ગિલગિટ-બાલ્ટિસ્તાનઃ ગુમાવેલું કાશ્મીર પરત લેવાના પ્રયાસો શરૂ?
કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાનનો વેધર રિપોર્ટ આપીને ભારતે સંકેત દીધો છેઃ ‘આ પ્રાંત અમારો છે!’
દેશને આઝાદી મળી ત્યારે કાશ્મીરના અવિભાજ્ય અંગ સમો ગિલગિટ-બાલ્ટિસ્તાન પ્રાંત ભારતભૂમિમાં ભળી જવાનો હતો. છેલ્લી ઘડીએ એવું શું બન્યું કે પોણો લાખ ચોરસ કિલોમીટરનો એ પ્રદેશ પાકિસ્તાનની છાબડીમાં ખરી પડ્યો?
ભૌગોલિક રીતે કાશ્મીર ભારતભૂમિની ટોચે આવેલું હોવાથી ભારતનો મુગટ ભલે કહેવાતું, પણ ૧૯૪૭થી આજ સુધીનો ઇતિહાસ તપાસો તો એ મુગટનો ભાર આપણા માટે અસહ્ય સાબિત થયો છે. કાશ્મીરના વાંકે પાકિસ્તાન સાથે ચાર લોહિયાળ સંગ્રામો ખેલવા પડ્યા છે, જ્યારે કાશ્મીરમાં ત્રીસેક વર્ષથી સળગતી આતંકવાદની હોળી તો ઠરવાનું નામ જ લેતી નથી. વળી સાત દાયકા દરમ્યાન કાશ્મીર નામના મુગટનાં કેટલાં અમૂલ્ય રત્નો ખરી પડ્યાં છે તે જુઓઃ
■ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જમ્મુ-કાશ્મીર પર ડોગરા વંશના રાજાઓનું શાસન હતું ત્યારે રાજ્યનો કુલ વિસ્તાર ૨,૨૨,૨૩૬ ચોરસ કિલોમીટર હતો. આઝાદી પછી તરત પાકિસ્તાની હુમલાખોરો કાશ્મીરના ૧૩,૩૦૦ ચોરસ કિલોમીટર પર ફરી વળ્યા. આપણા લશ્કરના બહાદુર જવાનો પોતાનું લોહી રેડીને તે પ્રદેશ પાછો મેળવી રહ્યા હતા ત્યારે ભારત સરકારે ઓચિંતો યુદ્ધવિરામ જાહેર કરી દીધો. આશરે સાડા તેર હજાર ચોરસ કિલોમીટરનો પ્રદેશ પાકિસ્તાનની એડી નીચે આવ્યો. આજે તે પ્રદેશ કથિત ‘આઝાદ કાશ્મીર’ તરીકે ઓળખાય છે.
■ ઉત્તર કાશ્મીરનો ગિલગિટ-બાલ્ટિસ્તાન પ્રાંત લગભગ ૭૨,૪૯૬ ચોરસ કિલોમીટરનો છે, જે પાકિસ્તાનને ૧૯૪૭માં તાસક પર સજાવેલો મળી ગયો હતો.
■ આ પ્રાંતની ઉત્તરે ૬,૯૦૦ ચોરસ કિલોમીટરનો શક્સગામ ખીણપ્રદેશ પાકિસ્તાને ચીનને ભેટ ધરી દીધો છે. આજે તે પ્રદેશ ચીનની મુઠ્ઠીમાં છે.
■ એક સમયે કાશ્મીરના અવિભાજ્ય અંગ ગણાતા લદ્દાખનો ૩૭,૨પ૦ ચોરસ કિલોમીટરમાં પથરાયેલો અક્સાઇ ચીનનો વિસ્તાર પણ ચીન પોતાની એડી નીચે દબાવીને બેઠું છે.
આ બધી કાપકૂપ પછી શેષ બચેલું કાશ્મીર તેના મૂળ વિસ્તાર કરતાં અડધા ભાગનું પણ ન રહ્યું. વળી જે કંઈ શેષ બચ્યું તેને પણ પાક પ્રેરિત આતંકવાદે નરકાગાર બનાવી દીધું. એક અંદાજ મુજબ કાશ્મીરમાં અત્યાર સુધી આપણે પ,પ૦૦થી વધારે જવાનો ગુમાવ્યા છે—અને તે પણ એવા યુદ્ધમાં કે જેનું સત્તાવાર રીતે કોઈ અસ્તિત્વ છે જ નહિ. આમ છતાં એ યુદ્ધ લડવા માટે ભારતના ખુશ્કીદળે સમગ્ર કાશ્મીરમાં બધું મળીને ૬૦,૦૦૦ જવાનોને તથા અફસરોને ડ્યૂટી પર ખડે પગે રાખવા પડે છે. રાષ્ટ્રીય રાઇફલ્સ, રિઝર્વ પુલિસ ફોર્સ, સીમા સુરક્ષા દળ વગેરે જેવા અર્ધલશ્કરી દળોને ગણતરીમાં લો તો કાશ્મીરમાં તૈનાત ભારતીય ફૌજીઓનો આંકડો ૨,૦૦,૦૦૦ જેટલો સહેજે બેસે. ખેદની વાત છે કે આટઆટલી કડક સુરક્ષાવ્યવસ્થા હોવા છતાં કાશ્મીરમાં સેંકડો આતંકવાદી હુમલાઓ થાય છે, જેમાં કેટલાય ભારતીય જવાનો પોતાનો જાન ગુમાવે છે અથવા બૂરી રીતે જખમી બને છે.
***ગિલગિટ-બાલ્ટિસ્તાનઃ આજે શું બની રહ્યું છે?***
આ ટૂંકી પૂર્વભૂમિકા પછી મૂળ વિષય ગિલગિટ-બાલ્ટિસ્તાન પર આવીએ. કારગિલ અને દ્રાસની ઉત્તરે આવેલા કાશ્મીરના એ બન્ને પ્રાંતો આઝાદીકાળથી પાકિસ્તાનના હસ્તક છે. જો કે એ પ્રાંતો પર ઇસ્લામાબાદ સરકારની કૃપાદૃષ્ટિ રહી નથી. બીજી તરફ ઇસ્લામાબાદ જોડે ગિલગિટ-બાલ્ટિસ્તાને પણ નાતો રાખ્યો નથી, કેમ કે તેનું વહીવટીતંત્ર provincial autonomous rule/ પ્રાંતીય સ્વાયત્ત સત્તા હેઠળ સ્વતંત્રપણે ચાલે છે. આ રાજકીય માળખા અનુસાર ગવર્નરને સર્વોચ્ચ રાજકીય મુખિયા ગણવામાં આવ્યા છે. મુખ્યમંત્રીનો હોદ્દો ત્યાર પછીનો છે.
વર્ષોથી ચાલ્યા આવતા પ્રાંતીય સ્વાયત્ત સત્તાતંત્રને હવે ઇસ્લામાબાદ સરકાર પૂર્ણવિરામ મૂકવા માગે છે—અને માટે ત્યાં સામાન્ય ચૂંટણી યોજવા માગે છે. એપ્રિલ ૩૦, ૨૦૨૦ના રોજ પાકિસ્તાનના સર્વોચ્ચ ન્યાયાલયે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી યોજવાનું ઠરાવ્યું કે તરત આપણા વિદેશ મંત્રાલયે ખોંખારો ખાતા જણાવ્યું કે ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતના કાશ્મીરનો ભાગ હોવાથી ત્યાં ચૂંટણી યોજવાનો કે રાજકીય દખલગીરીનો પાકિસ્તાનને અધિકાર નથી. પાંચેક દિવસ પછી તો ભારતના હવામાન ખાતાએ ગિલગિટ-બાલ્ટિસ્તાનનો વેધર રિપોર્ટ આપવો શરૂ કરી દીધો. મે ૬, ૨૦૨૦ના રોજ પ્રગટ થયેલું પ્રથમ વેધર બુલેટિન આમ હતુંઃ
કાશ્મીરના ગિલગિટ અને બાલ્ટિસ્તાન પ્રાંતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના!
હવામાન ખાતાની આગાહી મુજબ ત્યાં સાચે જ ગાજવીજ થઈ કે નહિ એ તો કોને ખબર, પણ રાજકીય પંડિતોની આગાહી છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાનના મુદ્દે ભારત-પાક વચ્ચેના રાજકીય વાતાવરણમાં જોરદાર આંધી ફૂંકાવામાં છે.
સાત દાયકા થયે ભારત જેને ભૂલી ગયું છે તે કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન પ્રાંત પાછળનો ઇતિહાસ શો છે? અને આઝાદીનાં આટલાં વર્ષે ભારત કેમ તેના પર હકદાવો માંડી રહ્યું છે? થોડુંક બેકગ્રાઉન્ડઃ
***આમ રચાયું કાશ્મીરનું રજવાડું***
કાશ્મીરનો ખીણપ્રદેશ મોગલોની હકૂમત નીચે ૧૬પ વર્ષ અને અફઘાનોના શાસન નીચે ૬૭ વર્ષ રહ્યો હતો. આ લાંબા સમયગાળા દરમ્યાન કાશ્મીરની પ્રજાએ જે તે વિદેશી શાસકના અનેક સિતમો વેઠ્યા. ગુલામીની બેડીઓમાં જકડાયેલા કાશ્મીરીઓએ આઝાદીનો સુખદ અનુભવ જુલાઈ ૧પ, ૧૮૧૯ના રોજ કર્યો કે જ્યારે સેનાપતિ મિશ્ર દીવાનચંદની આગેવાની હેઠળ પંજાબના મહારાજા રણજિત સિંહનું લશ્કર કાશ્મીર ખીણના અફઘાન સૂબા જબ્બર ખાનના સૈન્ય સામે જોમપૂર્વક લડ્યું, યુદ્ધમાં ફતેહ મેળવી અને આખરે કાશ્મીર ખીણમાં પ્રજાભિમુખ મહારાજા રણજિત સિંહનું શાસન સ્થપાયું.
આ ઘટના બની ત્યારે કાશ્મીર ખીણપ્રદેશની દક્ષિણે આવેલા જમ્મુમાં ડોગરા મહારાજા ગુલાબ સિંહનું રાજ હતું. જમ્મુ ઉપરાંત લદ્દાખ અને બાલ્ટિસ્તાનમાં પણ ગુલાબ સિંહની હકૂમત હતી. આ બન્ને પ્રાંતોને તેમના બાહોશ સેનાપતિ જનરલ જોરાવર સિંહ કહલુરિયાએ અનુક્રમે ૧૮૩૪માં ૧૮૩૯માં જીતી લઈને ડોગરા સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા. જૂન ૨૭, ૧૮૩૯ના રોજ શેરે પંજાબ મહારાજા રણજિત સિંહનું નિધન થયા પછી શીખ સામ્રાજ્ય પડી ભાંગવા લાગ્યું અને ફેબ્રુઆરી, ૧૮૪૬માં અંગ્રેજોએ શીખો સામે ભીષણ યુદ્ધ ખેલી કાશ્મીર ખીણપ્રદેશ હસ્તગત કર્યો ત્યારે મહારાજા ગુલાબ સિંહે અંગ્રેજો પાસેથી કાશ્મીર ખીણપ્રદેશ રૂપિયા ૭પ લાખમાં ખરીદી લીધો. બાકી રહ્યું ગિલગિટ, તો ગુલાબ સિંહના અવસાન પછી તેમના પુત્ર રણવીર સિંહે ૧૮૬૬માં એ પ્રદેશ પણ જીતીને ડોગરા સામ્રાજ્યમાં ભેળવી દીધો. અખંડ ભારતનાં તમામ રાજ-રજવાડાં પૈકી ૨,૨૨,૨૩૬ ચોરસ કિલોમીટરના વિશાળ ક્ષેત્રફળ સાથે કાશ્મીર સૌથી મોટું રજવાડું બન્યું.
***અંગ્રેજોએ વિવાદનું બીજ રોપ્યું***
જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, બાલ્ટિસ્તાન અને ગિલગિટ એમ પાંચ પ્રાંતો વડે રચાયેલા કાશ્મીર રજવાડાનો વહીવટ વર્ષો સુધી રંગેચંગે ચાલ્યો. આજે ગિલગિટ-બાલ્ટિસ્તાનના મુદ્દે ભારત-પાકિસ્તાનને રાજકીય લેવલે આમને-સામને લાવી દેનાર નવાજૂની ૧૯૩પમાં બની. સામ્યવાદી રશિયાનું સૈન્ય ચીનના સિંકિયાંગ પ્રાંતમાં લશ્કરી ગતિવિધિ કરતું હોવાનું જાણ્યા પછી રૂસી સૈન્ય પર ચાંપતી નજર રાખવા માટે બ્રિટિશહિંદની ગોરી સરકારે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં કાયમી લશ્કરી છાવણી સ્થાપવાનો નિર્ણય લીધો. આ માટે તેમણે કાશ્મીરના તત્કાલીન મહારાજા હરિ સિંહ (ગુલાબ સિંહના પ્રપૌત્ર) પાસે ગિલગિટ-બાલ્ટિસ્તાનનો પ્રદેશ ૬૦ વર્ષના ભાડાપટ્ટે મેળવ્યો અને ૧૯૩પમાં ૮૦ સૈનિકોની બનેલી ‘ગિલગિટ સ્કાઉટ’ નામની ૮ લશ્કરી ટુકડીઓને ગિલગિટ-બાલ્ટિસ્તાન મોકલી આપી. ધ્યાન રહે કે મહારાજા હરિ સિંહે પોતીકી માલિકીનો પ્રદેશ અંગ્રેજોને માત્ર ભાડે દીધો હતો. વેચ્યો નહોતો. પરંતુ રાજકીય પ્રપંચમાં પાવરધા અંગ્રેજોએ પારકી ભૂમિનો પાકિસ્તાન સાથે કેવો વહીવટ કરી નાખ્યો તે જુઓ.
બ્રિટનના વડા પ્રધાન ક્લેમેન્ટ એટલીએ ભારતને આઝાદ કરી દેવાની ઘોષણા કરી એ પછી જુલાઈ, ૧૯૪૭માં બ્રિટિશહિંદની સરકારે મહારાજા હરિ સિંહ સાથે કરેલા ભાડાપટ્ટાને રદ કર્યો. ગિલગિટ-બાલ્ટિસ્તાનથી પોતાની લશ્કરી ટુકડીને (‘ગિલગિટ સ્કાઉટ’ને) પરત બોલાવી લેવાનું ઠરાવ્યું. બીજી તરફ ઓગસ્ટ ૧, ૧૯૪૭ના રોજ મહારાજાએ તેમના લશ્કરી અધિકારી બ્રિગેડિઅર ઘંસારા સિંહને ગિલગિટ-બાલ્ટિસ્તાનના ગવર્નર પદે નિયુક્ત કર્યા.
આ વિધિ સંપન્ન થયા પછી ગિલગિટ-બાલ્ટિસ્તાનની ભૂમિ પરથી અંગ્રેજોએ તત્કાળ વિદાય લઈ લેવી જોઈએ. પરંતુ ‘ગિલગિટ સ્કાઉટ’ની ટુકડીએ યથાસ્થાને ડેરો જમાવી રાખ્યો. ટુકડીનો આગેવાન મેજર વિલિયમ બ્રાઉન ગિલગિટ-બાલ્ટિસ્તાનનો સમગ્ર પ્રદેશ પાકિસ્તાનના હવાલે કરી દેવાનો કારસો રચીને બેઠો હતો. આ કાર્યમાં તેણે પોતાના સાથી સૂબેદાર મેજર બાબર ખાનને મહોરું બનાવી સ્થાનિક પ્રજાને ધર્મનો વાસતો દઈ પાકિસ્તાનમાં ભળી જવા માટે ઉત્તેજિત કરી. આ ઉંદરકામાની ગિલગિટ-બાલ્ટિસ્તાનના ગવર્નર બ્રિગેડિઅર ઘંસારા સિંહને ગંધ સુધ્ધાં આવી નહિ.
ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાનમાં સામેલ કરી દેવાનું મેજર વિલિયમ બ્રાઉનના ષડયંત્રનો આખરે ઓક્ટોબર, ૧૯૪૭માં પર્દાફાશ થયો. બન્યું એવું કે પાકિસ્તાની હુમલાખોરો કાશ્મીર પર ચડી આવ્યા ત્યારે મહારાજા હરિ સિંહે તેમનું સમગ્ર રાજ્ય ભારતમાં ભેળવી દેવાનો નિર્ણય લીધો. ગિલગિટ-બાલ્ટિસ્તાનના ગવર્નર તરીકે બ્રિગેડિઅર ઘંસારા સિંહે વિલીનીકરણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાના થયા. પરંતુ ચાલબાજ મેજર બ્રાઉને ગવર્નરને હસ્તાક્ષર કરવાનો મોકો જ ન આપ્યો. ઊલટું, ‘ગિલગિટ સ્કાઉટ’ના સૈનિકોની મદદથી લશ્કરી બળવો કરી ગવર્નર ઘંસારા સિંહની સત્તા ખૂંચવી લીધી. બંદૂકની નળીએ તેમને બંધક બનાવી જણાવ્યું કે ગિલગિટ-બાલ્ટિસ્તાન પાકિસ્તાનમાં વિલીન થવા માગે છે, ભારતમાં નહિ!
***પારકા પ્રદેશનું પરબારું દાન***
પેલી કહેવત ‘પારકો કાગળ, પારકી લેખણ, પારકી શાહી ને મતું મારે માવજીભાઈ!’ સાંભળી છે? મેજર બ્રાઉને તે કહેવતનું પ્રેક્ટિકલ ઉદાહરણ આપ્યું. ગિલગિટ-બાલ્ટિસ્તાનની માલિકી મહારાજા હરિ સિંહની, અંગ્રેજોએ તે પ્રદેશ ભાડે લીધો હતો એટલું જ નહિ, પણ ભાડાકરાર રદ થઈ ચૂક્યો હતો અને ગિલગિટ-બાલ્ટિસ્તાનની રાજકીય બાગડોર બ્રિગેડિઅર ઘંસારા સિંહના હાથમાં હતી. તો પછી ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાન જોડે ભળે અને ભારતમાં ન ભળે તે નક્કી કરનાર મેજર બ્રાઉન કોણ?
છતાં કાવતરાબાજ મેજર વિલિયમ બ્રાઉન પોતાનું ધાર્યું કરીને રહ્યો. નવેમ્બર ૧, ૧૯૪૭ના રોજ તેણે પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી ખાનને ગિલગિટ-બાલ્ટિસ્તાનનો પ્રદેશ સુપરત કર્યો. એક પણ ગોળી દાગ્યા વિના કે લોહીનું એકાદ ટીપું પાડ્યા વિના પાકિસ્તાને ૭૨,૪૯૬ ચોરસ કિલોમીટર પ્રદેશ ખોબામાં મળી ગયો.
—એ પ્રદેશ કે જેના પર મેજર વિલિયમ બ્રાઉનની કે બ્રિટિશહિંદની ગોરી સરકારની કાનૂની માલિકી ન હતી.
—એ પ્રદેશ કે જેને વર્ષો પહેલાં ડોગરા સૈનિકોએ જીતી ડોગરા સામ્રાજ્યમાં વિધિવત્ ભેળવ્યો હતો.
—એ પ્રદેશ કે જેના એકમાત્ર અધિપતિ ડોગરા મહારાજા હરિ સિંહ હતા.
—એ પ્રદેશ કે જે કાશ્મીરનું ભારત સાથે વિલીનીકરણ થયા પછી ભારતનો અવિભાજ્ય હિસ્સો બનવાનો હતો, છતાં ન બન્યો.
આનાથી વધુ ટ્રેજિક ઘટના હોઈ શકે? અલબત્ત, છે! મેજર વિલિયમ બ્રાઉને પરાયા માલ અપના સમજીને ગિલગિટ-બાલ્ટિસ્તાન પાકિસ્તાનને ભેટ આપ્યું તે ઘટનાને તેના ઉપરી (અંગ્રેજ) લશ્કરી અધિકારીઓ મૂંગા મોઢે જોતા રહ્યા એ તો ઠીક, તત્કાલીન ભારત સરકારે પણ આકરાં પગલાં લીધા નહિ. બહુ મોટો ભૌગોલિક પ્રદેશ હાથમાંથી જવા દીધો. જબરજસ્ત લશ્કરી કાર્યવાહી વડે તે પ્રદેશ પાછો મેળવી લેવાની જરૂર હતી, પરંતુ તેને બદલે ભારતે રઘવાયા થઈને જાન્યુઆરી ૧, ૧૯૪૮ના દિવસે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની સલામતી સમિતિમાં મદદની ટહેલ નાખી.
જાન્યુઆરી પ, ૧૯૪૯ના રોજ તથા જાન્યુઆરી ૧૭, ૧૯૪૯ રોજ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની સલામતી સમિતિએ નિવેદન બહાર પડ્યું કે, "Pakistan cannot claim to exercise sovereignty in respect of J&K." ભાવાનુવાદઃ પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરના સંદર્ભમાં સાર્વભૌમત્વનો ઉપયોગ કરવાનો દાવો કરી શકે નહિ.
બસ, વાતને અહીં પૂર્ણવિરામ મુકાઈ ગયું.
માર્ચ ૨૩, ૨૦૧૭. મેજર વિલિયમ બ્રાઉને ગિલગિટ-બાલ્ટિસ્તાનનો પ્રદેશ પાકિસ્તાનને તાસક પર ધરી આપેલો એ બનાવને પૂરા ૭૦ વર્ષ પસાર થઈ ચૂક્યાં છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં બોબ બ્લેકમેન નામના સાંસદ ગિલગિટ-બાલ્ટિસ્તાનનો મુદ્દો ઉઠાવે છે. આ પ્રાંત મૂળભૂત રીતે (મહારાજા હરિ સિંહના) જમ્મુ-કાશ્મીર રજવાડાનો હોવાની નક્કર દલીલો વડે મેજર વિલિયમ બ્રાઉને કરેલી અક્ષમ્ય દખલગીરીનો વિરોધ કરે છે. જવાબમાં બ્રિટિશ પાર્લામેન્ટ ઠરાવ પસાર કરે છે કે, 'Gilgit-Baltistan is a legal and constitutional part of the state of Jammu and Kashmir, India, which is illegally occupied by Pakistan since 1947'
ભાવાર્થઃ ‘ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યનો કાયદેસર અને બંધારણીય ભાગ છે, જેના પર પાકિસ્તાનનો ૧૯૪૭ થી ગેરકાયદેસર કબજો છે.’
સિત્તેર વર્ષે બાવો બોલ્યો—અને વળી સાવ સાચું બોલ્યો.
ઓગસ્ટ, ૨૦૧૯. ભારતની સંસદમાં સંભવતઃ પહેલી વાર ડંકે કી ચોટ પર કહેવાય છે કે કથિત ‘આઝાદ કાશ્મીર’, ગિલગિટ, બાલ્ટિસ્તાન, શક્સગામ ખીણપ્રદેશ તથા અક્સાઇ ચીન ભારતના અભિન્ન હિસ્સા છે.
હવે મે, ૨૦૨૦માં ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી યોજવા માગતા પાકિસ્તાનની દગલગીરીનો વિરોધ કરીને તથા પાક હસ્તકના કાશ્મીરનો વેધર રિપોર્ટ આપવાનું શરૂ કરીને ભારતે કાશ્મીર પરત મેળવવાની ઇચ્છાશક્તિનો પરચો દેખાડ્યો છે. નજીકના તો નહિ, પણ જરા દૂરના ભવિષ્યમાં પડોશીને આપણી પ્રહારશક્તિનોય પરચો મળે તો નવાઈ નહિ. ■
Comments
Post a Comment