કોરોનાવાઇરસનું કારણ તો સમજ્યા, હવે મારણ શું?

વાઇરસની અસરકારકતા વધુઓછે અંશે ઘટાડી શકાય એ માટે દેશવિદેશના તબીબી સંશોધકો લેબોરેટરીમાં બંધબારણે અવનવાં રિસર્ચ હાથ ધરી રહ્યા છે. સંશોધનોને હજી ખરાઇનો સિક્કો વાગ્યો નથી, છતાં કેટલાંક રિસર્ચ રસ પમાડે તેવાં છે.

ચીનના વુહાનમાં ઉદ્ભવેલા કોરોનાના SARS-CoV-2 વાઇરસે જગતના કરોડો લોકોને બંધબારણે રહેવા ફરજ પાડી છે ત્યારે ભારત સહિત અનેક દેશોમાં હજારો વાઇરોલોજિસ્ટ (વાઇરસના અભ્યાસુ વિજ્ઞાનીઓ), જીવવિજ્ઞાનીઓ, તબીબો તથા સંશોધકો પણ લોકડાઉન જેવી સ્થિતિમાં મુકાયા છે. કોરોનાનો વિષાણુ આપણા લોકડાઉનનું કારણ છે, તો વિજ્ઞાનીઓ વિષાણુનું મારણ શોધવા લેબોરેટરીમાં પુરાયા છે.
સૌ જાણે છે તેમ કોરોનાવાઇરસને નાથવાનો સૌથી સજ્જડ ઉપાય તેની અસરકારક રસી છે. બીજી તરફ રસી બારથી અઢાર મહિના પહેલાં તૈયાર થાય તેવી સંભાવના જણાતી નથી. આ લાંબા સમયગાળા દરમ્યાન લોકોને ઘરમાં પૂરી રાખવા અર્થતંત્રની દૃષ્ટિએ હિતાવહ નથી, તો તેમને છૂટો દોર આપી દઈ કોરોના મહામારીને રૌદ્ર સ્વરૂપ દેવું તબીબી નજરે ઉચિત નથી.
બહુ વિકટ સમસ્યા છે. પરંતુ વિકટ સંજોગોનો વૈજ્ઞાનિક તોડ ન કાઢે એ સંશોધકો નહિ. પેલો ફિલ્મી ડાયલોગ मैं वो बला हूं जो शीशे से पत्थर को तोड़ता हूं સાંભળ્યો છે? સંશોધકોનું ખાતું કંઈક એવું જ છે. કોઈ પણ સમસ્યારૂપી નેહલા પર સોલ્યુશનરૂપી દેહલાનો દાવ ખેલવા માટે તેઓ હંમેશાં તૈયાર રહે છે. આથી કોરોનાની રસી બને ત્યાં સુધી હાથ પર હાથ ધરી બેસી રહેવાને બદલે સંશોધકોએ અનેક માથાપચ્ચીઓ કરીને કેટલાક કામચલાઉ ઉપાયો સૂચવ્યા છે. (બાય ધ વે, સંશોધકોની માથાપચ્ચી હજી પણ ચાલુ છે.) રસીના અમોઘ શસ્ત્ર વડે કોરોના નામના અદૃશ્ય દૈત્યનો વધ થાય ત્યારે ખરો, પરંતુ વચગાળામાં તે વાઇરસની અસરકારકતા વધુઓછે અંશે ઘટાડી શકાય એ માટે દેશવિદેશના તબીબી સંશોધકો લેબોરેટરીમાં બંધબારણે અવનવાં રિસર્ચ હાથ ધરી રહ્યા છે. સંશોધનોને હજી ખરાઇનો સિક્કો વાગ્યો નથી, છતાં કેટલાંક રિસર્ચ રસ પમાડે તેવાં છે.
🔹 લાંબી લડત = નિશ્ચિત વિજય
કોરોનાવાઇરસની કોઈ ચોક્કસ દવા નથી. આથી તે વિષાણુનો ભોગ બનેલા દરદીઓને બહુ પ્રાથમિક કક્ષાની સારવાર આપવી પડે છે, જેમાં શારીરિક તાપમાન કાબૂમાં રાખવા માટેની દવા, પીડાશમનની દવા તથા બેક્ટીરિયાના સંભવિત ચેપના નિવારણ તરીકે એન્ટિ-બાયોટિક દવાનો સમાવેશ થાય છે. દરદીને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પણ આપવામાં આવે છે. કોરોનાનો વિષાણુ મનુષ્યના શ્વસનતંત્ર પર માઠી અસરો જન્માવતો હોય છે. ફેફસાં તેમજ શ્વાસનળી પર સોજો ચડવો એ કોરોનાને લીધે સર્જાતી કોવિડ-૧૯ બીમારીનું મુખ્ય લક્ષણ છે. આથી જે દરદીને કુદરતી રીતે શ્વાસોચ્છ્વાસ ચલાવવામાં તકલીફ પડતી હોય તેને વેન્ટિલેટર પર રાખવામાં આવે છે.
આ બધી સારવાર ખરું પૂછો તો કોરોના વિષાણુને મારવા માટેની નથી, બલકે દરદીને શક્ય એટલો વધુ સમય જીવતો રાખવાની છે. દિવસો પસાર થતા જાય તેમ દરદીનું રોગપ્રતિકારક તંત્ર કોરોનાવાઇરસ સામે એન્ટિબોડીઝ અર્થાત પ્રતિદ્રવ્યો બનાવવા લાગે છે. પ્રતિદ્રવ્યો એક પ્રકારનું પ્રોટીન છે, જેનું કાર્ય વિષાણુની બાહ્ય સપાટી પર બાઝી પડી તેને નવા કોષમાં દાખલ થતો રોકવાનું છે. શરીરમાં વિષાણુનો પ્રસાર રોકવામાં અને વિષાણુનો ખાતમો બોલાવવામાં પ્રતિદ્રવ્યોની અક્ષૌહિણી સેના નિર્ણાયક રોલ ભજવતી હોય છે. સવાલ એ સેના ઊભી કરવાનો છે, જેને માટે શરીરના રોગપ્રતિકારક તંત્રએ ટોપ-ગીઅરમાં આવવું પડે. વાઇરસનો હુમલો થયાના કેટલાક દિવસ પછી જ રોગપ્રતિકારક તંત્ર પ્રતિદ્રવ્યો બનાવવાનું શરૂ કરી શકે, એટલે તે દરમ્યાન કોવિડ-૧૯ના દરદીએ જીવતા રહેવું આવશ્યક બની જાય છે.
અહીં યાદ અપાવવાનું કે કોરોનાએ જે દુર્ભાગી પેશન્ટોનો ભોગ લીધો તેમાંના બહુધા લોકોનું રોગપ્રતિકારક તંત્ર એક યા બીજી વ્યાધિને કારણે નબળું હતું. વિષાણુ સામે તે સમયસર અથવા પૂરતા પ્રમાણમાં પ્રતિદ્રવ્યો પેદા કરી શક્યું નહોતું.
🔹 એન્ટિ-વાઇરલઃ વાઇરસ માટે સ્પીડ-બ્રેકર
કોવિડ-૧૯ના દરદી કોરોના વિષાણુ સામે વધુ સમય લડત આપે એ માટે અત્યારે તબીબી સંશોધનો ચાલુ છે. જેમ કે, વાઇરોલોજિસ્ટ નિષ્ણાતો વિવિધ પ્રકારની એન્ટિ-વાઇરલ દવાનો અભ્યાસ કરી રહ્યા છે. આ પ્રકારની દવા શરીરમાં ગયા પછી વાઇરસની વૃદ્ધિને ખાસ્સી હદે ધીમી પાડી દે છે. આથી વાઇરસ સામે ઝઝૂમતા રોગપ્રતિકારક તંત્રને લડત આપવાનો થોડો વધુ સમય મળી રહે છે.
તકલીફ એક જ છેઃ શરીરમાં ઘૂસપેઠ કર્યા પછી ગુણાંકમાં વધતા કોરોનાવાઇરસની વૃદ્ધિ પર લગામ નાખી શકે તેવી કોઈ સો ટકા અકસીર એન્ટિ-વાઇરલ ઔષધ હાલના તબક્કે આપણી પાસે નથી. આથી ટ્રાયલ એન્ડ એરરના ધોરણે જે તે દવાની અજમાયશ કરવી પડે છે.
ઘણી એન્ટિ-વાઇરલનો અભ્યાસ કર્યા પછી remdesivir (રેમડેસિવિઅર) નામની દવા પર તબીબોની નજર કેંદ્રિત થઈ છે. ઇબોલા નામના એક માથાભારે વાઇરસના સફાયા માટે ૨૦૧૮માં બનેલી રેમડેસિવિઅર નામની દવા વડે કોવિડ-૧૯ના દરદીઓ પર તબીબી પ્રયોગો શરૂ કરવામાં આવ્યા છે. અમેરિકામાં તથા ચીનમાં કોરોનાવાઇરસના લગભગ ૧,૦૦૦ દરદીઓને રેમડેસિવિઅર દવા આપવામાં આવી છે.
આ એન્ટિ-વાઇરલ દવા કેવીક કારગત નીવડે છે તે અંગેની જાણકારી થોડા દિવસમાં મળશે, પણ દરમ્યાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર-જનરલે આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, કોરોના પર નિયંત્રણ રાખવા માટે રેમડેસિવિઅર જેટલી અસરકારક દવા હાલ આપણી પાસે હાથવગી નથી.
અલબત્ત, વૈજ્ઞાનિક સંશોધન નકરા આશાવાદ પર ન ચાલે. ઊલટું, તે નક્કર પરિણામલક્ષી હોય. આથી જ કોવિડ-૧૯ જેવી મહામારી ફેલાય ત્યારે તેના કારક વિષાણુનો અભ્યાસ અનેક ધાગે ચાલતો હોય છે અને એક કરતાં વધારે ઉપચારોની સંભાવના તપાસવામાં આવતી હોય છે.
🔹 હાઇડ્રોક્સીક્લોરોક્વીનઃ તીર કે તુક્કો?
કોરોનાના ફેલાવાને ધીમો પાડવા માટે વાઇરોલોજિસ્ટે સૂચવેલી બીજી દવાનું (કેટલાક દિવસથી લોકજીભે ચડેલું અને જીભના લોચા વાળતું) નામ હાઇડ્રોક્સીક્લોરોક્વીન છે. આ દવા મૂળભૂત રીતે મલેરિયા વિરોધી છે. વર્ષો પહેલાં મલેરિયાના વાહક પરોપજીવો સામે તે કારગત હતી. આજે એટલી નથી, કેમ કે મલેરિયાના સૂક્ષ્મ પરોપજીવો હાઇડ્રોક્સીક્લોરોક્વીનથી પ્રતિકારક બની ચૂક્યા છે.
વાંદા મારવાની દવા સમયના વીતવા સાથે તેની અસરકારકતા ખોઈ દેતી હોય છે, કારણ કે દવા સામે પ્રતિકાર કરવાના ગુણો વાંદાની પેઢી દર પેઢી વધુને વધુ બળવત્તર બનતા રહે છે. આથી ચોથી-પાંચમી પેઢીના વાંદા પર દવાની કશી જ ગોઝારી અસર જોવા મળતી નથી. આવું જ હાઇડ્રોક્સીક્લોરોક્વીનને હવે ન ગાંઠતા મેલેરિયા પરોપજીવોના કેસમાં પણ બન્યું છે. પરિણામે આજે દુનિયાના ઘણા દેશોમાં હાઇડ્રોક્સીક્લોરોક્વીનનો ખાસ ઉપયોગ થતો નથી.
--તો પછી કોરોનાવાઇરસ પર એ દવા શા કામની?
આ પ્રશ્નના જવાબ માટે પણ થોડી રાહ જુઓ, કેમ કે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં સંશોધકોએ ૨૪મી માર્ચે શરૂ કરેલા તબીબી પરીક્ષણોનું પરિણામ થોડા વખતમાં આવનાર છે. અહીં કોવિડ-૧૯ના અમુક દરદીઓને હાઇડ્રોક્સીક્લોરોક્વીન તથા એઝિથ્રોમાઇસિન એમ બે દવાઓ પર રાખવામાં આવ્યા છે. (એઝિથ્રોમાઇસિન એન્ટિ-બાયોટિક દવા છે.) ફેબ્રુઆરીની આખરમાં ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજિના નિષ્ણાતોએ એવું મંતવ્ય રજૂ કર્યું હતું કે હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા કોરોના વિષાણુ સામે એન્ટિ-વાઇરલનું કામ કરી શકે છે. મતલબ કે શરીરમાં કોરોનાના પ્રસાર વેગને ધીમો પાડવાની તે દવામાં સંભવતઃ ક્ષમતા છે.
આ દવાને કોવિડ-૧૯ના પેશન્ટ પર અજમાવવાના તબીબી પ્રયોગો ચીનમાં શરૂ થયા અને કેટલાક પરિણામ સકારાત્મક આવ્યા (અગર તો આવ્યા હોવાનો દાવો કરાયો) ત્યારે ફ્રાન્સે પણ હાઇડ્રોક્સીક્લોરોક્વીનને સંશોધનની એરણે ચડાવી. ફ્રેન્ચ તબીબોએ કોવિડ-૧૯ના લગભગ ૨૬ દરદીઓને દિવસમાં ત્રણ વખત હાઇડ્રોક્સીક્લોરોક્વીનનો ડોઝ આપ્યો. દસ દિવસ પછી તેમનું રક્ત પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે ફલિત થયું કે અન્ય દરદીઓના લોહીની તુલનાએ તેમના લોહીમાં કોરોનાના વાઇરસ ક્યાંય ઓછી માત્રામાં હતા. આ પરીક્ષણમાં અમેરિકાને આશાનું કિરણ દેખાયું. આથી ન્યૂ યોર્કમાં અમેરિકન ડોક્ટરો દ્વારા અત્યારે કેટલાક કોવિડ-૧૯ દરદીઓ પર હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાના પ્રયોગો અજમાવવામાં આવી રહ્યા છે.
🔹 એક દવા તો શરીરમાં જ છે!
કોરોનાના હઠીલા વિષાણુ પર કાબૂ મેળવવાના વધુ એક તબીબી નુસખા પર પણ અનેક સંશોધકો કાર્યરત છે. આ નુસખો એટલે લેખના આરંભે જેવી વાત કરી તે એન્ટિબોડીઝ અર્થાત્ પ્રતિદ્રવ્યો, જે વિષાણુ સામે લડવા માટે શરીરની અંદર બનતું પ્રોટીનરૂપી આયુધ છે.
સંશોધકો જણાવે છે કે રોગપ્રતિકારક શક્તિના જોરે કોવિડ-૧૯ સામે ઝઝૂમીને જે દરદીઓ સાજાસમા બન્યા છે તેમના લોહીમાં કોરોના વિરુદ્ધના પ્રતિદ્રવ્યો મોજૂદ હોય. નિઃશંક વાત છે. આથી સાજા થયેલા દરદીનું લોહી લઈ તેમાંથી પ્રતિદ્રવ્યો અલગ તારવી લેવામાં આવે તો તેના આધારે લેબોરેટરીમાં કોરોનાની રસી બનાવી શકાય.
જો કે સિમ્પલ જણાતું એ કાર્ય એટલું સીધુંસાદું નથી. કેનેડાની એક રિસર્ચ સંસ્થા ઘણા વખતથી પ્રતિદ્રવ્યો તારવવાનો ભગીરથ પ્રોજેક્ટ ચલાવી રહી છે. હજી બીજા ચારેક મહિના સુધી કોઈ નક્કર પરિણામ આવે તેવું એ સંસ્થાને લાગતું નથી. આધુનિક વિજ્ઞાનની એ મર્યાદા છે.
🔹 રક્તરસની આપ-લે
આ મર્યાદાને ટપી જતો એક શોર્ટ-કટ પણ છે. આ રહ્યોઃ કોવિડ-૧૯ની બીમારીમાંથી સાજા થયેલા દરદીનું લોહી લો, તેમાંથી બ્લડ પ્લાઝમા એટલે કે રક્તરસ અલગ તારવો અને સમાન બ્લડ ગ્રૂપ ધરાવતા કોવિડ-૧૯ના પેશન્ટની નસમાં તેને દાખલ કરી દો!
આમ કરવાથી સાજી થયેલી વ્ય‌ક્તિના રક્તરસમાં રહેલા પ્રતિદ્રવ્યો કોરોના સંક્રમિત વ્યક્તિને પરબારાં મળી જાય અને સંભવ છે તે પણ પ્રતિદ્રવ્યો વડે વિષાણુ સામેની જંગ જીતે. આ જૂનવાણી ચિકિત્સા પદ્ધતિ છે, જે વીસમી સદીના આરંભે અજમાવવામાં આવતી હતી. ઊંટવૈદા જેવી તે લાગે, પણ છે નહિ. પોલિયો, ઇબોલા અને શીતળા જેવા વિષાણુઓ સામે તે ઉપયોગી સાબિત થયાના દાખલા છે.
૨૦૦૩ની સાલમાં માનવજાતનું ડેથ વોરન્ટ બજાવવા આવેલા સાર્સ વિષાણુથી સંક્રમિત બનેલા કેટલાક દરદીઓ પણ એ જ પદ્ધતિ વડે સાજા થયા હતા. ચીની ડોક્ટરોએ વુહાન શહેરમાં કોવિડ-૧૯ના કેટલાક પેશન્ટને સાજા થયેલા દરદીના પ્રતિદ્રવ્યો વડે દુરસ્ત કર્યા છે. એ વાત જુદી કે ચીને એવા કેસનો વિસ્તૃત સ્ટડી રિપોર્ટ હજી પ્રગટ કર્યો નથી. દરમ્યાન અમેરિકામાં પણ રક્તરસની આપ-લેના પ્રયોગો શરૂ થયા છે. પરિણામ સો ટકા સફળ થાય તો અને ત્યારે જ વૈશ્વિક ધોરણે આવી ચિકિત્સાને માન્યતા આપી શકાય એ તો સ્વાભાવિક વાત છે.
ઉપર જે પણ તબીબી કીમિયા વર્ણવ્યા એ જાણ્યા પછી સહેજે મનમાં સવાલ થાય કે તેમને અજમાવી કોરોના મહામારીનો બનતી ત્વરાએ અંત કેમ લાવી દેવામાં આવતો નથી?
આ સવાલનો જવાબ કીમિયા કેટલા કાર્યક્ષમ નીવડે તેના પર નિર્ભર છે. વળી કાર્યક્ષમતાનો આધાર લેબોરેટરીમાં બંધબારણે દિવસરાત એક કરી રહેલા સંશોધકોના વૈજ્ઞાનિક પરીક્ષણોની સફળતા (કે નિષ્ફળતા) પર રહેલો છે. વૈજ્ઞાનિક સંશોધનો ખરાઇના અનેક ગળણે પસાર થતા હોય છે. વળી દરેક તબક્કે સંખ્યાબંધ ‘જો’ અને ‘તો’ હોવાથી નક્કર તારણ પર આવવામાં ઘણો સમય નીકળી જાય છે.
અત્યારે જગતભરના સંશોધકો આવા ‘જો’ અને ‘તો’ વચ્ચેના લોકડાઉનમાં છે. આશા રાખીએ કે તેમના એ લોકડાઉનનો જલદી અંત આવે, કેમ કે આખરે તો એ અંત જ કોરોના વિરુદ્ધ તબીબી યુદ્ધનો આરંભ છે.

Comments

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન