નેપાળે ન અપનાવેલું અને ભારતે અપનાવવા જેવું શોક-પ્રૂફ મકાનોનું ધોરણ

નેપાળમાં ગયે મહિને આવેલા ધરતીકંપે જાન-માલનું પુષ્કળ નુકસાન કર્યું અને ખુવારીના આંકડા પ્રમાણે જોતાં તે અભૂતપૂર્વ સાબિત થયો તેમાં ભૂકંપના તીવ્રતાસૂચક ૭.૯ રિક્ટરના આંકડાને માત્ર નિમિત્ત ગણતા હોવ તો એક મહત્ત્વનો ભેદ પહેલાં સમજી લો. રિક્ટરના સ્કેલનો આંકડો તેમજ ખુવારીનો આંકડો બન્ને જુદી બાબતો છે. રિક્ટરનો સ્કેલ ઊંચો તેમ ખુવારી પણ વધારે એ વાત પ્રાથમિક રીતે સાચી, પરંતુ તેમની વચ્ચે સીધા અનુપાતનો સંબંધ હોવો જરૂરી નથી. ગીચ વસ્તીમાં અને કાચાં મકાનોવાળા પ્રદેશમાં સહેજ નબળો ધરતીકંપ પણ વધુ ખુવારી સર્જે છે, જ્યારે સહરાના રેગિસ્તાનમાં કે દક્ષિણ ધ્રુવ ખંડના બર્ફસ્તાનમાં ૮ કરતાં વધુ રિક્ટરનો ભૂકંપ પણ ઓછું નુકસાન કરે તે શક્ય છે. નેપાળમાં ફેલાયેલા આતંકનું મુખ્ય કારણ એ છે કે ઘણાંખરાં મકાનોનું બાંધકામ કચાશભર્યું હતું. અનેક મકાનો બેડોળ પથ્થરોનાં અને પથ્થરો વચ્ચે પૂરેલી માટીનાં બનેલાં હતાં. પથ્થરો વચ્ચે મજબૂત ‘બાઇન્ડિંગ મટીરિઅલ’ ન હતું. ઊંડો પાયો નાખવામાં આવ્યો ન હતો. છાપરાં પ્રમાણમાં વજનદાર હતાં. આ સ્થિતિમાં એક પથ્થર બીજા પથ્થર સાથે કસોકસ ફિટ બેસતો ન હોય ત્યારે આડી લીટીમાં (હોરિઝોન્ટલ) આંચકો લાગ્યા પછી દીવાલોના પથ્થરોનો ઢગલો એકસાથે જમીન પર ખડકાય અને ઘરમાં સૂતેલા માણસોને પોતાના વજન નીચે છૂંદી નાખે. જો કે મોટા ભાગના કેસોમાં જાનહાનિ ગૂંગળાવાને લીધે થાય, છૂંદાવાને કારણે નહિ. માણસોની છાતી પર વધુ પડતું વજન એટલી હદે દબાણ કરે કે તેઓ શ્વાસ લઇ શકે નહિ.
અરુણાચલથી કાશ્મીર સુધી ઠેર ઠેર હિમાલયમાં પર્વતોના ઢોળાવો પર આવાં મકાનો ઊભાં કરી દેવાયાં છે

નેપાળના વિનાશકારી ભૂકંપના સંદર્ભે એક મુદ્દો અહીં ટાંકવા જેવો છે. જાન્યુઆરી ૧૨, ૨૦૧૦ના રોજ કેરિબિયન સમુદ્રના ટાપુરૂપી દેશ હૈટીમાં ૭.૦ રિક્ટરની તીવ્રતાના ભૂકંપે ભયંકર તારાજી સર્જી. હૈટીના આશરે અઢી લાખ લોકો માર્યા ગયા. બીજા કમ સે કમ અઢી લાખ લોકોને ભૂકંપે ઇજાગ્રસ્ત કર્યા, જ્યારે ભૂકંપપીડિતોની સંખ્યા ત્રીસ લાખથી ઓછી ન હતી. પાટનગર સહિત બીજાં મુખ્ય શહેરોનાં મોટા ભાગનાં મકાનોનું તો ધરતીકંપે અસ્તિત્વ જ રહેવા દીધું નહોતું. રિક્ટર સ્કેલ પર ૭.૦ ની તીવ્રતા બતાવતો ભૂકંપ સારી એવી તારાજી સર્જે એ સ્વાભાવિક વાત છે. પરંતુ હૈટીના કેસમાં તારાજીનો આંક અત્યંત ઊંચો એટલા માટે બેઠો કે એ દેશ ભૂસ્તરીય ભંગાણ પર બિરાજેલો હોવા છતાં ભૂકંપના આંચકાનો માર ખમી શકે એવાં મકાનોના બાંધકામને લગતાં કોઇ ચોક્કસ ધારાધોરણો ત્યાં ઘડાયાં નથી. આની સામે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોનું ઉદાહરણ લો. આ શહેર પણ હૈટીની જેમ જ ભૂસ્તરીય ભંગાણ પર આવેલું છે. ઓક્ટોબર ૧૭, ૧૯૮૯ના દિવસે ૭.૦ની તીવ્રતાના ધરતીકંપે સાન ફ્રાન્સિસ્કોને હચમચાવી દીધું ત્યારે શહેરના કેટલાક પુલોને ભારે નુકસાન થયું, સડકોમાં ઠેર ઠેર ભંગાણ પડ્યું, વીજળીનાં અને ટેલિફોનનાં થાંભલા પડી ગયા અને ગેસની અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇનોમાં ફાંકા પડતાં અનેક જગ્યાઓએ ભીષણ આગ પણ લાગી. આ બધી ઊથલપાથલો વચ્ચે જો કે શહેરનાં મકાનો સલામત રહ્યાં. સરકારની દૂરંદેશી એ માટે નિમિત્ત હતી. સાન ફ્રાન્સિસ્કોનો પ્રદેશ ભૂકંપપાત્ર હોવાનું જાણ્યા પછી (અને ૧૯૦૬ ના ભૂકંપ વખતે શહેરનાં ૪૯૭ મકાનો જમીનદોસ્ત થયાં પછી) સરકારે ભૂકંપના આંચકા ખમી શકે એવા મકાનો બાંધવાના કડક ધારાધોરણો રચ્યાં હતાં એટલું જ નહિ, તેમનું કડક રીતે પાલન કરાવ્યું હતું.

ભૂસ્તરીય ફોલ્ટ લાઇન પર વસેલું નેપાળ પણ ભૂકંપપાત્ર છે. આમ છતાં મકાનોના બાંધકામને લગતાં નીતિનિયમોનો ત્યાં અભાવ હોવાથી ગયે મહિને ભૂકંપે હજારો મકાનો પાડી દીધાં અને જાન-માલનું ભારે નુકસાન કરાવ્યું. નેપાળની માફક ઉત્તર ભારતનાં તથા ઉત્તર-પૂર્વ ભારતનાં અનેક ગામો-નગરોના ભૂગર્ભમાં ભૂસ્તરીય ભંગાણો છે. આમ છતાં ભૂકંપનો માર ખમી શકે તેવાં મકાનો બાંધવા અંગે અહીં કોઇ ધારાધોરણો નથી--અને રખે હોય તો તેમનું પાલન કરાયું નથી. લાખો મકાનો ઠેર ઠેર માચિસનાં ખોખાંની જેમ ઊભાં કરી દેવાયાં છે. આ બહુ ગંભીર સ્થિતિ છે, કેમ કે ભૂકંપનો એકાદ તીવ્ર આંચકો તે મકાનોનું અસ્તિત્વ જોખમાવી શકે તેમ છે. દુર્ભાગ્યે તીવ્ર આંચકો ઉત્તર તેમજ ઉત્તર-પૂર્વ ભારતના ભાગ્યે લખાયો છે. સમગ્ર પ્રદેશ રીતસરના ટાઇમ બોમ્બ પર બેઠો છે. બોમ્બ કયા ટાઇમે ફાટે એ કોઇ જાણતું નથી, પરંતુ કેમ ફાટવાનો છે એ જાણવું હોય તો 'સફારી'ના મે, ૨૦૧પના અંકનો ‘સુપર સવાલ’ (થોડું બ્લડ પ્રેશર વધવાની તૈયારી સાથે) વાંચી લો.

Comments

  1. Nagendra Vijay , sir , i m yr biggest fan , when I was in school , I read one article in safari , about professor forget , it was about to ploughing on sea , so we will be saving land and farmers will be also in beneficiary side , can you reveal it to PMO or namo s website , so farmers can stop suiciding in india , it is threatening news
    , plz , do it ,

    ReplyDelete
  2. કુદરતી આફતો રોકી શકાતી નથી, પણ તેનાથી થતુ નુકસાન કેટલેક અંશે હળવું જરૃર કરી શકાય છે. અલબત્ત, ભારતમાં અને ભારત જેવા અનેક દેશોમાં સત્તા પર આવતી સરકારોને પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગ, કુદરતી આપત્તિઓ વગેરેની ખાસ સમજણ પડતી નથી. પડે તો પણ અક્કલ ગીરવે મૂકીને શાસન ચલાવતા સરકારી બાબુઓ મારે શું અને મારુ શું એ પ્રકારના વલણથી જેમ ચાલતુ હોય એમ ચાલવા દે છે. એટલી જ જવાબદાર પ્રજા પણ છે, જે પોતાનો અંગત સ્વાર્થ પુરો થાય એટલા માટે કોઈપણનું નુકસાન કરવામાં કોઈ શરમ અનુભવતી નથી.

    ReplyDelete
  3. greenpeace par ban ketlo yogya ??? want to know your views desperately

    - fan of urs from birth

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન