નકસલવાદ vs રાજકારણની રમતનાં લાચાર પ્યાદાં બની ગયેલા CRPFના યોદ્ધાઓ

ગયે મહિને છત્તીસગઢ રાજ્યના સુકમા ખાતે નક્સલવાદીઓએ અર્ધલશ્કરી દળની Central Reserve Police Force/ CRPF ટુકડી પર જાનલેવા હુમલો કરી ૨૫ જવાનોને ક્રૂર રીતે વીંધી નાખ્યા એ સમાચાર (હુમલામાં શહીદ થયેલા જવાનો ભેગા) હવે તો ભુલાઇ ગયા હશે. પરંતુ અહીં તે કરુણ ઘટનાના સંદર્ભે નક્સલવાદને ફોકસમાં લાવીને કેટલીક અજાણી હકીકતો જાણવા જેવી છે.

નક્સલવાદનો ઉદ્ભવ આજથી બરાબર પચાસ વર્ષ પહેલાં પશ્ચિમ બંગાળના નક્સલબારી નામના ગામે થયો--અને તે માટે નિમિત્ત બનેલું કારણ ત્યાંના જમીનદારો દ્વારા ખેતમજૂરોનું અમાનુષી શોષણ હતું. ખેતરોમાં કાળી મજૂરી કરનાર ગરીબ, અ બુધ લોકોને સાવ મામૂલી રકમ આપનાર પૈસાપાત્ર જમીનદારોની જોહુકમી સામે કેટલાક સામ્યવાદી આગેવાનો મેદાને પડ્યા. ખેતમજૂરોને થતા ઘોર અન્યાય સામે પહેલાં તેમણે અવાજ ઊઠાવ્યો અને પછી (સામ્યવાદી ચીને વાયા નેપાળ નક્સલબારી મોકલાવેલાં) શસ્ત્રો ઊઠાવ્યાં. રીતસરનો લોહિયાળ જંગ શરૂ કર્યો, જેમાં પહેલો ભોગ જમીનદારો બન્યા અને ત્યાર પછી ભ્રષ્ટ પુલિસ અધિકારીઓનો તેમજ રાજકારણીઓનો વારો આવ્યો. પૈસાની લાલચે જમીનદારોની તેમજ રાજકારણીઓની તરફેણમાં અને શ્રમિકવર્ગની વિરુદ્ધમાં કાનૂની ચૂકાદો આપનાર ન્યાયાધીશોને ઠાર મરાયા. બ્લેક માર્કેટિંગ કરતા વેપારીઓ, લાંચરુશવત વડે તગડા સરકારી કોન્ટ્રાક્ટ મેળવતા ઠેકેદારો, ગરીબ ખેડૂતોની જમીન બળજબરીપૂર્વક પાણીના ભાવે આંચકી ત્યાં ઔદ્યોગિક એકમો સ્થાપનાર ઉદ્યોગપતિઓ વગેરેને પણ નક્સલવાદીઓએ મોતભેગા કરી દીધા.
નક્સલગ્રસ્ત વિસ્તારમાં તૈનાત CRPFના પ્રત્યેક સૈનિકના માથે મોતની તલવાર સતત તોળાયા કરે છે
ક્રાંતિની આગના ભડકા વર્ષોવર્ષ વધતા રહ્યા અને છેવટે દાવાનળનું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. આજે તે દાવાનળ ભારતનાં ૧૦ રાજ્યોને ઘેરી વળ્યો છે, જ્યાંના નક્સલગ્રસ્ત જિલ્લાઓમાં સશસ્ત્ર  નક્સલવાદીઓનું રાજ ચાલે છે. જોરજુલમ અને ધાકધમકી વડે નક્સલવાદીઓ લખલૂંટ નાણાં મેળવે છે. જેમ કે નક્સલ પ્રદેશમાંથી હંકારતા માલવાહક ખટારાએ પ્રત્યેક નાકે `૫૦ ચૂકવવા પડે છે. પેસેન્જર બસ ચલાવતી કંપનીઓ પાસેથી માસિક `૧૦,૦૦૦નો નાકાવેરો લેવામાં આવે છે. બાંધી રકમના હપતા મેળવીને પણ નક્સલવાદીઓ તેમની તિજોરી ભરે છે. ઉદાહરણ તરીકે નક્સલશાસિત પ્રદેશમાં અફીણની (લાઇસન્સ મેળવીને) અધિકૃત ખેતી કરનારે `૧ કરોડનો હપતો આપવાનો રહે છે. આમાં રકઝકને અવકાશ જ નથી, કેમ કે એમ કરવા જતાં તેણે જાન ગુમાવવો પડે છે. ઝારખંડમાં કોલસાની તેમજ ખનિજોની ખાણોનો સુમાર નથી. અહીં ખાણકામ કરતી કંપનીઓ પાસે નક્સલવાદીઓ `૮ લાખનો માસિક હપતો વસૂલે છે. હપતો સમયસર ન મળે તો હથિયારબંધ નક્સલીઓ કોઇ પણ હદે જાય છે. જેમ કે કેટલાંક વર્ષ પહેલાં બોક્સાઇટનું ખાણકામ કરતી એક કંપનીએ હપતાની રકમ ન આપી ત્યારે તેનાં કુલ ૨૦ ખટારાને અધરસ્તે રોકી આગ ચાંપી દેવામાં આવી. ખંડણી, હપતા, કમિશન વગેરે થકી નક્સલવાદીઓને મળતી આવકનો વાર્ષિક આંકડો `૨૦૦૦ કરોડથી ઓછો નથી.

જુઓ કે પચાસ વર્ષ પહેલાં પીડિત ખેતમજૂરોને ન્યાય અપાવવાના આશયે નક્સલબારી ગામે શરૂ થયેલી ક્રાંતિ આજે કેવા વિપરિત ફાંટે વળી છે. ગરીબોના તથા શોષિતોના ‘લાભાર્થે’ ચાલતી એ લોહિયાળ ક્રાંતિના પ્રતાપે આજે ભારતનો ૯૦,૦૦૦ ચોરસ કિલોમીટરનો પ્રદેશ એવો છે કે જ્યાં સરકારી તંત્રનું કશું ચાલતું નથી અથવા તો નક્સલોનાં ધારાધોરણો સ્વીકાર્યા વગર તંત્ર ચલાવી શકાતું નથી. આ કથિત ક્રાંતિની સૌથી માઠી અસર આપણા અર્ધલશ્કરી દળના સૈનિકોએ ભોગવવાની થઇ છે, જેમના માથે સરકારે નક્સલોને દાબમાં રાખવાનો કાર્યભાર નાખી દીધો છે. આ સૈનિકોને નક્સલો પોતાના કટ્ટર શત્રુ ગણે છે, એટલે ‘દેખો ત્યાં મારો’ના ધોરણે તેમને ખતમ કરી દે છે. આવી બર્બરતાનું પરિણામ એ આવ્યું છે કે છેલ્લાં ૧૮ વર્ષમાં આપણા અર્ધલશ્કરી દળના ૨,૭૦૦ જેટલા સૈનિકો નક્સલવાદીઓના હાથે માર્યા ગયા છે. આમાંના ઘણાખરા સૈનિકો તો અરેરાટીજનક મોતને ભેટ્યા છે. જેમ કે ગયે મહિને આપણા ૨૫ સૈનિકોનો ભોગ લેનાર નક્સલવાદીઓએ અમુક સૈનિકોનાં મોઢાં રાઇફલના કૂંદા મારી મારીને વિકૃત કરી દીધાં. કેટલાકનું ગળું તીક્ષ્ણ છરી વડે કાપી નાખ્યું. સૈનિકોનાં અંગોનું વિચ્છેદન કરીને તો જંગાલિયતની હદ વટાવી દીધી.

પચાસ વર્ષ પહેલાં નક્સલબારી ખાતે પહેલી વાર ક્રાંતિની ચિનગારી પ્રગટી એ જ વખતે તત્કાલીન સરકારે ભારત-નેપાળ સરહદે જાપ્તો વધારી ચીની શસ્ત્રોની ઘૂસણખોરી રોકી દીધી હોત અને જમીનદારો પર વિફરેલા નક્સલવાદીઓ જોડે વાટાઘાટો યોજી તેમની ફરિયાદોનું નિરાકરણ લાવી દીધું હોત તો આજે નક્સલવાદે ૧૦ રાજ્યોને સકંજામાં લીધાં ન હોત. આ અવસર આપણા રાજકીય આગેવાનો ચૂકી ગયા અગર તો નક્સલ આંદોલનના તાપણે પોલિટિકલ રોટલા શેકવામાં તેમણે હાથે કરીને તે અવસર જતો કર્યો. આ ભૂલ ગંભીર જ નહિ, અક્ષમ્ય પણ હતી. અફસોસ કે આજે તે ભૂલની સજા આપણા સૈનિકો પોતાનું લોહી રેડીને ચૂકવી રહ્યા છે.

Comments

  1. ખુબ સચોટ માહિતી! નીચ પાકિસ્તાન આપડા સૈનિકો નું માથું વાઢી નાખે એ તો સમજાય પણ આપડા જ દેશ ના વિફરેલા નક્સલીઓ સૈનિકો ના માથા વાઢે એ તો નો જ ચલાવી લેવાય. બેવ ને બરોબર પાથ ભણાવો જ પડે! જો આમ આજ ચાલ્યા કર્યું તો યુવા Indian Army જોઈન કરતા વિચાર કરશે! કટપ્પા એ બાહુબલી ને કેમ માર્યો એ માં રસ લેવા કરતા નક્સલીઓ એ સૈનિકો ને કેમ માર્યા એ વિચાર કરવા જેવો છે! ખુબ ખુબ આભાર માહિતી બદલ..

    ReplyDelete
  2. આજે કટપ્પા તથા બાહુબલીની ચિંતા કરનારાની સંખ્યા જોતાં એમ થાય છે કેૅ, આપણા દેશનો મુખ્ય પ્રશ્ન દેશની શાંતી છે કે પછી કટપ્પા બાહુબલી ?

    ReplyDelete
  3. સામાન્ય પ્રજા હજુ આ બધાથી બેખબર છે. આ મુદ્દા પ્રત્યે જમ્મુ-કાશ્મીર જેવી હાલત ના થાય, તે માટે ખાસ સંવેદના-કાળજી લેવી જરૂરી છે.

    ReplyDelete
  4. This is very alarming situation. Our politacal parties has to be united on this kind of matter rater than arguing with each other.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya