રાષ્ટ્રપ્રેમ કે રાષ્ટ્રદ્રોહ?
આ દેશમાં રાષ્ટ્રપ્રેમના નામે ઘણી વાર ભયંકર હદની છૂટછાટ લેવાતી હોય છે. ભારતની બહુધા પ્રજાને એ છૂટછાટ અંગે ખ્યાલ નથી અગર તો ખ્યાલ હોવા છતાં તેને એ બાબતે કશી ફિકરચિંતા નથી. બે દાખલા તપાસવા જેવા છે. (૧) ભારતના કેટલાક સિનામાગૃહોમાં ફિલ્મનો શો શરૂ થતાં પહેલાં આપણા રાષ્ટ્રગીતની ટૂંકી વિડિઓ દર્શાવવામાં આવે છે. એક વિડિઓમાં ભારતના કેટલાક ખ્યાતનામ ગાયકો રાષ્ટ્રગીત લલકારતા દેખાય છે. એક ગંભીર ખામી વિડિઓમાં જોવા મળે છેઃ રાષ્ટ્રગીત લલકારતી વખતે કલાકારો પોતાની બોડી લેંગ્વેજનો છૂટથી ઉપયોગ કરે છે. અર્થાત્ અમુક ગાયકો પોતાના હાથ હવામાં લહેરાવે છે, કેટલાકના ચહેરા પર શાસ્ત્રીય સંગીત ગાતા હોવાના ભાવ પ્રગટ થાય છે, તો લતા મંગેશકર અને આશા ભોંસલે જેવા કેટલાક ગાયકો તો સ્મિત લહેરાવતા દેખાય છે. ગીત-સંગીતની ગમે તેટલી ઉદાર વ્યાખ્યા બાંધો તો પણ રાષ્ટ્રગીતને તે લાગૂ પાડી શકાય નહિ. રાષ્ટ્રગીત એ રાષ્ટ્રગીત છે, સામાન્ય ગીત-સંગીત નથી. દેશની તે ઓળખાણ છે, માટે તેનું ગાયન મોભાદાર રીતે તેમજ પૂરા માન-સમ્માન સાથે થવું જ જોઇએ. ઓર્ડિનરી ગીતની કે ગઝલની માફક તેને ગાઇ શકાતું નથી. ગાયન વખતે તેની મર્યાદા તેમજ મલાજો જળવાવા જોઇએ--અને તે...