I am waiting for the next update. Bhut no vaas Pipada ma, just like that you people are interested in Museums/exhibition centers etc. I envy you.

    Please scan brochures/tickets etc. Also share more photographs on picasa etc. Please, please.

    Thanks a lot.
    nayan

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન