કોરોના વિરુદ્ધ રણનીતિઃ આત્મરક્ષણની અપનાવી, હવે આક્રમણની અજમાવવી જોઈએ?

કોરોના સામે આપણે લોકડાઉનનું ચીની મોડલ અપનાવ્યું છે. બીજું મોડલ દક્ષિણ કોરિયાનું છેઃ નોક-ડાઉન યાને વિષાણુને ‘ઢાળી’ દેવાનું!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ખાવું અથવા ખવાઈ જવું એ વણલખ્યો નિયમ પૃથ્વીના દરેક મનુષ્યેતર જીવને લાગુ પડતો હોવાથી કુદરતના ખોળે બે સજીવો વચ્ચે જીવનમરણનો સંગ્રામ સતત ખેલાતો રહે છે. સંગ્રામમાં જે તે સજીવ પાસે બે વિકલ્પો હોય છેઃ કાં તો પ્રતિસ્પર્ધીને હાથતાળી આપી સિફતપૂર્વક નાસી છૂટવું અથવા પ્રતિસ્પર્ધીને જોરદાર લડત આપવી.
કોરોના વિરુદ્ધના સાઇલન્ટ સંગ્રામમાં માનવજાત સામે પણ બે વિકલ્પો છેઃ વિષાણુના હુમલાથી સતત બચતા રહો અથવા પરબારો વિષાણુ પર જ હુમલો કરો. એકમાં આત્મરક્ષણ કેંદ્રસ્થાને છે તો બીજામાં આક્રમણ! પહેલી પદ્ધતિ ચીને (અને પછી ભારત સહિતના ઘણા દેશોએ) અપનાવેલી છે, તો બીજી દક્ષિણ કોરિયાએ અજમાવેલી (અને ભારતે) અજમાવવા જેવી છે. બન્ને વિકલ્પો વારાફરતી સમજીએ.
કોરોનાવાઇરસ દ્વારા સર્જાતી કોવિડ-૧૯ બીમારીનો પહેલો બનાવ ડિસેમ્બર, ૨૦૧૯માં ચીનના હુબેઈ પ્રાંતના વુહાન શહેર ખાતે નોંધાયો હતો. વુહાનના ચીની તબીબોએ શરૂઆતમાં તો કેસ સામાન્ય ફ્લૂનો ધારી લીધો અને દરદીને સારવાર પણ તે મુજબ આપી. પરંતુ દરદીના સ્વાસ્થ્યમાં કશો સુધારો ન થયો અને દિવસો વીતતા ગયા તેમ હાલત કથળવા લાગી ત્યારે તબીબો પામી ગયા કે મામલો પરંપરાગત ફ્લૂનો નથી. બલકે, એક નવીન/ novel પ્રકારનો વાઇરસ ફૂટી નીકળ્યો છે. આ વાઇરસને તેમણે SARS-CoV-2 એવું નામ આપ્યું.
ગણતરીના દિવસોમાં વુહાન શહેરમાં કોવિડ-૧૯ દરદીઓની સંખ્યા ઝડપભેર વધવા લાગી ત્યારે (ડિસેમ્બર ૩૧, ૨૦૧૯ના રોજ) વુહાન લેબોરેટરી ઓફ વાઇરોલોજિના ચીની વિજ્ઞાનીઓએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને જણાવ્યું કે SARS શ્રેણીના એક નવા વાઇરસનો ચેપ વુહાનમાં ફેલાયો છે, જેને એકેય દવા કે રસી કાબૂમાં લઈ શકતી નથી. વિષય ચિંતાનો હતો, પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેને હળવાશથી લીધો. ખરું પૂછો તો વાઇરસની રોકથામમાં ચીનની સરકારે પોતે અક્ષમ્ય ગાફેલિયત દાખવી. વુહાન અને તેની આસપાસનાં રેલવે સ્ટેશનો, બસ મથકો તથા એરપોર્ટ તત્કાળ બંધ કરી દેવાં જોઈતાં હતાં, જે ચીની સરકારે ન કર્યાં. એક મહામારીનું આગમન થઈ રહ્યું હોવાનો આંતરરાષ્ટ્રીય સ્તરે વાેર્નિંગ અલાર્મ વગાડવો જોઈતો હતો, જે તેણે ન વગાડ્યો. દરમ્યાન કોરોનાનો વિષાણુ ચીનમાં ફેલાતો ગયો અને કોવિડ-૧૯ના કેસ કૂદકે ને ભૂસકે વધતા રહ્યા. વિષાણુનો ચેપ વુહાન શહેરથી નીકળીને ચીનના ૨૩૨ ગામો-શહેરો સુધી પહોંચી ગયો એટલું જ નહિ, ચીનની બહાર પગ કરી જઈ અન્ય દેશોમાં ફેલાયો.
■ લોકડાઉનઃ આત્મરક્ષણની ચીની રણનીતિ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કોરોના સામે લડવાનો કોઈ રામબાણ તબીબી ઇલાજ ન હતો, એટલે ચીને બાંયો ચડાવવાને બદલે વાઇરસથી બચતા-બચાવતા રહીને કેડો છોડાવવાની નીતિ અપનાવી. વુહાન શહેર હુબેઈ નામના જે પ્રાંતમાં આવેલું છે તેને જાન્યુઆરીની ૧૬મી તારીખે સાત દિવસ માટે લોકડાઉનમાં લાવી દેવામાં આવ્યો. શાળા-કોલેજો, ઓફિસો, ઉદ્યોગો, દુકાનો, સરકારી તથા ખાનગી વાહનવ્યવહાર બધું જ બંધ! સમગ્ર હુબેઈ પ્રાંતમાં કુલ મળીને પાંચ કરોડ લોકો રહેતા હતા. લોકડાઉન લાગુ થયા પછી કોઈએ ઘરની બહાર નીકળવાનું ન હતું.
પોતાના જ ઘરોમાં નજરકેદ રહેવું એ સ્થિતિ ચીનની પ્રજા માટે પહેલી વારની હતી. (આજે આપણા સહિત અન્ય દેશો માટે પણ છે.) આથી સરકારના પગલા સામે પ્રજા તરફથી થોડોઘણો વિરોધ થવો સ્વાભાવિક હતો. વિરોધપ્રદર્શન કરનારા લોકો સામે ચીની સરકારે કડક કાર્યવાહી હાથ ધરી. જરૂર જણાઈ તે વિસ્તારોમાં લશ્કર સુધ્ધાં ઉતાર્યું. આખરે તો કોરોના વિષાણુનું સંક્રમણ કાબૂમાં રાખીને દેશને મહામારીના મુખમાં જતો અટકાવવાનો સવાલ હતો.
ચીનનાં સવા બસ્સો કરતાંય સહેજ વધુ શહેરોમાં કોરોના ફેલાયો, પરંતુ ત્યાં દરદીઓની સંખ્યા જૂજ હોવાથી સ્થિતિ વણસે એ પહેલાં જ કાબૂમાં લેવાનું શક્ય બન્યું. બીજી તરફ વુહાન શહેર તો કોરોના વિષાણુના ચેપનું એ‌પિસેન્ટર હતું. કોવિડ-૧૯ના સૌથી વધુ દરદીઓ વુહાનમાં હતા, એટલે એ શહેરના એક વિશાળ મેદાન પર માત્ર સાત દિવસની અંદર બે જાયન્ટ હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી. ચેપગ્રસ્ત દરદીઓને ત્યાં ખસેડાયા અને તેમની સારવારમાં તબીબોની જંગી સેનાને કામે લગાડવામાં આવી.
એક તરફ હોસ્પિટલોમાં દરદીઓને તાબડતોબ સારવાર આપવામાં આવી, તો બીજી બાજુ વુહાનના વધુ લોકો વિષાણુનો ભોગ ન બને એ ખાતર ૨૩મી જાન્યુઆરીએ લોકડાઉનની મુદત વધારીને અનિશ્ચિત કાળની કરી દેવામાં આવી. હુબેઈ પ્રાંતના અન્ય શહેરો પણ ૨૪મી જાન્યુઆરીથી સંપૂર્ણ લોકડાઉન હેઠળ આવ્યાં, તો બિજિંગ (૪૧૧ કેસ), શાંઘાઇ (૩૩૭ કેસ), શેન્ઝેન (૪૧૭ કેસ), વેન્ઝોહુ (પ૦૭ કેસ) જેવાં સંખ્યાબંધ શહેરોને દિવસના ઘણાખરા કલાકો માટે લોકડાઉન રખાયાં.
■ લોકડાઉન કેમ જરૂરી બન્યું?
~~~~~~~~~~~~~~~~~~~~~
આધુનિક તબીબી વિજ્ઞાન વડે કોરોના વાઇરસ સામે આક્રમક અભિગમ અપનાવી લડી લેવાને બદલે આત્મરક્ષણનો તરીકો શા માટે અપનાવ્યો તેની પાછળનું કારણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ સમજવા જેવું છે. કોરોનાનો વિષાણુ વ્યક્તિના શ્વસનતંત્રમાં તેમજ મોઢાની લાળમાં ધામા નાખતો હોય છે. કોરોના સંક્રમિત વ્યક્તિના મોઢામાંથી ૧ ચમચી ભરાય એટલી લાળ લો તો તેમાં પ૦ અબજ વિષાણુઓ હોવાનું વિજ્ઞાનીઓએ તારણ કાઢ્યું છે.
આવી વ્યક્તિ એકાદ ખોંખારો ખાય ત્યારે મુખ વાટે બહાર નીકળી આવતા લાળબિંદુઓમાં લગભગ ૨૦ કરોડ વિષાણુ હોય છે. ખાંસી યા છીંક દ્વારા ઉત્સર્જન પામેલા વિષાણુ હવામાં તેમજ નક્કર સપાટી પર (દા.ત. લિફ્ટના બટન પર કે દુકાનના દરવાજા પર) અમુક કલાકોથી લઈને અમુક દિવસ સુધી રહે છે. આ સમયગાળા દરમ્યાન કોઈ પણ દુરસ્ત વ્યક્તિને વિષાણુનો ચેપ લાગવાની સંભાવના રહેલી છે. આવી વ્યક્તિ ત્યાર પછી ખાંસી તથા છીંક વડે વધુ વિષાણુઓ ફેલાવે, જેના સંપર્ક આવતા વધુ લોકો ચેપગ્રસ્ત બને.
આ ઘટમાળનો પછી તો અંત જ ન આવે અને વિષાણુ વધુ ને વધુ વ્યક્તિઓને સકંજામાં લેતો જાય. લોકડાઉનનો ઉદ્દેશ આ ઘટમાળ તોડવાનો છે. ખરેખર તો લોકડાઉન એકસાથે બે ઉદ્દેશ સાધે છે.
(૧) કોરોનાના વધુ વિષાણુઓ ન ફેલાય તેની તકેદારી;
(૨) વાતાવરણમાં જે વિષાણુઓ પ્રસરી ચૂક્યા હોય તેની અસરકારકતાની સમયના વીતવા સાથે નાબૂદી.
લોકડાઉનનો પ્રયોગ ચીનને ફળ્યો. કોરોનાના એ‌‌‌પિસેન્ટર વુહાનમાં કોવિડ-૧૯ના ફેબ્રુઆરીની આખર સુધીમાં તો નવા કેસની સંખ્યા પુષ્કળ ઘટી ગઈ. હુબેઈના અન્ય શહેરોમાં પણ નવા કેસો દર્જ ન થયા, જ્યારે બિજિંગ, શાંઘાઈ, શેન્ઝેન જેવાં શહેરો તો લગભગ કોરોનામુક્ત બની ગયાં. ટૂંકમાં, કોરોના સામેના શીતયુદ્ધમાં ચીને અપનાવેલી આત્મરક્ષણની રણનીતિ કારગત નીવડી. આથી જ ભારત સહિત અન્ય દેશોએ રણનીતિને અનુસર્યા અને લોકડાઉનનો માર્ગ અપનાવ્યો.
■ નોક-ડાઉનઃ આક્રમણની કોરિયન રણનીતિ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
હવે દક્ષિણ કોરિયાની વાત કરીએ, જેણે કોરોના સામેના શીતયુદ્ધમાં લડાયક મિજાજ ધારણ કરી વાઇરસને ‘ઢાળી’ દેવાનો પ્રયાસ કર્યો. એક હકીકત ધ્યાનમાં લેવી રહી કે આજે ભારત, સ્પેન, ઇટાલી, જર્મની, ઇંગ્લેન્ડ જેવા દેશો લોકડાઉનમાં છે ત્યારે દક્ષિણ કોરિયાના લોકો મોઢે માસ્ક પહેરી બિનધાસ્ત હરીફરી રહ્યા છે. ઓફિસ, દુકાનો, રેસ્ટોરન્ટ, ઔદ્યોગિક એકમો વગેરે બધું ત્યાં ધમધમી રહ્યું છે, એટલે અર્થતંત્રનાં ચક્રો ગતિમાન છે. આ શક્ય બન્યું દક્ષિણ કોરિયાના શાસકોની લાંબી દૃષ્ટિને લીધે કે જેના વડે તેઓ કોરોના મહામારીરૂપી વિનાશક જુવાળ આવતો જોઈ શક્યા અને પાણી પહેલાં પાળ બાંધવાનું શરૂ કરી દીધું.
થોડીક પૂર્વભૂમિકા સાથે મુદ્દો સ્પષ્ટ કરીએ. પાંચેક વર્ષ પહેલાં આરબ દેશોમાં Middle East Respiratory Syndrome Coronavirus ટૂંકમાં MERS-CoV નામનો વિષાણુ ફૂટી નીકળ્યો હતો. વાઇરસ મૂળ તો રેગિસ્તાની ઊંટમાં હતો, પણ ત્યાંથી કોઈક રીતે મનુષ્યોને તેનો ચેપ લાગ્યો. વાઇરસનું સંક્રમણ આરબ જગતમાં ફેલાઈ રહ્યું હતું એ જ અરસામાં દક્ષિણ કોરિયાના સિઓલ શહેરનો એક ઉદ્યોગપતિ કામકાજ અર્થે આરબ દેશ બાહરિનમાં હતો. કામ પૂરું થતાં બાહરિનથી વિમાન મારફત સિઓલ પહોંચ્યો અને અજાણતાં જ પોતાના શરીરમાં MERS-CoVના વિષાણુ પણ લેતો આવ્યો.
સ્વદેશ આવ્યાના થોડા જ દિવસમાં તે શરદી, ખાંસી, તાવનો શિકાર બન્યો. સિઓલનાં વિવિધ દવાખાનાંની મુલાકાત લઈને તબીબોએ સૂચવેલી દવાનું નિયમિત સેવન કર્યા છતાં તબિયતમાં સુધારો ન થયો.
નાદુરસ્ત ઉદ્યોગપતિ આખરે સિઓલ શહેરની એક મોટી હોસ્પિટલે પહોંચ્યો ત્યારે ડોક્ટરોએ તેની લાળનું સેમ્પલ લીધું. તબીબી પરીક્ષણમાં સાબિત થયું કે તે MERS-CoVનો પેશન્ટ હતો. ડોક્ટરોએ તેને તાબડતોબ ક્વોરન્ટીન કર્યો, પણ એ અગાઉ ઉદ્યોગપતિ અજાણતાં જ કેટલાક લોકોને સંક્રમિત કરી ચૂક્યો હતો. આથી આગામી દિવસોમાં સિઓલ શહેરમાંથી MERS-CoVના બીજા ૧૮૬ કેસ આવ્યા. વિષાણુના ફેલાવા પર સંપૂર્ણ કાબૂ લાવતા બે મહિના નીકળી ગયા, જે દરમ્યાન ૩૯ દરદીઓનો MERS-CoVને કારણે ભોગ લેવાઈ ચૂક્યો હતો.
આ ઘટનાને દક્ષિણ કોરિયાની સરકારે ગંભીરતાથી લીધી. તબીબોની ટીમે તારણ કાઢ્યું કે કોઈ પણ વાઇરસનો ચેપ એટલા માટે ફેલાતો હોય છે કે ચેપગ્રસ્ત વ્યક્તિ કોણ છે તેની સમયસર કે સચોટ રીતે ભાળ કાઢી શકાતી નથી. સંક્રમિત વ્યક્તિનો પત્તો લગાવવો હોય તો વાઇરસની હાજરી જણાવી દેતી ટેસ્ટ કિટ જોઈએ. વળી એકસાથે અનેક લોકોનું પરીક્ષણ કરવું હોય તો કિટ લાખોની સંખ્યામાં હાથવગી હોવી જોઈએ.
ઉપરોક્ત પ્રસંગ હવે કોરોનાવાઇરસના સંદર્ભમાં મૂકીએ. ડિસેમ્બર, ૨૦૧૯માં ચીનના વુહાન ખાતે પહેલો કોવિડ-૧૯ કેસ દર્જ થયા પછી ત્યાં સંક્રમણના કિસ્સા વધવા લાગ્યા કે તરત દક્ષિણ કોરિયા અટેન્શનમાં આવી ગયું. કોરિયન સરકારે ફાર્માસ્યુટિકલ કંપનીઓ જોડે મસલતો કરી SARS-CoV-2 વાઇરસની ટેસ્ટ કિટનું જથ્થાબંધ ઉત્પાદન કરવાનું ઠરાવ્યું. કિટ અંગે પાકું ‌‌રિસર્ચ કરવામાં અને ઉત્પાદન હાથ ધરવામાં થોડાક દિવસ નીકળ્યા એ દરમ્યાન દક્ષિણ કોરિયાના દેઇગુ શહેરમાં કોવિડ-૧૯નો પ્રથમ કેસ નોંધાયો. એક મહિલા કોરોના વિષાણુની પકડમાં આવી હતી, પરંતુ વાઇરસનાં લક્ષણો જણાયાં ત્યાર પહેલાં તેણે એક ચર્ચમાં સામૂહિક પ્રાર્થનામાં હાજરી આપી હતી. મતલબ કે વાઇરસનો અજાણતાં જ ચેપ ફેલાવ્યો હતો.
કોરિયન પુલિસ તરત હરકતમાં આવી. ચર્ચમાં મહિલાના સંપર્કમાં જે કોઈ લોકો આવેલા તેમને શોધી કાઢવામાં આવ્યા અને ટેસ્ટ કિટ વડે દરેકનું કોરોના પરીક્ષણ કરાયું. તપાસમાં જેમનાં ‌‌રિઝલ્ટ પોઝિટિવ આવ્યાં તેમને ક્વોરન્ટીનમાં ખસેડાયા એટલું જ નહિ, પણ એ તમામ લોકો કેટલાક દિવસ અગાઉ જેમને મળ્યા હતા તેમનોય પત્તો લગાવી દરેકનું પરીક્ષણ કરાયું.
દક્ષિણ કોરિયામાં પછી તો જુદાં જુદાં ૬પ૦ સ્થળોએ કોરોના વાઇરસ ટેસ્ટના બૂથ ઊભાં કરાયાં અને ટેસ્ટ કિટની મદદથી રોજના ૨૦,૦૦૦ નાગરિકોની તપાસ થવા લાગી. આનું પરિણામ એ આવ્યું કે ફેબ્રુઆરીની આખર સુધીમાં દક્ષિણ કોરિયામાં કોવિડ-૧૯ના સાડા ત્રણ હજાર કરતાં સહેજ વધુ કેસ સામે આવ્યા. જગતના બહુધા મીડિયાએ ત્યારે દક્ષિણ કોરિયાના તંત્રને લાપરવાહ ઘોષિત કરી દીધું. પત્રકારોએ કોરિયન સરકાર સામે ટીકાના શાબ્દિક બાણ દાગ્યાં.
છૂટ્યાં તીર પાછાં ન વળે, પણ અહીં તો મીડિયાના ટીકાત્મક બાણોએ યુ-ટર્ન લેવાનો વારો આવ્યો. કારણ દેખીતું હતું. માર્ચ મહિનાના પ્રથમ પખવાડિયામાં દુનિયાના લગભગ દરેક દેશમાં કોરોનાના દૈનિક સંક્રમણનો ગ્રાફ સીધી લીટીમાં વધુ ને વધુ ઊંચે જઈ રહ્યો હતો ત્યારે દક્ષિણ કોરિયામાં ગ્રાફ જાણે ‘ચિત્ત’ થયો હોય એવો સપાટ બની ગયો. અગાઉ ટીકાની શાબ્દિક બાણવર્ષા સહી ચૂકેલા કોરિયન તંત્ર પર હવે ખુશામતનાં પુષ્પો વરસ્યાં.
આજે દક્ષિણ કોરિયામાં કોરોના દરદીઓની સંખ્યા કેટલી છે?
આશરે સાડા દસ હજાર.
દક્ષિણ કોરિયાની કુલ વસ્તી કેટલી‌?
સવા પાંચ કરોડ.
કુલ વસ્તીની સામે કોવિડ-૧૯ દરદીઓની ટકાવારી કેટલી‌?
૦.૦૨ ટકા જેટલી.
તો પછી એ જૂજ દુર્ભાગી દરદીઓને કારણે આખો દેશ દિવસો સુધી લોકડાઉનમાં રહે અને કામ-ધંધા ઠપ્પ થાય તે વાજબી ખરું?
દક્ષિણ કોરિયાના મતે નહિ. આથી જ જગત જ્યારે કોરોના સામેના શીતયુદ્ધમાં લોકડાઉનની આત્મરક્ષક રણનીતિ અપનાવીને બેઠું હતું ત્યારે દક્ષિણ કોરિયાએ લોકડાઉન ફગાવી લડાયક નીતિ અખત્યાર કરી. કોરોના વિષાણુ દેશને બાન પકડે એ પહેલાં ખુદ વિષાણુને (મતલબ કે તેના સંક્રમિત દરદીઓને) ચુન ચુન કર હોસ્પિટલોમાં બંધબારણે કરી દેવાનું પગલું કોરિયન સરકારે ભર્યું.
આ લડતમાં દક્ષિણ કોરિયા આખરે જીત્યું. આજે એ દેશમાં સાડા દસ હજાર દરદીઓ પૈકી ૭,પ૦૦ દરદીઓ સાજા થઈને ઘરભેગાં થયા છે. (કોરોનાએ ૨૨૨ જણાનો ભોગ લીધો છે.) ખૂબીની વાત એ છે કે કોરોના સામે જે લડત ચાલી એ દરમ્યાન દક્ષિણ કોરિયા લોકડાઉનમાં નહોતું. આજે પણ નથી. લોકો રસ્તાઓ પર મુક્ત રીતે હરીફરી શકે છે. સિનેમા, શોપિંગ, ખાણીપીણી માણે છે અને કામધંધે જાય છે. એવું નથી કે દક્ષિણ કોરિયામાં કોરોનાનો સો ટકા સફાયો થઈ ચૂક્યો છે. દેશમાં એકાદ-બે કેસ ક્યારેક ફૂટી નીકળે છે, પણ અન્ડરલાઇન કરવા જેવી વાત એ કે રાષ્ટ્રમાં લોકડાઉન ન હોવા છતાં સંક્રમણ વ્યાપક નથી. કાબૂમાં છે.
કોરોના સામે મોટું યુદ્ધ આપણો દેશ પણ લડી રહ્યો છે. એકવીસ દિવસ સુધી ભારતે લોકડાઉનની આત્મરક્ષક રણનીતિ અપનાવી. આગામી દિવસોમાં એ નીતિ ચાલુ રાખીને દક્ષિણ કોરિયા જેવી આક્રમક રણનીતિ અપનાવી શકાતી હોય અને ટેસ્ટ કિટ વડે કોરોનાના શકમંદ સંક્રમિતોને વેળાસર શોધી તેમને સારવાર હેઠળ આણી શકાતા હોય તો એ વિકલ્પ વિચારવા જેવો ખરો. માન્યું કે દક્ષિણ કોરિયા કરતાં આપણો દેશ બહુ મોટો છે અને વસ્તી પણ અનેકગણી વધુ છે. પરંતુ દેશના અકેક શહેરમાં તબક્કાવાર દક્ષિણ કોરિયાનું મોડલ અપનાવી શકાય તો કોરોના મહામારી અને લોકડાઉન બેયનો કદાચ જલદી અંત આવે.

Comments

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન