મહામારી પંડિતોનો નવો મંત્રઃ ચેપતા નર સદા સુખી

લોકડાઉન પછીયે કોરોના કેડો ન મૂકે તો શું કરવું? સંક્રમણ વધારો, વાઇરસ ભગાડો!

મહામારી ફેલાવીને મહત્તમ ખુવારી કરવી વિષાણુનું ‘સ્‍વભાવગત’ લક્ષણ છે, જેનો પરચો માનવજાતને ભૂતકાળમાં વખતોવખત મળી ચૂક્યો છે અને અત્‍યારે કોરોના થકી મળી રહ્યો છે. નરી આંખે ન દેખાતા કોરોનાના માયાવી દૈત્‍ય સામે લોકડાઉન, એન્‍ટિ-વાઇરલ દવા, હાઇડ્રોક્સીક્લોરોક્વિન, પ્‍લાઝમા થેરાપી વગેરે જેવા નુસખા અજમાવવામાં આવી રહ્યા છે. કમનસીબે તેમાંનો એકેય સો ટકા કારગત જણાતો નથી. ઊલટું, સમયના વીતવા સાથે વધુ ને વધુ કોવિડ-૧૯ કેસ નોંધાતા જાય છે. પરોપજીવી વાઇરસ સામે માનવજાતની પરવશતા છતી થયા કરે છે.

પરવશતાનો અનુભવ જગતના બહુધા દેશો લોકડાઉન હેઠળ કરી રહ્યા છે ત્‍યારે યુરોપી દેશ સ્‍વીડનની પ્રજા એવી લાચારીભરી લાગણીથી મુક્ત છે. સ્‍વીડિશ પ્રજાને લોકડાઉન મોડલમાં વિશ્વાસ નથી, એટલે કોરોના વિષાણુથી ડરના માર્યા ઘરમાં ચુમાયેલા રહી ધંધા-રોજગાર ઠપ્પ કરી દેવાને બદલે તેમણે ‘હર્ડ ઇમ્‍યુનિટી’ થિઅરી અપનાવી મહામારીનો સામી છાતીએ મુકાબલો કરવાનું પસંદ કર્યું છે. પગલું જાનની બાજી ખેલવા જેવું છે, પણ સ્‍વીડિશ બાજીગરોએ નકરાં આંધળુકિયાં કર્યાં નથી. ‘હર્ડ ઇમ્‍યુનિટી’ વિશે પાકો અભ્‍યાસ કર્યા પછી જ એ થિઅરીને પ્રેક્ટિકલ રીતે અમલમાં મૂકી છે.

***હર્ડ ઇમ્‍યુનિટીઃ લોઢું લોઢાને કાપે***
મહામારીના ફેલાવા-કમ-નિયંત્રણને લગતી ‘હર્ડ ઇમ્‍યુનિટી’ થિઅરી ૧૯૩૦ના અરસામાં એ. ડબલ્‍યુ. હેડ્રિચ નામના સંશોધકે સૂચવી હતી. અંગ્રેજી શબ્‍દ હર્ડનો મતલબ ટોળું થાય, જ્યારે ઇમ્‍યુનિટીનો ગુજરાતી તરજુમો વ્‍યાધિક્ષમત્‍વ અથવા પ્રતિરોધક ક્ષમતા છે. મહામારી ફેલાઈ હોય ત્‍યારે સંક્રમણથી બચતા રહેવાને બદલે શરીરમાં વિષાણુનો પેસારો થતો હોય તો થવા દેવો અને રોગપ્રતિકારક શક્તિ વડે વિષાણુ સામે લડી અંતે વાઇરસને નાથવો એ ‘હર્ડ ઇમ્‍યુનિટી’નો મૂળભૂત અભિગમ છે. વાઇરસ સામે ધીંગાણું ખેલવાનો અભિગમ ઘાતક લાગે, પણ તેનું ફાઇનલ રિઝલ્‍ટ અચંબો પમાડે તેવું નીકળે છે. અહીં રજૂ કરેલા રેખાંકનના સંદર્ભે ‘હર્ડ ઇમ્‍યુનિટી’નો સિદ્ધાંત સમજવા જેવો છે.


■ તબક્કો-૧ઃ મહામારીનો શક્ય એટલી ઝડપે અને શક્ય એટલો વધારે ફેલાવો કરવો એ વાઇરસની ફિતરત છે, જે માટે તેને મનુષ્‍ય જેવા એકાદ વાહકની જરૂર પડે. પહેલવહેલો વાહક મળી ગયો, એટલે સમજી લો કે તેના મારફત વિષાણુનો ચેપ બીજા અસંખ્‍ય લોકો સુધી ફેલાયો. ચીનના વુહાનમાં ઉદ્‍ભવેલા કોરોનાના કેસમાં એમ જ બન્‍યું એ જાણીતી વાત છે. રેખાંકનમાં દર્શાવ્‍યા મુજબ પહેલી વ્‍યક્તિ ચેપગ્રસ્‍ત બને, એટલે તેના મારફત વધુ કેટલાક લોકો ચેપના સકંજામાં આવે છે.

■ તબક્કો-૨ઃ વાઇરસનો ચેપ લાગ્યા પછી કેટલાક દરદીઓના રોગપ્રતિકારક તંત્રએ પ્રતિદ્રવ્‍યો અર્થાત્ એન્‍ટિબોડી પેદા કરીને વિષાણુ પર ફતેહ મેળવી લીધી છે. હવે તેઓ વિષાણુપ્રૂફ બની ગયા. અર્થાત્ વાઇરસ તેમના પર કશી નઠારી અસર જન્‍માવી શકે નહિ.

■ તબક્કો-૩ઃ આવા વિષાણુપ્રૂફ લોકો હવે બહાર ખુલેઆમ ફરે અને સંક્રમિત લોકોના સંપર્કમાં આવે તો પણ વાંધો નહિ. કારણ કે વાઇરસ સામે તેઓ ઇમ્‍યુન બની ચૂક્યા છે. 

ત્રણેય રેખાંકનોમાં એક બાબત માર્ક કરો કે સંક્રમણની સંખ્‍યા તબક્કાવાર ઘટી છે. હજી ચોથો, પાંચમો, છઠ્ઠો... એમ આગામી તબક્કા પણ મનોમન વિચારીને કલ્‍પના કરો કે પ્રત્‍યેક તબક્કે નવા સંક્રમણના કેસ ઘટતા જાય તો પરિણામ શું આવે?

એ જ કે વિષાણુને પ્રસરવા માટે મનુષ્‍યરૂપી વાહક જ ન મળતાં મહામારીનો અંત આવે. ધી એન્‍ડ! આ છે ‘હર્ડ ઇમ્‍યુનિટી’ના મૂળમાં રહેલો વૈજ્ઞાનિક સિદ્ધાંત.

***કીમિયો કારગત, પણ ખતરનાક***
પરંતુ થિઅરી જેટલી નિર્દોષ લાગે છે તેટલી વાસ્‍તવમાં નથી. વિષાણુનો ચેપ વહોરી લેવામાં જાનનું જોખમ રહેલું છે. ચેપગ્રસ્‍ત શરીરનું રોગપ્રતિકાર તંત્ર પ્રતિદ્રવ્‍યો પેદા કરીને વાઇરસ નામના સિંહને પાંજરે પૂરે તો સોમ નાહ્યા. પરંતુ રોગપ્રતિકારક તંત્ર કારગત ન નીવડે ત્‍યારે મુસીબત સર્જાય છે. ભૂખ્‍યો સિંહ જાણે કે સસલાના વાડામાં પેસ્‍યો! મતલબ કે વિષાણુ એક પછી એક કોષનો ખાતમો બોલાવતો જાય અને ક્રમશઃ કમજોર પડતું શરીર અંતે જવાબ દઈ દે. ‘હર્ડ ઇમ્‍યુનિટી’ની એ મોટી મર્યાદા છે, જેને કારણે કોવિડ-૧૯ મહામારીના વર્તમાન સંજોગોમાં સ્‍વીડનને બાદ કરતાં અન્‍ય દેશોએ તે થિઅરી અપનાવી નથી.

સ્‍વીડને પણ એ જોખમી થિઅરી conditions apply ની અદૃશ્‍ય ફૂદડી સાથે અમલમાં મૂકી છે. મતલબ કે ‘હર્ડ ઇમ્‍યુનિટી’નું મોડલ અખત્‍યાર કર્યા બાદ સ્‍વીડિશ સરકારે પ્રજાજોગ ચેતવણી આપી છે કે જેમનું સ્‍વાસ્‍થ્ય એકંદરે સારું હોય અને મધુપ્રમેહ, રક્તદાબ, હૃદય-ફેફસાં-કીડનીને લગતી સમસ્‍યા ન હોય તેવા જ લોકોએ બહાર નીકળવું. નાના બાળકોએ તથા વરિષ્‍ઠ નાગરિકોએ બને ત્‍યાં સુધી ઘરમાં રહેવાનું હોય છે. વળી સોશ્‍યલ ડિસ્‍ટ‌ન્‍સીંગ, જાહેર સ્‍થળો તથા પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટનું સેનિટાઇઝેશન જેવી પ્રાથમિક તકેદારીઓ પણ લેવાય છે. કોરોનાનો કેર શરૂ થયો ત્‍યારથી સ્‍વીડનમાં લોકડાઉન જેવું કશું હતું જ નહિ અને આજે પણ નથી. પ્રજાજનો કોરોનાની હાજરી વચ્‍ચે પણ ખુલેઆમ ફરી રહ્યા છે. નોકરી-ધંધા, ઔદ્યોગિક એકમો, રેસ્ટોરન્‍ટ, સિનેમા, બસ અને ટ્રેન જેવાં પરિવહનનાં સાધનો વગેરે બધું જ ત્યાં ધમધમે છે.

જો કે મહામારીમાં લોકડાઉનને બદલે ‘હર્ડ ઇમ્‍યુનિટી’ અપનાવવા જતાં સ્‍વીડનમાં અત્‍યાર સુધી કોવિડ-૧૯ના ૧૭,૭૦૦ કેસ નોંધાયા છે, જે પૈકી ૨,૨૦૦ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. સંક્રમિતોની સંખ્‍યા ત્‍યાં પ્રતિદિન વધી રહી છે, પરંતુ અગાઉ જણાવ્‍યું તેમ ‘હર્ડ ઇમ્‍યુનિટી’નો એ મૂળભૂત સિદ્ધાંત છે. સંક્રમિતોની સંખ્‍યા વધતી જાય, લોકો ઇમ્‍યુન યાને વાઇરસપ્રૂફ બનતા જાય અને નવા વાહકોની અછતને કારણે વિષાણુનો ફેલાવો સતત ઘટાડો પામતો અંતે થંભી જાય. આખો દેશ વિષાણુપ્રૂફ બને. 

અલબત્ત, આવી સુખદ સ્‍થિતિ સુધી પહોંચવામાં ઘણા મહિના નીકળી જાય એટલું જ નહિ, ઘણા લોકોના જીવ જોખમમાં મુકાય. છતાં સ્‍વીડિશ પ્રજાને એવું જોખમ ખેડવામાં વાંધો નથી. ‘હર્ડ ઇમ્‍યુનિટી’નું પગલું તેમણે સમજીવિચારીને ભર્યું છે. અથવા તો એમ કહેવું જોઈએ કે કોરોના સામેના યુદ્ધમાં ‘હર્ડ ઇમ્‍યુનિટી’ નીતિ અપનાવીને સ્‍વીડન સમય કરતાં વહેલો જાગેલો દેશ છે. કઈ રીતે, એ પણ સમજવાલાયક છે.

***ભૂતકાળમાં લડ્યા, તો હવે કેમ નહિ?***
‘હર્ડ ઇમ્‍યુનિટી’ના તરફદાર વિષાણુ નિષ્‍ણાતો ૨૦૧પની સાલમાં દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલમાં ઉદ્‍ભવેલા ઝિકા વાઇરસનો દાખલો ટાંકે છે. તબીબો કારગત રસી બનાવે એ પહેલાં તો ઝિકાનો ચેપ વ્‍યાપક રીતે ફેલાઈ ગયો અને તેણે મહામારીનું સ્‍વરૂપ ધારણ કર્યું. બ્રાઝિલની ૬૩ પ્રતિશત જનતા ઝિકાગ્રસ્‍ત બની. સ્‍થિતિ ચિંતાજનક હતી, પણ ચિંતાનાં વાદળો આસ્‍તે આસ્‍તે દૂર થયાં. બન્‍યું એવું કે દેશની અડધાથી પણ વધુ પ્રજાએ ઝિકા સામે ઇમ્‍યુનિટી ધારણ કરી લીધી હોવાથી વિષાણુનું સંક્રમણ ઘટતું ગયું અને છેવટે ઝિકાએ અસરકારકતા ગુમાવી દીધી. આ ‘હર્ડ ઇમ્‍યુનિટી’ની મિસાલ હતી. 

બીજો દાખલોઃ આજથી દસેક વર્ષ પહેલાં મેક્સિકોમાં સ્‍વાઇન ફ્લૂનો H1N1 વાઇરસ ફૂટી નીકળ્યો અને તેણે ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વને ભરડો દીધો. વિષાણુ મૂળ તો કોરોનાની માફક ઇન્‍ફ્લુએન્‍ઝાનો અર્થાત્ ફ્લૂનો, પરંતુ swine / ડુક્કરના માધ્યમ થકી મનુષ્‍યમાં પેસ્યો અને ગુણવિકાર (મ્‍યૂટેશન) પામીને તદ્દન નવું સ્‍વરૂપ ધારણ કર્યું. આ ભળતા વાઇરસને ન તો મનુષ્યનું રોગપ્રતિકારક તંત્ર ઓળખી ન શક્યું કે ન વાઇરસના અભ્‍યાસુ તબીબો પિછાણી શક્યા. 

પરિણામ બહુ ઘાતક આવ્યું. સ્‍વાઇન ફ્લૂના વિષાણુએ થોડા જ મહિનાના સમયગાળામાં જગતના આશરે ૧.૪ અબજ લોકોને સંક્રમિત કરી દીધા. આ જંગી ફિગર સામે મૃતકોનો આંક ૨,૮૪,૦૦૦ જેટલો રહ્યો. કેટલાક રિપોર્ટ મુજબ આંકડો બમણો હતો, છતાં ૨.૮૪ લાખનો ફિગર વધુ આધારભૂત ગણાતો હોવાથી અહીં ટાંક્યો. સાચો આંકડો જે હોય તે ખરો, પણ નોંધપાત્ર વાત એ કે જગતના ૧.૪ અબજ લોકો સંક્રમિત થયા પછી બહુ મોટી  માનવવસ્‍તીમાં સ્‍વાઇન ફ્લૂના વિષાણુ વિરુદ્ધ પ્રતિકારક ક્ષમતા ખીલી. વિષાણુ પ્રત્‍યે તેઓ ઇમ્‍યુન બન્‍યા, એટલે વધુ સંક્રમણ સંભવ ન બનતાં H1N1 વાઇરસે ઓચિંતી જ વિદાય લીધી. આ ઘટના પણ ‘હર્ડ ઇમ્‍યુનિટી’નો દાખલો છે.

સ્‍વીડનના મહામારી વિશેષજ્ઞ યોહાન ગિસેકે તથા ઇંગ્‍લેન્‍ડની એડિનબર્ગ યુનિવ‌ર્સિટીના વિષાણુ નિષ્‍ણાત પ્રોફેસર માર્ક વૂલહાઉસ જણાવે છે કે કોરોનાવાઇરસની અટપટી રચના જોતાં તેની રસી તૈયાર કરવામાં છથી બાર મહિના નીકળી જવાના છે. આ લાંબા સમયગાળા સુધી લોકડાઉનમાં રહેવું કોઈ પણ દેશના અર્થતંત્ર માટે આત્‍માઘાતી નીવડે. આથી લોકડાઉનનો અંત ક્યારેક તો લાવવો પડશે. દિવસોથી ઘરમાં પુરાયેલા લોકોએ પોતપોતાના કામકાજે જવું પડશે—અને ત્‍યારે ‘હર્ડ ઇમ્‍યુનિટી’નું મોડલ અપનાવ્‍યા વિના પણ આપોઆપ અમલમાં આવી જવાનું છે. અર્થાત્ લોકડાઉન છૂટતાં જ પ્રતિદિન વધુ ને વધુ લોકો વિષાણુગ્રસ્‍ત બનવા લાગશે. આ મુદ્દો વિચારપ્રેરક છે.

‘હર્ડ ઇમ્‍યુનિટી’ થિઅરી વિશે છેલ્‍લે ભારતની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજિના (એપિડેમિઓલોજિ = મહામારી વિજ્ઞાન) વરિષ્‍ઠ સલાહકાર ડોક્ટર જયપ્રકાશ મુલિયિલનો ખ્‍યાલ પણ જાણી લો. ડોક્ટર મુલિયિલના મતે કોરોનાનો હઠીલો વિષાણુ લાંબા સમય સુધી રુખસત લેવાનો નથી. આથી ભારતે પણ ‘હર્ડ ઇમ્‍યુનિટી’નો માર્ગ વહેલોમોડો અપનાવવો રહ્યો. આ મોડલ અન્‍ય દેશોની તુલનાએ ભારતમાં વધુ કારગત એટલા માટે સાબિત થઈ શકે કે આપણા દેશની ૯૦ ટકા વસ્‍તી ૬૦થી ઓછી વયના લોકોની છે. સરેરાશ વયની બાબતે ભારત આજે દુનિયાનો સૌથી ‘યુવાન’ દેશ છે. કોરોના વિષાણુ વરિષ્‍ઠ નાગરિકો માટે ૬૦ ટકા જેટલો ઘાતક છે, જ્યારે યુવાનો માટે ૨૦ ટકા છે. આ તબીબી હકીકત જોતાં યુવા વર્ગ તેમની સ્‍વેચ્‍છાએ લોકડાઉનમાંથી બહાર આવી અર્થતંત્રનાં થંભી ગયેલાં ચક્રો ગતિમાન કરે એ પ્રકારના આયોજન માટે ડો. જયપ્રકાશ મુલિયિલે ભારત સરકારને સૂચન કર્યું છે.

***ઉત્ક્રાંતિવાદ તેનો પરચો બતાવે છે!***
અમુક વૈજ્ઞાનિક થિઅરી કાગળ પર જ એટલી ભયાનક લાગે કે તેને અમલમાં મૂકવાનો વિચાર સુધ્ધાં કરી ન શકાય. મહામારીના નિષ્‍ણાતોએ સૂચવેલી ‘હર્ડ ઇમ્‍યુનિટી’ એ પ્રકારની થિઅરી છે. માનવતાના પરિપ્રેક્ષ્‍યમાં જોતાં તે નિષ્‍ઠુર અને સંગદિલ લાગે છે. 

પરંતુ ખરું પૂછો તો સંગદિલ થિઅરી નહિ, તેના પાયામાં રહેલો ‘સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્‍ટ’નો તકાદો છે. (આ છેલ્લું વાક્ય મહત્ત્વનું છે. ચાહો તો ફરી વાંચી શકો છો.) કુદરતે ‘સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્‍ટ’નો વણલખ્‍યો નિયમ સમગ્ર જીવસૃષ્‍ટિને લાગુ પાડ્યો છે, તો પછી માનવજાત તેમાં અપવાદ રહે એવું માની લેવાને કારણ નથી. કુદરતને મન તો બધા સજીવો સરખા.

‘સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ’નો સૂચિતાર્થ એ છે કે પ્રકૃતિના ખોળે જે સજીવ તેની આસપાસના પર્યાવરણને અનુકૂળ થાય તે લાંબું જીવન ગુજારી વંશવેલો આગળ વધારવા માટે ફિટ ગણાય. જે ગુણો (જેમ કે પ્રતિદ્રવ્‍યો) થકી તેણે સંજોગોને (જેમ કે વાઇરસને) મહાત કર્યા તે ગુણોના જિન્સ તેના વંશજોને મળે ત્યારે તેઅો વળી અોર સક્ષમ બને.

બીજી તરફ પર્યાવરણ જોડે તાલ મિલાવી ન શકનારા અનફિટ સજીવો ઉત્ક્રાંતિ દરમ્યાન પોતાનું સંખ્યાબળ ઉત્તરોત્તર ગુમાવતા રહી છેવટે નાશ પામે. પૃથ્‍વી પર લાખો વર્ષથી આમ જ બનતું આવ્યું છે. લાખો વર્ષ પછી પણ એમ જ બનતું રહશે. વિધાતાએ લખેલા છઠ્ઠીના લેખ કદાચ બદલાતા હોય તો બદલાય, પણ કુદરતે સમગ્ર જીવસૃષ્‍ટિની કુંડળીમાં લખેલો ‘સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ’નો સંગદિલ તકાદો બદલાવાનો નહિ. અભી નહિ, ઔર કભી નહિ. ■

Comments

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન