સામ બહાદુર માણેકશાની જન્‍મશતાબ્‍દિઃ ઉપેક્ષિત ફિલ્ડ-માર્શલની રાષ્‍ટ્રસેવાના પુનર્મુલ્‍યાંકનનો ન ચૂકવા જેવો અવસર

ઓક્ટોબર, ૧૯૭૧નો મહિનો હતો. તારીખ કોને ખબર કઇ હતી, પણ ભારતીય ઉપખંડ માટે ઐતિહાસિક સાબિત થવાની હતી. વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના બંધ ઓરડામાં એ દિવસે ફક્ત બે વ્યક્તિ હાજર હતા--ઇન્દિરા ગાંધી પોતે અને બીજા ભારતીય ખુશ્કીદળના વડા જનરલ સામ બહાદુર માણેકશા. વડા પ્રધાન ગાંધીએ નાનકડી ચબરખી પર કશુંક લખીને એ કાગળ જનરલ માણેકશાને વાંચવા માટે આપ્યો. ઊડતી નજરે જ લખાણ વાંચીને જનરલ તરત બોલી પડ્યા, ‘મારું લશ્કર આમ તો તૈયાર છે, પણ... ’

વડા પ્રધાને તરત પોતાના હોઠ પર આંગળી મૂકીને સંકેતમાં જણાવ્યું કે તેમના ઓરડામાં છૂપી વાતચીત સાંભળવા માટેનાં વીજાણું સાધનો કદાચ ગોઠવેલાં હોય, એટલે જનરલ માણેકશાએ કશું બોલવું નહિ. વડા પ્રધાન ગાંધીએ ફરી વખત ચબરખી દ્વારા જનરલ પાસે ચોક્કસ તારીખ માગી. જનરલે બીજી ચબરખી પર લખ્યું : ૪, ડિસેમ્બર.

મૂંગા મોઢે કરાયેલી માત્ર ચબરખીની લેવડદેવડો દ્વારા એ જ સમયે બન્ને જણાએ પાકિસ્તાનનું ભાવિ નક્કી કરી નાખ્યું. બાંગલા દેશ કહેવાતા નવા રાષ્ટ્રનો જન્મ પણ તેમણે પાકો કરી નાખ્યો. મહિનાઓ બાદ ડિસેમ્બર ૪, ૧૯૭૧નું પરોઢ થાય તેના થોડા જ કલાકો પહેલાં ભારતનો નૌકાકાફલો પાકિસ્તાનના કરાંચી બંદરમાં ઘૂસી ગયો અને ત્યાં વિનાશ સર્જી દીધો. ત્રીજું ભારત-પાક યુદ્ધ એ સાથે જ શરૂ થયું. પાકિસ્તાનના બે ભૌગોલિક ટુકડા કરી નાખવાનું વડા પ્રધાનને આપેલું વચન જનરલ સામ બહાદુર માણેકશાએ માત્ર બે અઠવાડિયાના ટૂંકા સમયગાળામાં પૂરું કરી બતાવ્યું અને ડિસેમ્બર ૧૬, ૧૯૭૧ના રોજ બાંગલા દેશ નામના નવા રાષ્ટ્રનું સર્જન કર્યું. વડા પ્રધાન ગાંધીને તેમણે સુખદ આશ્ચર્ય આપ્યું, એટલે બદલામાં વડા પ્રધાને પણ તેમને ‘પ્લેઝન્ટ સરપ્રાઇઝ’ આપવાનો પ્લાન મનોમન ઘડી કાઢ્યો. જનરલ માણેકશાની સરદારી હેઠળ ભારતે જ્વલંત વિજય હાંસલ કર્યો તે મોકે ઇન્દિરા ગાંધીએ માણેકશાનું જનરલ પદ નાબૂદ કર્યું અને તેમને ફિલ્ડ માર્શલના સર્વોચ્ચ હોદ્દે બઢતી આપી. જાન્યુઆરી ૧, ૧૯૭૩ના રોજ કેબિનેટે લીધેલા તે આવકારદાયક નિર્ણયની જાહેરાત મોડી સાંજે કરવામાં આવી--અને તે સાથે જ અત્યંત રસપ્રદ એવા નાટકીય પ્રસંગનો આરંભ થયો.

હવે સત્તાવાર જાહેરાત મુજબ જનરલ માણેકશા જનરલ રહ્યા ન હતા; ફિલ્ડ માર્શલનો ખિતાબ પામ્યા હતા. ભારતની લશ્કરી તવારીખમાં પહેલી જ વાર આવો ગજબનાક ફેરફાર થયો ત્યારે રાત પડી રહી હતી અને વહેલી સવારે નૌકાદળના તેમજ વાયુસેનાના વડા સહિત અનેક સિનિઅર લશ્કરી અફસરો સામ માણેકશાનું અભિવાદન કરવા માટે તેમના બંગલે હાજર થાય તે નક્કી હતું. ખુશાલીના એ પ્રસંગમાં અડચણ એક જ હતી: લશ્કરી પ્રણાલિકા મુજબ ફિલ્ડ-માર્શલ ક્યારેય સેલ્યૂટ ન મારે. ઊંચા હોદ્દાનો મોભો જોતાં સેલ્યૂટ કરવાનું યોગ્ય પણ ગણાય નહિ. પ્રચલિત ધારા મુજબ ફિલ્ડ-માર્શલે સેલ્યૂટના જવાબમાં ૫૦ સેન્ટિમીટર લાંબો લક્કડિયો નકશીદાર બેટન ઊંચો કરવો જોઇએ. આ પ્રકારનો બેટન માણેકશા પાસે ન હતો. ટૂંકમાં, વહેલી સવારે એક પછી એક સંખ્યાબંધ લશ્કરી અફસરોનું બંગલા પર આગમન થાય ત્યારે સામ માણેકશાએ તેમની સામે શી રીતે હાજર થવું એ ભારતીય ખુશ્કીદળ માટે કપરી મૂંઝવણનો સવાલ બન્યો, કારણ કે લશ્કરમાં જેમ શિસ્તભંગ ચલાવી ન લેવાય તેમ લશ્કર પોતે કદી તેની આગુ સે ચલી આતી ગૌરવપૂર્ણ પ્રણાલિકાનો ભંગ પણ કરે નહિ.
ફિલ્ડ-માર્શલ માટે તાબડતોબ નવો બેટન તૈયાર કરવાનું નક્કી થયું અને તે નિર્ણય લેવાયાના થોડા જ કલાકોમાં ભારતીય વાયુસેનાનું એક વિમાન બેટનની ડિઝાઇનનાં ડ્રોઇંગ્સ સાથે કલકત્તા જવા રવાના થયું. કલકત્તાની અલીપુર ટંકશાળમાં ત્યાંના માસ્ટર કલાકારો તેમજ નકશીબાજો સાથે મસલતો યોજાઇ. કારીગરોએ સહેજ પણ વખત ગુમાવ્યા વિના બેટન બનાવવાનું શરુ કરી દીધું. બેટન સાગની ૫૦ સે.મી. લાંબી લાકડીમાંથી બનાવવાનો હતો, પણ કામ સીધુંસાદું ન હતું. લાકડીના બેય છેડે ચડાવવામાં આવનાર ધાતુમાં કેટલુંક નકશીકામ જરૂરી હતું. આ માટે ટંકશાળના કસબી જાણકારોએ ગણતરીના કલાકોમાં આકર્ષક કોતરણી દ્વારા બીબું તૈયાર કર્યું. બીજા અમુક કલાક ખુશ્કીદળે નક્કી કરેલા કદ-માપના બીબામાં એ બેટનને ઢાળવામાં વીતી ગયા. સદ્નસીબે પ્હો ફાટે એ પહેલાં નકશીદાર બેટન સંપૂર્ણપણે બની રહ્યો. અલીપુરના કારીગરોએ જબરો ઝપાટો બોલાવ્યો હતો, પણ બેટનના ફિનિશિંગમાં કાચું કાપ્યું નહોતું. હવાઇદળનું વિમાન એ મહામૂલા સંપેતરા સાથે દિલ્લી જવા રવાના થયું. આ તરફ દિલ્લીના પાલમ એરપોર્ટ પર ખુશ્કીદળના અફસરો તૈનાત હતા. વિમાનનું આગમન થતાવેંત મારતી મોટરે બેટનને ફિલ્ડ-માર્શલ સામ બહાદુર માણેકશાના બંગલે પહોંચાડી દેવામાં આવ્યો. લશ્કરી યુનિફોર્મમાં સજ્જ થયેલા માણેકશાએ તે બેટન પહેલી વાર હાથમાં પકડ્યો તેની થોડી જ મિનિટોમાં ભારતીય નૌકાદળના સેનાપતિ એડમિરલ નન્દાનો મોટરકાફલો બંગલાના પ્રાંગણમાં દાખલ થયો અને નન્દાની સેલ્યૂટના જવાબમાં ફિલ્ડ-માર્શલ માણેકશાએ પોતાનો બેશકિંમતી આભૂષણ જેવો બેટન ઊંચો કર્યો. 

ભારતીય ખુશ્કીદળના ઇતિહાસમાં આવું ઉત્તેજનાભર્યું તેમજ ગૌરવભર્યું પ્રકરણ લખાઇ શક્યું તેનો યશ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને આપવો રહ્યો, જેમણે સામ બહાદુર માણેકશાની રાષ્ટ્રસેવા તેમને ફિલ્ડ-માર્શલનો માનભર્યો હોદ્દો એનાયત કરીને બિરદાવી. (માણેકશાને પદ્મ વિભૂષણનો ખિતાબ અપાવવામાં પણ ઇન્દિરા ગાંધીનો મહત્ત્વનો રોલ હતો). દુર્ભાગ્યે ઇન્દિરા ગાંધીની તમામ અનુગામી સરકારોએ માણેકશાનું મૂલ્યાંકન કરવામાં ભારે ગાફેલિયત દાખવી. ઊલટું, તેમની અવગણના કરી. માની શકો છો કે લશ્કરમાં ૪૦ વર્ષની અત્યંત મહત્ત્વપૂર્ણ તેમજ જ્વલંત કારકિર્દી ભોગવી સેવાનિવૃત્ત થયેલા એ ફિલ્ડ-માર્શલનું માસિક પેન્શન છેવટ સુધી કેટલું હતું ? ફક્ત રૂા.૧,૨૦૦ ! જીવનના અંતિમ દિવસો તેમણે હોસ્પિટલના બિછાને વીતાવ્યા, જ્યાં કોઇ સરકારી વી.આઇ.પી. તેમના ખબરઅંતર પૂછવા ન આવ્યું. સરકારની ગાફેલિયતની હદ તો ત્યારે થઇ કે જ્યારે લાંબી માંદગી બાદ જૂન ૨૭, ૨૦૦૮ના રોજ ફિલ્ડ-માર્શલ માણેકશાએ સંસારમાંથી વિદાય લીધી ત્યારે દિલ્લીના સંરક્ષણ ખાતામાંથી એકેય મહાનુભાવે તેમની અંતિમક્રિયામાં હાજરી આપી નહિ--વડા પ્રધાન તેમજ રાષ્ટ્રપતિ પણ ગેરહાજર રહ્યા. વળી એક દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર ન થયો. દેશના સર્વોચ્ચ ખુશ્કી અફસરની કેટલી હદે ઉપેક્ષા !


ભારતનું ખુશ્કીદળ જો કે તેમના હીરોને ભૂલ્યું નથી--અને ભૂલે તેમ પણ નથી. ફિલ્ડ-માર્શલ સામ બહાદુર માણેકશાની યાદ હંમેશ માટે અમર રહે એ ખાતર તેમને ‘ભારત રત્ન’નો ખિતાબ આપવાનું સૂચન ખુશ્કીદળ છેલ્લાં કેટલાંક વર્ષથી કેંદ્ર  સરકારને કરી રહ્યું છે. મનમોહન સિંહની મૂંગીમંતર સરકારે તેમના એ સૂચનના પ્રત્યુત્તરમાં ઉંહકાર સુદ્ધાં ભણ્યો નથી. (‘ભારત રત્ન’નો ખિતાબ કોને આપવો તેનું સૂચન રાષ્ટ્રપતિને કરવાની સત્તા વડા પ્રધાનને હોય છે). યોગાનુયોગે ૨૦૧૪નું વર્ષ સામ બહાદુર માણેકશાની જન્મ શતાબ્દિનું છે. ખુશ્કીદળની તીવ્ર ઇચ્છા છે કે તે ઐતિહાસિક પ્રસંગની સાચી ઉજવણી સામ બહાદુરને ‘ભારત રત્ન’ના ઇલ્કાબ વડે સન્માનિત કરીને થઇ ગણાય. કેંદ્રમાં સત્તાધીશ બનેલી નવી સરકાર ખુશ્કીદળની (લોજિકલ) રજૂઆત સમયસર ધ્યાન પર લે અને સદ્ગત ફિલ્ડ-માર્શલ માણેકશાને ‘ભારત રત્ન’ વડે નવાજે તો ખિતાબની અને ખિતાબ લેનારની ગરિમા જળવાયાનો (ઇન્દિરા ગાંધીએ જાન્યુઆરી, ૧૯૭૩માં બેસાડ્યો તેમ) સચોટ દાખલો બેસે.

Comments

  1. બધી વાત સાચી -- મને એટલું જણાવો કે આ વ્યક્તિ કશ્મિર ની સિમા મુદ્દે - સિમલા કરાર મુદ્દે અને ઢોરો ની જેમ પાક જેલો મા પુરાયેલા આપણા ૫૪ ભારતિય યુદ્ધ બંદીઓ વિશે કેમ એક શબ્દ પણ બોલ્યા નહી ...

    ReplyDelete
    Replies
    1. you must be reading safari ....

      they have already given the reason ... that was this guy was the favorite of indira and after getting rewarded he might not be in position to oppose or expose her failures regarding these issues....

      some army officer called bhagat (not sure about name... refer old safari articles ) raised these issues , and she got him muted somehow , not promoting or rusticating

      Delete
  2. Those were difficult times for India. Our International image had already taken a grim beating in the Chinese excursion of 1962, which was screwed up by BM Kaul. 1971 was a chance to recover some of the lost image, and Sam Maneckshaw was a good face to display. That's governance in India! Thanks for the nice post.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન