૧૯૬૨ના યુદ્ધમાં ભારતીય છબરડાઓનો પર્દાફાશ કરતો હેન્ડરસન બ્રૂક્સ રિપોર્ટ

ઓક્ટોબર, ૧૯૬૨માં ચીનના હાથે બૂરી રીતે હાર્યા પછી ભારતના સંરક્ષણ ખાતાએ પરાજયનાં કારણો તપાસવા માટે વિસ્તૃત દસ્તાવેજી રિપોર્ટ તૈયાર કરવાનું ઠરાવ્યું. ૧૯૬૨માં જાલંધર ખાતેની ૧૧મી કોરના કમાન્ડિંગ ઓફિસર લેફ્્ટનન્ટ-જનરલ હેન્ડરસન બ્રૂક્સને તે કામ સોંપાયું, જેણે બ્રિગેડિઅર પી. એસ. ભગતના સહયોગમાં વિશ્લેષણાત્મક રિપોર્ટ તૈયાર કરી જુલાઇ, ૧૯૬૩માં સંરક્ષણ ખાતાને સુપરત કર્યો. બ્રૂક્સનો અને ભગતનો રિપોર્ટ ચોંકાવનારો હતો. યુદ્ધ માટે ભારતની અપૂરતી લશ્કરી તૈયારીના સંખ્યાબંધ દાખલા તેમાં ટાંક્યા હતા. અલબત્ત, વધુ ભાર તેમણે એ વાતે મૂક્યો કે યુદ્ધકાળના રાજકીય આગેવાનોની લાપરવાહી તેમજ વ્યૂહાત્મક લઘુદષ્ટિ સરવાળે ભારતની હારમાં વધુ ભાગે જવાબદાર ઠરી હતી. દોષનો ટોપલો માથે આવતો દેખાયો, એટલે તત્કાલિન સરકારે હેન્ડરસન બ્રૂક્સના અને પી. એસ. ભગતના રિપોર્ટને ‘ક્લાસિફાઇડ’નું લેબલ મારીને ગુપ્ત સરકારી ફાઇલો વચ્ચે ગોંધી દીધો. ભારતીય કાયદા મુજબ ‘ક્લાસિફાઇડ’ સરકારી દસ્તાવેજો ૨૫મે વર્ષે જાહેર જનતા સમક્ષ ખૂલ્લાં મૂકાવાં જોઇએ, પરંતુ બ્રૂક્સ-ભગતના રિપોર્ટ પરથી દેશની એકેય સરકારે સિક્રેટનો પડદો ઊઠાવ્યો નહિ. સરકાર દ્વારા રિપોર્ટ હજી પણ ‘ક્લાસિફાઇડ’ રાખવામાં આવ્યો છે.
લેફ્ટનન્ટ-જનરલ હેન્ડરસન બ્રૂક્સ
બ્રિગેડિઅર પી. એસ. ભગત
પચાસ વર્ષે પહેલી વાર ગયે મહિને તે અનધિકૃત રીતે પ્રકાશમાં આવ્યો. મૂળ બ્રિટિશ, પણ હાલ ઓસ્ટ્રેલિયા નિવાસી પત્રકાર નેવિલ મેક્સવેલે તેને માર્ચ ૧૭, ૨૦૧૪ના રોજ ઇન્ટરનેટ પર મૂકી ભારત સહિત આંતરરાષ્ટ્રીય મીડિઆમાં હળવો ભૂકંપ સર્જ્યો છે. ૧૯૬૨માં ચીની આક્રમણ વખતે વડા પ્રધાન નેહરુ તથા સંરક્ષણ મંત્રી કૃષ્ણ મેનન જેવા રાજકીય આગેવાનો તેમજ ચીફ ઓફ ધ જનરલ સ્ટાફ લેફ્ટનન્ટ-જનરલ બ્રિજ મોહન કૌલ જેવા લશ્કરી અફસરો કેટલી હદે ગાફેલ રહ્યા તેની એનાલિસિસ કરતો દસ્તાવેજ કુલ ૧૯૦ પાનાંનો છે, જેમાં ટાંકેલા અમુક કિસ્સા માનો યા ન માનો જેવા છે. એક ટૂંકી ઝલક અહીં તપાસવા જેવી છે--

તારીખ સપ્ટેમ્બર ૮, ૧૯૬૨ની એટલે ચીની લશ્કરે ભારત પર જંગી આક્રમણ કર્યાના લગભગ એકાદ મહિના પહેલાંની હતી. નેફા સરહદે મેક્મેહોન રેખાનો મોરચો સંભાળતા મુખ્ય ચોકીના ભારતીય અફસરે ખુશ્કીદળના હેડ્ક્વાર્ટરને એ દિવસે અર્જન્ટ મેસેજ પાઠવ્યો કે, ચીની ખુશ્કીદળના ૬૦૦ જેટલા સૈનિકો ઓચિંતું આક્રમણ લાવી રહ્યા છે. ફાયરિંગ શરૂ થયું છે. તાત્કાલિક લશ્કરી મદદ રવાના કરો.

સંદેશો વોર્નિંગ અલાર્મ જેવો હતો, જેના પગલે ચેતી જઇને ભારતે નેફા સરહદે તત્કાળ લશ્કરી તજવીજો આરંભી દેવી જોઇતી હતી. પરંતુ એમ ન બન્યું. નેફા સરહદના ભારતીય ઇન-ચાર્જ તેમજ ચીફ ઓફ ધ જનરલ સ્ટાફ લેફ્ટનન્ટ-જનરલ બ્રિજ મોહન કૌલ એ વખતે સહકુટુંબ કાશ્મીરમાં વેકેશન ગાળી રહ્યા હતા, જ્યાં તેમને ડિસ્ટર્બ કરવાની મનાઇ હતી. આમ છતાં ચીનનું લાલ સૈન્ય નેફામાં ઘૂસ્યું હોવાના સમાચાર કૌલને પહોંચતા કરાયા, પણ એ સીનિઅર અફસર પોતાની ડ્યૂટી સંભાળી લેવા માટે દિલ્લી પાછા ન આવ્યા. (ઓક્ટોબર ૨, ૧૯૬૨ના રોજ આવ્યા). લેફ્ટનન્ટ-જનરલ કૌલનો હોદ્દો ચીફ ઓફ ધ જનરલ સ્ટાફનો હતો, માટે દેશનું સંરક્ષણ જાસૂસીતંત્ર તેમના નેજા અને નિયંત્રણ હેઠળ કાર્ય બજાવતું હતું. આ તંત્રને સતર્ક કરી ગુપ્તચરોને તાબડતોબ જે તે મિશન પર લગાડી દેવા જોઇએ, પરંતુ કૌલે એવું પગલું ભરવું જરૂરી ન માન્યું. આ ભયંકર ભૂલ હતી. કોઇ યુદ્ધ કાર્યક્ષમ અને વ્યાપક જાસૂસી નેટવર્ક વિના જીતી ન શકાય, એટલે પ્રદરેક દેશમાં પ્રણાલિકાગત ધારો છે કે યુદ્ધના ભણકારા વાગી રહ્યા હોય ત્યારે સંરક્ષણ મંત્રાલય ચીફ ઓફ ધ જનરલ સ્ટાફની રજા રદ કરી નાખે. લેફ્ટનન્ટ-જનરલ કૌલના નામે એવો લેખિત ઓર્ડર ન છૂટ્યો, કારણ કે તેમના પર વડા પ્રપ્રધાન નેહરુની મહેર હતી. પત્ની કમલા નેહરુનાં તેઓ સગા હતા. નેહરુની લાગવગને લીધે તે અફસરે ભારતના ચીફ ઓફ ધ જનરલ સ્ટાફનો હોદ્દો મેળવ્યો હતો, જે ખુશ્કીદળના સેનાપતિ પછી તરતની બીજી પાયરીનો હતો. બિનઅનુભવી કૌલને ઇસ્ટર્ન કમાન્ડનો હવાલો સોંપીને નેહરુએ મોટી ભૂલ કરી નાખી હતી. વળી વધુ ગંભીર ભૂલ એ કે તેઓ હંમેશાં કૌલની લશ્કરી સલાહ મુજબ ચાલતા હતા. કદાચ સગા હોવાના નાતે કૌલ પર તેમને વધુ ભરોસો હતો.

લેફ્ટનન્ટ-જનરલ હેન્ડરસન બ્રૂક્સે તથા બ્રિગેડિઅર પી. એસ. ભગતે તેમના રિપોર્ટમાં નોંધ્યું છે તેમ ભારત-ચીન સરહદી વિવાદના મામલામાં અને સંભવિતપણે થનાર ભારત-ચીન વિગ્રહના મામલામાં ઘણા પ્રધાનોને તેમના રાજકીય સ્વાર્થ પૂરતો જ રસ હતો. સ્વાર્થ નહિ તો અહમ્ સંતોષવા પૂરતો રસ હતો. બાકી સરહદને લગતી વ્યૂહાત્મક સમસ્યાઓ, ભારતીય જવાનોને નેફા-લદ્દાખના પહાડી મોરચે નડતી મુશ્કેલીઓ, ચીનની લશ્કરી જમાવટ, મેક્મેહોન રેખાની આરપાર છાશવારે થતી ઘૂસણખોરીઓ, લદ્દાખના અક્સાઇ ચીન વિસ્તારમાં ચીન દ્વારા બેધડક રીતે ચલાવવામાં આવતી બાંધકામની પ્રવૃત્તિઓ વગેરે અત્યંત ગંભીર બાબતોને ઘણાખરા પ્રધાનો અવગણતા હતા. પરિણામે નેફા અને લદ્દાખ મોરચે જ્યારે ૩૦,૦૦૦ દુશ્મન સૈનિકોએ ઓક્ટોબર ૨૦, ૧૯૬૨ના દિવસે ભીષણ ગોલંદાજી અને ગોળીબાર સાથે ઓચિંતો હલ્લો બોલાવ્યો ત્યારે આપણે ઊંઘતા ઝડપાયા. દા.ત. ચીને ઘૂસણખોરી આરંભી ત્યારે લદ્દાખના મોરચે ૩૫,૦૦૦ ચોરસ કિલોમીટરનો આપણો પ્રપ્રદેશ સાવ રેઢો પડ્યો હતો. ભારતનું સૈન્ય તો ઠીક, સમ ખાવા પૂરતો એકેય સૈનિક ત્યાં નહોતો. બીજી એક ચોંકાવનારી હકીકત ઃ આપણી ફોજના એક બ્રિગેડિઅરની નજર સામે ચીનના ૨,૦૦૦ સૈનિકો હુમલાની તૈયારીમાં વ્યસ્ત હતા, પણ દિલ્હી સરકારના આદેશ મુજબ બ્રિગેડિઅરને તેમના પર ગોળીબાર કરવાની છૂટ ન હતી. કારણ ? બ્રિગેડિઅરની ફૌજી ટુકડીનું કામ રક્ષણ કરવાનું હતું, આક્રમણની સત્તા તેમને ન હતી.

આ બધી અંધાધૂંધી વચ્ચે બેઉ પક્ષે જે યુદ્ધ ખેલાયું તે પાછું લગીરે બળાબળનું નહોતું. ઘોડાપૂરની જેમ ધસી આવેલા ચીનના સૈન્યને મારી હટાવવા માટે ભારતના દરેક જવાન પાસે સરેરાશ ૫૦ બુલેટોનો સ્ટોક હતો. ચીની ખુશ્કીદળના સૈનિકો ઓટોમેટિક રાઇફલો વડે સજ્જ હતા, જ્યારે ભારતીય જવાનોએ તમંચા જેવી બોલ્ટ-એક્શન રાઇફલો વડે તથા અફસરોએ પિસ્તોલ વડે તેમનો મુકાબલો કરવાનો હતો. સરકાર પાસે તેમને આપવા માટે આધુનિક હથિયારો ન હતાં. લશ્કરી વાહનો, તોપો, તોપગોળા વગેરેની વહેંચણી પણ રેશનિંગના ધોરણે કરવામાં આવી હતી. પરિણામે કેટલાય જવાનો તથા અફસરો દેશના કાજે શહીદી વહોરી હિમાલયના સફેદ હિમશિખરો પર ઢળી ગયા.

આ હકીકતોથી દેશની જનતાને જે તે સરકારોએ પચાસ વર્ષ સુધી અંધારામાં રાખી. અંધકારનો પછેડો ગયે મહિને પત્રકાર નેવિલ મેક્સવેલે હેન્ડરસન બ્રૂક્સ અને પી. એસ. ભગતના વિશ્લેષણાત્મક રિપોર્ટને જાહેરમાં મૂકીને ખોલ્યો. આજે અરુણાચલ સરહદે ચીનની લશ્કરી તૈયારીઓ જોતાં એ રિપોર્ટમાંથી આપણી સરકારોએ (યાદ રહે કે અહીં કોઇ પક્ષની વાત નથી) બોધપાઠ લેવો જોઇએ. પરંતુ તેને બદલે ૧૯૬૨નો બ્રૂક્સ-ભગત રિપોર્ટ રાજકીય આક્ષેપબાજીઓ માટેનું વાઇલ્ડ કાર્ડ બન્યો એમાં રાજકીય આગેવાનોની શાહમૃગ વૃત્તિ છતી થાય છે. અરુણાચલ સરહદે ચીની ડ્રેગનના પડઘમ પછી તેમને ક્યાંથી સંભળાય ?

Comments

  1. I request u to start safari in hindi also , i am gujarati but i think people of india should be aware of the real knowledge that you provide.print and electronic media just look fake this days

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya