યુદ્ધ’૭૧ના સુપરસ્ટાર વિક્રાંતની ચિરવિદાય
એક દુઃખદ સમાચાર,
જે ખરેખર તો દેશ માટે શરમજનક ગણવા જોઇએ: પાકિસ્તાન સામે ૧૯૭૧ના યુદ્ધમાં રંગ રાખનાર
ભારતીય નૌકાદળનું વિમાનવાહક જહાજ ‘વિક્રાંત’ ભંગારવાડે નાખી દેવાયું છે. ભારત સરકારે
રૂા.૬૦ કરોડમાં તેનો સોદો એક ખાનગી કંપની સાથે ગયે મહિને કરી દીધો, એટલે ‘વિક્રાંત’
પર હવે સરકારી માલિકી રહી નથી. આ ભવ્ય જહાજ ટૂંક સમયમાં શિપ બ્રેકિંગ યાર્ડના હવાલે
થવાનું છે, જ્યાં તેના સ્પેરપાર્ટ્સને વન બાય વન છૂટા પાડી ભંગારભેગા કરી દેવામાં આવશે.
શરમની વાત છે કે ભારતીય યુદ્ધની તવારીખ જેણે સુવર્ણ અક્ષરે લખી આપી તે જહાજનું મૂલ્યાંકન
છેવટે લોખંડના ભાવે ભંગાર તરીકે કરાયું.
દેશના ઇતિહાસ ભેગી તેની ભૂગોળ પણ બદલી નાખવામાં
કોઇ એક યુદ્ધજહાજે બહુ નિર્ણાયક રોલ ભજવ્યો હોય તેવા પ્રસંગો દરિયાઇ યુદ્ધની લાંબી
તવારીખમાં જૂજ છે. એક કિસ્સો અમેરિકાના વિમાનવાહક જહાજ ‘એન્ટરપ્રાઇઝ’નો છે, જેણે બીજા
વિશ્વયુદ્ધ દરમ્યાન જાપાની નૌકાકાફલાને પ્રશાંત મહાસાગરમાં વારંવાર પડકાર્યો અને ‘બેટલ
ઓફ મિડવે’ જેવા અત્યંત મહત્ત્વપૂર્ણ સાગરસંગ્રામમાં અમેરિકાને વિજય અપાવ્યો. મિડવેનું
યુદ્ધ જાપાન જીતી ગયું હોત તો દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં જાપાની સૈન્યની આગેકૂચ નિશ્ચિત
હતી. પરંતુ ‘એન્ટરપ્રાઇઝે’ યુદ્ધનો તખ્તો અમેરિકાની તરફેણમાં બદલી નાખ્યો, જે બદલ અમેરિકન
સરકારે તે જહાજને ‘World War II Victory Medal’ કહેવાતો
વિશેષ ચંદ્રક એનાયત કર્યો. આજે ન્યૂ જર્સીમાં એ ઐતિહાસિક જહાજનું મેમોરિઅલ તેમજ મ્યૂઝિઅમ
નવી પેઢીને ‘એન્ટરપ્રાઇઝ’નાં બેજોડ કારનામાંની યાદ અપાવે છે.
બ્રિટિશ નૌકાદળના યુદ્ધજહાજ ‘વિક્ટરી’નો
ઉલ્લેખ પણ અહીં કરવો રહ્યો. ૧૮૦૫માં સ્પેનની દક્ષિણે બ્રિટિશ એડમિરલ નેલ્સનનાં ૨૭ અને
ફ્રેન્ચ સેનાપતિ નેપોલિયનનાં ૩૩ લડાયક જહાજો વચ્ચે ભીષણ સાગરસંગ્રામ ખેલાયો. (ઇતિહાસમાં
તે સંગ્રામ ‘ધ બેટલ ઓફ ટ્રફાલ્ગર’ તરીકે જાણીતો બનવાનો હતો). ‘વિક્ટરી’ બ્રિટિશ નૌકાકાફલાનું
ધ્વજજહાજ હતું, એટલે યુદ્ધમાં તેણે સ્વાભાવિક રીતે આગળ પડતો ભાગ લીધો. કલાકો સુધી ચાલેલી
ગોલંદાજી દરમ્યાન એડમિરલ નેલ્સનના જહાજ ‘વિક્ટરી’ની કાળમુખી તોપોએ નેપોલિયનનાં સંખ્યાબંધ
જહાજોનો ખુરદો વાળ્યો. યુદ્ધમાં નેલ્સન પોતે મરણતોલ રીતે ઘવાયો, પરંતુ છેલ્લો શ્વાસ
લેતા પહેલાં તેને એ ખુશખબર મળ્યા કે બ્રિટનનો વિજય થયો હતો. એકેય જહાજ ગુમાવવું પડ્યું
ન હતું, જ્યારે સામે પક્ષે ૧૮ જહાજો ડૂબ્યાં--જે ડૂબ્યાં ન હોત તો બ્રિટન પર સમુદ્રમાર્ગે
ફ્રેન્ચોનું આક્રમણ નિશ્ચિત હતું. ટૂંકમાં, ‘વિક્ટરી’ એવું જહાજ કે જેણે બ્રિટનનો ઇતિહાસ
તેમજ તેની ભૂગોળ દુશ્મનના હાથે બદલાતી બચાવી લીધી. આ બસ્સો વર્ષ પુરાણું જહાજ આજે બ્રિટનના
પોર્ટ્સમાઉથ ખાતે મ્યૂઝિઅમ તરીકે સચવાયેલું પડ્યું છે. દર વર્ષે લાખો અંગ્રેજો તે જહાજની
મુલાકાત લઇ તેનાં અજોડ પરાક્રમોને યાદ કરે છે.
સાગરસંગ્રામની તવારીખમાં સુવર્ણ અક્ષરે જેનું
નામ લખી શકાય એવું એક જહાજ આપણું ‘વિક્રાંત’ પણ ખરું, જેણે ૧૯૭૧ના યુદ્ધમાં પૂર્વ પાકિસ્તાનમાં
(હાલના બાંગલા દેશમાં) તરખાટ મચાવી દીધો હતો. પૂર્વ પાકિસ્તાનની દરિયાઇ સરહદે ‘વિક્રાંતે’
નાકાબંધી કરી અને તેનાં સી-હોક તથા એલિઝે વિમાનોએ સાગરતટે બધાં પાક જહાજોને ડૂબાડી
દીધાં, એટલે ખુશ્કી મોરચે હારતા પાકિસ્તાની સૈનિકોને ભાગી છૂટવા માટે રસ્તો ન રહ્યો.
ઇસ્લામાબાદ સરકાર તેમની સહાય માટે નવું લશ્કર પણ મોકલી ન શકી, એટલે નતીજારૂપે પાકિસ્તાનનો
ભૌગોલિક નકશો બદલાયો અને પાકિસ્તાનની ભાવિ પેઢી માટે ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો બદલવાનાં
થયાં. નૌકાદળના મુગટ સમું વિમાનવાહક જહાજ ‘વિક્રાંત’ પોતાની મલ્ટિ-રોલ અદાકારી દાખવવામાં
સફળ રહ્યું. પરંતુ આજે એ વોર-હિરો તેના અંતિમ દિવસો ગણી રહ્યું છે, જે દુર્ભાગ્યે હવે
બહુ જૂજ છે.
અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ વગેરે દેશોએ
પોતાનાં કેટલાંક માતબર યુદ્ધજહાજોનો અંતિમ સંસ્કાર કરી દેવાને બદલે મ્યૂઝિઅમ તરીકે
તેમને જીવંત રાખ્યાં છે. આ માટે વર્ષેદહાડે સારો એવો ખર્ચ તેઓ વેઠી લે છે. (તરતા મ્યૂઝિઅમ
જેવાં અમેરિકાનાં કેટલાંક યુદ્ધજહાજો તો પ્રવેશટિકિટની આવકમાંથી સરકારને સારી એવી કમાણી
કરાવી આપે છે). ૧૯૭૧ના યુદ્ધમાં ભારતના જ્વલંત વિજયની યાદ નવી પેઢીને તાજી રહે એ માટે
સરકારે ‘વિક્રાંત’ને મ્યૂઝિઅમ તરીકે સાચવી રાખવાની જરૂર હતી, પણ ‘વિક્રાંત’ની જાળવણી
પાછળનો વાર્ષિક બારેક કરોડનો ખર્ચ તેને આકરો લાગ્યો. હકીકતમાં તેને ખર્ચ નહિ, પણ દેશનો
અમૂલ્ય વારસો જાળવતું મૂડીરોકાણ ગણવું જોઇએ. ખેર, જવા દો એ ચર્ચા ! હવે તેનો કશો અર્થ
સરે તેમ નથી, કેમ કે ‘વિક્રાંત’ ભૂતકાળ બનવા જઇ રહ્યું છે. યુદ્ધ’૭૧ના એ સુપરસ્ટારને
માનભરી સલામ અને ભગ્ન હ્ય્દયે ગૂડબાય; ટાટા!
વિક્રાંતના વેચાણ અંગેના સમાચાર વાંચ્યા ત્યારે ઘડીભર આઘાત લાગ્યો હતો. પછી થયું કે આપણી સરકારને ક્યાં એવી અક્કલ છે કે ધરોહરને જાળવી રાખે! જીવતાં સૈનિકોને સાચવી ન શકનારી સરકાર જહાજોનીતો ક્યાંથી દરકાર કરે?
ReplyDeletehopeless government......
ReplyDeleteઆપણે જે વિમાન વાહક જહજો ખરીદીએ છીએ તે પોતે જ મૂળ માલિક (મોટા ભાગે રશિયન નૌકા દળ) દ્વારા "જરી પુરાણાં" જાહેર કરાઇ ચૂક્યાં હોય છે. તે પછી ખાસ્સો એવો ખર્ચો કરીને આપણું નૌકાદળ તેને પોતાની જરૂરીયાત મુજબ 'સેવાલાયક' બનાવડાવે. આ પ્રક્રિયા પણ ઘણી વાર વર્ષો ખાઇ જતી હોય છે. પછી આપણે તે જહાજનો પૂરતો ઉપયોગ કરી લઇએ, એટલે જેમ કોઇ પણ જહાજનું 'સેવાલાયક' અયુષ્ય પૂરૂં થાય તેમ 'ભંગાર' કરી જ નંખાય છે, તેમ કોઇ પણ યુધ્ધ નૌકા જહાજ્ને પણ ભંગારવાડે તો કાઢવું જ પડે.
ReplyDeleteજો પરાણે ચલાવવા પ્રયત્ન કરીએ તો તાજેતરમાં જે રીતે એક પછી એક અનેક નૌકા જહાજોમાં 'તકનીકી' અક્સ્માતો (!) થયા તેવી પરિસ્થિતિ પેદા થવાની શક્યતા વધી જાય. આને કારણે એક કાબેલ નૌકાધ્યક્ષની કારકીર્દી પણ મદદરિયે ડૂબી.
હા, "વિક્રાંત"ને નૌકાદળનાં સંગ્રહાલય તરીકે (કદાચ) જાળવી લૈ શકાયું હોત... જો કે આ હાથીકાય જહાજને ઊભું રાખવું તે ખરેખર હાથી પાળવા જેટલું જ ખર્ચાળ છે.
પણ એક વાત તો ચોક્કસ કે ૧૯૭૧નાં યુદ્ધ દરમ્યાન તે સમયે તેની સામે ઊભેલ અમેરિક્ન વિમાનવાહક જહાજની સામે તો 'ખખડધજ બળદ ગાડું' જ હતું અને તેમ છતાં આપણાં નૌકાદળની હિંમતનાં ઇંધણને કારણે આ 'ડેવિડે" ગોલિયાથ સામે બાથ ભીડી હતી તે વાત આપણી આવનારી પેઢીઓ માટે પણ શીખવા જેવી અને ગૌરવમય વાત છે તેમાં તો કોઇ જ વાદ વિવાદ ન જ હોઇ શકે.