દમદાર માહિતી પીરસતું ‘સફારી’ હવે દમકદાર રંગીન અવતારમાં
આ સામયિકના હજારો
જિજ્ઞાસુ વાચકોએ આજ દિન સુધી પૂછેલા ૨,૫૦૦ કરતાંય વધુ પ્રશ્નોના મુદ્દાસર જવાબો ‘ફેક્ટફાઇન્ડર’
વિભાગમાં આશરે ૨૫૦ અંકો થયે અપાતા રહ્યા છે. અનેક વાચકો દ્વારા વારંવાર પૂછાતો રહેલો
અને હંમેશાં નિરુત્તર રહી જવા પામેલો એક સવાલ આમ હતો ઃ ‘સફારી’નાં તમામ પાનાં રંગીન
કેમ આપતા નથી ?
ચાલુ અંકથી ‘સફારી’નાં
રૂપ-રંગ બદલી નાખ્યાં પછી ઉપરોક્ત પ્રશ્ન demonetise થયેલી `1000ની નોટ જેવો નિરર્થક થઇ ગયો.
આથી પ્રસ્તુત અંક હાથમાં ઉઠાવતાવેંત વાચકોના મનમાં સંભવતઃ ઉઠેલા ‘સફારી’નાં તમામ
પાનાં રંગીન કરવામાં આટલું મોડું કેમ કર્યું ? એ સવાલનો લોજિકલ ખુલાસો અહીં પહેલી
વાર રજૂ કરીએ છીએ.
જથ્થાબંધ નકલોનો ફેલાવો
ધરાવતા ‘સફારી’ જેવા સામયિકોનું મુદ્રણ વેબ ઓફેસટ કહેવાતા પ્રિન્ટિંગ મશીન પર થાય છે,
જેમાં મોટા કદના roll/ વીંટલામાંથી આસ્તે આસ્તે રીલિસ થતો સફેદ કાગળ વિરાટ
પ્રિન્ટિંગ મશીનના સંખ્યાબંધ રોલર્સમાંથી પસાર થતો જાય તેમ તેના પર મુદ્રણ થતું રહે.
મશીનના એક છેડે દાખલ થતો કોરો કાગળ અનેક ‘ગલીકૂંચીઓ’ સોંસરવો અંતે સામા છેડે ૧૬ યા
૩૨ પાનાંરૂપે છપાઇને તેમજ આપોઆપ ફોલ્ડ થઇને બહાર નીકળે. વર્ષોથી ‘સફારી’નું બ્લેક-એન્ડ-વ્હાઇટ
પ્રિન્ટિંગ એ પદ્ધતિએ થતું હતું--અને જે મશીન પર થતું હતું તે વળી ગ્લોસી કાગળ પર રંગીન
છાપકામ કરવા સક્ષમ ન હતું. પ્રસ્તુત અંકમાં વાપર્યો છે તેવા (સ્વીડિશ બનાવટના) કાગળ
પર મલ્ટિ-કલર પ્રિન્ટિંગ કરવા માટે ખાસ પ્રકારનું વેબ ઓફસેટ જોઇએ, જેને ટેક્નિકલ ભાષામાં
heatset કહે છે. આ શબ્દની સરળ સમજૂતીમાં ફક્ત એટલું જ કહેવાનું થાય કે
લીસ્સો, ચીકણો એટલે કે ગ્લોસી કાગળ તેના પર લાગતી શાહીને ચૂસી ન શકે, માટે કાગળની સપાટી
પર મુદ્રણ થાય કે તરત ભીની શાહીને set/ જમાવવા ખાતર મુદ્રિત કાગળને
heat/ ગરમી આપવી રહી. આ કાર્ય heatset મશીનના હીટરનું છે.
પરંપરાગત વેબ ઓફસેટમાં હીટર હોય નહિ. આથી ગ્લોસી કાગળ પર મલ્ટિ-કલર છાપકામ કરવું શક્ય
ન બને.
અહીં જ ખરી સમસ્યા
હતી. બ્લેક-એન્ડ-વ્હાઇટ પ્રિન્ટિંગ કરી શકે તેવા પરંપરાગત વેબ ઓફસેટ અમદાવાદમાં એક
કરતાં વધુ હતા, પણ heatset મશીન કોઇ ખાનગી પ્રેસ પાસે ન
હતું. બીજી તરફ મુંબઇમાં એવાં મશીનોનો તોટો નહિ, એટલે ત્યાં ‘સફારી’નું મુદ્રણ કરાવવાનો
વિચાર આવ્યો. અલબત્ત, મુંબઇ ખાતે છાપકામ કરાવવું ‘સફારી’ને આર્થિક રીતે પરવડે તેમ નહોતું,
એટલે વિચાર માંડી વાળવો પડ્યો. અમદાવાદના સેંકડો પૈકી એકાદ ખાનગી પ્રિન્ટિંગ પ્રેસમાં
heatsetનું આગમન ક્યારે થાય તેનો ઇંતેજાર કર્યા વિના ‘સફારી’નો છૂટકો
ન રહ્યો. લાંબી રાહ જોવડાવ્યા પછી આખરે કેટલાંક વર્ષ અગાઉ પહેલવહેલું heatset
મશીન
અમદાવાદમાં આવ્યું. (FYI : જાપનીઝ અગર તો જર્મન
બનાવટના heatset મશીનની કિંમત `૩થી `૫ કરોડ જેટલી હોય છે. આ ભાવ સેકન્ડ
હેન્ડ મશીનનો થયો ! બ્રાન્ડ ન્યૂ મશીન તો એથીયે મોંઘું છે). વખત જતાં વધુ heatset
મશીનો
જુદા જુદા પ્રેસમાલિકોએ ખરીદ્યાં અને સ્પર્ધામાં ટકી રહેવા તેમણે મલ્ટિ-કલર મુદ્રણના
ભાવ અગાઉની તુલનાએ ઘટાડ્યા ત્યારે જઇને ‘સફારી’ માટે રંગીન છાપકામ માટેનાં દ્વાર ખૂલ્યાં.
આ દ્વાર મારફત હવે
all-colour સામયિકોની દુનિયામાં ‘સફારી’નો સમાવેશ થઇ ચૂક્યો છે. યુરોપી
દેશ સ્વીડનથી ખાસ આયાત કરાયેલા ઇકો-ફ્રેન્ડલી રિસાઇકલેબલ કાગળ પર કલરફુલ પ્રિન્ટિંગ
કરાવવા જતાં જે વધારાનો ખર્ચ વેઠવાનો આવ્યો તેને પહોંચી વળવા ખરેખર તો અંકની છૂટક કિંમત
કમ સે કમ `૧૨ જેટલી વધારવી પડે.
પરંતુ વાચકોના માથે વધુ આર્થિક બોજો ન આવે તે ખાતર કિંમતમાં ફક્ત `૫નો વધારો કરાયો છે. આશા નહિ,
બલકે વિશ્વાસ છે કે દમદાર માહિતીવાળા ‘સફારી’ને દમકદાર એવું ફુલ-કલર સ્વરૂપ આપવા જતાં
કરવો પડેલો એ નજીવો વધારો સૌ વાચકો સ્વીકારી લેશે.
Hertlyy thanxx
ReplyDelete