અન્નાનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન આટલું ગાજ્યું કેમ?
ભ્રષ્ટાચારને અંકૂશમાં રાખવા ખાતર છેક ૧૯૬૮માં જેની રચના કરાઇ હતી તે લોકપાલ બિલે ગયે મહિને ફરી વખત ભારતના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો. અગાઉ ૧૯૬૯, ૧૯૭૧, ૧૯૭૭, ૧૯૮૫, ૧૯૮૯, ૧૯૯૫, ૨૦૦૧, ૨૦૦૫ અને ૨૦૦૮ એમ નવેક વખત લોકપાલ બિલ ભારતીય સંસદમાં રજૂ પામ્યું અને દરેક વખતે સાંસદોએ તેને ઠુકરાવી પોતાની અમર્યાદ સત્તાનો વિશિષ્ટાધિકાર ભોગવ્યો. ૨૦૧૧માં એ ઘટનાનું વધુ એક વખત પુનરાવર્તન થયું. આ વખતે જો કે સ્થિતિ જુદી હતી. ભૂતકાળમાં વારંવાર ઊઠેલા અને થોડા જ વખતમાં શમી ગયેલા લોકપાલ બિલના મુદ્દાએ ગયે મહિને ‘ક્રાંતિ’ની જ્વાળા ચેતાવ્યા પછી તેણે જલદી બૂઝવાનું નામ ન લીધું. ઊલટું, દિવસોદિવસ તે વધુ ને વધુ તેજ થતી રહીને છેવટે દાવાનળની માફક દેશ આખામાં ફેલાઇ. આમ કેમ બન્યું ? એવું તે શું પરિવર્તન એકાએક આવ્યું જેણે અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને દેશમાં જ નહિ, પરદેશમાં પણ ચર્ચાનો મુદ્દો બનાવ્યો ?
જવાબનું મૂળ તપાસવું હોય તો ભારતના રાજકારણમાં નહિ, પણ અર્થશાસ્ત્રમાં થોડુંક ઉત્ખનન કરવું જોઇએ. નહિ, ઇકોનોમિક્સના અટપટાં સિદ્ધાંતો અને વાયડાં સમીકરણો સાથે બાથ ભીડવાની અહીં વાત નથી. મુદ્દો અલગ છે એટલું જ નહિ, પણ જરા વિચારપ્રેરક છે.
આજથી અઢી દાયકા પહેલાં ૧૯૮૫-૮૬ના અરસામાં ભારતની ૯૩% પ્રજા એવી હતી કે જેમની માસિક આવક રૂપિયા ૭,૫૦૦ જેટલી હતી. આ જબરજસ્ત સંખ્યામાં લગભગ ૩૮% લોકો એવા કે જેઓ ગરીબીરેખા નીચે જીવન ગુજારતા હતા. નરસિંહ રાવે ૧૯૯૧માં ઉદાર આર્થિક નીતિ અપનાવી ત્યારે અનેક બિનજરૂરી નીતિનિયમોની સાંકળે બંધાયેલા ભારતીય અર્થતંત્રે પહેલી વાર આઝાદીનો શ્વાસ લીધો. દેશનો આયતનિકાસ વેપાર વધ્યો, માટે આર્થિક વિકાસદર પણ વધ્યો. દસેક વર્ષમાં તો ગરીબીરેખા નીચે જીવતા લોકોની સંખ્યા ઘટીને ૨૬% ના આંકડે આવી, જ્યારે માસિક રૂપિયા ૭,૫૦૦ જેટલી આવક ધરાવતા ભારતીયોનો ફિગર ૯૩%થી ઘટીને ૫૪% સુધી પહોંચ્યો. આ બંને દરમાં નોંધાયેલો ઘટાડો એ વાતનો સૂચક હતો કે ભારતમાં લોકોનું આર્થિક જીવનસ્તર (નહેરુ-ઈંદિરા અને રાજીવ ગાંધીના શાસનકાળની તુલનાએ) ક્યાંય ઊંચું ગયું હતું.
ઉદાર આર્થિક નીતિએ આણેલા પરિવર્તનનો બીજો દાખલો--રૂપિયા ૨૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ વચ્ચેની માસિક આવક ધરાવતા લોકો અર્થશાસ્ત્રની ફૂટપટ્ટી મુજબ મધ્યમ વર્ગના એટલે કે મિડલ ક્લાસના વર્ગમાં આવે છે. ૧૯૯૫૯૬ના અરસામાં આપણે ત્યાં આવા લોકોની સંખ્યા ૨.૫ કરોડ હતી, તો આજે મિડલ ક્લાસમાં જેમની ગણના થઇ શકે એવા ભારતીયો ૧૬ કરોડથી ઓછા નથી. (ભારતનો આર્થિક વિકાસદર જોતાં ૨૦૧૫ સુધીમાં આંકડો ૨૬ કરોડને વટાવી જાય તેમ છે). ભારતની ૧ અબજ જેટલી વસ્તી સામે ૧૬ કરોડનો આંકડો નજીવો જણાય, પણ એ નજીવો આંકડો અર્થતંત્રની દ્રષ્ટિએ બહુ વગદાર અને વજનદાર છે. કારણ સ્વાભાવિક છે. મિડલ ક્લાસ લોકોના હસ્તે મોબાઇલ ફોનથી માંડીને મોટરકાર સુધીની અનેક ચીજવસ્તુઓની ખરીદી થતી રહે છે, જેને કારણે અર્થતંત્રનાં ચક્રો સતત ગતિમાન રહી શકે છે.
અલબત્ત, આજના ‘ન્યૂ’ મિડલ ક્લાસ અને વીસ વર્ષ પહેલાંના મિડલ ક્લાસ વચ્ચે બહુ મોટો તફાવત છે. નેહરુ-ગાંધીના શાસન વખતે ભારતમાં ખાનગી કંપનીઓનો આજે જોવા મળે છે તેવો રાફડો ન હતો. રોજગારીની તકો સીમિત હતી એટલું જ નહિ, પણ પગારનું ધોરણ હતાશાજનક હતું. સરેરાશ વ્યક્તિ સરકારી તેમજ અર્ધસરકારી કાર્યાલયોમાં નોકરી કરતો, માટે ગુજરાન ચલાવવા માટે સંપૂર્ણ રીતે સરકાર પર નિર્ભર હતો. આવા સંજોગોમાં સરકાર વિરુદ્ધ ઉંહકાર કરવો તેને પરવડે નહિ.
આજે વૈશ્વિકરણના યુગમાં રચાયેલા ‘ન્યૂ’ મિડલ ક્લાસ તરીકે ઓળખાતા વર્ગને એવી નામોશીનો સામનો કરવો પડતો નથી. ભારતમાં રોજગારીની તકો એટલી હદે વિકસી છે કે પોતાના કાર્યક્ષેત્રમાં પારંગત લોકો દર થોડા વખતે નોકરી બદલી વધુ ઊંચા પગારના પગથિયે ચડે છે. પોતાના કામનું મહત્તમ આર્થિક વળતર તેમને જોઇએ છે. વળી પોતે ખર્ચેલાં નાણાંનું સર્વિસરૂપે યા ચીજવસ્તુરૂપે સંતોષકારક રિટર્ન મળે એ બાબતે પણ તેઓ જાગૃત થયા છે. આ જાગૃતિએ વિવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી તેમજ મોબાઇલ ફોન જેવી સેવાઓ આપતી કંપનીઓને અટેન્શનમાં લાવી દીધી છે. ગ્રાહકને નાખુશ કરવામાં સાર નથી એ બ્રહ્મજ્ઞાન આજે દરેક કંપનીઓને થઇ ચૂક્યું છે, માટે consumer is the king ની ઉક્તિ સાચી ઠરતી જણાઇ રહી છે.
આ વસ્તુસ્થિતિને અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સાથે શો સંબંધ ? એક રીતે જોતાં બહુ ગાઢ સંબંધ છે. ઉદાર આર્થિક નીતિના પગલે ભારતમાં મિડલ ક્લાસ વર્ગમાં આવતા લોકોની સંખ્યામાં અને માટે કરદાતાઓની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે. સર્વિસ ટેક્સ, ઇન્કમ ટેક્સ, વેલ્યુ એડેડ ટેક્સ/VAT વગેરે વિવિધ જાતના કરવેરાઓથી દેશની પ્રજા સરકારી તિજોરીને છલકાવી દે છે. ટેક્સનું ચૂકવણું નેહરુગાંધીના શાસન દરમ્યાન પણ લોકો કરતા હતા, પણ આજની પેઢી તેમના પૂર્વજો કરતાં જુદી વિચારધારા ધરાવે છે. પોતે ટેક્સરૂપે ચૂકવેલા નાણાંનો સરકાર પાસે જવાબ માગવામાં તેને ક્ષોભસંકોચ થતો નથી. ઊલટું, એમ કરવું તેઓ પોતાનો હક્ક ગણે છે. (આ હક્ક તેમને સરકારે Right To Information Act હેઠળ આપ્યા વિના છૂટકો ન રહ્યો એ મુદ્દો ભૂલવા જેવો નથી). નબળા રાજકીય વહીવટ બદલ સરકાર સામે અવાજ ઉઠાવવા તેઓ તૈયાર છે, પણ યોગ્ય આગેવાનના અભાવે તેમણે ચૂપકીદી વેઠવી પડે છે.
આવા સમયે અન્ના હજારે જેવા એકાદ ગાંધીવાદી અને ભ્રષ્ટાચારથી પર આગેવાન તેમના વિચારને વાચા આપવા મેદાને પડે ત્યારે સૌને એકજૂથ થતાં વાર ન લાગે એ સમજી શકાય તેવી વાત છે. ગયે મહિને એમ જ બન્યું. કોમનવેલ્થ ગેમ્સથી માંડીને સ્પેક્ટ્રમ સુધીના વિવિધ કૌભાંડોથી પ્રજા ત્રસ્ત હતી. પરિણામે સરકારી બાબુઓ દેશની તિજોરીમાં વધુ ગાબડાં ન પાડે અને લોકપાલ બિલના બહાને તેમના પર પ્રજાની નજર રહે એ ખાતર લોકોએ અન્ના હજારેને બહોળું સમર્થન આપ્યું. સમર્થનનો જુવાળ દેશભરમાં ફેલાઇ શક્યો તેમાં મીડિઆએ તેમજ ફેસબુક અને ટિ્વટર જેવી સોશ્યલ નેટવર્કીંગ સાઇટ્સે પણ મોટો ફાળો આપ્યો. આજનો ભણેલાગણેલો ‘ન્યૂ’ મિડલ ક્લાસ વર્ગ તેમને કારણે આંદોલનમાં ખેંચાઇ આવ્યો. લોકપાલ બિલના મુદ્દે થયેલા અનેક આંદોલનોના ઇતિહાસમાં શિક્ષિત વર્ગ મોટા પાયે જોડાયો હોય એવું કદાચ પહેલી વખત બન્યું.
ટેક્સની રકમ વડે સરકારી તિજોરી વર્ષો થયે ભર્યે રાખતી અને સરકાર તે રકમનો શો વહીવટ કરે છે તે જાણવાની લગીરે દરકાર ન રાખનારી ભારતની ઊંઘણશી પ્રજા પહેલી વાર જાગ્રત થઇ છે. ફરી પાછી તે નિંદરમાં પોઢી ન જાય અને ભ્રષ્ટાચાર સામે આંખમીંચામણાં કરવાનું બંધ કરે તો માનવું કે અન્ના હજારેના ઉપવાસ દેશ આખાને ફળ્યા.
THID IS MORE LIKE IT!
ReplyDeleteNO ONE CAN DO WHAT ANNA DONE AND ATLAST WE PEOPLE OF INDIA SHOW ,WHAT A SINGLE MAN DO WITH PUBLIC SUPPORT!
THE PEOPLE COME ARE NOT THE PEOPLE THAT IS BEEN COME FOR MONEY THEY CAME THEM SELVES AND SO MP"S FEARS AND GIVE ANNA A RESOLUTUION!
Looking at people’s response to the recent agitation, I have been thinking along the same lines that the reason why people of India came together in this magnitude is because of the globalisation. In this information age, people can get instant updates through media and other electronic mediums. The number of Indians traveling around the world has also increased in many folds. Hence, they are now getting more detailed exposures of the developed worlds and their common sense would obviously ask them that why India could not achieve this as yet? I am so pleased to read your thorough analysis on this matter. I must congratulate you for this. Well done. May be I am very optimistic but I surely see a very bright future for India. - Kapil Mehta, Brisbane
ReplyDeleteલોકપાલ ના સફળ આંદોલન ના મુદ્દા ને 'સંપાદક નો પત્ર' માં સમાવવા બદલ ધન્યવાદ.
ReplyDeleteઆપણા દેશ ની આ અવદશા જોતા એક વાત માં તો કોઈ શંકા રહી નથી કે દેશની કોઈ પણ સરકાર માં પોતાની વોટબેંક ની ઉપરવટ જઈને દેશ માટે ઉપયોગી નિર્ણય લેવાની ત્રેવડ રહી નથી. આ વાત તો સ્વયં વડાપ્રધાન પણ મીડિયા સમક્ષ સ્વીકારી ચુક્યા છે. માટે હવે લોકપાલ જેવા કાયદા આવા જોરદાર અંદોલન સિવાય આવે તેમ નથી. માટે પ્રજા એ એક પછી એક કડક કાયદાઓ આવા આંદોલન થકી લાવવા ની જવાબદારી લેવી જોઈએ. અન્ના હજારે એ જગાવેલી આ જ્યોત હવે બુજાવી ના જોઈએ તે જવાબદારી આપણી છે.
વધારે શરમ ની વાત તો એ છે કે અરવિંદ કેજરીવાલ જેવા સ્વયંસેવકોએ જાણે લોકપાલ આંદોલન માં સહયોગ આપી ને કોઈ ગંભીર ગુનો કર્યો હોય તેમ સરકાર તેમની વિરુદ્ધ નકામા આક્ષેપો મુકીને કેસો ચલાવી રહી છે. આપણી સરકાર ને ક્યારેય બુદ્ધિ કે શરમ આવે તેમ નથી માટે પ્રજા આવા આંદોલનો થકી એકજુથ થઇ વધુ આંદોલનો ચલાવે તેવી કામના.
https://www.facebook.com/vivek.ravani#!/vivek.ravani/posts/10150266731466272
ReplyDeleteIndians shows to governments that to ruling india and making doing billion dollar scam is not child's play.People are enough intelligent to understand what is happining in Parliament.Shri Anna Hajare did fabulous job to re unite indians for their rights.I hope people keeps fighting against corruption
ReplyDeletekunal gadhavi(loyal safari reader)