પાક અણુમથકના સેબોટાજનો ભારતીય પ્લાન, જે પોતે સેબોટાજ થયો

આ વખતે બાવીસ પાનામાં લંબાતી ‘એક વખત એવું બન્યું...’ વિભાગની સત્યકથામાં એ ચોંકાવનારી ઘટનાનું વર્ણન છે કે જેની આપણે ત્યાં મીડિઆ દ્વારા લગભગ કશી જ નોંધ લેવામાં આવી નથી. સ્વાભાવિક છે. ઘટના દેશના સંરક્ષણને લગતી છે. ફિલ્મસ્ટારોને, ક્રિકેટરોને, ગુનાખોરી કે લવારાબાજ પોલિટિશિઅનોને લગતી નહિ. પાકિસ્તાન સામે ભારતે ૮,૦૦,૦૦૦ જવાનોની તાદાદનું અને ‘પૃથ્વી’ મિસાઇલ્સ સહિતનાં લાખો શસ્ત્રોનું ‘ઓપરેશન પરાક્રમ’ કેમ હાથ ધરવું પડ્યું અને બેય દેશો કેમ અણુયુદ્ધ ખેલવાના આરે આવી ગયા તેના ખુલાસા માટે જો કે રાજકર્તાઓને ચિત્રમાં લાવવા પડે તેમ છે.

ચિત્રમાં પણ નહિ, આરોપીના પાંજરામાં લાવીને ખડા કરવા પડે તેમ છે. ડિફેન્સની બાબતોનો કક્કો સુદ્ધાં ન જાણતા એ શાસકોએ ભારતની સુરક્ષા કિલ્લેબંધીને કોનિ્ક્રટને બદલે કાર્ડબોર્ડની બનાવી દીધી છે. ડિસેમ્બર ૧૩, ૨૦૦૧ના રોજ વડા પ્રધાન વાજપેયીએ જંગી પાયાનું ‘ઓપરેશન પરાક્રમ’ નછૂટકે હાથ ધરવું પડ્યું અને તેમાં સખત મુશ્કેલીઓ વેઠવી પડી એ તેમના પુરોગામી શાસકોની સંરક્ષણ વિશેની નિરક્ષરતાનું અને નાસમજીનું સીધું પરિણામ હતું.

એક વાર ફીલ્ડ-માર્શલ સામ માણેકશાએ કહેલું કે, ‘આપણા રાજકારણીઓ ગન અને હોવિટ્ઝર વચ્ચે કે ગેરિલા અને ગોરિલા વચ્ચે શો તફાવત છે એ પણ જાણતા નથી, જો કે તેઓ પોતે ગોરિલા જેવા હોય છે ખરા.’ માણેકશાએ કરેલી ટકોર સો ટચની હોવાનું સાબિત કરતો દાખલો હોય તો એ જૂન ૧, ૧૯૯૬થી માર્ચ ૧૯, ૧૯૯૮ સુધી ભારતના સંરક્ષણમંત્રીનો હોદ્દો ભોગવનાર મુલાયમસિંહ યાદવ નામના મહાનુભાવનો, જેમને ડિફેન્સની અંગ્રેજી પરિભાષામાં ગતાગમ પડે નહિ. આથી તેઓ સૂચના આપે કે અંગ્રેજીનું હિંદી કરી દો. આપણા જેવાનેય પ્રશ્ન થાય કે ડિફેન્સ ટેક્નોલોજિના IMINT/ Image Intelligence, SAR/ Synthetic Aperture Radar, DTT/ Digital Troposcatter Terminal, HUD/ Head-Up Display, PAR/ Phased Array Radar વગેરે શબ્દો માટે કયા હિંદી પર્યાયો વાપરી શકીએ ? પર્યાયો છે જ ક્યાં ?

‘એક વખત એવું બન્યું...’માં વાત છે ભારત-પાક અણુયુદ્ધ ફાટી નીકળવાના કાઉન્ટડાઉનની, જે નોબતને ટાળવાની ભારત માટે ભૂતકાળમાં ઘણી તકો હતી. માર્ચ, ૧૯૭૭માં મોરારજી દેસાઇની જનતા સરકાર રચાયા બાદ ઇઝરાયેલ પાકિસ્તાનમાં બંધાતા કાહુટા અણુમથક પર હવાઇ હુમલો કરી તેના ફૂરચા કાઢી નાખવા માગતું હતું. આના માટે ઇઝરાયેલી F-16 વિમાનો માટે ભારતનું એરબેઝ વાપરવું પડે તેમ હતું. પારકા દેશમાં માથું ન મારવાના સિદ્ધાંતવાળા મોરારજીભાઇએ ના પાડી દીધી. આ સિદ્ધાંત તેમનો ‘પર્સનલ અજેન્ડા’ હતો. આખા દેશ પર તેમણે એ શા માટે ઠોકી બેસાડ્યો ? મોરારજીભાઇ ઘણી વખત એમ કહેતા કે પોતે ‘ભગવદ્ગગીતા’ના ચીંધ્યા માર્ગે ચાલવા પ્રયત્નશીલ રહે છે. આજે તેઓ આપણી વચ્ચે નથી, નહિતર તેમને પૂછી શકાય કે ‘ગીતા’માં શત્રુનાશના ઉપદેશને તેમણે કેમ નજરઅંદાજ કર્યો ? એક જાણીતા ફિલ્મી ગીત મુજબ ‘ગીતા’નો સંદેશ એકંદરે તો એ જ છે કે, ‘ડંકે પે ચોટ પડી હૈ, સામને ફૌજ ખડી હૈ, કિશનને કહા અર્જુન સે, ન પ્યાર જતા દુશ્મન સે.’ આમ ‘ગીતા’ મુજબ અધર્મી (પાપી) શત્રુનો નાશ એ હિંસા નથી, વધ છે. ભારતના સર્વપ્રથમ પરમવીર ચક્ર વડે સન્માનિત થયેલા (કે પછી પરમવીર ચક્ર જેમના વડે સન્માનિત થયો) એ મેજર સોમનાથ શર્માને અને બીજા પરમવીરોને આપણે વળી ક્યારે શૂરવીરોને કે શહીદોને બદલે હિંસાખોરો કહ્યા ?
પાકિસ્તાનના શસ્ત્રાગારમાં આજે સેંકડો અણુશસ્ત્રો છે--અને તે એટલા 
માટે કે તેમને બનતા રોકવાના એક પછી એક અવસરો ભારત ચૂક્યું

ભારતે જેગ્યુઆર પ્લેન વસાવ્યાં પછી આપણી વાયુસેનાએ જૂન, ૧૯૮૧માં (હજી બાંધકામ હેઠળના) કાહુટા પર ભીષણ બોમ્બમારો કરવાનો પ્લાન રચ્યો અને તે માટે રિહર્સલ પણ કર્યું. ઇન્દિરા ગાંધીએ પ્લાનને મંજૂરી ન આપી. એક વાત ખાસ જાણી લો કે ૧૯૭૮ના અરસામાં મોરારજીભાઇના શાસન દરમ્યાન ઇઝરાયેલે કાહુટા અણુમથક પરના હુમલા માટે આપણું જામનગર એરબેઝ વાપરવાની માગણી કરી ત્યારે એ જાતનું મિશન હાથ ધરી શકે તેવાં વિમાનો આપણી પાસે ન હતા. ભારતીય વાયુસેનાએ બીજે જ વર્ષે જેગ્યુઆર પ્લેન વસાવ્યાં, જેઓ Deep Penetration Strike Aircraft તરીકે ઓળખાતા વર્ગનાં હતાં. રેડારની નજર ચૂકાવવા ખૂબ નીચા લેવલે ઊડીને દુશ્મનના પ્રદેશમાં ઊંડે સુધી પેસારો કરવા સર્જાયાં હતાં એટલું જ નહિ, પણ તેમની પ્રહારશક્તિ ગજબ હતી. પાકિસ્તાનના કાહુટા અણુમથકમાં યુરેનિયમ-235 વડે ચેઇન રિએક્શન શરૂ ન થાય (ટેક્નિકલ ભાષામાં ઃ અણુમથક critical ન થાય) ત્યાં સુધી તેના પરના વિમાની હુમલા કરવાનો વાંધો નહિ, કેમ કે કિરણોત્સર્ગી વિનાશ ફેલાવાનો સવાલ ન રહે. ટૂંકમાં, હવાઇ હુમલો કરવા માટે મોકો હતો, પણ તેની સમયમર્યાદા હતી. ભારતીય વાયુસેનાએ જૂન, ૧૯૮૧માં એર-અટેકનું જે રિહર્સલ યોજ્યું તેમાં જેગ્યુઆર પ્લેન જ વપરાયાં હતાં. મિશનને પરવાનગી ન આપનાર તત્કાલીન વડા પ્રધાન ખરેખર સોનેરી મોકો ચૂકી રહ્યાં હતાં.

પાકિસ્તાન વખત જતાં અણુસત્તા બને એ વાત ભારતના લશ્કરી અફસરોને બેચેન કરી રહી હતી. થોડા વખત પહેલાં એડ્રિઆન લેવી તથા કેથેરિન સ્કોટ-ક્લાર્ક નામના બે અમેરિકન ડિફેન્સ નિષ્ણાતોએ પુસ્તક પ્રગટ કર્યું. પુસ્તકમાં તેમણે સાવ અજાણી રહેલી વાત એ નોંધી કે ફેબ્રુઆરી, ૧૯૮૩માં ભારતીય લશ્કરના અમુક વિશેષજ્ઞો ઇઝરાયેલની ‘સિક્રેટ’ મુલાકાતે ગયા હતા. પાકિસ્તાને કાહુટાના અણુમથક ફરતે જે એર-ડિફેન્સ વ્યવસ્થા ગોઠવેલી તેને ઇલેક્ટ્રોનિક વોરફેર થકી ‘મૂંગી, બહેરી તથા આંધળી’ બનાવી દેવાનાં ઇઝરાયેલી વીજાણુ સાધનો ભારતીય વાયુસેના માટે ખરીદવાની ગણતરી હતી. અમુક કારણોસર (બેશક સરકારી વિટોના કારણસર) ખરીદીનો પ્લાન અંતે પ્લાન જ રહ્યો.

આજથી લગભગ ત્રણ દસકા પહેલાં આપણા પ્રતિષ્ઠિત ડિફેન્સનિષ્ણાત ભરત કર્નાડે મુંબઇના અંગ્રેજી દૈનિકમાં આખું પાનું રોકતો અને મોટો ધડાકો કરતો લેખ વિસ્તૃત છણાવટ સાથે લખ્યો. વિગતવારની રજૂઆતમાં ભરત કર્નાડે જણાવ્યું કે ૧૯૮૩માં ઇન્દિરા ગાંધીએ ઇન્ડિયન એરફોર્સને કાહુટા પર વિમાની હુમલાની યોજના ઘડવાનો હુકમ આપ્યો હતો. આ વખતે તેઓ આક્રમક મૂડમાં હતાં. ભારતીય વાયુસેનાએ યોજના ઘડી, પરંતુ એ પણ અહલ્યા જ રહી જવા પામી. નાતના જમણવાર માટે લીટરબંધ દૂધપાક તૈયાર હોય અને પંગત બેસી ચૂકી હોય એ વખતે છેલ્લી ઘડીએ ગામનું રખડું-ખસિયું કૂતરું દૂધપાકના જમ્બો તપેલામાં મોં નાખી જાય એવું બન્યું. ભારતના અણુશક્તિ પંચના અધ્યક્ષ નીમાયેલા રાજા રામન્ના ઓસ્ટ્રિયાના પાટનગર વિયેના ગયા હતા. વિયેનામાં અણુશક્તિ વિશેનું આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. પાકિસ્તાનનો અણુવિજ્ઞાની મુનિર અહમદ ખાન પણ તેમાં હાજર રહ્યો હતો. રાજા રામન્ના સાથે ભેટો થયો ત્યારે તેણે ચીમકી આપી કે ભારતને જો કાહુટા પર અટેક કરે તો પાકિસ્તાન મુંબઇના ટ્રોમ્બે ખાતેના BARC/ ભાભા એટમિક રિસર્ચ સેન્ટરને ફૂંકી દેવાનું હતું.

રાજા રામન્નાએ સ્વદેશ પાછા આવ્યા બાદ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને મુનિર ખાનની ચીમકી વિશે માહિતગાર કર્યા. નતીજારૂપે કાહુટા પરના અટેકનો પ્લાન ઊગ્યો તેવો આથમ્યો. કોઇએ એ વાત કેમ ધ્યાન પર ન લીધી કે કાહુટા હજી સક્રિય અણુમથક નહોતું બન્યું અને ભારતનું BARC સાંગોપાંગ અણુમથક હતું, જેના પર અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા જેવા સત્તાવાહી દેશો પાકિસ્તાનને હુમલો કરવા જ ન દે. સપ્ટેમ્બર-ઓક્ટોબર, ૧૯૮૪માં કાહુટાને ધમરોળી નાખવાનો ભારત સરકારને વળી ઉધામો ચડ્યો, જે થોડા જ દિવસોમાં અભેરાઇ પર ચડ્યો. પાકિસ્તાને ત્યાર પછી તો કાહુટાના અણુમથક ફરતે અમેરિકી બનાવટનાં Hawk એન્ટિ-એરક્રાફ્ટ મિસાઇલ્સ અનેક ડઝનોના હિસાબે ગોઠવી દીધાં.

આ છે ‘ઓપરેશન પરાક્રમ’ની જીવ બળાવતી પાશ્ચાદ્ભૂમિકા, માટે ‘એક વખત એવું બન્યું...’ એ જ ભૂમિકાને પૂર્વાપર સંબંધ ગણીને વાંચજો.

Comments

  1. Aava sobotage plane mate sardar vallabhbhai patel jevo durndeshi ane majbut manobal valo shashak joie

    RAW = MOSSAD

    ReplyDelete
  2. http://swarajyamag.com/magazine/how-we-killed-the-kaoboys/

    ReplyDelete
  3. http://ajitvadakayil.blogspot.in

    http://ajitvadakayil.blogspot.in/2014/08/yellapragada-subbarow-nobel-prize-and.html

    http://ajitvadakayil.blogspot.in/2011/09/tears-of-palestine-capt-ajit-vadakayil.html

    ReplyDelete
  4. એક વાત નિશ્ચીત છે કે તે સમયના આપણા નેતાને દેશના ભવિષ્ય ને વિચારવાની શક્તિ શુન્ય હતી...!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન