આત્મનિર્ભરતાઃ અર્થ, અર્થબોધ અને અર્થશાસ્ત્ર
આત્મનિર્ભર અર્થતંત્રના પંથે નીકળ્યા છીએ ત્યારે માર્ગદર્શન માટે જાપાનને દીવાદાંડી ગણી ચાલવું જોઈએ
રાજકારણનાં ચશ્માં પહેર્યાં હોય તો અત્યારે જ ઉતારી દેજો, કેમ કે અહીં રજૂ થતો મુદ્દો અર્થકારણનો છે. દેશાભિમાન, સ્વાભિમાન, ફરજપાલન, ખંત અને ખુમારીને ઢંઢોળતી વિચારપ્રેરક બાબતોનો પણ છે.
સદીઓ પહેલાં ભારતવર્ષની આર્થિક સમૃદ્ધિ કેવીક હતી તેને વ્યક્ત કરવા માટે ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણએ ‘ડાલ ડાલ પર સોને કી ચીડિયા’ જેવા અલંકારિક શબ્દો વાપર્યા હતા. કવિ-ગીતકારો રહ્યા શબ્દોના સ્વામી, એટલે અર્થશાસ્ત્રમાં તેમની ચાંચ (ખરેખર તો કલમ) ડૂબે નહિ. પરંતુ એકાદ અર્થશાસ્ત્રીને ભારતવર્ષના ભૂતકાલીન સુવર્ણયુગનું વર્ણન કરવા જણાવ્યું હોય તો તેની નક્કર આંકડાકીય રજૂઆત કંઈક આમ હોયઃ
***ભારતનું અર્થતંત્ર જ્યારે આત્મનિર્ભર હતું***
■ સત્તરમી સદીના ઉત્તરાર્ધથી લઈને અઢારમી સદીના પ્રારંભ સુધી પોણા ભાગના હિંદુસ્તાન પર હકૂમત જમાવીને બેઠેલા મોગલ વંશના બાદશાહ અૌરંગઝેબે ભારતીય પ્રજા પર વિવિધ પ્રકારના કરવેરા નાખ્યા હતા. ટેક્સના નામે ભારતીયોનું આર્થિક શોષણ કરીને ઔરંગઝેબ વર્ષેદહાડે જે મહેસૂલી આવક મેળવતો તે રકમ તત્કાલીન વિનિમય દર અનુસાર ૪પ.૨ કરોડ ડોલર જેટલી હતી. આ જ અરસામાં ફ્રાન્સના રાજા લુઈ ૧૪માની મહેસૂલી આવક સાડા ચાર કરોડ ડોલર કરતાં વધુ નહોતી.
■ ઓગણીસમી સદીના મધ્યાહ્ને સમગ્ર જગતમાં કાપડ, કપાસ, ગળી, કાગળ, રબર, રેશમ, ચામડું, હસ્તકલા, શિપ-બિલ્ડીંગના નામે જે ઔદ્યોગિક ઉત્પાદન થતું તેમાં ભારતનો ફાળો ૧૮% હતો. ભારત પર પગદંડો જમાવીને બેઠેલા બ્રિટનનું યોગદાન ૯% હતું, જ્યારે યુરોપના અન્ય દેશોના ઉત્પાદનની ટકાવારી તો ૯% કરતાં પણ ઓછી હતી. પચાસેક વર્ષ પછી શણનું સૌથી વધુ ઉત્પાદન ક્યાંય થતું હોય તો ભારતમાં! કાપડની ૨પ૧ મિલોએ ટેક્સ્ટાઇલના ક્ષેત્રે ભારતને સમગ્ર વિશ્વમાં ત્રીજું સ્થાન અપાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતે ચોથા નંબરનું સ્થાન જમાવેલું, તો આયાત-નિકાસની વૈશ્વિક લેવડદેવડમાં નંબર પાંચમો હતો.
■ આજે ગ્રોસ ડમેસ્ટિક પ્રોડક્ટ/ GDPના માપદંડ મુજબ અમેરિકા, ચીન, જાપાન અને જર્મની પછી ભારત પાંચમા નંબરે છે, પરંતુ ૧૮મી સદીમાં ભારતનું અર્થતંત્ર પ્રથમ ક્રમે હતું.
***...પછી (ધોળા) કાગડા દહીંથરું લઈ ગયા!***
‘સોને કી ચીડિયા’ જેવા અલંકારિક શબ્દોમાં નહિ, પણ નક્કર આંકડા ટાંકીને ભારતના ભવ્ય આર્થિક ભૂતકાળના ગુણગાનમાં હજી ઘણું બધું કહી શકાય તેમ છે. (છટાદાર અંગ્રેજી બોલી જાણતા શશી થરૂરે તો એ વિષય પર An Era of Darkness: The British Empire in India શીર્ષક હેઠળ ૩૬૦ પાનાંનું પુસ્તક લખ્યું છે.) કહેવાનું તાત્પર્ય એ કે વર્ષો પહેલાં ભારતનું અર્થતંત્ર સ્વદેશી ઉત્પાદનલક્ષી તથા નિકાસલક્ષી હતું. આજે લાઇમલાઇટમાં આવેલો શબ્દ વાપરીને કહો તો ‘આત્મનિર્ભર’ હતું. પરંતુ બે સદી લાંબા શાસનકાળમાં અંગ્રેજોએ આપણાં ઔદ્યોગિક એકમોને સંખ્યાબંધ ગડદાપાટુ મારી આત્મનિર્ભર અર્થતંત્રને ચિત્ત કરી દીધું. દેશ સ્વાવલંબી મટીને પરાવલંબી બન્યો. અર્થતંત્રનું રિમોટ કન્ટ્રોલ જ્યારે વિદેશી સત્તાના હાથમાં આવે ત્યારે શું બને તેનો એ દાખલો હતો.
ખેર, બીત ગઈ સો બીત ગઈ! ભૂતકાળમાં જે બન્યું તેને એક દુઃસ્વપ્ન ગણીને ભૂલી જઈ વર્તમાનની વાત કરીએ. પરંતુ અફસોસ કે વર્તમાનમાં ભૂતકાળનું પુનરાવર્તન થતું દેખાઈ રહ્યું છે. મતલબ કે બે સદી પહેલાં અંગ્રેજોએ ભારતના અર્થતંત્રની લગામ ખૂંચવીને પોતાના હાથમાં લીધી હતી, તો આજે આપણે સામે ચાલીને અર્થતંત્રનો દોરીસંચાર થોડેઘણે અંશે ચીનના હવાલે કરી દીધો છે. આ જ કોલમમાં ‘આપણા અર્થતંત્રને ચીપકેલું Made In China લેબલ ક્યારે ઊખડશે?’ શીર્ષક હેઠળ ૬ઠ્ઠી મે, ૨૦૨૦ના રોજ પ્રગટ થયેલા લેખમાં નોંધ્યું તેમ Made in China માલસામાને આપણા અનેક સ્વદેશી ઉદ્યોગો-એકમોને તાળાં મારી દીધાં છે.
આ ગંભીર સ્થિતિમાંથી બહાર આવવું હોય તો આત્મનિર્ભર બનવું પડે—અને તે માટે સરકારે જીવનજરૂરી ચીજવસ્તુઓનું ઘરઆંગણે ઉત્પાદન શરૂ કરાવીને આયાતી માલ પર મદાર ઘટાડવો પડે. વર્ષો પહેલાં જાપાને એ નીતિ અખત્યાર કરીને પોતાના અર્થતંત્રને આત્મનિર્ભર બનાવ્યું હતું. આજે આપણે જાપાનની બ્લૂ પ્રિન્ટને આવશ્યક સુધારા સાથે અનુસરવા જેવી છે.
***આત્મનિર્ભર અર્થતંત્રની જાપાની બ્લૂ પ્રિન્ટ***
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અમેરિકી વિમાનોના ભીષણ બોમ્બમારાએ જાપાનનાં અનેક શહેરોને કાટમાળમાં પલટી નાખ્યાં હતાં. હિરોશિમા અને નાગાસાકી સહિત કુલ ૬૭ જાપાની શહેરોનો વધુઓછા અંશે સફાયો થઈ ચૂક્યો હતો. બોમ્બમારામાં ટોકિયો, નાગોયા, ઓસાકા વગેરે જેવાં મોટાં શહેરોમાં બરબાદીનો આંક અનુક્રમે ૬૫%, ૮૯% અને ૫૭% હતો, જ્યારે ટોયામા નામનું એક નગર તો ૯૯% જેટલું નષ્ટ પામ્યું હતું. લોહિયાળ યુદ્ધમાં લગભગ ૩૦ લાખ જાપાનીઓ માર્યા ગયા હતા અને દેશની ચોથા ભાગની રાષ્ટ્રીય સંપદા નાશ પામી હતી. અમેરિકી બોમ્બર વિમાનોએ જાપાનના ઔદ્યોગિક એકમોને લક્ષ્યાંક બનાવી તેમને કાટમાળમાં ફેરવી નાખ્યા હતા. ઓગસ્ટ, ૧૯૪પમાં અમેરિકાએ લશ્કરી તાકાત વડે જાપાનને ઘૂંટણિયે લાવી દીધું અને તેની પાસે શરણાગતિનો પત્ર લખાવ્યો ત્યાં સુધીમાં લાખો જાપાનીઓ પોતાનું ઘર, વેપાર યા નોકરી ગુમાવી ચૂક્યા હતા. કંગાલિયત, ભૂખમરો, માનસિક અજંપો તેમજ શારીરિક પીડા જેવી મુસીબતો તેમના માથે આવી પડી હતી.
અમેરિકા જેવા બાહુબલિ સામે લશ્કરી બાંયો ચડાવવાની જાપાનને બહુ આકરી સજા મળી. આ ભૂલ ભવિષ્યમાં ક્યારેય ન દોહરાવવાના સંકલ્પ સાથે જાપાને એક નવા યુદ્ધનો આરંભ કર્યો. આ વખતે મોરચો લશ્કરી નહિ, વેપાર-વાણિજ્યનો હતો. નક્કી એમ થયું કે વીસમી સદી પૂરી થતાં પહેલાં આર્થિક, ટેક્નોલોજિ, વિજ્ઞાન તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે અસાધારણ પ્રગતિ સાધી સમગ્ર વિશ્વમાં જાપાનનો ડંકો વગાડી દેવો.
દેશાભિમાન, સ્વાભિમાન, ફરજપાલન, ખંત અને ખુમારીના ‘પંચામૃત’ સાથે લેવાયેલી પ્રતિજ્ઞાના અમલીકરણમાં પહેલાં તો જાપાની સરકારે લકવાગ્રસ્ત અર્થતંત્રને બેઠું કરવાનું હતું. આથી તેણે ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન આપ્યું. કારખાનું સ્થાપવા માગતી કંપનીને ઓછા વ્યાજે ધિરાણ મળે તેવી જોગવાઈ કરવામાં આવી. આયાતી માલ પર અંકુશ મૂકી ઘરઆંગણે ચીજવસ્તુઓનું ઉત્પાદન વધારી દેવું અને પછી ઘરેલુ માલની નિકાસ કરીને વિદેશી હૂંડિયામણ મેળવવું જાપાની સરકારનો અજેન્ડા હતો.
આ હેતુને બર લાવવા માટે યુદ્ધકાળમાં શસ્ત્રઉત્પાદન કરનારાં કારખાનાંને ઘરેલુ ચીજવસ્તુઓના પ્રોડક્શનનું કામ સોંપવામાં આવ્યું. દા.ત. મશીન ગન બનાવતું એક કારખાનું સિલાઈ મશીનના ઉત્પાદન તરફ વળ્યું. વિમાનો બનાવતી ફેક્ટરી ખીલા-ખીલી અને સ્ક્રૂ બનાવવા લાગી. રેડારયંત્રના પુરજા જ્યાં તૈયાર કરાતા એ ફેક્ટરીમાં લાઇટના બલ્બ બનવા માંડ્યા, તો નૌકાદળ માટે કાચના લેન્સનું ઉત્પાદન કરનારી (Nikon નામની) કંપનીએ કેમેરાનું તેમજ બાઇનોક્યુલરનું ઉત્પાદન હાથ ધર્યું.
આ તમામ એકમોને મળેલો સરકારી આદેશ સ્પષ્ટ હતો: આજે પ્રોગ્રેસ, આવતી કાલે પ્રોફિટ! મતલબ કે જથ્થાબંધ ઉત્પાદન વડે પહેલાં ઘરેલુ બજાર સર કરી ખર્ચાપાણી કાઢી લો અને ત્યાર પછી અઢળક નફો રળવા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં ઝંપલાવો. ટોયોટા, સુઝુકી, હોન્ડા, સોની, નિકોન, કેનન, મિત્સુબીશી, કેસિઓ, ફુજી, હિટાચી, નિપ્પોન, નિસાન, પેનાસોનિક, તોશિબા, યામાહા, ડેન્સો, ફુજીત્સુ, મઝદા વગેરે જેવી કંપનીઓએ શિસ્તપૂર્વક સરકારી આદેશનું પાલન કર્યું. બીજી તરફ જાપાની પ્રજાએ પરદેશી ચીજવસ્તુઓનો મોહ છોડી સ્વદેશી આઇટમ ખરીદવાની શિસ્ત બતાવી.
આ હતી આત્મનિર્ભર અર્થતંત્રની બ્લૂ પ્રિન્ટ, જેને અપનાવ્યાનું પરિણામ એ આવ્યું કે સ્થાનિક બજારમાં મજબૂત પકડ જમાવી દીધા પછી જાપાની કંપનીઓ વિશ્વમાં પોતાનું લોઢું મનાવવા નીકળી. અમેરિકાનું ડેટ્રોઇટ શહેર મોટરકારના ઉત્પાદનની રાજધાની કહેવાતું હતું. જાપાનની ટોયોટા અને હોન્ડા જેવી કંપનીઓએ તેમની હાઈ-ક્વોલિટી તેમજ હાઈ-ટેક્નોલોજિ કાર વડે અમેરિકામાં મજબૂત સ્થાન મેળવીને ફોર્ડ તથા જનરલ મોટર્સ જેવી સ્થાનિક કાર કંપનીઓનાં હિસાબી ખાતાં બગાડી નાખ્યાં. એક સમય એવો આવ્યો કે જ્યારે અમેરિકામાં સૌથી વધારે વેચાતી મોટરકાર ટોયોટાની ‘કેમ્રી’ હતી—અને તે સમયગાળો લાગલગાટ ૨૧ વર્ષ રહ્યો. મોટરવાહનની માફક ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે પણ સોની, પેનાસોનિક, હિટાચી જેવી જાપનીઝ કંપનીઓએ દુનિયાભરમાં કાઠું કાઢ્યું.
***સુકલકડી અર્થતંત્ર આખરે સુમો પહેલવાન બન્યું***
એક સમયનું સુકલકડીછાપ જાપાની અર્થતંત્ર આજે સુમો પહેલવાન અવતાર ધારણ કરી પ,૦૦,૦૦૦ કરોડ ડોલરે પહોંચી ચૂક્યું છે. ગ્રોસ ડમેસ્ટિક પ્રોડક્ટ/ GDP ના આંક પ્રમાણે અમેરિકા અને ચીન પછી જાપાન જગતનું ત્રીજા નંબરનું અર્થતંત્ર છે. જાપાનમાં ઉત્પાદન પામતી ૭૦% ચીજવસ્તુઓ દુનિયાભરમાં નિકાસ પામે છે. વિશ્વમાં બનતી અને વેચાતી મોટરકાર પૈકી ૩૦% જાપાની હોય છે, જ્યારે દુનિયાભરમાં જે હાઈ-ટેક ઉપકરણો વપરાય છે તેમાંનાં ૨પ% જાપાની બ્રાન્ડનાં છે.
આ હરણફાળનો શ્રેય શું ફક્ત જાપાનની સરકારને જાય છે? નહિ, એવું નથી. શ્રેયનો મોટો ભાગ જાપાનની પ્રજાને પણ આપવો પડે, કારણ કે દેશાભિમાન, સ્વાભિમાન, ફરજપાલન, ખંત અને ખુમારીનું ‘પંચામૃત’ તેણે પેઢી દર પેઢી માથે ચડાવ્યું છે. આનું જ પરિણામ છે કે,
■ જાપાની પ્રજા સ્વભાવે ઉદ્યમી અને કાર્યક્ષમ છે. કારખાનામાં એક મોટરનું અસેમ્બલિંગ જો સાવ એકલા હાથે કરવાનું હોય તો પશ્ચિમી દેશનો કારીગર ૪૦ દિવસ લે, જ્યારે જાપાની કારીગર તે કાર્ય ૧૦ દિવસમાં પૂરું કરી શકે છે. સરેરાશ જાપાની પાંચેક જણનું કામ એકલે હાથે ખેંચી નાખે. બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનના અર્થતંત્રને બેઠું કરવા માટે જાપાની કારીગરોએ વર્ષના ૨,૪પ૦ કલાક કામ કરી પોતાની જાત ઘસી કાઢી હતી. વર્ષો સુધી એ ક્રમ ચાલ્યો. જાપાન આર્થિક રીતે પગભર થયું, એટલે સરકારે પ્રજાના સ્વાસ્થ્યની કાળજી કરી કામના કલાકો ક્રમશઃ ઘટાડી નાખ્યા. આજે સરેરાશ જાપાની વર્ષના ૧,૭પ૦ કલાક કામ કરે છે.
■ પ્રજાની કાર્યશિસ્ત પણ સરાહનીય છે. નાની ઓફિસથી માંડીને જાયન્ટ ફેક્ટરીમાં કામદારો તથા કારીગરોને પરિવારના સભ્યની સમકક્ષ માન-સમ્માન મળે છે. માનો યા ન માનો જેવી વાત લાગે, પણ ટોયોટા, હોન્ડા, મઝદા જેવા કાર ઉત્પાદકોનાં કારખાનાંમાં વેલ્ડિંગ અને કલરકામ જેવાં કાર્યો બજાવતાં રોબોટ્સને સુધ્ધાં માનભરી નજરે જોવામાં આવે છે. દરેક રોબોટને લેબલછાપ નહિ, બલકે માનભર્યું નામ આપવામાં આવ્યું છે.
■ જાપાની સ્વાભિમાની પ્રજા Made in Japan પ્રોડક્ટસ ખરીદવાનો ચુસ્ત આગ્રહ રાખે એ તો સમજ્યા; ઔદ્યોગિક એકમો પણ સસ્તા (દા.ત. ચીની) આયાતી પુરજા વડે ચલાવી લેવાને બદલે જાપાની કંપનીના સ્પેરપાર્ટ્સ વાપરવાનું પસંદ કરે છે. નફાખોરીને બદલે ‘સબ કા વિકાસ’ને પ્રાધાન્ય આપવામાં આવે ત્યારે જ આવું બની શકે.
■ યુરોપ-અમેરિકાની જાયન્ટ તેમજ સુપર જાયન્ટ કંપનીઓની વર્ષોથી એક ફરિયાદ રહી છે કે જાપાનમાં વેપાર અર્થે પ્રવેશ કરવો સહેલું કામ નથી. ખર્ચ, સમય અને ધીરજ ત્રણેયની બરાબર કસોટી લેવાય છે. બિલકુલ સાચું! પરદેશી કંપનીઓના આક્રમણ પર ધૂંસરી નાખવા માટે જાપાન સરકારે બિઝનેસ લાઇસન્સ, મંજૂરી, કાયદાકાનૂનો, નિયમો, સર્ટિફિકેટ્સ, સરકારી કાર્યવાહી વગેરે રૂપી અનેક અડચણો ઊભી કરી દીધી છે.
બીજી તરફ સ્થાનિક એકમોએ આવી પળોજણોમાં ખાસ પડવાનું રહેતું નથી. પરિણામે જાપાનના અર્થતંત્રમાં લોકલ કંપનીઓનાં મૂળિયાં એટલે ઊંડે ખૂંપી ચૂક્યા છે કે પરદેશી એકમોને પોતાનાં મૂળિયાં જમાવવાનો ઝાઝો અવકાશ રહ્યો નથી. કેટલાંક વર્ષ પહેલાં અમેરિકાની eBay નામની ઇ-કોમર્સ કંપનીનું જાપાનમાં આગમન થયું. પરંતુ ન જાપાની પ્રતિસ્પર્ધીઓ સામે તેનો ગજ ન વાગ્યો કે ન જાપાની પ્રજાએ કોઠું દીધું. તોતિંગ આર્થિક નુકસાન સાથે તેણે વિદાય લેવી પડી. આપણા દેશમાં આનાથી તદ્દન વિપરીત સ્થિતિ છે. ચીની કંપનીઓએ સ્થાનિક ઉદ્યોગોનાં મૂળિયાં ઉખાડી ફેંક્યાના એક કહેતાં અનેક કિસ્સા બની ચૂક્યા છે.
■ ‘કર્મ હી ધર્મ’ મંત્રનું ભલે ભારતભૂમિ પર અવતરણ થયું, પણ (ભારતીય લશ્કરને અપવાદ ગણતાં) મંત્રનું શબ્દશઃ પાલન જાપાનીઓ કરે છે એમ કહેવામાં અતિશયોક્તિ નહિ. કર્મથી મોં ફેરવી લેવું જાપાનીઓની ફિતરત નથી. એક ઉદાહરણઃ કેટલાંક વર્ષ પહેલાં સરકારી બસચાલકો હડતાળ ઊતર્યા ત્યારે બસ હંકારવાનું માંડી વાળવાનો પરંપરાગત તરીકો તેમણે ન અપનાવ્યો. આખા દેશમાં બસો દોડી, પેસેન્જરોએ સવારીનો લાભ લીધો, પણ એકેય બસચાલકે મુસાફરો પાસે ટિકિટની રકમ જ લીધી નહિ. આમ કરવા પાછળનો ઉદ્દેશ સાફ હતો. વાંધો સરકાર સામે હોવાથી ટિકિટની રકમ જતી કરી સરકારને આર્થિક ફટકા મારો, પણ મુસાફરોને હાલાકી થવી ન જોઈએ. આને કહેવાય ફરજપાલન!
—અને આ છે જાપાનનું આત્મનિર્ભર અર્થતંત્ર કે જેનો દોરીસંચાર સરકાર તથા પ્રજા એમ બન્નેના હાથમાં છે. દેશાભિમાન, સ્વાભિમાન, કર્તવ્ય, ખંત અને ખુમારીનું ‘પંચામૃત’ કેવુંક ચમત્કારિક સાબિત થાય તેનો જાપાનથી મોટો દાખલો શોધ્યો જડે તેમ નથી. આજે આપણે આત્મનિર્ભર અર્થતંત્રના પંથે નીકળ્યા છીએ ત્યારે માર્ગદર્શન માટે જાપાનને દીવાદાંડી ગણી ચાલવું જોઈએ. આત્મનિર્ભરતાનાં શ્રીગણેશ કરતી વેળા દેશાભિમાન, સ્વાભિમાન, કર્તવ્ય, ખંત અને ખુમારીના ‘પંચામૃત’ની બે આચમની સરકારે લેવાની જરૂર લાગતી હોય તો એકાદ આપણે પણ લેવી રહી.
નહિતર ‘નાક કટ્ટા તો કટ્ટા લેકિન ખીર-ઘી તો ચટ્ટા’ના અભિગમ સાથે સરકાર દેશનું સ્વાભિમાન ગીરવે મૂકીને ચીની માલ આયાત કરતી રહેશે અને આપણે એ જ અભિગમ સાથે ચીની માલ વાપર્યે જ છૂટકો રહેશે! ■
---------------------------------------
Comments
Post a Comment