સાઉન્ડિંગ રોકેટથી મંગળયાન : ભારતીય સ્પેસ પ્રોગ્રામનાં પ૦ વર્ષ
આ લખાય છે ત્યારે ઇસરોનું (નવેમ્બર ૫, ૨૦૧૩ના રોજ લોન્ચ કરાયેલું)
મંગળયાન અંતરિક્ષમાં પૃથ્વી ફરતે લંબગોળ ભ્રમણકક્ષામાં પ્રદક્ષિણા કરી રહ્યું છે.
આ વાંચી રહ્યા છો ત્યારે લગભગ ૧,૩૦૦ કિલોગ્રામનું એ યાન પૃથ્વીનું
બંધન હંમેશ માટે છોડીને મંગળના ૭૮ કરોડ કિલોમીટર લાંબા અવકાશી પ્રવાસ માટે પ્રયાણ કરી
ચૂક્યું છે. યાત્રા લાંબી છે, માટે રાતા ગ્રહ મંગળ સાથે મંગળયાનના મિલાપનું મુહૂર્ત
સપ્ટેમ્બર ૨૪, ૨૦૧૪ પહેલાં આવવાનું નથી. લગભગ સવા ટનના પેકેજને પૃથ્વી પરથી રોકેટ વડે
લોન્ચ કરીને ૭૮ કરોડ કિલોમીટર છેટે મંગળની ભ્રમણકક્ષામાં સહીસલામત પહોંચતું કરવું એ
સિદ્ધિ નાનીસૂની ન ગણાય. યુરોપ, અમેરિકા અને રશિયા સિવાય કોઇ તે સિદ્ધિ મેળવી શક્યું
નથી. મંગળયાન થકી હવે ભારતનું નામ એ મોભાદાર લિસ્ટમાં સામેલ થવા જઇ રહ્યું હોય ત્યારે
સપ્ટેમ્બર ૨૪, ૨૦૧૪ નો દિવસ સ્પેસ પ્રોગ્રામની ભારતીય તવારીખ માટે સીમાચિહ્ન ગણવો રહ્યો.
ક્રાંતિની
જ્વાળા પ્રગટાવવામાં નાનો અમથો તણખો પૂરતો છે. આ જાણીતી વાત ભારતીય સ્પેસ પ્રોગ્રામને
માત્ર અલંકારિક નહિ, પ્રેક્ટિકલ સ્વરૂપે પણ લાગૂ પડે છે. કારણ કે આજથી પચાસ વર્ષ પહેલાં
સ્વદેશી સ્પેસ પ્રોગ્રામનો આરંભ ખરેખર જ ફટાકડાછાપ સાઉન્ડિંગ રોકેટે વેરેલા તણખા સાથે
થયો. રોકેટનું નામ હતું અપાચી-નાઇક, જેના છૂટક પૂરજા ૧૯૬૩માં અમેરિકાથી આયાત કરવામાં
આવ્યા હતા. આયાતી પૂરજાને જોડવા માટે ઇસરો પાસે હાઇ-ટેક લેબોરેટરી ન હતી. સમ ખાવા પૂરતું
વર્કશોપ પણ નહિ. (ખરું પૂછો તો ઇસરો નામની સંસ્થાનું જ ત્યારે અસ્તિત્વ ન હતું). લેબોરેટરી
કહો કે વર્કશોપ, પણ તે કેરળના થિરુવનન્તપુરમ્ શહેરથી ૬૦ કિલોમીટરે આવેલા થુમ્બા નામના
ગામનું ખ્રિસ્તી દેવળ હતું. ભારતીય વૈજ્ઞાનિકોની ટુકડીએ તે દેવળને અપાચી-નાઇક રોકેટના
અસેમ્બલિંગ માટે પસંદ કર્યું. દેશના સ્પેસ પ્રોગ્રામનો આરંભ લેબોરેટરીને બદલે ખ્રિસ્તી
દેવળમાં થયો હોય એવો એકમાત્ર દાખલો ભારતે બેસાડ્યો. અહીં જો કે સ્થળ નહિ, ત્યાં હાથ
ધરાયેલું કામ મહત્ત્વનું હતું. દેશના સ્પેસ પ્રોગ્રામની બુનિયાદ જેમના હાથે નખાઇ રહી
હતી તે વિજ્ઞાનીઓને કામ કરવા થુમ્બા ખાતે પૂરતી સગવડો ન હતી તેમ એમને માટે આવાસની પણ
સુવિધા નહોતી. સ્ટેશન નજીકની લોજમાં તેમણે રહેવું અને ખાવું પડતું હતું. લોજ અને દેવળ
સુધીનો દૈનિક પ્રવાસ કરવા માટે તેમનું એકમાત્ર વાહન હતું સાઇકલ, જે પેસેન્જર ઉપરાંત
ગૂડ્ઝ કેરિઅર પણ હતું. રોકેટનું બળતણ, એન્જિનના છૂટક પાર્ટ્સ, અન્ય સામગ્રીઓ વગેરેને
સાઇકલના કેરિઅર પર લાદીને એકથી બીજા સ્થળે ટ્રાન્સપોર્ટ કરવામાં આવતા હતા--અને તે જવાબદારી
પણ ખુદ વિજ્ઞાનીઓએ જ ઉપાડી લીધી હતી.
સંખ્યાબંધ
અડચણો, મુશ્કેલીઓ તેમજ અગવડો વચ્ચે ભારતીય વિજ્ઞાનીઓએ નાઇક-અપાચી રોકેટના પૂરજા જોડ્યા
અને નવેમ્બર ૨૧, ૧૯૬૩ની સાંજે તે સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ કરી બતાવ્યું. ભારતનો
અવકાશી પ્રોગ્રામ એ દિવસે સત્તાવાર રીતે શરૂ થયો, જેના અન્વયે ૧૯૬૭માં રોહિણી-૭૫ નામનું
સો ટકા સ્વદેશી રોકેટ બન્યું. થોડાં વર્ષમાં ઇસરોનું ગઠન થયું, જેના કાર્યક્ષમ વિજ્ઞાનીઓ
PSLV અને GSLV રોકેટો થકી તથા ઇન્સેટ અને રિમોટ
સેન્સિંગ ઉપગ્રહો થકી ભારતને સ્પેસ ટેક્નોલોજિના તેમજ સેટેલાઇટના યુગમાં દોરી ગયા.
૧૯૬૩
થી ૨૦૧૩ના પચાસ વર્ષમાં ઇસરોએ ૧૦૦ કરતાંય વધુ મિશનો સફળતાપૂર્વક પાર પાડી બતાવ્યાં
છે. પ્રત્યેક મિશનમાં દેશહિતને ઇસરોએ કેંદ્રસ્થાને રાખ્યું છે. આમ છતાં એ હકીકત ઘણી
વખત નજરઅંદાજ કરવામાં આવે છે. આનો તાજો દાખલો મંગળયાન પ્રોજેક્ટ છે, જેની પાછળ થયેલા
રૂા.૪૬૦ કરોડના ખર્ચને લઇને ગયે મહિને હોબાળો મચ્યો. આ રકમ દેશની ગરીબ પ્રજાના કલ્યાણ
માટે વાપરવાની ભલામણ કરી અનેક લોકોએ ઇસરોના મંગળયાન મિશનને વખોડી કાઢ્યું. આ લોકોએ
ન ભૂલવું જોઇએ કે વૈજ્ઞાનિક દષ્ટિએ હાથ ધરાયેલા અવકાશી સંશોધનના પ્રત્યક્ષ ફાયદા કદી
મળતા નથી. સફળ મંગળયાત્રા યોજી બતાવવા પાછળ ઇસરોનો હેતુ એ છે કે સેટેલાઇટ લોન્ચિંગના
સંભવિત ગ્રાહક દેશોને ભારતની લોન્ચિંગ ક્ષમતા પર અને ટેક્નોલોજિ પર ભરોસો બેસે. વળી
મંગળયાન પેટે પ્રત્યેક દેશવાસીના શિરે માત્ર રૂા.૪નો ખર્ચ આવ્યો છે. આ નજીવો ખર્ચ પણ
જો ભારે લાગતો હોય તો એને દેશની કમનસીબી ગણવી જોઇએ. ખરા ભારતરત્નો રાજકારણમાં કે ક્રિકેટના
મેદાનમાં નહિ, પણ ઇસરોમાં પાક્યા છે. અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રે ભારતની કીર્તિ તેમણે
છેક મંગળ સુધી પહોંચાડી આપી, છતાં પોતે ન તો ક્યારેય યોગ્ય કીર્તિ પામ્યા કે ન યોગ્ય
આર્થિક વળતર પામી શક્યા. આને પણ દેશની કમનસીબી ન કહો તો બીજું શું ?
ખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ ..સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું વેબ સાઇટ બનાવનારના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..
ReplyDeleteThank you very much for such wonderful and informative article....hats of to scientist of India...we are very proud of them
ReplyDeleteમાહિતી બદલ આભાર.
ReplyDeleteજો સામાન્ય લોકોને યોગ્ય માહિતી અને તેના લાભા-લાભ વિશે પુરતી જાણકારી આપવામાં આવે તો તેઓ આ પ્રકારના મિશન અને તેના ખર્ચ અંગે ચોક્કસ હકારાત્મક વલણ અપનાવી શકે છે. અહી વધુ વાંક સામાન્ય લોકો કરતાં તેમને ગેરમાર્ગે દોરનારા જુજ વ્યક્તિઓનો હોય છે જેઓ પોતાના અંગત સ્વાર્થ માટે દેશહિતને અવગણીને લોકોની દ્રષ્ટિને વિશાળ બનતા રોકતા હોય છે.
very useful article!!!!
ReplyDelete