પ્રકાશના પર્વ ‌નિમિત્તે એક દીપક જ્ઞાનનો પણ પ્રગટાવો

કચ્છના પાનન્ધ્રો ખાતે આવેલા થર્મલ પાવર સ્ટેશનમાં ફરજ બજાવતા ‘સફારી’ના નિયમિત વાચક (અને નિયમિત પત્રલેખક) અપૂર્વ ભટ્ટે હમણાં તેમની સાથે બનેલો એક સુખદ તેમજ સરપ્રાઇઝિંગ પ્રસંગ લાગણીભર્યા પત્રમાં લખી મોકલ્યો. વાચકોના પત્રો સામાન્ય રીતે પત્રવિભાગમાં પ્રસ્તુત કરવાના હોય પરંતુ અપૂર્વભાઇનો પત્ર અહીં ટાંકવાનું કારણ છે, જેની ચર્ચા સહેજ વાર પૂરતી મુલત્વી રાખી પહેલાં પત્ર વિશે વાત કરીએ.

કચ્છના લખપત તાલુકામાં આવેલું પાનન્ધ્રો પાંખી વસ્તીવાળું ગામ છે. અહીં ગુજરાત સરકારના થર્મલ પાવર સ્ટેશનમાં અપૂર્વભાઇ ડેપ્યૂટી એન્જિનિઅર તરીકે ફરજ બજાવે છે. પાનન્ધ્રોની આસપાસનાં ગામોમાંથી કેટલાક લોકો મજૂરી અર્થે થર્મલ પ્લાન્ટમાં કામ કરવા આવે છે, જે પૈકી બિટીયારી ગામનો એક રહેવાસી અપૂર્વભાઇની ઓફિસમાં સાફસફાઇનું કામ સંભાળે છે. લગભગ ૬ મહિના પહેલાં એક દિવસ તે પોતાના ૯ વર્ષીય પુત્ર ઇબ્રાહીમને ઓફિસે લેતો આવ્યો. અપૂર્વભાઇના ડેસ્ક પર યોગાનુયોગે ત્યારે ‘સફારી’નો અંક પડ્યો હતો. અંક પર ચિત્તાનું મુખપૃષ્ઠ જોઇને ઇબ્રાહીમ આશ્ચર્યભાવે અંકનાં પાનાં ઉથલાવી દરેક ચિત્રોને માણવા લાગ્યો. આ દશ્ય જોઇ અપૂર્વભાઇએ તેની સાથે થોડી વાત કરી ત્યારે જાણવા મળ્યું કે બિટીયારી ગામની શાળામાં તે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. ‘સફારી’માં ઇબ્રાહીમની કુતૂહલતા જોઇને અપૂર્વભાઇએ તેને પાસે બેસાડ્યો અને ‘સફારી’ વાંચવા જણાવ્યું ત્યારે તેનું ભાષાજ્ઞાન અને વાંચન બહુ પ્રાથમિક કક્ષાનું કહી શકાય તેવું લાગ્યું. આમ છતાં ભાંગ્યુંતૂટ્યું વાંચન ઇબ્રાહીમે ચાલુ રાખ્યું. કામકાજમાંથી પરવારેલા પિતા સાથે ઘરે પાછા ફરતી વખતે તેણે ‘સફારી’નો અંક પરત કરવા હાથ લંબાવ્યો ત્યારે અપૂર્વભાઇએ તેને પુછ્યું, ‘તને આ ચોપડી ગમે છે ?’ જવાબમાં તેણે ‘બવ ગમે છે’ એમ જણાવ્યું, એટલે રાજી થયેલા અપૂર્વભાઇએ તેને ‘સફારી’નો અંક ઘરે લઇ જવા આપ્યો અને ઘરે નિરાંતે વાંચવા માટે કહ્યું.
સહજ યોગાનુયોગે સફારીના વાચકગણમાં સામેલ થયેલા ઇબ્રાહીમ (ડાબેથી ચોથા ક્રમે) અને તેના ‌મિત્રો. તસવીરઃ અપૂર્વ ભટ્ટ

આ વાતને ત્રણ મહિના વીતી ગયા બાદ એક દિવસ ઇબ્રાહીમના પિતા અપૂર્વભાઇ પાસે આવ્યા અને વંદન કરી કહેવા લાગ્યા કે, ‘તમે મારા દીકરાને જે ચોપડી વાંચવા માટે આપી હતી તેણે ચમત્કાર સર્જી દીધો છે. મારો છોકરો હવે કડકડાટ વાંચે છે અને તેની શાળાના માસ્તર મને બોલાવીને કહે છે કે, તારો છોકરો ત્રણ મહિનામાં ઘણો હોંશીયાર થઇ ગયો છે. વર્ગમાં તે એવા સવાલો પૂછે છે કે જેના જવાબ અમને પણ ખબર નથી. કોઇ ટ્યૂશન રખાવ્યું છે કે શું ?’ ઇબ્રાહીમના પિતાએ બધી વાત માસ્તરને વિસ્તારમાં જણાવી ત્યારે શિક્ષકે એ ચોપડી (‘સફારી’નો અંક) સ્કૂલે મંગાવી. બસ, ત્યાર બાદ ‘સફારી’નો અંક શાળામાં લઇને જવો એ ઇબ્રાહીમનો નિત્યક્રમ બની ગયો. શાળાના અન્ય વિદ્યાર્થીઓમાં પણ ‘સફારી’નું આકર્ષણ ઉદ્ભવ્યું અને નવરાશના સમયમાં સૌ કોઇ ટોળે વળીને ‘સફારી’ વાંચવા લાગ્યા. આ વાતની ખબર અપૂર્વભાઇને પડી, એટલે તેઓ પોતાના કલેક્શનમાંથી ‘સફારી’ના કેટલાક જૂના અંકો લઇને બિટીયારી ગામની શાળાએ ગયા. બાળકોની ઉત્કંઠાની એ વખતે સીમા ન રહી. અપૂર્વભાઇના હાથમાં ‘સફારી’ના અંકો જોઇને સૌ પડાપડી કરવા લાગ્યા. અંકોનું સારી રીતે વાંચન કરવાનું વચન લઇને અપૂર્વભાઇએ તમામ અંકો બાળકોમાં વહેંચી દીધા.

આનું સુખદ પરિણામ ત્રણેક મહિના પછી જોવા મળ્યું. જે બાળકો એક સમયે વાંચનમાં કાચા હતા તેમની વાંચનશક્તિ ખીલી. જિજ્ઞાસા તો એટલી હદે ખીલી કે એક અઠવાડિયામાં ‘સફારી’નો આખો અંક પૂરો કરી નાખતા થયા અને બીજો નવો અંક આવ્યો કે નહિ તે અપૂર્વભાઇને તેમના કર્મચારી મારફત પૂછાવતા થયા. અપૂર્વભાઇએ તેમના પત્રમાં જણાવ્યું તેમ આજે પણ તે બાળકોની કુતૂહલવશ આંખો ‘સફારી’ના અંકોની આતુરતાથી રાહ જુએ છે.

આ આખો પ્રસંગ અહીં વિસ્તારપૂર્વક રજૂ કર્યો તેનું કારણ છે. બે વાસ્તવિકતા તેમાંથી ઊડીને આંખે ચડે છે. એક તરફ ઇબ્રાહીમ અને તેના જેવા બીજા અનેક બાળકો છે કે જેમનામાં અવનવું જાણવાની ઉત્કંઠા છે, પણ યોગ્ય દિશાસૂચનના, માહિતીના તેમજ વાંચનસામગ્રીના અભાવે મગજના કો’ક અજ્ઞાત ખૂણે તે ઢબૂરાયેલી પડી છે. બીજી તરફ અપૂર્વ ભટ્ટ જેવા જાગૃત નાગરિકો છે કે જેઓ જ્ઞાનપ્રસારનું સમાજલક્ષી તેમજ ઉમદા કાર્ય નિઃસ્વાર્થ ભાવે બજાવવા સતત તૈયાર છે; તત્પર છે. આ બેય વાસ્તવિકતા સાથે ત્રીજી એ પણ ખરી કે દુર્ભાગ્યવશ જ્ઞાનપિપાસુનો અને જ્ઞાન પીરસનારનો ભેટો જવલ્લે જ થાય છે. પરિણામે ઇબ્રાહીમ જેવા અનેક બાળકો ભણતર ઉપરાંતના જ્ઞાનથી વંચિત રહી જવા પામે છે. આમાં નુકસાન છેવટે તો દેશનું થાય છે, કેમ કે સરવાળે એકાદ ભાવિ બુદ્ધિજીવી વિચારક આપણને મળી શકતો નથી. યાદ રહે, દેશમાં ભણેલાગણેલા લોકોનો તોટો નથી; વિચારકોની ભારે ખોટ છે. વળી વિચારો વાંચનમાંથી આવે એ પણ ભૂલવા જેવું નથી.

નવી પેઢીમાં જ્ઞાનપ્રસારનું કાર્ય આમ તો ‘સફારી’ વર્ષો થયે કરતું આવ્યું છે, પણ ઉપરોક્ત પ્રસંગના અનુસંધાનમાં આજે ‘સફારી’ પોતાના હજારો વાચકોને એક નમ્રતાભર્યું સૂચન કરે છે. તમારી આસપાસમાં ક્યાંક ને ક્યાંક ઇબ્રાહીમ જેવા બાળકો છે. થોડોક સમય ફાળવી તેમને શોધી કાઢો અને તેમના હાથમાં ‘સફારી’નો એકાદ પાછલો, વંચાઇ ગયેલો અંક (કે પછી અન્ય કોઇ અર્થપૂર્ણ તથા જ્ઞાનવર્ધક વાંચનસામગ્રી) મૂકો. ગમે તેમ, પણ તેમને વાંચતા કરો. અવનવા સવાલો પૂછવાની ઉત્કંઠા તેમનામાં જગાડો અને ક્રમશઃ વધતી ઉત્કંઠાને સંતોષવા વધુ કેટલીક વાંચનસામગ્રી તેમને પૂરી પાડો. કોણ જાણે, ભવિષ્યમાં તેમાંનો એકાદ વાચક પોતાના જ્ઞાનના જોરે દેશને એક યા બીજી રીતે મદદરૂપ પણ થાય--અને જો એવું બને તો દેશનું ઋણ અલ્પાંશે તો અલ્પાંશે, પણ તે ફેડવાનો અનેરો મોકો મળ્યા બદલ ખુદને ભાગ્યશાળી સમજજો.

આ દિવાળીએ ઘરઆંગણે દીવા પ્રગટાવીને પ્રકાશના પર્વની ઉજવણી કરો ત્યારે જરૂરતમંદ બાળકોને વાંચન તરફ ઢાળવામાં (અપૂર્વ ભટ્ટની જેમ) સહાયભૂત બની જ્ઞાનજ્યોત વડે જ્ઞાનદાનનું પણ પર્વ ઉજવો તો કેવું ? માત્ર શુભ નહિ, શુદ્ધ કાર્ય છે; મોડું શા માટે કરવું ?       


Comments

  1. લાગણીસભર વાત છે.. મને મારુ બાળપણ યાદ આવી ગયું. જો કોઈએ મને વહેલું સફારી પહોંચતુ કર્યુ હોત તો હું પણ ઈબ્રાહિમની ઊંમરે સફારીમાં ડૂબી ચૂક્યો હોત. ઈન્ફર્મેશન એજ કહેવાતો યુગ હોવા છતાં સફારી આપે છે એ પ્રકારે માહિતી ક્યાંયથી મળવાની નથી. માટે તેનો કોઈ વિકલ્પ નથી. અનેક બાળકોને આજે પણ સફારીના સાથની જરૃર છે જ..

    ReplyDelete
  2. Hat's off to Apurvabhai!

    Truely, 'Safari' is for only those who are knowledge-hungry, not for those who read it as a novel or as a timepass-megazine!

    Today, this reminded me, some 15 years back when I requested some 60-70 teachers of a big school to subscribe for 'Safari' to benefit indirectly the students and they did! Today I doubt, at least one single of that lot had become addict of this Meritorious Monthly! They really couldn't value 'Safari'!

    On the other side, though blank but hungry brains of the kids in this real story, knew the worthy of it! 'Safari' became priceless for the kids and within no time they grew unbelievably!

    Does 'Safari' need any more awards, now??

    - Rajesh Dalal

    ReplyDelete
  3. ખુબ સરસ પ્રસંગ.

    અમે પણ આવી જ રીતે અમારા ગામની નાની લાયબ્રેરીમાં સફારી વાંચતા થયા હતા.

    આપની લેખન શૈલી જ એટલી સરસ છે.

    ગુજરાતી સાહિત્યને બાળકો સુધી લઇ જવા બદલ ખુબ ખુબ આભાર.

    ReplyDelete
  4. Hats off to Safari for lightning, and more importantly maintaining, the lamp of knowledge.
    REMEMBER the questions of KBC8.
    1 crore, 7 crore questions. All articles were given in safari years ago.

    All safari winners are real crorepatis.

    ReplyDelete
  5. My brother not stopped by just distributing old safari, he even subscribed safari for our old neighbourhood child, who was very brilliant at that time.

    ReplyDelete
  6. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  7. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  8. i really like it keep bloging my contact details tony@q8living.com

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya