ગુજરાતમાં પોતાનો આવાસ ગુમાવી રહેલાં યાયાવર પક્ષીઓ
શહેરીકરણના તેમજ વિકાસના નામે માનવજાતના હાથે લેવાતાં અવિચારી નિર્ણયોની વન્યજીવો પર કેવી માઠી અસરો પડે છે તેના દાખલા નોંધવા બેસો તો એકાદ દળદાર પુસ્તક તેમનાથી ભરાઇ જાય. આ જાતનું પુસ્તક સંભવતઃ હજી સુધી લખાયું નથી, પરંતુ રખે તે લખાય તો તેમાં સ્થાન પામે તેવા બે દાખલા હમણાં કદાચ પહેલી વાર મીડિયાના ધ્યાન પર આવ્યા.
પહેલો દાખલો ફ્લેમિંગો અર્થાત્ સુરખાબ નામના પક્ષીનો છે, જેને ગુજરાતે પોતાના state bird તરીકે પસંદ કર્યું છે. દર વર્ષે ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ખંભાત નજીકના વિસ્તારોમાં હજારો સુરખાબનાં ટોળાં ઉમટી પડે છે. અહીં છીછરા જળાશયોને તેમજ કળણને તેઓ પોતાનો આવાસ બનાવે છે અને કેટલાક મહિના ત્યાં વીતાવે છે. દરમ્યાન છીછરા પાણી વચ્ચે કાદવના ૧૫ થી ૪૫ સેન્ટિમીટર ઊંચા ઢૂવા બનાવીને માદા તેમાં ઈંડાં મૂકે છે અને પોતાનો કુટુંબકબીલો વધારે છે. સરોવરનું કે જળાશયનું પાણી જ્યાં બહુ ઊંડું ન હોય એવાં સ્થળો સુરખાબને પડાવ માટે વધુ માફક આવે--અને ગુજરાતમાં એવાં સ્થળો ઘણાં છે. એક સ્થળ ભાવનગર શહેરની ભાગોળે આવેલું છે, જ્યાં લગભગ ૩૦૦ એકરના કળણમાં ૨૦ થી ૫૦ હજાર સુરખાબ દર વર્ષે મુકામ કરે છે. આ ટોળાંનાં કેટલાંક સુરખાબ માટે ભાવનગરનું કળણ કેટલાક વખતથી સ્મશાનઘાટ સાબિત થઇ રહ્યું છે. વીજળીના હાઇ ટેન્શન ઇલેક્ટ્રિક વાયરો તેમાં નિમિત્ત બની રહ્યા છે. ત્રણસો એકરમાં ફેલાયેલા કળણ ઉપરનું આકાશ હજારો સુરખાબ માટે ‘ફ્લાઈંગ ઝોન’ છે, જ્યાં તેઓ દિવસમાં અનેક વખત ઉડાન ભરીને વિહરતા હોય છે. દુર્ભાગ્યે એ ઝોનમાં જ વીજળીના ઓવરહેડ કેબલો આવેલા છે, જેમાં ૬૬ કિલોવોલ્ટનો કરન્ટ સતત પસાર થયા કરે છે. આકાશી સહેલ કરી રહેલા સુરખાબના ટોળા પૈકી અમુક સભ્યો તે કેબલની અડફેટે ચડી જાય ત્યારે વીજળીના તીવ્ર આંચકાને કારણે તત્કાળ મરી જાય છે. દુર્ભાગ્યે આવા બનાવો અપવાદ નથી, બલકે સ્થાનિક લોકોના કહેવા મુજબ રોજના સરેરાશ પચાસેક સુરખાબ વીજળીના કેબલની ઝપેટમાં આવી મોતને ભેટે છે.
સુરખાબનું આવું નિકંદન નીકળતું અટકાવવા માટે ભાવનગરના પ્રકૃત્તિપ્રેમીઓ ઘણા વખતથી વીજકંપની સામે ઝૂંબેશ ચલાવી રહ્યા છે. સુરખાબના પડાવ નજીકથી પસાર થતી વીજળીની ટ્રાન્સમીશન લાઇન ખસેડીને સલામત અંતરે બીજો ટાવર ખડો કરવાનું સૂચન તેમણે વીજકંપનીને તેમજ ભાવનગરના મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યું છે. આ સૂચનનો અમલ થાય ત્યારે ખરો, પણ દરમ્યાન વીજકંપનીએ સામું સૂચન કરીને પ્રકૃત્તિવિદ્દોને આંચકો આપ્યો છે. વીજકંપનીના અફસરો કહે છે કે ટ્રાન્સમીશન ટાવરનું નહિ, પણ સુરખાબના પડાવનું જ સરનામું બદલી નાખો! હાલ તેઓ જે મુકામે આવે છે ત્યાંનો જળમાર્ગ કાપી કળણને સૂકો મેદાની પ્રદેશ બનાવી દો અને બીજા કો’ક સ્થળે નવું કળણ રચો જેથી આગામી સીઝનમાં સુરખાબનાં ટોળાં ત્યાં જમા થાય. આ સૂચન કોમન સેન્સને પડકારે તેવું છે. કળણમાં ફાલતા સૂક્ષ્મ તરલ જીવો તેમજ શેવાળ સુરખાબનો એકમાત્ર ખોરાક છે. આ સૂક્ષ્મ સજીવોથી ભર્યાભાદર્યા ગુલિસ્તાનને રેગિસ્તાનમાં ફેરવવાનું કામ સહેલું છે, પણ નવા સ્થળે નવું કળણ રચો ત્યારે તે રાતોરાત ગુલિસ્તાન બની શકતું નથી--અને ન બને ત્યાં સુધી સુરખાબે ભૂખમરો વેઠ્યા વિના કે પછી નવો આવાસ શોધી કાઢ્યા સિવાય આરો નહિ.
સુરખાબના તેમજ બીજાં યાયાવર પક્ષીઓના આવાસમાં માનવજાતની ઘૂસણખોરીનો બીજો દાખલો સાણંદના નળ સરોવરનો છે. સાણંદ ખાતે ટાટા મોટર્સનું કારખાનું સ્થપાયા પછી સાણંદનળ સરોવર વચ્ચે ૪૦ કિલોમીટર લાંબા પટ્ટામાં ફાર્મ હાઉસના પાંત્રીસેક પ્રોજેક્ટસ હાથ ધરાયા છે, જેમાંના અમુક તો નળ સરોવરથી એકદમ નજીક છે. ડેવલપમેન્ટના નામે અહીં બાંધકામ પ્રવૃત્તિ સતત થયા કરે છે. વખત જતાં અહીં મોબાઇલ ફોનનાં ટાવરો ખડાં થાય તો યાયાવર પક્ષીઓનું કુદરતી હોકાયંત્ર વિદ્યુત ચુંબકીય મોજાંની અસર હેઠળ ડચકાં ખાય એ બનવાજોગ છે. નળ સરોવરની આસપાસનો શાંત વિસ્તાર ભવિષ્યમાં લોકોના તથા ટ્રાફિકના શોરબકોરથી ગૂંજવા લાગે તો લાંબે ગાળે શક્ય છે કે શાંતિપ્રિય પંખીડાં પોતાનો શિયાળુ આવાસ હંમેશ માટે બદલી નાખે.
ઉપરોક્ત બેઉ મુદ્દા ગુજરાતમાં યાયાવર પક્ષીની સલામતીનું ચિત્ર દર્શાવે છે. ચિત્ર બેશક ખરડાયેલું છે, જેને સુધારવા માટે અને (પક્ષીઓના હિતમાં) ઠોસ પગલાં લેવા માટે ગુજરાતની વાઇબ્રન્ટ સરકારને ‘સફારી’ તેના સૌ વાચકો તરફથી નમ્ર અપીલ કરે છે.
વીજ કંપનીનું સુચન તો જાણે સાવ વાહિયાત ને હાસ્યાસ્પદ છે. એને શું ખબર હોય કે કોઈ સજીવનો નવો આવાસ સર્જવામાં કુદરતને હજારો વર્ષ લગતા હોય છે. તો કૃત્રિમ રીતે તો કેમ એનું નવું ઘર અને એ પણ એક જ વર્ષમાં બનાવી શકાય! નળ સરોવર બીજા ઘણા પ્રકૃતિ સ્થાનો આસપાસ વિકાસના નામે ઓળખાતી બાંધકામ પ્રવૃતિનું જોર વધી રહ્યું છે. સરકારને ઉદ્યોગપતિઓની સમસ્યામાં રસ છે એટલો પર્યાવરણીય સમસ્યામાં નથી. એ જોકે સ્વાભાવિક છે. આખી દુનિયામાં પર્યાવરણની ચિંતાને પ્રાધાન્ય આપે અને એ માટે ગંભીરતાથી કામ કરે એવી સરકાર શોધવી મુશ્કેલ છે.
ReplyDeleteગીરના જંગલનું પણ એવું જ છે. વન વિભાગ પાસે ૨૮ રિયલ્ટી પ્રોજેક્ટ મંજુરીની રહે ઉભા છે જે ગીરના જંગલમાં બાંધકામ કરવા માંગે છે. જોકે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ગીરને ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરી ગીર આસપાસ ૫ કિલોમીટરની ત્રિજ્યામાં બાંધકામની મનાઈ ફરમાવી છે. તો પણ ત્યાં બાંધકામ જોવા મળે આગામી દિવસોમાં તો નવી નહિ લાગે...
Harshalbhai.I am big fan of safari.it spread not only knowledge,bt raises nature's proper issues.I like ur approach very much.l am not surprized about electricity company's suggestion.it reflects their unhuman attitude.governmental structure has no mind.its an ugly truth.
ReplyDeleteit's very despairing,that's Eco-friendly development is very difficult in India due to large population as well as inefficient implementing of laws. I am working in sub station so,i think underground line can solve this problem very easily,though it's costly,but it must be followed for conservation of habitation of the birds
ReplyDelete