રોગપ્રતિકારક શક્તિઃ કોરોનાવાઇરસને નાથવાનું બ્રહ્માસ્ત્ર
કોરોનાવાઇરસની રસી હજી શોધાઈ નથી—અને તે કાર્યમાં અનેક પડકારો જોતાં ક્યારે શોધાય એ કહી શકાય નહિ. આ અંધકારમય સ્થિતિમાં કોરોના સામે શરીરના રોગપ્રતિકારક તંત્રએ લડત આપ્યાના અને વિજય મેળવ્યાના કેસમાં તબીબોને આશાનું કિરણ દેખાય છે.
પૃથ્વી પર દરેક પદાર્થ સજીવ અને નિર્જીવ એમ બે કેટેગરીમાં વર્ગીકૃત પામેલો છે. બાયૉલૉજિકલ એટલે કે જૈવિક ક્રિયાઓ જેમાં થતી હોય તે પ્રત્યેક કુદરતી પદાર્થ સજીવ વર્ગમાં આવે, જ્યારે જૈવિક સંચાર જેનામાં નથી તે નિર્જીવ કહેવાય.
કુદરતના તમામ પદાર્થોનું બે વર્ગમાં આસાનીથી વર્ગીકરણ કરી શકાય, પરંતુ વાઇરસ અર્થાત્ વિષાણુ તેમાં અપવાદ છે. માંડ પચાસેક નેનોમીટરનું (૦.૦૦૦૦૦૦૦૨ મિલિમીટરનું) કદ ધરાવતો, માટે નરી આંખે ન દેખાતો વિષાણુ સજીવ નથી તેમ નિર્જીવ પણ નથી. વિજ્ઞાનીઓએ તેને Living Dead/ ‘જિન્દા મુર્દા’ એવી ત્રીજી કેટેગરીમાં મૂક્યો છે. કુદરતમાં વિષાણુ જેટલી અટપટી રચનાવાળી નિર્જીવ વસ્તુ એકેય નથી અને તેના જેટલી સીધીસાદી રચનાવાળો સજીવ પણ કોઈ નથી. સીધીસાદી એટલા માટે કે વિષાણુને મગજ નથી, જ્ઞાનતંત્ર નથી અને જ્ઞાનતંત્રના અભાવે જ્ઞાનતંતુઓની પણ શી જરૂર? હૃદય, પાચનતંત્ર અને શ્વસનતંત્ર જેવાં એકેય બાયૉલૉજિકલ ‘પૂરજા’ કુદરતે વિષાણુમાં ફિટ કર્યા નથી. રક્ત પણ નહિ.
આમાંનું કશું જેને ન હોય તે સજીવ કહેવાય? બિલકુલ નહિ. છતાં વાઇરસને સજીવની કેટેગરીમાં એટલા માટે મૂકી શકાય કે તેની પાસે જિનેટિક બ્લૂપ્રિન્ટ છે, જે નિર્જીવ પદાર્થમાં હોતી નથી. બીજી તરફ જૈવિક વ્યાખ્યા મુજબ દરેક સજીવમાં ચયાપચયની ક્રિયા થવી જોઈએ, જે વાઇરસમાં થતી નથી. આથી તેને નિર્જીવ પણ ગણી શકાય છે.
આમ થાય છે વાઇરસનો હુમલો
નહિ સજીવ કે નહિ નિર્જીવ એવો ‘જિન્દા મુર્દા’ વાઇરસ ફક્ત બે મટીરિઅલનો બનેલો છે. (૧) RNA/ રીબોન્યૂકલિક એસિડ. (૨) RNA ફરતે પ્રોટીનનું આવરણ, જેના પર રિસેપ્ટર પિન કહેવાતાં ભીંગડાં હોય છે. આ સિવાય તેને ત્રીજું ‘અંગ’ હોતું નથી.
રીબોન્યૂકલિક એસિડ એ વાસ્તવમાં સ્પ્રિંગના આકારવાળી જિનેટિક બ્લૂ પ્રિન્ટ છે, જેની અંદર કુદરતે ‘Copy-Paste’ એવા મતલબનો કમાન્ડ ધરાવતો જૈવિક પ્રોગ્રામ લખ્યો છે. આ પ્રોગ્રામનું કાર્ય માણસના શારીરિક કોષમાં દાખલ થયા બાદ વિષાણુની ઝડપભેર અને સંખ્યાબંધ નકલો બનાવવાનું છે. SARS-CoV-2 કોરોનાવાઇરસના કેસમાં બન્યું તેમ ખાંસી/છીંક દ્વારા બહાર નીકળેલા લાળબિંદુ મારફત ચેપ લાગ્યા પછી શરીરમાં પ્રવેશેલો વિષાણુ એકાદ કોષને પોતાનો યજમાન બનાવે છે અને પ્રોટીનરૂપી બાહ્યાવરણ પરની રિસેપ્ટર પિનને કોષના સોકેટમાં ભરાવે છે. મોબાઇલના ચાર્જરનો પ્લગ સ્વીચ-બોર્ડના સોકેટમાં ભરાવ્યા બાદ જ કરન્ટનું વહન થાય એ રીતે વાઇરસની રિસેપ્ટર પિન શરીરના કોષ જોડે ગઠબંધન રચે ત્યાર પછી જ તેનું કોષ જોડે કનેક્શન સ્થપાય છે.
એક વાર આવું જોડાણ સ્થપાય, એટલે વાઇરસ કોષની અંદર પોતાનો RNA દાખલ કરી દે છે. હવે RNAમાં રહેલો ‘Copy-Paste’નો જૈવિક પ્રોગ્રામ હરકતમાં આવે છે. કોષને તે નવો વિષાણુ બનાવી આપવાનો કમાન્ડ આપે છે, જેનું કોષે પાલન કરવું રહ્યું અને પોતાનું જૈવિક મટીરિઅલ વાપરીને નવા વિષાણુઅો તૈયાર કરી આપવા રહ્યા. આ પ્રક્રિયામાં છેવટે તો સાજાસમા કોષની જાત ઘસાય છે અને ટૂંક સમય બાદ તે મરી પરવારે છે. બીજી તરફ ‘Copy-Paste’ના પેલા પ્રોગ્રામના નતીજારૂપે નવા જન્મેલા વિષાણુઅો મૃત કોષની દીવાલ તોડીને બહાર નીકળી આવી બીજા યજમાન કોષો પર ધાબો બોલાવે છે. ઉપર લખી તે પ્રક્રિયાનું પછી તો પુનરાવર્તન શરૂ! આમને આમ શરીરના દુરસ્ત કોષો સતત ચેપગ્રસ્ત બનતા જાય છે, વિષાણુઓની નકલો પેદા કરતા જાય છે અને મરતા જાય છે.
આમ થાય છે હુમલાનો પ્રતિકાર
પરંતુ શરીરના કોષો પર વિષાણુઅો હુમલો કરે એ વખતે શરીરતંત્ર નિષ્ક્રિય રહે એવું થોડી બને? પ્રતિકાર માટેનું અમોઘ શસ્ત્ર તો શરીરની અંદર જ છેઃ અૅન્ટિબાેડીઝ એટલે કે પ્રતિદ્રવ્યો. વાઇરસના આક્રમણ સામે લડવા માટે શરીરનું immune system/ રોગપ્રતિકારક તંત્ર તરત પ્રતિદ્રવ્યો પેદા કરવા માંડે છે. શરીરના કોષને સોકેટ હોય તેમ પ્રતિદ્રવ્યો પણ સોકેટ ધરાવે છે. આ સોકેટમાં વાઇરસની રિસેપ્ટર પિન ઘૂસી જાય અર્થાત્ ભરાય, એટલે પછી શારીરિક કોષમાં પિન ખોસવાનો તેના માટે ચાન્સ રહેતો નથી. જુદી રીતે કહો તો વાઇરસના ફેલાવાની પ્રક્રિયા પડી ભાંગે છે.
શરીરની અંદર ખેલાતા પ્રતિદ્રવ્યો વિરુદ્ધ વિષાણુના સાઇલન્ટ બાયૉલૉજિકલ યુદ્ધમાં આખરે વિજય કોનો થાય તેનો આધાર રોગપ્રતિકારક તંત્રની ક્ષમતા પર યાને કે તે કેટલા જલદી તેમજ કેટલાક પ્રમાણમાં પ્રતિદ્રવ્યો બનાવે તેના પર રહેલો છે. ધ્યાન પર લેવા જેવી વાત છે કે કોરોનાના SARS-CoV-2 વાઇરસનો ભોગ બનેલા ઘણા હતભાગીઓ મોટી વયના હતા અગર તો મધુપ્રમેહ, ઊંચું રક્તદાબ અથવા હ્દયની બીમારી ધરાવતા હતા. આવા દરદીઓનું રોગપ્રતિકારક તંત્ર જરા નબળું હોય છે—અને નબળું હોવાથી વાઇરસ સામે બરાબર લડી શકતું નથી.
દવા વિના કોરોનાનો ખાતમો
રોગપ્રતિકારક તંત્ર જ્યારે બળવત્તર હોય ત્યારે કેવો ચમત્કાર સર્જાય તેનો દાખલો થોડા દિવસ પહેલાં ઑસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં જોવા મળ્યો. પ્રતિષ્ઠિત વિજ્ઞાન સામયિક Natureના અભ્યાસલેખમાં નોંધાયેલો કિસ્સો કંઈક આમ છેઃ
કોરોનાના SARS-CoV-2 વાઇરસનો ઉદ્ભવ જ્યાં થયો તે ચીનના વુહાનમાં રહેતી ૪૭ વર્ષીય મહિલા માર્ચ, ૨૦૨૦ના આરંભે વિમાનમાર્ગે ઑસ્ટ્રેલિયાના મેલબોર્ન માટે નીકળી ત્યારે તે જાણતી ન હતી કે તેના શરીરમાં કોરોનાવાઇરસની ઘૂસણખોરી થઈ ચૂકી છે. મેલબોર્ન પહોંચ્યાના થોડા દિવસમાં વાઇરસે પોતાની અસર દેખાડતાં મહિલાને ઇમર્જન્સી તબીબી સારવાર કેંદ્રમાં ખસેડવામાં આવી. પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળ્યું કે તેનાં ફેફસાંને સોજો ચડ્યો છે. કેસ COVID-19 બીમારીનો હતો, જેનું ઓસડ તબીબો પાસે ન હતું. (કોરોનાવાઇરસને તબીબોએ આપેલું લેબલ SARS-CoV-2 છે, જ્યારે COVID-19 એ વાઇરસ દ્વારા થતી બીમારીનું નામ છે.) આથી મહિલાને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવી. ઑસ્ટ્રેલિયન ડૉક્ટરોની ટીમે જોયું કે એક સપ્તાહ સુધી વાઇરસની ભાંગફોડિયા વૃત્તિને ‘સહન’ કર્યા પછી મહિલાનું રોગપ્રતિકારક તંત્ર જાણે કે લડાયક મૂડમાં આવ્યું હોય તેમ ઝઝૂમવા લાગ્યું. ધીમે ધીમે તબિયતમાં સુધારો દેખાવા લાગ્યો. ચારેક દિવસમાં તો ફેફસાંનો સોજો લગભગ નાબૂદ થઈ ગયો અને હૉસ્પિટલમાં દાખલ થયાના બીજા સપ્તાહે તો ચીની મહિલાને સો ટકા સ્વસ્થ જાહેર કરી રજા આપી દેવામાં આવી.
આ જાણીને આશ્ચર્ય થતું હોય તો એ લાગણી થોડીક સેકન્ડ્સ પૂરતી કાબૂમાં રાખો. કારણ કે વધુ આશ્ચર્યની વાત તો હવે આવે છે. વુહાનથી SARS-CoV-2 વાઇરસ સાથે આવેલી ચીની મહિલા મેલબોર્નની હૉસ્પિટલમાં જેટલો સમય સારવાર હેઠળ રહી એ દરમ્યાન તેને એન્ટિ-બાયોટિક, સ્ટીરોઇડ તેમજ એન્ટિ-વાઇરલ પૈકી એકેય દવાનો જરાસરખોય ડૉઝ આપવામાં આવ્યો ન હતો. સારવારના નામે ફક્ત ગ્લુકોઝના તથા સલાઇનના બાટલા ચડાવવામાં આવ્યા હતા, જેમનું કાર્ય લોહીમાં શર્કરાનું તેમજ
સોડિઅમ, પોટેશિઅમ જેવા જરૂરી ક્ષારોનું લેવલ જાળવી રાખવાનું હોય છે.
તો પછી સવાલ એ કે કોઈ પણ જાતની દવા વિના આખરે ચીની મહિલા દુરસ્ત શી રીતે બની? ઑસ્ટ્રેલિયન તબીબોના મતે મહિલાના રોગપ્રતિકારક તંત્રએ પેદા કરેલા અૅન્ટિબોડીઝ યાને કે પ્રતિદ્રવ્યોએ જ કોરોનાવાઇરસને નાથ્યો હતો. અગાઉ જણાવ્યું તેમ પ્રતિદ્રવ્યો તેમનું સોકેટ વાઇરસની પિનમાં ખોસી દઈ તેને નિષ્ક્રિય બનાવી દે છે. ઉપરોક્ત કિસ્સામાં એમ જ બન્યું હતું. આથી તબીબો ચીની મહિલાના બ્લડ પ્લાઝમાને ચકાસી રહ્યા છે. સંભવ છે કે તેમાં મોજૂદ પ્રતિદ્રવ્યો તેમને કોરોનોવાઇરસની રસી બનાવવાના કાર્યમાં કોઈક રીતે મદદરૂપ થાય.
વ્યાધિક્ષમત્વઃ પાણી પહેલાંની પાળ
કોરોનાવાઇરસની રસી હજી શોધાણી નથી. ક્યારે શોધાય તેનો કશો ધડો પણ નથી, કારણ કે નવા ફૂટી નીકળતા વાઇરસ માટે પ્રતિદ્રવ્યો બનાવવાનું કામ ભારે પડકારભર્યું છે. દરમ્યાન જગતભરના તબીબો COVID-19ના દરદીઓને એઇડ્ઝ, સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લૂએન્ઝા જેવા રોગોને કાબૂમાં રાખવાની સહાયક દવાઓ વડે સારવાર આપી રહ્યા છે, જે ૧૦૦ ટકા કારગત નીવડતી નથી.
આ સ્થિતિ વચ્ચે કોઈ પ્રકારની દવાએ નહિ, પણ શરીરના રોગપ્રતિકારક તંત્રએ કોરોનાવાઇરસ સામે ફતેહ મેળવી હોય એવો મૅલબોર્નની ચીની મહિલાનો પહેલો કેસ છે. પરંતુ તેને અંતિમ યા અપવાદ ગણી લેવાની જરૂર નથી. કેસમાં કેંદ્રસ્થાને રહેલો મુદ્દો એ કે વાઇરસ જેવા ‘પરદેશી હુમલાખોર’ના આક્રમણ સામે લડી લેવાની ક્ષમતા કુદરતે દરેક મનુષ્યને immune system/ રોગપ્રતિકારક તંત્રના સ્વરૂપે આપી જ છે. હા, એટલું ખરું કે વાઇરસ શરીરમાં કેટલી ખાનાખરાબી સર્જી શકે તેનો આધાર તંત્ર કેટલું સશક્ત યા અશક્ત તેના પર રહેલો છે. તંત્ર નબળું હોય તો પરિણામ શું આવે એ તો સમજી શકાય તેવી વાત છે, પરંતુ પાવરફુલ હોય ત્યારે વાઇરસની પેશકદમી થયાના થોડા જ દિવસમાં (પેલી ચીની મહિલાના કેસમાં બન્યું તેમ) પ્રતિદ્રવ્યો લડત આપવા લાગે. મુકાબલો સજ્જડ હોય તો શરીરમાં વાઇરસનો સફાયો થવો રહ્યો.
ટૂંકમાં, કુદરત જો દર થોડા સમયે એકાદ નવા વાઇરસ વડે માનવજાતનું ડેથ વૉરન્ટ બજાવતી હોય, તો તે વાૅરન્ટ સામેનાં ‘જામિન’ પણ કુદરતે જ મનુષ્યના શરીરમાં immune systemના નામે આપી રાખ્યાં છે. કોરોનાવાઇરસની રસી ન શોધાય ત્યાં સુધી તે સિસ્ટમ પર ઘણે અંશે મદાર રાખવો પડે તેમ છે.
મૉડર્ન મેડિકલ સાયન્સ પાસે જ્યારે કોઈ સમસ્યાનો ઉકેલ ન હોય ત્યારે ઑલ્ટરનેટિવ મેડિસિન તરફ વળનારા લોકોનો બહુ મોટો વર્ગ પશ્ચિમી દેશોમાં છે. કોરોનાવાઇરસે એવા વર્ગના અનેક લોકોને આયુર્વેદમાં રસ લેતા કરી દીધા છે. અમુક યા તમુક આયુર્વેદિક ઔષધી કોરોનાવાઇરસ સામે રક્ષણ આપે એવું તેમનું માનવું છે. આવા ઉપચારોમાં મતભેદો હોઈ શકે. પરંતુ એક બાબતે કદાચ મતભેદને ઝાઝો અવકાશ નથીઃ પશ્ચિમના મૉડર્ન મેડિકલ સાયન્સ સામે આપણું પ્રાચીન આયુર્વેદ વિજ્ઞાન એ વાતે જુદું પડે કે પહેલામાં રોગ સામેના ઉપચારો છે, તો બીજામાં શરીરને રોગ જ ન થાય તેના ઉપાયો છે.
આયુર્વેદ જગતનું સૌથી પ્રાચીન તબીબી વિજ્ઞાન છે, જેનું પ્રાગટ્ય લગભગ પ,૦૦૦ વર્ષ પહેલાં વેદકાળમાં થયું હોવાનું કહેવાય છે. આટલા હજાર વર્ષ પહેલાં તત્કાલીન આયુર્વેદાચાર્યોએ એક શબ્દ પ્રયોગ કર્યો છેઃ વ્યાધિક્ષમત્વ. આનો અંગ્રેજીમાં તરજુમો કરવો હોય તો immuninty શબ્દ બંધબેસતો આવે. શરીરમાં વ્યાધિક્ષમત્વ વધારવા માટેનાં તેમજ તેને જાળવી રાખવા માટેનાં અશ્વગંધા અને મહાસુદર્શન જેવાં અનેક ઓસડિયાં આયુર્વેદ પાસે છે. નિયમિતપણે તેમનું સેવન રક્તનું શુદ્ધિકરણ અને રોગપ્રતિકારક તંત્રનું સમૃદ્ધિકરણ કરી શકે તેવું આયુર્વેદ જણાવે છે.
પરંતુ એ જાણવા માટે આપણી કટિબદ્ધતા કેટલી એ સવાલ છે. એક સમયે બુનિયાદી શિક્ષણ આપતી અમદાવાદની શારદા મંદિર જેવી શાળાઓમાં દર શનિવારે બાળમંદિરના વિદ્યાર્થીઓને કડુ કરિયાતાના તથા કડવા લીમડાના રસનો અકેક વાટકો ફરજિયાત પાવામાં આવતો. નાની વયે બાળકની immuninty/ વ્યાધિક્ષમત્વ વધારવાનું એ ઉમદા અને આવકારદાયક પગલું હતું. આ કાર્ય હજી પણ ક્યાંય થતું હોય તો ઠીક, નહિતર સરકારે તેના અમલની દિશામાં રાષ્ટ્રવ્યાપી પહેલ કરવી જોઈએ. કારણ કે આવનારી પેઢીએ SARS-CoV-2 જેવા બીજા અનેક વાઇરસનો કેર ભોગવવા માટે તૈયાર રહેવાનું છે. દરેક નવા વાઇરસની રસી રાતોરાત ન બની જાય એ હકીકત જોતાં સંભવિત આપત્તિનો સામનો કરવા માટે બે રસ્તા છેઃ Flight or fight. નાસી છૂટો અથવા લડી લો.
બીજા નંબરનો વિકલ્પ અપનાવવો હોય તો તેનો બધો તો નહિ, પણ ઘણો આધાર નવી પેઢીના વ્યાધિક્ષમત્વ પર રહેવાનો છે.
Comments
Post a Comment