દશેરાની ‘સફારી’ સ્ટાઇલની ઉજવણી...‘સફારીબ્રાન્ડ’ ફાફડા સાથે!

કેમ ? શું ? કેવી રીતે ? ક્યારે ? શા માટે ? વગેરે જેવા પ્રશ્નસૂચક શબ્દો સાથે ‘સફારી’નો નાતો એટલો ગાઢ છે કે એકાદ સામાન્ય બનાવ પાછળનુંય પૂરેપૂરૂં બેકગ્રાઉન્ડ જ્યાં લગી ખણખોદ કરીને શોધી ન કાઢે ત્યાં સુધી ‘સફારી’ની ટીમને ચેન ન પડે. આમાં જો કે ક્યારેક અપવાદ હોય પણ ખરા.

દાખલા તરીકે દશેરાનો પર્વ ફાફડા અરોગીને મનાવવાની પરંપરા કોણે શરૂ કરી ? એ સવાલોનો જવાબ શોધવાનો ‘સફારી’ની ટીમે આજ દિન સુધી ક્યારેય પ્રયત્ન કર્યો નથી. વર્ષો થયે દશેરા નિમિત્તે ‘સફારી’ની ઓફિસે ફાફડા મંગાવવામાં આવે છે, પરંતુ દશેરા સાથે ફાફડાનો શો સંબંધ ? એનો ઇતિહાસ ઉખેડવા ટીમ ‘સફારી’ના બુદ્ધિશાળી સભ્યો ક્યારેય તેમનું ભેજું કસતા નથી. ઊલટું, તેમનું બધું કોન્સન્ટ્રેશન માત્ર ફાફડાના ભક્ષણ પર હોય છે.

આજે ‘સફારી’ની ઓફિસમાં દશેરાની ઓફિશિયલ ઉજવણી છે. દર વર્ષની જેમ આજે પણ સોડિયમ કાર્બોનેટ વિના બનેલા ફાફડા આવી ચૂક્યા છે. આખા અમદાવાદમાં ‘સફારી’ના ફાફડા યુનિક છે, કેમ કે ધોવાના સોડાનું તેમાં નામોનિશાન હોતું નથી. ધોવાનો સોડા તેના યોગ્ય કામે જ વપરાવો જોઇએ, કેમ કે વોશિંગ મશીન અને માણસના પેટ વચ્ચેનો ભેદ સોડા પામી શકતો નથી એવું ‘સફારી’ની ખણખોદિયા ટીમે વૈજ્ઞાનિક રીચર્સ વડે (કે પછી ભૂતકાળમાં ‘નોન-સફારી’ બ્રાન્ડના સોડાયુક્ત ફાફડા ખાવાની ભૂલ કરી બેસીને) શોધી કાઢ્યું છે. પરિણામે ‘સફારી’ સિવાયના (અનબ્રાન્ડેડ) ફાફડાને તેઓ ભૂલમાં પણ ન્યાય આપતા નથી.

દશેરાનો પર્વ ફાફડા અરોગીને મનાવવાની પરંપરા કોણે શરૂ કરી ? એ સવાલને દિવાલની ખીંટીએ ટીંગાવી રાખવામાં ટીમ ‘સફારી’નો બીજો પણ સ્વાર્થ છેઃ દિવાળીના દળદાર અંકો તૈયાર કરતી વખતે ઓફિસમાં છવાયેલા રહેતા ભારે ઉચાટના તેમજ તણાવના વાતાવરણમાં ફાફડા પાર્ટીના બહાને બહુ મોટો બ્રેક મળે છે. મન હળવું થાય છે, કામ સિવાયની પણ વાતો થાય છે અને સૌના મોઢા પર સ્મિત લહેરાય છે. ફાફડા ખાવાની પરંપરાના આટલા બધા ફાયદા હોય ત્યારે ફાફડાનો ઇતિહાસ ફંફોસવામાં રસ ક્યાંથી પડે ?

છેલ્લે નિરમા, એરિયલ, સર્ફ, વ્હીલ વગેરે વોશિંગ પાવડર ઉત્પાદકોને દશેરા નિમિત્તે તેમના પાવડરનું વેચાણ વધારવામાં ફાળો ન આપવા બદલ ટીમ ‘સફારી’ની દિલગીરી ! આ બધી બ્રાન્ડના સોડિયમ કાર્બોનેટને ફાફડા થકી ન્યાય આપનાર ફાફડારસિયાઓને શુભ દશેરા અને ‘સુખમય’ આવતી કાલ !

ફૂટનોટઃ સાદા ફાફડા અને ‘સફારી બ્રાન્ડ’ના ફાફડા વચ્ચે દેખીતો તફાવત શો હોય ? પહેલી નજરે લગીરે નહિ, પણ માઇક્રોસ્કોપ નીચે તેમને જુઓ ત્યારે સમજાય કે ‘સફારી’ના નિર્દોષ ફાફડાના બંધારણમાં Na2CO3 ના કેમિકલ બોન્ડ મોજૂદ નથી.

Comments

  1. it's a loss missing safari fafda party this time as it's on Sunday. Have to sing 'washing powder nirma...` jingle, while eating non-safari fafdas.

    ReplyDelete
  2. what about sweets which you like most,i think? satyam

    ReplyDelete
  3. Very well! As expected from people like Safari's!!!

    ReplyDelete
  4. ઓહો! બહુ સરસ ઉજવણી છે. વાંચતા વાંચતા પાણી આવી જાય એવા છે સફારી બ્રાન્ડ ફાફડા!

    ReplyDelete
  5. Have to Loko ne Na2Co3 Vagar na fafda bhavata nathi.. Powder khava ni tev padi gai che.

    ReplyDelete
  6. Khotu che e janva sathe tene tyag karva ni pan himmat kedav vi pade che. Samanya loko haji etla himmatvan nathi thaya e W/P na utpadako no faydo ke nahi!!!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન