કુદરતે કોરોના નામની લાઠી વીંઝીને શું શીખવ્યું?
કુદરતી અદૃશ્ય લાઠી પડે ત્યારે અવાજ ન કરે, છતાં પ્રહાર મનુષ્યની સાન પર પદાર્થપાઠની ‘સોળ’ ઉપસાવે છે.
ગંગાપુત્ર દેવવ્રતે ઉર્ફે ભીષ્મ પિતામહે એક વાર શ્રીકૃષ્ણને સવાલ કરેલો કે, ‘જલ સે પતલા કૌન હૈ?’
શ્રીકૃષ્ણનો ઉત્તર હતોઃ ‘જલ સે પતલા જ્ઞાન હૈ.’
તત્ત્વજ્ઞાનમાં થોડોઘણો રસ ધરાવતા ભારતીયો માટે ઉપરોક્ત સંવાદ અજાણ્યો નહિ હોય અને તત્ત્વજ્ઞાન જેમણે ઠીક ઠીક પચાવ્યું હશે તેમને શ્રીકૃષ્ણે ભીષ્મ પિતામહને દીધેલા ઉત્તર સામે રતીભાર શંકા પણ નહિ હોય.
અહીં તત્ત્વજ્ઞાન બાજુએ રાખીને ઉપરોક્ત સંવાદ વિજ્ઞાનના સંદર્ભે મૂલવીએ. ૧૯૮૦ના દાયકામાં ડોનાલ્ડ ડંકન અને મિરાન્ડા વેસ્ટન-સ્મિથ નામના બે અંગ્રેજ લેખક-સંશોધક-અભ્યાસુઓને વિચાર આવ્યો કે માનવજાત જે કંઈ જાણે છે તેના જ્ઞાનકોશ લખાય, તો જેના વિશે આપણે સાવ એટલે સાવ અંધકારમાં છીએ તેવી બાબતોનો એકાદ અજ્ઞાનકોશ લખ્યો હોય તો કેમ?
ભૌતિક વિજ્ઞાન, ટેક્નોલોજિ, ખગોળશાસ્ત્ર, જીવજગત, સમુદ્રશાસ્ત્ર જેવા વિષયોમાં વિજ્ઞાનીઓ માટે બિલકુલ અજાણી રહી ગયેલી બાબતો શોધી કાઢવા માટે ડોનાલ્ડ ડંકને અને મિરાન્ડા વેસ્ટન-સ્મિથે ખાંખાંખોળા કર્યાં અને નોંધ ટપકાવતા ગયા. હજારો નોંધોનું પહેલું સંસ્કરણ સાડા ચારસો પાનાંના દળદાર પુસ્તકરૂપે બહાર પડ્યું. જ્ઞાનકોશની માફક અજ્ઞાનકોશનાં સંખ્યાબંધ સંસ્કરણો બહાર પાડવાનું બેઉ સંશોધકોએ નક્કી કર્યું હતું, પરંતુ પ્રથમ વોલ્યૂમ પ્રગટ કર્યા પછી તેમણે પોતાની અભિલાષા પડતી મૂકી. કોઈએ તે માટેનું કારણ પૂછયું તો જવાબ મળ્યો કે,
‘આપણા જ્ઞાનનું જે નાનું અમસ્તું ખાબોચિયું છે તેની સરખામણીએ અજ્ઞાન તો એટલાન્ટિક મહાસાગર જેટલું છે. માણસે અત્યાર સુધી મેળવેલા જ્ઞાનનો એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા જેવો બત્રીસ દળદાર ગ્રંથોનો જ્ઞાનકોશ લખવો સહેલો છે. પરંતુ અજ્ઞાનકોશ લખવા બેસીએ તો ગ્રંથોનાં ગ્રંથો ભર્યા પછીયે અજ્ઞાનરૂપી કેટલીક કણક શેષ બચ્યા જ કરે.’
વાત મહાભારત કાળના તત્ત્વજ્ઞાનની હોય કે આધુનિક વિજ્ઞાનની, પણ એક હકીકત સનાતન છેઃ મનુષ્યના જ્ઞાનની ક્ષિતિજો હોય, પરંતુ અજ્ઞાન તો અનંત છે; અતળ છે; અગાધ છે.
આ હકીકત આજે કોરોનાવાઇરસે પેદા કરેલા સ્થિતિસંજોગોમાં તો કેટલી પ્રસ્તુત જણાય છે. વિષાણુ અને વિષાણુવિજ્ઞાન વિશે જગતભરના તબીબોએ આજ દિન સુધી કેટકેટલું જ્ઞાન મેળવ્યું છે. આમ છતાં કોરોનાવાઇરસ સામે તેમાંનું કશું ખાસ કામ લાગી રહ્યું નથી. નતીજારૂપે ભારત સહિત ઘણા દેશના લોકોએ લોકડાઉન હેઠળ પોતાના જ ઘરોમાં પુરાયેલા રહેવાનો વારો આવ્યો છે.
આ સ્થિતિને જરા બહોળા પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો માતા કુદરતે સમગ્ર માનવજાતને અદૃશ્ય લાઠી વીંઝી છે. પ્રહાર અદૃશ્ય છે. (સાચે જ અદૃશ્ય, કેમ કે કોરોનાવાઇરસ નરી આંખે દેખાતો નથી.) કુદરતનો પ્રહાર એક છે, પણ તેણે આપણને ત્રણ સાંકેતિક બોધપાઠ આપ્યા છે. ત્રણેયને ભૂત, વર્તમાન અને ભવિષ્ય એમ નોખા કાળખંડમાં વહેંચીને સમજીએ.
***ગઈ કાલઃ લોકડાઉનમાં નહોતા ત્યારે***
આ દિવ્ય વસુંધરા પર સાડા ત્રણ અબજ વર્ષ પૂર્વે પ્રથમ સજીવ પાંગર્યો ત્યારથી અનેકવિધ સજીવોનું તે ઘર રહી છે. પૃથ્વી પર દરેક સજીવનો ચોક્કસ વસ્તીઆંક જાળવી રાખવાનું કાર્ય કુદરતનું છે અને તે કાર્ય ‘શિકાર કરો અથવા શિકાર બનો’ના વણલખ્યા નિયમાનુસાર આપમેળે પાર પડતું હોય છે. આથી પ્રાણી-પંખીની, કીટકની, સરીસૃપની તેમજ જળચરની એકાદ સ્પીસિસના ઘણા બધા સભ્યો મરી પરવારે ત્યારે તેમનું સ્થાન નવા સભ્યો લઈને ‘ખાલીપો’ ભરી દે છે. જીવસૃષ્ટિનું નફા-તોટા ખાતું એ રીતે સમતોલ રહે છે.
મનુષ્ય નામના પ્રાણીએ જંગલોનો સફાયો કરીને, હવા-પાણીનું પ્રદૂષણ કરીને, સજીવોનો બેફામ શિકાર કરીને તથા વધુ પ્રમાણમાં માછીમારી કરીને કુદરતના આયોજનમાં દખલગીરી કરવાનું શરૂ કર્યું છે ત્યારથી સજીવોની વસ્તીનું કુદરતી સંતુલન ખોરવાયું છે. મનુષ્યેતર જીવોની વસ્તીમાં ઘટાડાનો દર ૧૦,૦૦૦ ગણો ઝડપી બન્યો છે અને ઘણાખરા સજીવો કુદરતીને બદલે કૃત્રિમ મોતને ભેટવા લાગ્યા છે. સોળમી સદીના આરંભથી લઈને અત્યાર સુધીમાં મનુષ્યએ ૭૮૪ જાતના સજીવોને શિકાર યા વનવિનાશ દ્વારા નામશેષ કરી નાખ્યા છે અને બીજી ૧૫,૫૮૯ સ્પીસિસનું અસ્તિત્વ હાલ જોખમમાં છે. શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ તથા ખેતી માટે આપણે પૃથ્વીની ૩૩ ટકા જમીન (ત્યાંના મૂળ વતની સજીવોને હાંકી કાઢી) પચાવી પાડી છે. વર્ષેદહાડે આપણને ૩.૫ અબજ ઘન મીટર લાકડાનો ખપ પડે છે, જે માટે વાર્ષિક બે લાખ ચોરસ કિલોમીટર જંગલોનું વિચ્છેદન કરી દેવામાં આવે છે.
અઢારમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી માનવજાતે પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ૩૭ ટકા જેટલું વધારીને ગ્લોબલ વોર્મિંગ સર્જ્યું છે. (આજે પણ વાર્ષિક ૩૬ અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળે છે.) ધ્રુવપ્રદેશો વર્ષે ૯ ટકા લેખે પીગળી રહ્યો છે, તો અોઝોનના થરમાં ૨.૭ કરોડ ચોરસ કિલોમીટરનું ગાબડું પડ્યું છે. જળવિદ્યુત માટે નદીનો પ્રવાહ રોકતા ચાર મજલા કે વધુ ઊંચા ડેમની વૈશ્વિક સંખ્યા પ૭,૦૦૦ જેટલી છે.
ઔદ્યોગિક અને આર્થિક વિકાસના નામે આપણે પૃથ્વીની નૈસર્ગિક સંપત્તિનું સતત શોષણ કરતા આવ્યા છીએ એટલું જ નહિ, પણ છેલ્લાં પાંચસો વર્ષથી પૃથ્વીને પોતાના એકલાની જાગીર સમજી રાખી છે. કોરોનાવાઇરસ નામની અદૃશ્ય લાઠીનો પ્રહાર કરીને માતા કુદરતે માનવજાતને આવી સંકુચિત તેમજ સ્વાર્થી વિચારસરણી બદલવાનો માર્મિક સંકેત કર્યો છે.
***આજઃ લોકડાઉનમાં આવ્યા ત્યારે***
કુદરત ફક્ત માર્મિક સંકેત આપીને અટકે નહિ, બલકે માનવજાત નજરે જોઈ-સમજી શકે તેવા દાખલા પણ પ્રસ્થાપિત કરી આપે છે. જેમ કે—
કોરોનાના ભયથી માનવજાત પોતપોતાનાં ઘરોમાં પુરાઈ તેનું પરિણામ એ આવ્યું કે હવામાં કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ વગેરે જેવાં હાનિકારક વાયુઓની માત્રામાં પુષ્કળ ઘટી જતાં જગતભરનાં શહેરોનું વાતાવરણ ચોખ્ખું બન્યું. ઔદ્યોગિક એકમોનાં ભૂંગળાં તથા મોટરવાહનો દર વર્ષે લાખો ટન કાર્બનકણો તથા હાનિકર્તા વાયુઓને વાતાવરણમાં ઠાલવે છે. આને લીધે પ્રદૂષિત બનેલી હવા જગતભરમાં વર્ષેદહાડે ૭૦,૦૦,૦૦૦ લોકોનો ભોગ લેવામાં નિમિત્ત બને છે. (સંદર્ભઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન.) સાર્સ, બર્ડ ફ્લૂ, સ્વાઇન ફ્લૂ અને કોરોના જેવી મહામારીઓ પણ આટલી જાનહાનિ સર્જતી નથી. તો પછી વધુ હિંસક કોણ? વિષાણુ કે માનવજાત?
લોકડાઉનને કારણે એર ક્વોલિટીમાં નાટકીય સુધાર આવતા પંજાબના પટિયાલા શહેરના રહીશોને ૩૦ વર્ષમાં પહેલી વખત ઘરબેઠાં હિમાલયનાં દર્શન થયાં. પટિયાલાથી હિમાલયની શિખરમાળા ૨૦૦ કિલોમીટર અંતરે છે એ હકીકત ધ્યાનમાં લેતાં વાતાવરણમાં કેવી ગજબ કી સફાઈ આવી હશે! એર ક્વોલિટી ફક્ત પટિયાલાની નહિ, બલકે સમગ્ર ભારતની સુધરી છે. આપણા પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના િરપોર્ટ અનુસાર અત્યારે ભારતીયો અગાઉ કરતાં પાંચ ગણી વધુ ચોખ્ખી હવા પોતાના શ્વાસમાં લઈ રહ્યા છે.
દિલ્લીનો નોઇડા વિસ્તાર મોટરવાહનોના ટ્રાફિક અને ટ્રાફિક જામ માટે જાણીતો છે. હવાનું પ્રદૂષણ, વાહનોનો ઘોંઘાટ, હજારો લોકોની અવરજવર નોઇડાની પિછાણ છે. લોકડાઉને એ બધાં ન્યૂસન્સ પર તાળું મારી દીધું હતું. નોઇડાના રસ્તા સૂમસામ બન્યા—અને તે રસ્તા પર નીલગાય ફરતી જોવા મળી.
દક્ષિણ ભારતમાં કેરળ અને કર્ણાટકના મલબાર કાંઠાનું વણિયર નામનું ચોપગું પ્રાણી આજે લુપ્ત થવાના આરે છે. શિકારીઅો મલબાર વણિયરને તેની ગ્રંથિ દ્વારા નીકળતા કસ્તૂરી જેવા સુગંધી પદાર્થ માટે ઠાર મારે છે. પરફ્યૂમ બનાવવામાં તે પદાર્થ સ્ટેબિલાઇઝિંગ એજન્ટ તરીકે વપરાય છે. પ્રકૃતિવિદ્દો અકેક મલબાર વણિયરનાં દર્શન માટે તરસી જતા હોય છે ત્યારે થોડા દિવસો પહેલાં કેરળના કોઝિકોડ શહેરની ગલીઓમાં કેટલાંક વણિયર ટહેલવા નીકળ્યાં હતાં. થેન્ક્સ ટુ લોકડાઉન!
ઇંગ્લેન્ડના વેલ્સમાં જંગલી બકરાં બિનધાસ્ત રીતે સડકો પર ફરે છે અને રહેણાક મકાનોનાં બગીચામાં જઈને પેટપૂજા કરે છે. જાપાનનાં ઘણાં શહેરોની સડક પર હરણાં મુક્તપણે વિચરી રહ્યાં છે, તો દક્ષિણ અમેરિકી દેશ િચલીના પાટનગર સાન્તિયાગોના રહીશોને પોતાના ઘરની બારી-અગાશીમાંથી રસ્તા પર ટહેલતાં વન્યજીવો જોવા મળ્યાં હતાં.
લગભગ આખું વર્ષ પર્યટકોથી ધમધમતા ઇટાલીના વેનિસ શહેરનો દરિયો લોકડાઉનને કારણે એટલો બધો ચોખ્ખો બન્યો છે કે તેના જળમાં તરતી માછલીઓ સ્પષ્ટ જોઈ શકાય છે. થોડા દિવસ પહેલાં ડોલ્ફિનનું ઝૂંડ વેનિસની મુલાકાતે આવ્યું હતું.
છેલ્લે આપણા હરિદ્વારની વાત કરીએ કે જ્યાં હર કી પૌડી પાસે વહેતી ગંગા નદીમાં ડૂબકી લગાવવા માટે લાખો શ્રદ્વાળુઓ આવતા હોય છે. લોકડાઉનને કારણે પહેલી વાર એવું બન્યું છે કે ગંગાના પાણીમાં ફીકલ કોલીફોર્મનું પ્રમાણ માતબર રીતે ઘટી જતાં ગંગાજળ ખરા અર્થમાં ગંગાજળ (નિર્મળ અને પરબારું પીવાલાયક) બન્યું છે. ફીકલ કોલીફોર્મ એક જાતના બેક્ટીરિયા છે, જેમની માનવમળમાં વ્યાપક હાજરી હોય છે. લોકડાઉન વખતે ગંગાજળમાં બેક્ટીરિયાની માત્ર કેમ પુષ્કળ ઘટી એ જાતે જ સમજી જજો. વધુ ચોખવટની આવશ્યકતા નથી.
જુઓ કે લોકડાઉનના અમુક જ દિવસો દરમ્યાન પ્રકૃતિમાં અને પર્યાવરણમાં માનવ હસ્તક્ષેપ બંધ થયો તો તેનાં કેવાં સકારાત્મક પરિણામો આવ્યાં. આ છે કુદરતની કોરોનારૂપી લાઠીના પ્રહારે આપેલો બીજો સાંકેતિક બોધપાઠ.
***આવતી કાલઃ જાગ્યા ત્યારથી સારવાર***
પોતાને બુદ્ધિશાળી ગણતી માનવજાતના હાથે પ્રાણી-પંખીનું નિકંદન નીકળતું રહે ત્યારે વધારાની માનવવસ્તીને કાબૂમાં રાખવા કુદરત પાસે બે અમોઘ શસ્ત્રો છેઃ બેક્ટીરિયા અને વાઇરસ. આ શસ્ત્રોને કુદરત જરૂર પડ્યે વાપરતી આવી છે. ભૂતકાળમાં સ્પેનિશ ફ્લૂ, શીતળા, સાર્સ, સ્વાઇન ફ્લૂ વડે આક્રમણ કર્યું, તો આજે કોરોના વડે હુમલો કર્યો છે.
આવાં આક્રમણો ભવિષ્યમાં પણ થવાનાં એ નક્કી માનજો. આથી ભવિષ્યમાં નવી પેઢી સંભવિત વાઇરસ સામે લડી શકે એ માટે આજે તેમને રોગપ્રતિકારક શક્તિ વડે સજ્જ કરવી રહી. માનવશરીરમાં કોરોના જેવો વાઇરસ કેટલી ખાનાખરાબી સર્જી શકે તેનો આધાર ઘણે અંશે રોગપ્રતિકારક તંત્ર પર રહેલો છે—અને એ તંત્રને સાજુંસમું રાખવાનો મંત્ર આયુર્વેદ છે. ભારતની એ પ્રાચીન તબીબીવિદ્યા પાસે રોગપ્રતિકારક તંત્રને ઠસોઠસ મજબૂતી આપતી પુષ્કળ ઔષધિઓ છે.
આયુર્વેદ સમજાવતો સૌથી પ્રાચીન ગ્રંથ આયુર્વેદાચાર્ય ચરકે ઈ.સ. પૂર્વે ૧૫૦૦માં સંકલિત કરેલો ચરક સંહિતા છે. માનવશરીરની જૈવિક રચનાનું અત્યંત બારીકીભર્યું વિવરણ ચરકે તેમાં કર્યું છે. ઉપરાંત શરીરને લાગુ પડી શકતા રોગો વિશે તથા તેમના ઉપચારો વિશે પણ ચરક સંહિતામાં વિવરણ છે. માનો યા ન માનો, પણ આજે દુનિયાના કરોડો લોકોને પરેશાન કરતી ડાયાબિટીસ તેમજ સંધિવા જેવી વ્યાધિઓનો સૌ પ્રથમ ઉલ્લેખ ચરક સંહિતામાં મળે છે.
ઈ.સ. પૂર્વે ૩૦૦ સુધીમાં આપણે ત્યાં તક્ષશિલા, નાલન્દા, ઉજ્જૈન, મિથિલા અને વારાણસી જેવાં નગરોમાં ઉચ્ચ વિદ્યાલયો સ્થપાયાં, જ્યાં આયુર્વેદનું જ્ઞાન આપવામાં આવતું હતું. આઠમી સદી સુધીમાં ભારતના આયુર્વેદની બોલબાલા એટલે બધી થઈ કે ભારતના વૈધરાજાને બગદાદ (ઇરાક)ના તબીબી સારવાર કેન્દ્રોમાં દરદીઅોના ઉપચારર્થે તેડાવવામાં આવતા હતા. ભારતીય આયુર્વિજ્ઞાનની બોલબાલા પછી તો ઉત્તરે તિબેટ સુધી, પૂર્વમાં કમ્બોજ (કમ્બોડિયા) સુધી અને પશ્ચિમે છેક પર્શિયા (ઈરાન) સુધી પહોંચી.
આ હકીકતો સામે ભારોભાર કૉન્ટ્રાસ્ટ જન્માવતી વાત એ કે જગતને આયુર્વેદ થકી સ્વસ્થ રહેવાનું શીખવનાર આપણે પોતે એ શાસ્ત્ર વધુઓછા અંશે ભૂલી ચૂક્યા છીએ. કોરોના મહામારીએ આયુર્વેદને ફરી યાદ કરવાની અને નવી પેઢીની રોગપ્રતિકારક શક્તિ વધારવાની દિશામાં પહેલ કરવાની પ્રેરણા આપી છે. આ ત્રીજું લેસન છે.
ચોથું લેસન કુદરતે નહિ, આપણે નવી પેઢીને આપવાનું છે. કોરોનાના કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતિ સમગ્ર જગત માટે પહેલી વારની હતી. ભવિષ્યમાં એકાદ નવો વિષાણુ આવી ચડે ત્યારે પણ લોકડાઉનનું મોડલ અપનાવવામાં આવે તે શક્યતા જોતાં આગામી પેઢીને માનસિક રીતે તૈયાર કરવા આજે તેમનાં પાઠ્યપુસ્તકોમાં કોરોના અને લોકડાઉન વિશે એકાદ પાઠ શું સામેલ ન કરવો જોઈએ? આખરે તે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો વિષય છે.
આખી ચર્ચાનો ટૂંકસારઃ કોરોના નામની લાઠી વીંઝીને કુદરતે માનવજાતને સંકેત દીધો છે કે, ‘કોઈ તમને જોઈ રહ્યું છે. માપમાં રહેજો; નહિતર બીજી લાઠી ઝીલવા તૈયાર રહેજો!’ ■
Comments
Post a Comment