ગરીબીનાબૂદીના શોર્ટ-કટ જેવી ગરીબીરેખાની નવી વ્યાખ્યા

અર્થતંત્રના આંકડાઓની વિશ્વસનીયતા માટે અંગ્રેજીમાં એક જાણીતી ઉક્તિ છે: Lies, damn lies and statistics ! ગુજરાતીમાં તેનો સરળ તરજુમો કરવો હોય તો કંઇક આવો થાય: જુઠ્ઠાણું, હળાહળ જુઠ્ઠાણું અને એનાથી પણ વધુ જુઠ્ઠાણું એટલે અર્થતંત્રના આંકડા ! 

આ ઉક્તિને સાચી ઠરાવતો એક તાજો દાખલો દિલ્હીની સરકારે ગયે મહિને ‘ગરીબી’ શબ્દની નવી વ્યાખ્યા બાંધીને બેસાડ્યો. વ્યાખ્યા મુજબ શહેરી વિસ્તારમાં રોજના Rs.૩૨ અને ગ્રામ્ય વિસ્તારમાં રોજના Rs.૨૬ કે તેથી વધુ ખર્ચ કરનારી વ્યક્તિને ગરીબ કહી શકાય નહિ. પરિણામે એવી વ્યક્તિને સરકાર તરફથી Below Poverty Line/BPL યોજનાઓ હેઠળ અપાતા લાભો મળી શકે નહિ.  આ વ્યાખ્યાએ ભારતીય અર્થતંત્રના આંકડાઓને કેવી રીતે બદલી નાખ્યા તે સમજવા જેવું છે.

આપણે ત્યાં ‘ગરીબ’ શબ્દને લગતી વ્યાખ્યા હંમેશાં વિવાદાસ્પદ રહી છે. લગભગ ૬૫ વર્ષ પહેલાં એમ નક્કી થયું હતું કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજનો અનુક્રમે ૨,૧૦૦ કેલરીથી અને ૨,૪૦૦ કેલરીથી ઓછો ખોરાક પામતા હોય તેમને ગરીબ તરીકે વર્ગીકૃત કરવા જોઇએ. આવી સંકુચિત વ્યાખ્યાને હાસ્યાસ્પદ ગણવી રહી, કેમ કે પર્યાપ્ત કેલરી મેળવતી વ્યક્તિ પાસે સાબુ, કેરોસીન, પગરખાં, કપડાં વગેરે ખરીદવાના પૈસા ન હોય તો પણ વ્યાખ્યા મુજબ એ ગરીબ કહેવાય નહિ. આમ છતાં આપણી સરકારો આવા ભ્રામક માપદંડને વળગી રહી. છેવટે નવેમ્બર, ૨૦૦૯માં ભારતના આયોજન પંચે નીમેલી સુરેશ તેન્ડુલકર સમિતિએ ગરીબીરેખા અંગે નવાં ધારાધોરણોનો રિપોર્ટ આપ્યો. નવાઇની વાત એ કે રિપોર્ટ ૨૦૦૪-૦૫માં જે તે ચીજવસ્તુઓના (દા.ત. ઘઉં, ચોખા, મીઠું વગેરેના) ભાવોને આધારે તૈયાર કરાયો હતો, જે મુજબ શહેરી વિસ્તારમાં જે વ્યક્તિ રોજના Rs.૨૦ કરતાં અને ગ્રામ્ય વિસ્તારમાં જે વ્યક્તિ રોજના Rs.૧૫ કરતાં ઓછી રકમ ખર્ચતી હોય તે ગરીબ લેખાય એવું તેન્ડુલકર સમિતિએ ઠરાવ્યું.
Photo: AP
આ આંકડાઓના જ આધારે ગયે મહિને આયોજન પંચે ગરીબીરેખાનું નવું માપદંડ નક્કી કર્યું. વ્યક્તિની દૈનિક ખરીદશક્તિની ગણતરી માંડતી વખતે તેણે ચીજવસ્તુઓના ૨૦૦૪-૦૫ની સાલના જ ભાવોને ધ્યાનમાં લીધા. ખરેખર તો ૨૦૧૧ના ભાવોને કેંદ્રમાં રાખી હિસાબ માંડવો જોઇએ, પણ એમ કરવા જતાં ગરીબીરેખા નક્કી કરતો આંકડો ઊંચો આવે એ સ્વાભાવિક હતું. એક ગણતરી મુજબ ફુગાવાના વર્તમાન દરને તેમજ મોંઘવારીને ધ્યાનમાં લો તો રોજની સરેરાશ ૨,૨૦૦ કેલરી મેળવવા માટે જરૂરી ખોરાક પાછળ આજે Rs.૪૪ કરતાં ઓછો દૈનિક ખર્ચ ન થાય. જીવનજરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓ પાછળ થતા ખર્ચનો પણ કરકસરિયો હિસાબ ગણો તો બીજા Rs.૫-૭ ઉમેરી શકાય. (FYI: ગરીબીરેખા માટે વર્લ્ડ બેન્કે ઠરાવેલો દૈનિક ખર્ચ ૧.૨૫ ડોલર છે). તાજેતરમાં Rs.૩૨નો આંકડો તો પછી ગરીબીરેખાના લેવલ તરીકે પસંદ કેમ કરાયો ?
કારણ સમજી શકાય તેવું છે: ગરીબીરેખાનો સૂચકઆંક જેટલો નીચો, દેશમાં ગરીબોની સંખ્યા એટલી ઓછી ! ગરીબીરેખાનો નવો દર Rs.૩૨ નો કર્યા પછી આજે ભારતમાં ૪૦.૭૪ કરોડ લોકો ગરીબીરેખા નીચે જીવતા હોવાનું કહેવાય છે. (આ આંકડો પ્લાનિંગ કમિશને માત્ર અંદાજ માંડીને તારવ્યો છે). માનો કે ગરીબીરેખા Rs.૩૨ ને બદલે Rs.૫૦ મુજબ ગણો તો શું બને? દેખીતી વાત કે દેશમાં ગરીબોની સંખ્યાનો ફિગર ૪૦.૭૪ કરોડ કરતાં ક્યાંય વધી જાય. ગરીબીનાબૂદીનાં બણગાં ફૂંકતી સરકાર માટે એ સ્થિતિ આવકાર્ય નથી.

ગરીબોનું જીવનસ્તર ઊંચે લાવવાનો સારો ઉપાય ફુગાવાના દરને ઘટાડવાનો છે, પણ એમ કરવામાં સરકાર નિષ્ફળ ગઇ છે. પરિણામે ગરીબીનો આંક ઘટાડવાના શોર્ટ-કટ ઇલાજ તરીકે તેણે ગરીબીરેખાને જ તેના જરૂરી સ્તર કરતા નીચા લેવલે આણીને મૂકી દીધી છે. આને અર્થતંત્રના આંકડા સાથે manipulation/ચેડાં ન કહો તો બીજું શું કહો ? 

એક જાણીતા અર્થશાસ્ત્રીના મતે ભારતની પ્રગતિનો ઘણો ખરો લાભ આર્થિક રીતે ઉપલા વર્ગના લોકોને મળે છે, જેમની સંખ્યા ૨૨.૫ કરોડથી વધારે નથી. સૌથી ગરીબ એવા ૧૦% લોકોને દેશની આવકનો કુલ માત્ર ૩% હિસ્સો પ્રાપ્ત થાય છે. સૌથી પૈસાદાર એવા ૧૦% લોકો કુલ ૩૧% હિસ્સો લઇ જાય છે. આમ છતાં દિલ્હીમાં બેઠેલી સરકાર આમ આદમીની હોવાનો દાવો કરે છે.

Update: તાજા સમાચાર મુજબ પ્‍લાનિંગ કમિશને ગરીબીરેખાની વ્‍યાખ્‍યા પર પુનઃવિચાર કરવાનું ઠરવ્‍યું છે.

Comments

  1. પ્લાનિંગ કમીશન ના આ "'૩૨ રૂપિયા ના અમીરો'' ના રિપોર્ટે ગરીબો અને આમ આદમીઓ સાથે એટલી ક્રૂર મજાક કરી છે એનો તેમને અંદાજ હોય આવું લાગતું નથી. કેમ કે આવા નેતા અને રાજકારણીઓ પોતાની ગાડી માં બેસી ને શરુ કરે ત્યાં જ ૩૨ રૂપિયા નું પેટ્રોલ બળતા હોય છે. સરકાર કદાચ એ પણ ભૂલી ગઈ છે ક છેલ્લા એક વરસ માં ૧૦ વખત તેઓ પેટ્રોલ માં ભાવવધારો કરી ચુક્યા છે. અને તેને કારણે શાકભાજી, દવા સહીત બધીજ પ્રાથમિક જરૂરિયાતો ના ભાવ માં વધારો થાય છે. મધ્યમવર્ગ અને ગરીબો ને ઘરખર્ચ ના બે છેડા ભેગા કરવા માં મુશ્કેલી પડે છે ત્યાં પ્લાનિંગ કમીશનનો આવો રિપોર્ટ દાઝ્યા પર ડામ જેવો છે. દેશ માં જયારે અડધો અડધ વસતી ગરીબી રેખા નીચે જીવે છે ત્યારે આવા હવાતિયા મારતી સરકારને સત્તા પર રહેવાનો અધિકાર નથી. આ જ બધા આમ આદમી ચૂંટણી માં પોતાનો જવાબ આપશે.

    ReplyDelete
  2. આપણા દેશમાં આંકડાઓ અને નિયમોનો હવાલો આપીને પ્રજાને મુરખ બનવવાની બહુ જૂની પરંપરા છે. ગયા વર્ષે જારખંડના પલામુ જિલ્લામાં એક આદિવાસી સ્ત્રીનું કુપોષણને કારણે મૃત્યુ થયું. પલામુ દેશના સૌથી પછાત ગણાતા જિલ્લાઓમાંથી એક છે. સરકારી આંકડાઓ પ્રમાણે ત્યાના ૯૦% લોકો ગરીબ ગણાય છે(એટલે ખરેખર તો ૧૦૦ એ ૧૦૦% લોકો ગરીબ ગણાય). આ સ્ત્રીને ઘણા દિવસથી ખાસ કશું ખાવાનું નહોતું મળ્યું પણ સરકારી અધિકારીઓએ એ સ્ત્રીના મૃત્યુને કુપોષણ મૃત્યુ તરીકે નોંધાવાની ના પડી દીધી. જયારે ખુબ હોબાળો થયો અને વાત સ્થાનિક છાપાઓમાં ચગી ત્યારે સરકારી બાબુઓએ એવો ખુલાસો આપ્યો કે સરકારી નિયમો પ્રમાણે જો કોઈ વ્યક્તિ દસ દિવસ સુધી તદ્દન ભુખ્યો રહ્યા પછી મારી જાય તો એનું મૃત્યુ કુપોષણને કારણે થયેલું લેખાય. જો કે આ સ્ત્રીએ તો સાત દિવસ પહેલા થોડા વાસી ભાત ખાધેલા એટલે તેના મૃત્યુને કુપોષણને લીધે થયેલું મૃત્યુ ન લેખાય.

    જયારે બધા આંકડાનો ખેલ પડતા હોય ત્યારે હું કેમ પાછળ રહું, લેતા જાઓ મારી તરફથી પણ.

    ૧) ભારત ખરેખર પ્રગતી કરી રહ્યું છે કારણકે ભારતનો ટુ જી ગોટાળો દુનિયાનો સૌથી મોટી રકમનો ગોટાળો છે.

    ૨)લેટેસ્ટ આંકડા પ્રમાણે ભારતની સંસદ ચલાવવાનો એક મિનિટનો ખર્ચ ૨૩,૦૮૦ રૂપિયા થાય છે.

    ૩) રોજના માત્ર ૩૨ રૂપિયા કમાવનાર ૪૦ કરોડ ગરીબોના દેશમાં એકલા કસાબની સુરક્ષા પાછળ ૩૨ કરોડ રૂપિયા અત્યાર સુધી ખર્ચી નાખવામાં આવ્યા છે.

    ૪) આમ આદમની યુ.પી.એ સરકારના મંત્રીઓની સરેરાશ સંપતિ ફક્ત ૧૦,૬૩,૫૫,૦૯૭ રૂપિયા છે.

    ReplyDelete
  3. તો પછી સરકારી કર્મચારી ઓનું D.A. કઈ રીતે નક્કી થાય છે ?

    ReplyDelete
  4. ભારત એવો દેશ છે જ્યાં ગરીબી એ શ્રીમંત ને વધુ શ્રીમંત બનાવવા માટે ની જવાબદારી છે....

    ReplyDelete
  5. Bharat na netao kyare samajshe ?

    Vicharta nahi aa IMPOSSIBLE thing chhe...........

    ReplyDelete
  6. તમને સુ લાગે છે હર્ષલ ભાઈ ગરીબી રેખા નીચે જીવતા લોકો નો જે આ ૪૦.૭૪ કરોડ નો આંકડો છે એ ખરેખર સાચો છે?
    નઈ, ૨૦ કરોડ ઉપર તો એવા લોકો હશે જેમની મીનીમમ આવક દરોજ ની ૧૦૦ ઉપર હશે.
    અતો ખાલી BPL માં નામ લખવા માટે ખોટી income બતાવે

    ReplyDelete
  7. તમને સુ લાગે છે હર્ષલ ભાઈ ગરીબી રેખા નીચે જીવતા લોકો નો જે આ ૪૦.૭૪ કરોડ નો આંકડો છે એ ખરેખર સાચો છે?
    નઈ, ૨૦ કરોડ ઉપર તો એવા લોકો હશે જેમની મીનીમમ આવક દરોજ ની ૧૦૦ ઉપર હશે.
    અતો ખાલી BPL માં નામ લખવા માટે ખોટી income બતાવે

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya