પારકી ભૂમિ પર પગદંડો જમાવતા ચીનનું આપખુદ વલણઃ હમ સબ કા ખાવે, હમારા ખાવે વો મર જાવે!
તાજેતરમાં ચીને દક્ષિણ ચીની સમુદ્રના દેશો સામે બાંયો કેમ ચડાવી? ચીનની દાવેદારી અને દાદાગીરી શી છે?
વીસમી સદીમાં ચીનના સામ્યવાદી શાસક માઓ ઝેદોંગે કહેલું કે દુશ્મનના ભૌગોલિક પ્રદેશ પર કબજો જમાવવા માટે સશસ્ત્ર યુદ્ધ ખેલવું જ પડે એવું જરૂરી નથી. બંદૂકની એકેય ગોળી દાગ્યા વિના અને લોહીનું એકાદ ટીપું પાડ્યા વિના પણ માત્ર બુદ્ધિબળે શત્રુભૂમિ હસ્તગત કરી શકાય છે. આ રીતેઃ
સરહદ ઓળંગીને શત્રુની ભૂમિમાં બે ડગલાં પેસારો કરો... દુશ્મન રોકકળ મચાવે તો તેને છાનો રાખવા એક ડગલું પાછળ ખસી જાવ... થોડા દિવસો બાદ ફરી ચુપચાપ બે ડગલાં આગળ વધો અને શત્રુ આંખો લાલ કરે તો એક ડગલું પીછેહઠ કરો. આમને આમ દુશ્મનની ભૂમિમાં આગળ વધતા તેની જમીન ઇંચ ઇંચ લેખે પચાવ્યે રાખો. લાંબે ગાળે ઇંચનો હિસાબ કિલોમીટરમાં ગણવો પડે એવડો મોટો પ્રદેશ એડી નીચે આવી ચૂક્યો હશે.
માઓ તો કબરમાં પોઢી ગયા પણ ચીની સત્તાધીશોને ઉપરોક્ત સંદેશો આપી જગત માટે મોકાણ મૂકતા ગયા. માઓની ‘બે ડગલાં આગેકૂચ; એક ડગલું પીછેહઠ’ નીતિને ચીનની સરકારો વર્ષોથી અજમાવતી આવી છે અને પારકા પ્રદેશો પચાવીને દેશના ભૌગોલિક સીમાડા આસ્તે આસ્તે વિસ્તારતી ગઈ છે.
એક ઉદાહરણઃ આપણા ૮૩,૭૦૦ ચોરસ કિલોમીટરના અરુણાચલ પ્રદેશ રાજ્યને ચીન વર્ષો થયે પોતાની માલિકીનું ગણતું આવ્યું છે અને માલિકી જતાવવા માટે ચીની સૈનિકો વારેતહેવારે અરુણાચલમાં ઘૂસી આવી સરહદી ગામોમાં વસતા લોકોને રાઇફલની નોક પર ડરાવે-ધમકાવે છે. અરુણાચલ પ્રદેશ સરહદે ભારતીય લશ્કરે સ્થાપેલાં (અને શિયાળામાં રેઢાં પડેલાં) બંકરોમાં ચીનના સૈનિકોએ તોડફોડ કર્યાના તો ઘણા કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે. પરંતુ અહીં વાત કરીએ એક એવી ઘટનાની જેના પરિણામરૂપે ચીને આપણો ૨૮ ચોરસ કિલોમીટરનો પ્રદેશ બુલેટ કે બ્લડ વિના સિફતપૂર્વક પચાવી પાડ્યો.
ઘટના ૧૯૮૬ની છે. એ વર્ષે ભારત સરકારે અરુણાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવાની ઘોષણા કરી ત્યારે અરુણાચલને પોતીકી જાગીર સમજતી બીજિંગ સરકારને મરચાંની ધૂણી લાગી. અરુણાચલ પ્રદેશના તવાંગની ઉત્તર-પૂર્વે તેણે ચીની લશ્કરને ભારતીય ભૂમિમાં દાખલ કરાવ્યું. ભારતીય લશ્કરે ત્યાં સૈનિકટુકડી રાખી હતી, પરંતુ આકરો શિયાળો ચાલી રહ્યો હોવાથી ટુકડીના જવાનો પોતાની ચોકીઓ છોડી હેઠવાસમાં આવી ગયા હતા. ચીની સૈનિકોએ ખાલીપાનો ફાયદો ઉઠાવી સુમદોરોંગ ચૂ કહેવાતા એરિઆમાં આવેલો વાંગડુંગ નામનો ભારતીય પ્રદેશ પોતાની એડી નીચે દાબ્યો.
હિમાલયનો અત્યંત કઠોર શિયાળો પૂરો થતાં ભારતીય જવાનો પોતપોતાની ચોકીઓ તરફ રવાના થયા ત્યારે વાંગડુંગ પહોંચેલા ૧૨મી આસામ રેજિમેન્ટના જવાનોને જે દૃશ્ય જોવા મળ્યું તે ચોંકાવનારું હતું. મૂળ ભારતીય બંકરો પર ચીનનો ધ્વજ લહેરાતો હતો. બસ્સો ચીની સૈનિકોએ ત્યાં અડ્ડો જમાવ્યો હતો, જેમાંના કેટલાક તો નવાં બંકર્સનું અને ચેકપોસ્ટ્સનું બાંધકામ કરવામાં જોતરાયેલા હતા. ૧૨મી આસામ રેજિમેન્ટના કમાન્ડિંગ અફસરે જોયું કે ચીનાઓનું સંખ્યાબળ તેમજ શસ્ત્રબળ અનેકગણું પાવરફુલ હતું. આથી પોતાના મુઠ્ઠીભર જવાનોનો જીવ જોખમમાં મૂકવાને બદલે તેઓ પઠારી ભારતીય છાવણીએ આંખો દેખી સુણાવવા પાછા ફર્યા.
આ લશ્કરી મામલો લશ્કરી ઢબે જ થાળે પાડી દેવા જેવો હતો, પરંતુ તેને બદલે ભારતે રાજકીય લેવલે વાટાઘાટોનો માર્ગ અપનાવ્યો. છેવટનું પરિણામ એ આવ્યું કે વાંગડુંગનો ૨૮ ચોરસ કિલોમીટર પ્રદેશ ચીની ડ્રેગનના નહોરદાર પગ નીચે સપડાયો. હજી સુધી સપડાયેલો છે.
બીજું ઉદાહરણઃ લદ્દાખનો અક્સાઇ ચીન કહેવાતો ૩૭,૦૦૦ ચોરસ કિલોમીટરનો વિશાળ પ્રદેશ ચીન વર્ષો પહેલાં પોતાની છાબડીમાં ખેરવી ચૂક્યું છે. ભારતભૂમિને આટલું મોટું બટકું ભરી લીધા પછી પણ ચીની ડ્રેગનને ઓડકાર આવ્યો નથી. સમગ્ર લદ્દાખ પર તેની નજર છે. આથી વારંવાર ચીની લશ્કરના સૈનિકો લદ્દાખના સરહદી ગામોમાં ઘૂસણખોરી મચાવે છે. રોડરસ્તાનું કામ કરતા બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના મજૂરોને ધક્કે ચડાવે છે અને કામ અટકાવી દેવા માટે દમદાટી મારે છે. ચીની સૈનિકોએ આપણી ભૂમિમાં પેસારો કરીને ત્યાં તંબૂ ખોડીને બિનધાસ્ત કેટલાક દિવસ રોકાણ કર્યું હોય એવા પણ કિસ્સા ઉત્તર લદ્દાખમાં બની ચૂક્યા છે. લદ્દાખમાં તૈનાત ભારતીય લશ્કરના જવાનો ચીનાઓને હાંકી કાઢે તો પણ બીજા અઠવાડિયે સૈનિકોનું બીજું જૂથ આવી ચડે છે. આ હરકત માઓ ઝેદોંગે સૂચવેલી ‘બે ડગલાં આગેકૂચ; એક ડગલું પીછેહઠ’ નીતિનો પ્રેક્ટિકલ અમલ છે.
***વિવાદનો દરિયોઃ દક્ષિણ ચીની સમુદ્ર***
માઓ ઝેદોંગની કૂટનીતિ ચીને એકલા ભારત સામે અપનાવી અને હાલ અપનાવી રહ્યું છે એવું નથી. નેપાળ, ભુતાન, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, કઝાખસ્તાન, તાજિકિસ્તાન, મોંગોલિયા, અફઘાનિસ્તાન, લાઓસ વગેરે જેવાં ઘણાં રાષ્ટ્રોના ભૌગોલિક પ્રદેશોમાં ચીન આસ્તે આસ્તે પેસારો કરી રહ્યું છે. આ બધા દેશો જોડે ચીનની ને આંતરરાષ્ટ્રીય સરહદો સ્પર્શે છે તે બિજિંગ સરકારને મંજૂર નથી. બલકે, પોતાના નકશા ચીને જાતે બનાવ્યા છે અને તેમાં પડોશી દેશોનો એ તમામ ભૂમિપ્રદેશ સામેલ કરી દીધો છે જેના પર એક સમયે (દસમીથી અઢારમી સદીના લાંબા કાળખંડ દરમ્યાન) ચીનના જે તે શાસકનું આધિપત્ય હતું.
ભૂતકાળના સંદર્ભે આજના નકશા બનાવવામાં આવતા હોત અને તે માન્ય ગણાતા હોત તો વર્તમાન બ્રિટન ગઈ સદીના બ્રિટિશ સામ્રાજ્યના સંદર્ભે પોતાના નકશામાં ભારત, મ્યાનમાર, શ્રીલંકા જેવા દેશો બતાવે. વિચારો કે એ પ્રકારનો નકશો તેમાંના એકેય દેશને મંજૂર હોય ખરો? પરંતુ ચીન ધરાર પોતાના નકશા પડોશી રાષ્ટ્રો પર ઠોકી બેસાડવા માગે છે એટલું જ નહિ, તે નકશાના આધારે પારકી ભૂમિ ચીનમાં ભેળવી દેવા માગે છે.
કેટલાંક વર્ષથી દક્ષિણ ચીની સમુદ્રમાં તો ચીની નૌકાદળનાં યુદ્ધજહાજો શસ્ત્રબળે ફિલિપાઇન્સ, મલયેશિયા, તાઇવાન, વિએતનામ, ઇન્ડોનેશિયા જેવા દેશોના ટાપુઓને ખાલસા કરવા માટે રીતસર બહારવટે ચડ્યાં છે. આમ કરવા પાછળ ચીનની એક મુરાદ દેશનો ભૌગોલિક સાથરો હજી વિસ્તારવાની છે, તો બીજી બદમુરાદ દક્ષિણ ચીની સમુદ્ર પર આધિપત્ય સ્થાપવાની છે. આ વિશાળ સમુદ્રનું આર્થિક તથા નૈસર્ગિક મહાત્મ્ય પાછું જેવું તેવું નથી. દાખલા તરીકે—
(૧) દક્ષિણ ચીની સમુદ્રમાં માલવાહક જહાજો મારફત આયાત-નિકાસનો જે વેપાર ચાલે છે તેનું વાર્ષિક મૂલ્ય ૩,૩૭૦ અબજ ડોલરની આસપાસ છે. આ સમુદ્ર પર એકહથ્થું શાસન જમાવવા માગતા ચીનના હાથમાં જહાજી ટ્રાફિકનો દોરીસંચાર આવી જાય તો મુસીબતનો પાર ન રહે.
(૨) જગતને મળતો લિક્વિફાઇડ નેચરલ ગેસનો ચાલીસ ટકા પુરવઠો લઈને હંકારતા સેંકડો વિશાળકાય ટેન્કર જહાજો દક્ષિણ ચીની સમુદ્રમાંથી પસાર થતાં હોય છે.
(૩) દક્ષિણ ચીની સમુદ્રના તળિયા નીચે ખનિજ તેલનો ભંડાર છે. અેક ગણતરી મુજબ ભૂગર્ભમાં પેટ્રોલિયમનો જથ્થો ૧૧ અબજ બેરલ જેટલો છે, જ્યારે નેચરલ ગેસની માત્રા ૧,૯૦,૦૦૦ અબજ ઘન ફીટ છે.
(૪) આશરે ૩૮ લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો દક્ષિણ ચીની સમુદ્ર ૩,૪૦૦ પ્રકારનાં જળચરોનો આવાસ છે. જગતભરના મત્સ્યોદ્યોગમાં દક્ષિણ ચીની સમુદ્રનો ફાળો ૧પ ટકા જેટલો છે.
સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ ઘડેલા ‘લો ઓફ ધ સી’ કાયદા પ્રમાણે સાગરકાંઠો ધરાવતા દેશના કિનારાથી લઈ ખુલ્લા દરિયા તરફ ૩૭૦ કિલોમીટર સુધીનો એરિઆ તે દેશનો અધિકૃત આર્થિક જળવિસ્તાર ગણાય છે. આથી તેની તમામ નૈસર્ગિક સંપદા જેમ કે, માછલાં, ખનિજો, પેટ્રોલિયમના ભંડારો, નેચરલ ગેસ વગેરે પર તે દેશનો અધિકાર રહે છે.
આ કાયદો જોતાં દક્ષિણ ચીની સમુદ્રની કુદરતી સંપત્તિ પર ચીન ઉપરાંત વિએતનામ, મલયેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, બ્રુનેઈ જેવા દેશોનાે પણ અધિકાર છે. પરંતુ ચીન ‘હમ સબકા ખાવે...’ વિચારસણી સાથે એ દેશોના અધિકાર આંચકી લેવાના આક્રમક મૂડમાં છે.
***અત્યારે તે સમુદ્રમાં શું ચાલી રહ્યું છે?***
ઉપરોક્ત સવાલનો ટૂંકો જવાબઃ ચીનની દાદાગીરી!
દક્ષિણ ચીની સમુદ્રમાં લશ્કરી વગ વડે દાવેદારી નોંધાવતા રહેવું ચીનને કોઠે પડી ગયું છે. આ દરિયામાં હંકારતાં તેનાં યુદ્ધજહાજો વખતોવખત અન્ય દેશોના માછીમાર જહાજોને સપાટામાં લે છે. જેમ કે, તાજેતરમાં ચીની તટરક્ષક દળના યુદ્ધજહાજે વિએતનામના એક માછીમાર જહાજ પર તોપગોળા વરસાવી તેને મધદરિયે ડુબાડી દીધું.
હુમલાનું કારણ શું આપ્યું? એ જ કે વિએતનામના મછવાઓ ચીની માલિકીના પેરાસેલ ટાપુના દરિયામાં ગેરકાયદે પ્રવેશ્યા હતા. પેરાસેલ ટાપુ કોનો? મૂળભૂત રીતે વિએતનામનો, પણ ૧૯૭૪માં ચીની નૌકાદળે તેને છળ તેમજ શસ્ત્રબળ વડે આંચકી લીધો હતો. ચીનના એ કૃત્ય વિરુદ્ધ વિએતનામે પહેલાં તો બળ દાખવી સંગ્રામ ખેલ્યો, પણ ડ્રેગનની બેસુમાર તાકાત સામે ગજ ન વાગતાં તેણે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થામાં ટહેલ નાખી. જો કે ત્યાં ચીને પોતાનો રાજકીય વિટો પાવર વાપરીને મામલો રફેદફે કરી નાખ્યો.
બળજબરીથી પચાવી પાડેલા પેરાસેલ ટાપુ પર ચીને લશ્કરી મથક સ્થાપી દીધું છે. યુદ્ધજહાજોનો તેમજ પેટ્રોલબોટ્સનો ત્યાં બારમાસી પડાવ છે. ટાપુની ઇર્દગિર્દ ભૂલમાં પણ આવી ચડતી માછીમાર નૌકાને ચીની યુદ્ધજહાજો દરિયાના તળિયે મોકલ્યા વિના રહેતા નથી.
દક્ષિણ ચીની સમુદ્રમાં બનેલી વધુ એક નવાજૂનીઃ થોડા દિવસો પહેલાં બીજિંગ સરકારે ઘોષણા કરી કે શીશા અને નાન્શા ટાપુ પર નવાંસવાં ઊભાં કરાયેલાં વૈજ્ઞાનિક સંશોધન કેંદ્રો કાર્યરત બન્યાં છે. ‘શીશા’ અને ‘નાન્શા’ અસલમાં પેરાસેલ તથા સ્પ્રાટલી ટાપુસમૂહનાં ચીની ફઇબાએ પાડેલાં નામો છે. નાનામોટા સેંકડો ટાપુઓ વડે બનેલા એ બન્ને સમૂહો ચીન, ફિલિપાઇન્સ, બ્રુનેઈ, વિએતનામ, મલયેશિયા જેવા દેશોના આર્થિક જળિવસ્તારોમાં આવે છે. આથી ‘લો ઓફ ધ સી’ના આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે તેમના પર જે તે દેશનો ભોગવટો હોવો જોઈએ.
પરંતુ ‘લો ઓફ ધ સી’ના કાયદાને સાગરપેટાળમાં દફનાવી ચૂકેલું ચીન દરેકે દરેક ટાપુ પર પોતાની દાવેદારી નોંધાવી રહ્યું છે. ઈ.સ. ૨જી સદીમાં સ્પ્રાટલી (ઉર્ફે નાન્શા) પર ચીનના હાનવંશી રાજવીઓએ પહેલવહેલી માલિકી સ્થાપી હોવાથી અન્ય કોઈ દેશ સ્પ્રાટલી પર હકદાવો માંડી શકે નહિ એવું બીજિંગ સરકારનું કહેવું છે. વાત તો પાછી એ જઃ દુનિયા ભલે અર્વાચીન નકશાઓ મુજબ ચાલે, પણ અમે તો અમારા પ્રાચીન નકશાને વળગી રહીશું.
આજે સ્પ્રાટલીના કેટલાક ટાપુ પર ચીને વ્યાપારી-કમ-લશ્કરી નૌકામથક સ્થાપી દીધાં છે. લડાયક તેમજ માલવાહક વિમાનોના આવનજાવન માટે રન-વે પણ ખરા. સ્પ્રાટલીમાં ચીન પોતાનો લશ્કરી મસલ પાવર ગુપચુપ રીતે વધાર્યે જાય છે. તાજેતરમાં સ્પ્રાટલીના જે નવા ટાપુ પર ચીને ‘વૈજ્ઞાનિક સંશોધન કેંદ્ર’ ઊભું કર્યું તે પણ ચીની માલિકીનો નથી. પરાયા માલ અપના એ ધોરણે પચાવી પાડવામાં આવ્યો છે.
ઇન્ડોનેશિયા, વિએતનામ, મલયેશિયા, તાઇવાન, જાપાન, ફિલિપાઇન્સ જેવા દેશોના આર્થિક જળવિસ્તારમાં આવતા ટાપુઓ ફરતે ચીની યુદ્ધજહાજોએ આજકાલ અગાઉ કરતાં ક્યાંય વધુ પ્રમાણમાં ચક્કરો લગાવવાનું શરૂ કરી દીધું છે. દક્ષિણ ચીની સમુદ્રના તમામ ટાપુઓ પર લાલ વાવટા ખોડી દેવા બીજિંગ સરકારનું અલ્ટિમેટ લક્ષ્ય છે, જેને તે લશ્કરી બળ વડે વહેલુંમોડું પૂરું કરવા માગે છે. દરમ્યાન જે ટાપુઓ એડી નીચે આવી ચૂક્યા છે તેમનો ભૌગોલિક સાથરો વધારવા સેંકડો ડ્રેજર જહાજોને દક્ષિણ ચીની સમુદ્રમાં કામે લગાડી દેવાયાં છે.
ડ્રેજર જહાજમાં યાંત્રિક પાવડો હોય છે, જેનું કામ છીછરા સમુદ્રમાં તળિયા સુધી ડૂબેલા રહી દરેક ખોબે લગભગ ૧૫ ટન કપચી, ઢેફાં અને રેતી ઉશેટવાનું છે. યાંત્રિક પાવડો ખોદકામ કરતો રહે તેમ કાંકરા, ઢેફાં અને રેતી અત્યંત પાવરફુલ સક્શન પમ્પના જોરે પહોળા મોઢાના નળાકાર વાટે બહાર નીકળી આવે. છેવટે તે પુરાણને પાઇપલાઇન દ્વારા છીછરા ટાપુ પર ઠાલવી દેવાય છે. આ રીતે એક પછી એક લેયર ટાપુની ઊંચાઈ વધારે અને સરવાળે ટાપુ જળસપાટીની બહાર આવી જાય. ચીનના ડ્રેજર જહાજોએ દિવસરાત કાર્યરત રહીને દક્ષિણ ચીની સમુદ્રમાં ૩,૨૦૦ એકર (૧૩ ચોરસ કિલોમીટર) ભૂમિનું સર્જન કરી નાખ્યું છે.
આ બધું થઈ રહ્યું છે પેલા માઓ ઝેદોંગના વાંકે, જેમણે ‘બે ડગલાં આગેકૂચ; એક ડગલું પીછેહઠ’ નીતિ વડે ચીનના સીમાડા વિસ્તારવાની દિશામાં આંગળી ચીંધ્યાનું પાપ કર્યું. ■
---------------------------------------
Comments
Post a Comment