ફ્રાન્સઃ ‘સફારી’ની સ્ટડી ટૂરનું સફરનામું (ભાગ-૩)

પેરિસ
ઓક્ટોબર ૨૧, ૨૦૦૯

નોર્મન્ડી! બીજા વિશ્વયુદ્ધમાં યુરોપિયન મોરચે ખેલાયેલા સૌથી નિર્ણાયક યુદ્ધનું સ્થળ, જ્યાં યુદ્ધની યાદગીરીરૂપે જુદા જુદા છ સાગરકાંઠે કુલ મળીને પપ જેટલાં મ્યુઝિયમો છે, વોર સિમેટરી છે, જર્મનીએ યુદ્ધ વખતે બનાવેલાં અન્ડરગ્રાઉન્ડ બન્કરો છે, વિમાનવિરોધી તોપો છે, મિત્ર દેશોનાં કેટલાંક જહાજો અને ટેન્કો પણ છે અને જોવાલાયક બીજું ઘણું બધું છે.

...પણ ભલું થાય વરસાદનું, કે જેણે આમાંનું કશું જ જોવાનો મોકો અમને આપ્યો નહિ. નોર્મન્ડીનાં જોવાલાયક બહુધા સ્થળો ખુલ્લા વાતાવરણમાં હોવાથી વરસાદમાં ત્યાં ફરવાનું ભારે અગવડભયું સાબિત થાય તેમ હતું. પરિણામે નોર્મન્ડીનો પ્રિ-પ્લાન્ડ પ્રવાસ અમારે રદ કરવો પડ્યો. ઊંટનું મન ઝાંખરામાં અને સુથારનું મન બાવળિયે હોય એ રીતે અમારૂં મન હંમેશાં જ્ઞાનમાં વધારો કરે તેવાં સ્થળોએ કેન્દ્રિત થયેલું રહે. આવું એક સ્થળ સદ્ભાગ્યે પેરિસમાં હતું: Cité des Sciences et de l'Industrie/સીતે દ સ્યોંસ એ દ લેન્દસ્ત્રી/સીટી ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. રાબેતા મુજબ પ્લેસ દ ક્લીશી સ્ટેશનેથી અમે મેટ્રો ટ્રેન પકડી. બે ટ્રેન બદલીને લગભગ અડધોપોણો કલાકે Porte de la Villette/પોર દ લા વિયેત સ્ટેશને પહોંચ્યા. વરસાદ પેરિસમાંય ચાલુ હતો, પણ યોગાનુયોગે સાયન્સ સેન્ટર મેટ્રો સ્ટેશનની એકદમ નજીકમાં હતું.

સીટી ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી
બેઝમેન્ટમાં બે માળ વત્તા ઉપર ત્રણ એમ કુલ પાંચ માળના બિલ્ડિંગમાં વિજ્ઞાનના લગભગ દરેક વિષયને લગતાં સેંકડો મોડેલ્સ સાયન્સ સેન્ટરમાં પ્રદર્શિત કરાયાં છે. અહીંના દરેકેદરેક વિભાગની મુલાકાત અમે લીધી. ભૂસ્તરશાસ્ત્રથી માંડીને અવકાશવિજ્ઞાન સુધીના બધા જ વિભાગો રસપ્રદ અને જિજ્ઞાસા સંતોષે તેવા હતા. અલબત્ત, બધામાં સૌથી સરપ્રાઇઝિંગ તથા ગમ્મત પડે એવો વિભાગ ઓપ્ટિકલ ઇલ્યૂઝનનો હતો, જ્યાં આંખોને છેતરતા ચિત્રવિચિત્ર ચિત્રોનો તેમજ અવનવાં થ્રી-ડી ઓબ્જેક્ટ્સનો પાર નથી. અરીસાની યુક્તિભરી ગોઠવણ કરીને બનાવવામાં આવેલા અમુક ઉપકરણો તો મગજને ચકરી ખવડાવી દે તેવા હતા. વિજ્ઞાનના અઘરામાં અઘરા સિદ્ધાંતોને મોડેલ્સની મદદથી સામાન્ય લોકો માટે સુપાચ્ય કેમ બનાવી શકાય તેના અનેક દાખલા અમને સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સેન્ટરમાં જોવા મળ્યા. (નોંધઃ સાયન્સ સેન્ટરમાં ૧,૦૦૦ ચોરસ મીટરનો એરિયા ધરાવતું વિરાટ ઓમ્નીમેક્સ થિએટર પણ આવેલું છે).

વરસાદનું જોર થોડું શમ્યું, એટલે સાયન્સ સેન્ટરના મુખ્ય મકાનની બહાર મૂકેવામાં આવેલી ફ્રેન્ચ નૌકાદળની Argonaute નામની સબમરિનની મુલાકાત અમે લીધી. લંબાઇમાં લગભગ પચાસેક મીટરની Argonaute સબમરિન ૧૯૮૨માં સેવાનિવૃત પામ્યા બાદ સાયન્સ સેન્ટરમાં જાહેર લોકો માટે પ્રદર્શનમાં મૂકાઇ હતી. ત્રણ યુરોની ટિકિટ ખરીદ્યા પછી સબમરિનના જે તે વિભાગોની ઓડિયો ગાઇડેડ ટુર કરી શકાય છે. પેરિસ્કોપથી માંડીને બીજા દરેક ઉપકરણોની ચોટલી પણ મંતરી શકાય છે. સબમરિનની મુલાકાત લેવાનો અનુભવ અમારે માટે પહેલી વારનો હતો, એટલે આખી સબમરિન નિરાંતે જોઇ. સબમરિનની શોધનો ઇતિહાસ, યુદ્ધમાં સબમરિનનો રોલ, તેમજ સબમરિનની રચના અને કાર્યપદ્ધતિ સમજાવતા મ્યુઝિયમની પણ મુલાકાત લીધી.
સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મ્યુઝિયમમાં દિવસ આખો ક્યાં નીકળી ગયો તેનો ખ્યાલ ન રહ્યો. સાંજે લગભગ પાંચેક વાગ્યે અમે નવરા પડ્યા. પેરિસમાં આજે છેલ્લો દિવસ હતો, એટલે સીટી એરિયામાં ફરવાનો નિર્ણય લીધો અને મેટ્રો મારફત Charles de Gaulle Etoile/શોલ દ ગોલ ઇતવાલ સ્ટેશને પહોંચ્યા. વિક્ટોરિયન સ્ટાઇલના જૂનાં મકાનોવાળા આર્ક દ ત્રિયમ્ફની આસપાસના (ભીડભાડભર્યા) એરિયામાં અમુક કલાકો વીતાવીને, સાંજે મકાનોની તેમજ સ્ટ્રીટ્સની રોશની જોઇને અને છેલ્લે તૂર દ એફેલ યાને કે અફિલ ટાવરની આખરી ઝાંખી કરીને લગભગ આઠેક વાગ્યે અમે પ્લેસ દ ક્લીશી (અમારી હોટલના વિસ્તારમાં) પહોંચ્યા.
વાતાવરણમાં સારી એવી ઠંડી હતી. કંઇક ગરમાગરમ ખાવાની ચટપટી સૌને થઇ હતી. પસંદગી છેવટે પિઝા પર ઉતરી, કેમ કે અમારી હોટલ નજીક પિઝાની સંખ્યાબંધ રેસ્ટોરન્ટસ હતી. એકાદ રેસ્ટોરન્ટમાં વેજિટેરિયન પિઝા મળી આવે તે માટે તપાસ અભિયાન એ પછી શરૂ થયું. એક પછી એક રેસ્ટોરન્ટ્સની મુલાકાત અમે લેતા ગયા, પણ વેજિટેરિયન ખાણું ક્યાંય જડ્યું નહિ.

છેલ્લે એક રેસ્ટોરન્ટમાં દાખલ થયા. ફ્રેન્ચ ભાષામાં લખેલું મેનુ-કાર્ડ હાથમાં લીધું. મેનુ-કાર્ડમાં એક ઠેકાણે વેજિટેરિયન પિઝા એવું મથાળું વાંચતાવેંત આતુરતાનો અંત જાણે આવ્યો એમ લાગ્યું. આમ છતાં ઓર્ડર આપતા પહેલાં વેજિટેરિયન પિઝાની બનાવટમાં કઇ ખાદ્યસામગ્રીઓ વપરાય છે તે દર્શાવતું ઇન્ગ્રેડિયન્ટસનું ફ્રેન્ચ ભાષામાં લખેલું વર્ણન વાંચ્યું ત્યારે બે શબ્દો પર મારી નજર સ્થિર થઇઃ Roti અને Poissions. ફ્રેન્ચ ભાષામાં Roti/રોતીનો અર્થ શેકલું માંસ થાય, જ્યારે Poissions/પુવાસોનો મતલબ થાય માછલી. આ બેઉ શબ્દો ફ્રેન્ચ શીખતી વખતે ધ્યાનમાં આવેલા અને બરાબર યાદ પણ રહી ગયા હતા, છતાં કન્ફર્મ કરવા ખાતર હોટલના મેનેજરને બેઉ શબ્દોનો અર્થ પૂછ્યો. મેનેજરના જવાબે મારી ધારણા સાચી પાડી. એ મહાશયે વળી પૂરક માહિતી આપતા એમ કહ્યું કે તેની રેસ્ટોરન્ટમાં એન્કોવી પ્રકારની માછલી જ વપરાય છે. ત્યાર પછી બેઉ (અખાદ્ય) આઇટમોના કાઉન્ટર તરફ તેણે પોતાની આંગળી ચીંધી બતાવી. અમારા જ્ઞાનમાં વધારો કરવા બદલ તેને ‘merci beaucoup/મેસી બોકુ’ (ખૂબ ખૂબ આભાર) કહીને અમે રેસ્ટોરન્ટની બહાર નીકળી ગયા. ભારતની બહાર અન્ય દેશોમાં ‘વેજિટેરિયન’ શબ્દની વ્યાખ્યા જુદી છે એ ખબર હતી, પણ એ શબ્દની આટલી હદે કતલ કરવામાં આવે તેની તો કલ્પના સુદ્ધાં ન હતી. ખેર, પરદેશી ભાષાનું થોડુંઘણું જ્ઞાન અણીના મોકે કેટલું કામ લાગે તેનો બીજો દાખલો અમને મળ્યો. (પહેલો દાખલો કોન્કોર્ડ વિમાનના પેલા ચોકિયાત સાથેની મુલાકાત વખતે મળ્યો હતો).

રાત્રિના નવેક વાગ્યા હતા. વેજિટેરિયન પિઝા માટે કોમ્બિંગ ઓપરેશન પડતું મૂકી હોટલે અમે વેળાસર પહોંચી ગયા, કેમ કે બીજે દિવસે વહેલી સવારે દક્ષિણ ફ્રાન્સના રમણીય પ્રદેશમાં આલ્પ્સના પર્વતોની વચ્ચે વસેલા Chamonix Mont Blanc/શામોની મો બ્લાં જવા માટે નીકળવાનું હતું. પ્રવાસનું સ્થળ તો જાણે વિશેષ હતું, પણ પ્રવાસનું માધ્યમ એથીયે વિશેષ હતું: TGV ટ્રેન!
(ક્રમશઃ)

Comments

  1. Harshalji, I feel sorry that you could not see great museums in Normandy, but this is life and it is short and interesting too, just like your tour.
    You are correct that outside India, almost all countries have other view of Vegetarian food. They think, if you add some veg ingredients to the dish, it becomes veg- but you need not take out fish, meat or sea-food from it!!
    Here in Korea, they do have some veg dishes but still it is wise to be informed with local language and some practical words (particularly of food items) to save our food habit.

    ReplyDelete
  2. નીલેશ જાનીNovember 29, 2009 at 2:56 PM

    તમારા પ્રવાસ વર્ણનો વાંચવા ની બહુ મજા આવે છે,
    હું સાઉદી અરેબીયા માં બે વર્ષ થી રહુ છુ, અહી જો તમે કોઇ લોકલ અરેબીક ને કહો કે તમે વેજીટેરીયન છો તો તે તમારી સામે આશ્ચર્ય થી જોઇ રહેશે, અહી ના લોકો માટે ફક્ત વેજીટેરીયન જ હોવુ તે બહુ નવાઇ ની વાત છે, બહુધા નોનવેજીટૅરીયન ની જેમ જ તે લોકો એમ સમજે છે કે જો તમે મીટ, અને ચીકન ના ખાઓ તો તમને પ્રોટીન કઇ રીતે મળે?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન