એક યાદગાર મુલાકાત પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન બાના સિંહ સાથે

મેજર સોમનાથ શર્મા, લેફ્ટનન્ટ કર્નલ અરદેશર તારાપોર, ક્વાર્ટર માસ્ટર અબ્દુલ હમીદ, સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ, કંપની હવાલદાર મેજર પીરુ સિંહ શેખાવત, મેજર શૈતાનસિંહ...

આ બધાં નામો ભારતીય ખુશ્કીદળના એ સપૂતોનાં છે જેમણે યુદ્ધમેદાનમાં દાખવેલાં અપ્રતિમ સાહસોને ભારત સરકારે સર્વોચ્ચ લશ્કરી ખિતાબ પરમવીર ચક્ર વડે નવાજ્યાં છે. દુશ્મન સાથે એ વીરો સામી છાતીએ લડ્યા, પણ વિધિનો ક્રૂર ખેલ કે પરમવીર ચક્રનો મેડલ તેમની છાતીએ શોભે એ પહેલાં તેઓ વીરગતિ પામ્યા. ૧૯૪૭ના પ્રથમ ભારત-પાક યુદ્ધથી લઇને ૧૯૯૯ના કારગિલ યુદ્ધ સુધીના વિવિધ સંગ્રામોમાં અજોડ સાહસ અને શૌર્ય દાખવનાર કુલ ૨૧ સપૂતો પરમવીર ચક્ર પામ્યા છે. આજે તેમાંના ફક્ત ૩ સપૂતો હયાત છે. 

living legend/ જીવંત દંતકથા જેવા શૂરવીરો પૈકી એક એવા પરમવીર કેપ્ટન બાના સિંહને થોડા વખત પહેલાં વડોદરા ખાતે રૂબરૂ મળવાનું થયું. જગતના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિઆચેન સાથે બાના સિંહનું નામ અત્યંત ગાઢ રીતે જોડાયેલું છે. ૧૯૮૭ના અરસામાં સિઆચેનની સૌથી ઊંચી (૬,૭૫૨ મીટર) પહાડી ચોટીએ પાકિસ્તાને ‘કાઇદ પોસ્ટ’ નામની લશ્કરી ચોકી સ્થાપી હતી, જ્યાંથી તેના સૈનિકો આપણા ખુશ્કીદળની ‘સોનમ પોસ્ટ’ જેવી ચોકીઓ પર બેફામ ફાયરિંગ કરતા હતા. બાના સિંહની આગેવાની હેઠળ આપણા ચાર જવાનોએ મોતની પરવા કર્યા વિના ‘કાઇદ પોસ્ટ’ પર હલ્લો બોલાવ્યો અને ત્યાં તૈનાત પાક સૈનિકોને ઢાળી દીધા. ચોકી પરના કુલ ૧૭ શત્રુઓ પૈકી સાતને તો બાના સિંહે એકલે હાથે પૂરા કર્યા અને ‘કાઇદ પોસ્ટ’ પરથી પાક ધ્વજ હટાવી ત્યાં ભારતનો ત્રિરંગો લહેરાવી દીધો. આ દિલધડક સાહસ બદલ બાના સિંહને જાન્યુઆરી ૨૬, ૧૯૮૮ના રોજ સર્વોચ્ચ લશ્કરી ખિતાબ પરમવીર ચક્ર એનાયત કરાયો.



ભારત માતાના આવા સપૂતનો સાક્ષાત્કાર થવો એ જ ધન્યઘડી કહેવાય, જ્યારે આ લખનારને તો પોણા કલાક સુધી તેમની સાથે સત્સંગ કરવાનો મોકો સાંપડ્યો હતો. મુલાકાત દરમ્યાન એ પરમવીર જોડે સિઆચેન વિશે, ત્યાંના વ્યૂહાત્મક મહત્ત્વ વિશે, સિઆચેનમાં તૈનાત આપણી સેના વિશે સવિસ્તાર વાર્તાલાપ થયો. સૌથી નોંધપાત્ર એવાં બે વાક્યો :

‘૨૦૦૦ની સાલમાં તમે નિવૃત્તિ લીધી ત્યાર પછી માસિક પેન્શન કેટલું મળતું હતું ?’

બાના સિંહનો જવાબ : ‘માસિક `૧૬૨નું ! પરંતુ એનાથી શું ફરક પડે છે ? સિપાહી તરીકે મેં મારું કામ નિષ્ઠાથી કર્યું. બસ, વાત ત્યાં પૂરી થઇ જાય છે. સરકારને જે ઠીક લાગે તે કરે !’

બીજો સવાલ: ‘હું જાણું છું ત્યાં સુધી પંજાબ સરકારે તમને બહુ મોટી રકમની ઓફર કરી હતી, જે તમે ઠુકરાવી દીધી. મામલો શો હતો ?’

‘પંજાબ સરકારે મને `૨૫,૦૦,૦૦૦નું ઇનામ, `૧૫,૦૦૦નું માસિક ભથ્થું અને પચ્ચીસ એકરનો પ્લોટ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ શરત મૂકી કે તમે હંમેશ માટે પંજાબમાં આવીને વસી જાવ. મેં ચોખ્ખી ના પાડી દીધી. જમ્મુ મારી માતૃભૂમિ છે. રૂપિયાના લોભમાં હું તેને કેવી રીતે છોડી શકું ?’

સિત્તેર વર્ષીય પરમવીર બાના સિંહના આવા જવાબોમાં તેમની સાદગી, સંયમ અને સૌમ્યતા વ્યક્ત થતા હતા. પરમવીર ચક્રનો સર્વોચ્ચ લશ્કરી ખિતાબ મળ્યો હોવા છતાં એ બાબતનો જરાસરખોય અહંકાર તેમના વાણી-વર્તનમાં ન હતો. લશ્કરીપણું તો લગીરે નહિ. મુલાકાતની આખરમાં ‘આ છે સિઆચેન’ પુસ્તક તેમને ભેટરૂપે આપ્યું ત્યારે તેમણે બહુ રસપૂર્વક તેને જોયું અને પછી બોલ્યા, ‘આ પુસ્તક લખીને તમે સારું કામ કર્યું છે. હું આશા રાખું કે પુસ્તક વાંચ્યા પછી ગુજરાતના યુવાવર્ગમાં ભારતીય લશ્કર પ્રત્યે માન-સન્માન વધે એટલું જ નહિ, પણ એમાંથી કેટલાક યુવકો લશ્કરમાં જોડાય તેવી પ્રાર્થના કરું છું. આજકાલ દરેક માતા-પિતા એવું જ ઇચ્છે કે તેમનો પુત્ર એન્જિનિઅર, ડોક્ટર, વકીલ કે પછી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બને. આવી વિચારસરણિ દિવસોદિવસ વ્યાપક બનતી જાય છે. આમ જ બનતું રહ્યું તો લશ્કરમાં કોણ જશે ? આપણી સરહદોની રક્ષા કોણ કરશે ?’

કેપ્ટન બાના સિંહ, મેજર સોમનાથ શર્મા, લેફ્ટનન્ટ કર્નલ અરદેશર તારાપોર, ક્વાર્ટર માસ્ટર અબ્દુલ હમીદ, સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ, કંપની હવાલદાર મેજર પીરુ સિંહ શેખાવત, મેજર શૈતાનસિંહ... આ તમામ અને તેમના જેવા બીજા અનેક સપૂતોના માતા-પિતાએ પણ કંઇક એવું જ વિચાર્યું હોત તો ભારતનો ઇતિહાસ જ નહિ, કદાચ ભૂગોળ પણ આજે જુદી હોત !

તાજાકલમ ઃ ભારતીય ખુશ્કીદળને ૪૦,૦૦૦ જવાનોની તેમજ ૧૦,૦૦૦ અફસરોની ખોટ સાલતી હોવાનું આપણા સંરક્ષણ મંત્રીએ સંસદમાં જણાવ્‍યું છે.

Comments

  1. સરસ મુલાકાત.

    ReplyDelete
  2. ઊંચી ઊંચી ઈમારતો પાયાના કેટલાક પથ્થરોની નિસ્વાર્થ ફરજપરસ્તી પર જ ટકતી હોય છે. મેજર બાના સિંહ, અને તેમના જેવા અનેક સ્પૂતોને કારણે આપણો દેશ (હજૂ પણ) ઉજળો છે.
    હર્ષલભાઈએ તેમની મુલાકાત લીધી અને બહુ ઓછા શબ્દોમાં તેમનાં વ્યક્તિત્વને વાચકો સમક્ષ મૂકી આપ્યું એ કેપ્ટન બાના સિંહ, અને તેમના જેવા અનેક નામી છતાં અનામી પાયાના પત્થરોની કદર છે.

    ReplyDelete
  3. પ્રશંસનીય અને પ્રેરણાદાયક!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન