ફ્રાન્સઃ ‘સફારી’ની સ્ટડી ટૂરનું સફરનામું (ભાગ-૧)

પેરિસ
ઓક્ટોબર ૧૯, ૨૦૦૯

લૂવ્ર મ્યુઝિયમ

ફ્રાન્સમાં પેરિસ શહેર ઉપરાંત કેટલાંક દૂરદરાજનાં સ્થળોએ (દા.ત. પેરિસની દક્ષિણ-પશ્ચિમે વેરસાય, દક્ષિણ-પૂર્વે શામોની મો બ્લાં, અને ઉત્તર-પૂર્વે લા સોરનવ) ખાતે જવાનું આયોજન કર્યું હતું. આ દરેક સ્થળોએ અંગ્રેજીનું ચલણ નહિવત હોવાની ખબર હતી. (પેરિસમાં પણ અંગ્રેજી ભાષા વ્યાપક પ્રમાણમાં બોલાતી નથી). પરિણામે પ્રવાસના કેટલાક મહિના પહેલાં ફ્રેન્ચ ભાષાનો ક્રેશ-કોર્સ જાતમહેનત કરવાનો નિર્ણય લીધો. ફ્રેન્ચ ભાષા સમજાવતાં પુસ્તકો ખરીદ્યાં અને સેલ્ફ લર્નીંગ આરંભ્યું. મૂળાક્ષરોને બાદ તો કરો તો બીજી એકેય બાબતે ફ્રેન્ચનો અંગ્રેજી સાથે મેળ ખાતો નથી. આ ભાષાનું વ્યાકરણ જુદું છે (થોડુંક અટપટું પણ છે) તેમજ સ્પેલિંગમાં લખેલા S અને H જેવા મૂળાક્ષરો બોલતી વખતે હંમેશાં સાયલન્ટ રહેવાથી જે તે શબ્દનો ઉચ્ચાર ક્યારેક સાવ અણધાર્યો થતો હોય છે. ઓફિસના કામમાંથી પરવાર્યા બાદ દરરોજ રાત્રે ઘરબેઠા ફ્રેન્ચનો અભ્યાસ કર્યો. બે મહિનાના સમયગાળામાં કેટલાંક કામચલાઉ ફ્રેન્ચ વાક્યો બોલવાની, લખવાની તેમજ ફ્રેન્ચમાં લખેલાં બેઝિક વાક્યો વાંચવાની સમજણ આવી ગઇ. (ફ્રેન્ચનો સેલ્ફ સ્ટડી જેવો અભ્યાસ હજી પણ ચાલુ છે).

લંડનનો સો ટકા સફળ પ્રવાસ ખેડીને યુરોસ્ટાર ટ્રેનમાં યુરોટનલ (ચેનલ ટનલ) પાર કરી ૧૯મી તારીખે અમે સવારે અગિયારેક વાગ્યે પેરિસ પહોંચ્યા. બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે આવેલી ઈંગ્લિશ ખાડીના તળિયા નીચે શારકામ કરીને બનાવવામાં આવેલી પચાસ કિલોમીટર લાંબી યુરોટનલ (ચેનલ ટનલ) એન્જિનિઅરિંગ વન્ડર છે. આ ટનલમાં ટ્રેન મારફત પ્રવાસ કરવા જેવો છે. ટ્રેન લગભગ બસ્સો-સવા બસ્સો કિલોમીટરની ઝડપે દોડતી હોવા છતાં પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં આંચકા તેમજ અવાજ જણાતા નથી. ઊલટું, સન્નાટાને કારણે અમુક લોકોને કાનમાં ધાક બેસી જાય એ બનવાજોગ છે. આવા યાત્રીઓ મોઢામાં એકાદ પીપરમીન્ટ રાખી થોડી થોડી વારે થૂંક ગળતા રહીને અગર તો કાનમાં ઇયર પ્લગ ભરાવી સંગીત સાંભળતા રહીને ધાકનો છેદ કાપી શકે છે.
સ્થાનિક સમય મુજબ સવારે ૧૧ વાગ્યે અમે પેરિસના Gare du Nord/ગાર દ્યૂ નોર (ઉત્તરનું સ્ટેશન) પહોંચ્યા. Place de Clichy/પ્લેસ દ ક્લીશી કહેવાતા વિસ્તારમાં અમારી હોટલ હતી. ટેક્સી મારફત દસેક મિનટે અમે હોટલે પહોંચી ગયા અને પછી થોડી જ વારમાં પ્લેસ દ ક્લીશી ટ્યૂબ સ્ટેશનેથી ટ્રેનમાં Musee du Louvre/મૂઝી દ્યૂ લૂવ્ર (સાચો ઉચ્ચાર લૂવ્ર છે, લૂઅર કે લૂવર નહિ) એટલે કે લૂવ્ર મ્યુઝિયમ ગયા. મ્યુઝિયમની એન્ટ્રી ટિકટિ ખરીદી અને પછી મેપ હાથવગો રાખી સૌ પહેલાં મોનાલીસાના જગવિખ્યાત પેઇન્ટિંગની મુલાકાત લીધી.

આ પેઇન્ટિંગ જોતાવેંત તેના પર મોહી પડાય એવું કંઇ ખાસ તેમાં અમને ન જણાયું. ઊલટું, કલાના ક્યાંય વધુ ઉત્તમ નમૂના અમને બાજુના વિશાળ હોલની ભીંતોને શોભાવતા પેઇન્ટિંગ્સમાં જોવા મળ્યા. (લૂવ્ર મ્યુઝિયમમાં વિવિધ કલાકારોના બધું મળીને ૬,૦૦૦ પેઇન્ટિંગ્સ છે). સૌથી આકર્ષક અને પ્રભાવશાળી પેઇન્ટિંગ નેપોલિયન બોનાપાર્ટનું હતું. પૂર્વ પ્રશિયાના (જર્મનીના) મોરચે લડી રહેલા ફ્રાન્સના સૈનિકોની ઘોડા પર બેસીને શુભેચ્છા મુલાકાતે ગયેલા નેપોલિયનનું પેઇન્ટિંગ કદમાં જબરજસ્ત મોટું છે. ઊંચાઇઃ સવા પાંચ મીટર અને પહોળાઇઃ પોણા આઠ મીટર! એન્તોઇ જિયાં ગ્રો નામના ચિત્રકારે પેઇન્ટિંગમાં નેપોલિયના તેમજ સૈનિકોના ચહેરા પર ઉપસાવેલા હાવભાવ પરફેક્ટ છે. મતલબ કે યુદ્ધના દ્રશ્યને એકદમ અનુરૂપ છે. આ પ્રકારનું બીજું ગંજાવર અને કલાના ઉત્તમ નમૂના જેવું એક પેઇન્ટિંગ નેપોલિયનની તાજપોશી વખતના દ્રશ્યનું છે, જેમાં નેપોલિયને પહેરેલા લાલ રંગના ગાઉનનું ડિટેઇલિંગ દાદ માગી લે તેવું છે. આ બેઉ પેઇન્ટિંગ્સ સામે મોનાલીસાનું ચિત્ર કોણ જાણે કેમ, પણ અમને શુષ્ક લાગ્યું.
પેઇન્ટિંગ્સ, કલાકૃતિઓ તથા સ્કલ્પચર્સ ઉપરાંત લૂવ્રનું બહુ ધ્યાનાકર્ષક એવું બીજું પાસું ત્યાંના જે તે ઓરડાની છત પર કરવામાં આવેલી સુંદર કલાકારીગરી છે. સ્ટોન પર કોતરણીકામ અને કોતરણી પર માફકસરનું રંગકામ નિરાંતે બેસીને જોવા જેવું છે. ખરેખર, અદ્ભુત!


એફિલ ટાવર

વિરાટ કદની ભુલભુલામણી જેવા લૂવ્રમાં અમુક કલાકો વીતાવીને અમે મ્યુઝિયમની બહાર નીકળ્યા અને પગપાળા ચાલીને Jardin des Tuileries/જારદેં દ ત્યૂઇલેરી (જારદેં = બગીચો) થતાં Arc de Triomphe/આર્ક દ ત્રિયમ્ફનું રાષ્ટ્રીય સ્મારક જોઇને છેવટે La Tour Eiffel/લા તૂર એફેલ (ધ એફિલ ટાવર) પહોંચ્યા. એફિલ ટાવરના ગંજાવર કદ, બાંધકામ અને સુંદરતા વિશે જેટલું વર્ણન કરો તેટલું ઓછું. આ જબરજસ્ત ટાવર ૧૯મી સદીમાં પેરિસ ખાતે યોજવામાં આવેલા વિશ્વમેળા નિમિત્તે બન્યો હતો, પણ આજે એકવીસમી સદીમાં એ ટાવરનું બાંધકામ જુઓ તો કોઇ વાતે તે ઊતરતું ન જણાય. ઊલટું, ૧૯મી સદીની ઇજનેરી વિદ્યા કેટલી પરિપક્વ હશે તેની પ્રતીતિ ટાવરને જોયા પછી થયા વિના ન રહે. મેટલનું કટિંગ, ફિનિશિંગ અને રિવેટિંગ હેરત પમાડે એટલી હદે ચીવટવાળું છે.
ઊંચાઇમાં સવા ત્રણસો મીટરનો એફિલ ટાવર ખરેખર કેટલો ઊંચો છે તેનો અનુભવ કરવો હોય તો ટાવરની ટોચે જવું જ રહ્યું. લિફ્ટ થકી ટાવરના છેક ઉપલા મજલે પહોંચી શકાય છે, પણ ટિકિટ લેવા માટે લાંબી લાઇનમાં ઊભવું પડે એ બનવાજોગ છે. લિફ્ટની ટિકિટ લેવા માટે અમે લગભગ દોઢ કલાક લાઇનમાં ઊભા પગે (અને કડકડતી ઠંડીમાં ધ્રૂજતા પગે) ખડા રહ્યા. એકસાથે પચ્ચીસ જણાને સમાવી શકતી લિફ્ટમાં આખરે બે કલાકે નંબર લાગ્યો અને જોતજોતામાં એફિલ ટાવરની ટોચે અમે પહોંચ્યા. ઉપલા મજલે બનાવવામાં આવેલા ઓબ્ઝર્વેશન ડેકમાં જેવા દાખલ થયા કે તરત લાઇનમાં ઊભ્યાનો બધો થાક-કંટાળો જાણે કે પળવારમાં ગાયબ થઇ ગયો.

પેરિસના બહુધા મકાનો સફેદ ક્યાં તો આછી બદામી ઝાંયવાળા સફેદ રંગે રંગેલાં છે. (મકાનોનાં પથ્થર પણ કુદરતી ઓફવ્હાઇટ છે). પરિણામે એફિલ ટાવર પરથી સીટીનું દ્રશ્ય જુઓ તો એકસરખા દેખાતા મકાનોની સુંદરતા માણવાની મજા પડે! ઓબ્ઝર્વેશન ડેકમાં અમે લગભગ પોણો કલાક રોકાયા અને નમતી સાંજે શહેરના મકાનોની લાઇટોનો અવિસ્મરણીય સીન જોયા બાદ લિફ્ટમાં વળી નીચે ઊતર્યા.

નોંધઃ એફિલ ટાવરના બહુ વિશાળ ફલકમાં ફેલાયેલા ચાર પાયા પૈકી એક પાસે વિખ્યાત સાયન્સ ફિક્શન લેખક જુલે વર્નનું મ્યુઝિયમ આવેલું છે. સાંજે પાંચ વાગ્યે તે મ્યુઝિયમ બંધ થઇ જાય છે. (લિફ્ટની ટિકિટ લેવામાં એ મ્યુઝિયમ અમે ચૂકી ગયા). ટાવરના એક પાયા પાસે એફિલ ટાવરનું બાંધકામ કરનાર ઇજનેર ગુસ્તાવ એફેલનું બાવલું મૂકવામાં આવ્યું છે. બીજા બે પાયા પાસે લિફ્ટનું ટિકિટ કાઉન્ટર છે. ચાર પાયાની વચ્ચે પર્યટકોની ભારે ભીડ હોય છે અને એ ભીડમાં પાકિસ્તાની છોકરાઓ હાથમાં કી-ચેઇન અને ગિફ્ટ આર્ટિકલ્સ લઇને આમતેમ અટવાતા હોય છે.

રાત્રે એફિલ ટાવરની રોશની જોતાં જોતાં અમે પગપાળા ચાલીને બીર હકીમ મેટ્રો સ્ટેશને પહોંચ્યા અને ત્યાંથી પ્લેસ દ ક્લીશી (હોટલે) જવા માટે ટ્રેન લીધી. પેરિસમાં બીજા દિવસનો પ્રવાસ જરા હાડમારીભર્યો હતો. ગણીને બે સ્થળોએ જવાનું હતું, પણ એક પેરિસની છેક દક્ષિણ-પશ્ચિમે હતું, તો બીજું છેક ઉત્તર-પૂર્વે!

Comments

  1. WoW ! After London, now we are travelling to Paris. Great blog. Again, photographs please.

    Thanks a lot,
    nayan

    ReplyDelete
  2. Interesting reading on net too !!

    ReplyDelete
  3. shu vvat chhe harshal bhai maja aavi gai. darek vakhte kaik navu ..............
    aapna paisa nu paani ......
    vanchi ne kharekhar nafratt thai jay chhe..... jo aa badha paisa vikas na kam ma vapray to desh kya pahochi jay

    ReplyDelete
  4. Actually in last year I had been to your blog but didnt read it. But remembered you had remembered something about Paris.
    Last week i had been to Paris , remembered your writtings and so dropped again to your blogs to read :)
    Keep writting.
    Cheers!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન