લદ્દાખમાં ભારત-ચીન વચ્‍ચે ખાંડાં કેમ ખખડ્યાં?

૧૯મી સદીથી લટકતા અક્સાઇ ચીનના સરહદી વિવાદના મધપૂડા તરફ ચીને ફરી કાંકરો નાખ્‍યો છે

મે પ તથા મે ૧૨ના રોજ ચીનના સૈનિકો, હેલિકોપ્‍ટર તથા પેટ્રોલ બોટ લદ્દાખના ગલવાન તથા પેંગોંગ સરોવરના ભારતીય પ્રદેશમાં ઘૂસ્‍યા ત્‍યારે ભારતીય સેનાએ ભરેલું જવાબી પગલું આવકારદાયક હતું

-------------------------

અમેરિકન સૈન્‍યમાં ૧૯૦૩થી ૧૯૬૪ સુધી સેવા આપનાર અને તે લાંબા સમયફલકમાં ૧૧ ભીષણ યુદ્ધો લડનાર ફીલ્ડ-માર્શલ ડગ્‍લસ મેક્આર્થરે કહેલું, “It is fatal to enter a war without the will to win it.”/ ‘જીત મેળવવાના દૃઢસંકલ્‍પ વિના યુદ્ધમાં ઝંપલાવવું પ્રાણઘાતક નીવડે છે.’

આ વાક્ય ભારતે ૧૯૬૨માં ચીન સામે અરુણાચલ પ્રદેશ તથા લદ્દાખના મોરચે ખેલેલા યુદ્ધના કેસમાં સાચું ઠર્યું હતું. યુદ્ધમાં જીત મેળવવાનો સંકલ્‍પ તો દૂર રહ્યો, યુદ્ધ લડવામાં જ તત્‍કાલીન સરકારે તેમજ લશ્‍કરના ઉચ્‍ચ અધિકારીઓએ ભારોભાર નીરસતા દાખવી હતી. શત્રુ સામે લડવા માટે લશ્‍કરને મારકણાં શસ્‍ત્રો જોઈએ તેમ સીનિઅર અધિકારીઓ તરફથી સતત જોમજુસ્‍સાનો બૂસ્ટર ડોઝ પણ જોઈએ. પરંતુ ૧૯૬૨ના યુદ્ધમાં આપણા જવાનોને એ બન્‍ને બાબતોની ખોટ સાલતી હતી. આ સંદર્ભે ભારતીય લશ્‍કરના નિવૃત્ત અફસર બ્રિગેડિઅર જે. પી. દળવીએ તેમના પુસ્‍તક ‘ધ હિમાલયન બ્લન્‍ડર’માં વર્ણવેલી તથા ૧૯૬૨ના યુદ્ધમાં આપણા છબરડાઓ વિશે લેફ્ટનન્ટ-જનરલ હેન્ડરસન બ્રૂક્સે તૈયાર કરેલા ‘ધ હેન્‍ડરસન બ્રૂક્સ રિપોર્ટ’માં પર્દાફાશ કરાયેલી હકીકતોની એક ટૂંકી ઝલક અહીં તપાસવા જેવી છે—

ઓક્ટોબર, ૧૯૬૨માં યુદ્ધનો તણખો ઝર્યો તેના ઘણા વખત પહેલાં ભારત-ચીન વચ્‍ચે ઉચાટનું વાતાવરણ હતું. યુદ્ધ સળગે એ નક્કી હોવા છતાં સરહદને લગતી વ્યૂહાત્મક સમસ્યાઓ, ભારતીય જવાનોને અરુણાચલ પ્રદેશના તથા લદ્દાખના પહાડી મોરચે નડતી મુશ્કેલીઓ, સરહદે ચીનની લશ્કરી જમાવટ, તેના સૈનિકોની ભારતીય પ્રદેશમાં ઘૂસણખોરી, લદ્દાખમાં ચીન દ્વારા બેધડક કરાતી લશ્‍કરી બંકરના બાંધકામની પ્રવૃત્તિ વગેરે અત્યંત ગંભીર બાબતોને ઘણાખરા પ્રધાનો અવગણતા હતા. પરિણામે અરુણાચલ અને લદ્દાખ મોરચે જ્યારે ૩૦,૦૦૦ શત્રુ સૈનિકોએ ઓક્ટોબર ૨૦, ૧૯૬૨ના દિવસે ભીષણ ગોલંદાજી અને ગોળીબાર સાથે ઓચિંતો હલ્લો બોલાવ્યો ત્યારે આપણે ઊંઘતા ઝડપાયા. ચીને ઘૂસણખોરી આરંભી ત્યારે લદ્દાખમાં ૩૫,૦૦૦ ચોરસ કિલોમીટરનો પ્રદેશ સાવ રેઢો પડ્યો હતો. ભારતનું સૈન્ય તો ઠીક, સમ ખાવા પૂરતો એકેય ભારતીય સૈનિક ત્યાં તૈનાત કરાયો નહોતો.

યુદ્ધ દરમ્‍યાન એક મોરચે બ્રિગેડિઅર જે. પી. દળવીની નજર સામે ચીનના ૨,૦૦૦ સૈનિકો હુમલાની તૈયારીમાં વ્યસ્ત હતા, પણ દિલ્લી સરકારના આદેશ મુજબ બ્રિગેડિઅરને શત્રુ પર ગોળીબાર કરવાની છૂટ ન હતી. કારણ? બ્રિગેડિઅર દળવીની ફૌજી ટુકડીનું કામ ચોકીનું રક્ષણ કરવાનું હતું; દુશ્‍મન પર આક્રમણની સત્તા તેમને આપવામાં આવી નહોતી.

આવી તો અનેક ગાફેલિયતો વચ્ચે ભારતે જે સંગ્રામ ખેલ્‍યો તે પાછો બળાબળનો નહોતો. ઘોડાપૂરની જેમ ધસી આવેલા ચીનના સૈન્યને મારી હટાવવા માટે ભારતના દરેક જવાન પાસે ફક્ત ૫૦ બુલેટ્સનો સ્ટોક હતો. ચીની ખુશ્કીદળના સૈનિકો ઓટોમેટિક રાઇફલો વડે સજ્જ હતા, જ્યારે ભારતીય જવાનોએ તમંચાછાપ બોલ્ટ-એક્શન રાઇફલો વડે તથા અફસરોએ પિસ્તોલ વડે શત્રુનો મુકાબલો કરવાનો હતો. ભારત સરકાર પાસે તેમને આપવા માટે આધુનિક હથિયારો ન હતાં. લશ્કરી વાહનો, તોપો, તોપગોળા વગેરેની વહેંચણી પણ રેશનિંગના ધોરણે કરવામાં આવી હતી. આનું પરિણામ એ આવ્યું કે આપણા ૧‍,૪૨૩ જવાનો તથા અફસરો હિમાલયના સફેદ હિમશિખરો પર ઢળી ગયા. બીજા ૧,૬પપ ભારતીય સૈનિકોનો પત્તો ન લાગ્યો, એટલે ઘણું કરીને તેઓ પણ દેશકાજે શહીદ થયા હતા. ભારે દુઃખ સાથે કહેવું પડે કે ફીલ્ડ-માર્શલ ડગ્‍લસ મેક્આર્થરનું વાક્ય, ‘જીત મેળવવાના દૃઢસંકલ્‍પ વિના યુદ્ધમાં ઝંપલાવવું પ્રાણઘાતક નીવડે’ સાચું ઠર્યું હતું.


***લદ્દાખનો સરહદી વિવાદ શો છે?***

સમુદ્રસપાટીથી ૧૨,૦૦૦ ફીટ ઊંચે હિમાલયના પર્વતોમાં વસેલું લદ્દાખ ૧૦મી સદી સુધી તિબેટનો ભૌગોલિક તેમજ રાજકીય હિસ્સો હતું. વર્ષો પછી લદ્દાખી પ્રજાએ તિબેટ સાથેનો છેડો ફાડી નાખતા આખો પ્રદેશ સ્વતંત્ર બન્યો. ૧૮૩૪માં જમ્‍મુના મહારાજા ગુલાબ સિંહની ફોજના સેનાપતિ જોરાવર સિંહે લદ્દાખ જીતી લીધું તેનાં કેટલાંક વર્ષ બાદ ચીને પોતાનું લશ્‍કર લેહ તરફ મોકલ્યું. જોરાવર સિંહના ડોગરા સૈનિકોએ જોરદાર પ્રતિકાર કરીને ચીનાઓને હાંકી કાઢ્યા એટલું જ નહિ, ઉત્તરે તિબેટ સુધી તેમનો પીછો કરતા રહી છેવટે શરણે અાવવાની ફરજ પાડી. ઓક્ટોબર ૧૭, ૧૮૪૨ના રોજ ચીને મહારાજા ગુલાબ સિંહ જોડે શાંતિકરાર કર્યા અને લદ્દાખનો સમગ્ર ભૌગોલિક પ્રદેશ ગુલાબ સિંહનો હોવાનું કબૂલ્યું.

આ ઐતિહાસિક ઘટનાના ત્રણેક વર્ષ પછી અંગ્રેજોએ લદ્દાખના વણખેડાયેલા પ્રદેશનો નકશો તૈયાર કરવાનું અને ખાસ તો એ પ્રદેશને તિબેટથી નોખી પાડતી સરહદરેખા આંકવાનું કાર્ય દહેરાદૂનની સર્વે ઓફ ઇન્ડિયાને સોંપ્યું. (ભારતનો પહેલો ભૌગોલિક નકશો એ સંસ્થાએ તૈયાર કર્યો હતો. એવરેસ્ટના ગગનચુંબી શિખરની પહેલવહેલી માપણી પણ સર્વે અોફ ઇન્ડિયાના નેજા હેઠળ થઈ હતી.) આ સંસ્થાનો સર્વેક્ષક વિલિયમ જ્હોનસન લદ્દાખ ગયો. મહિનાઅો સુધી ત્યાં પગપાળા પ્રવાસ ખેડતો રહ્યો, જે દરમ્યાન નકશા પર લદ્દાખ-તિબેટ વચ્ચેની વિભાજનરેખા દોરતો ગયો. આ રીતે છેવટે જે નકશો બન્યો તેમાં અક્સાઇ ચીનનો પ્રદેશ લદ્દાખનો એટલે કે મહારાજા ગુલાબ સિંહના જમ્મુ-કાશ્મીરનો ભાગ હતો. 

પહેલી વાર તિબેટ અને ભારત વચ્ચે સરહદરેખા નક્કી થઈ, જેને તિબેટે તો માન્ય રાખી. પરંતુ ચીની સત્તાધીશોએ સમર્થન ન આપ્યું. (તિબેટ ત્યારે ચીનના વાલીપણા હેઠળનું રાજ્ય હતું.) સરહદરેખાની નવેસરથી આંકણી કરવા માટે ચીને ૧૮૯૧-૯૨માં પોતાના સર્વેક્ષક લી યુઆન-પિંગને લદ્દાખ મોકલ્યો. અક્સાઇ ચીનનો સમગ્ર પ્રદેશ પોતાના હસ્તક રહે એવું ચીને નક્કી કરી રાખ્યું હતું, કારણ કે એટલો ભાગ શિન્જિયાંગ અને તિબેટ વચ્ચે ‘ખૂંધ’ કાઢી તેમને અલગ પાડી દેતો હોવાથી ચીનનું સિલ્ક યુરોપી દેશોને પહોંચતું કરતી વણઝારોએ તેને રાઉન્ડ મારીને શિન્જિયાંગ-ટુ-તિબેટનો પ્રવાસ ખેડવો પડતો હતો. આથી લી યુઆન-પિંગે જે નકશો બનાવ્યો તેમાં અક્સાઇ ચીનનો પ્રદેશ ચીનમાં સામેલ થતો હતો. અહીં નકશામાં બતાવ્યું છે તેમ અક્સાઇ ચીન પડાવી લીધા પછી ચીને ત્‍યાં ૧૯પ૭માં પાકો રસ્‍તો બાંધ્‍યો.


***૧૯૬૨ઃ વિવાદમાંથી વિગ્રહ***

ચીની નકશાને ભારતની અંગ્રેજ સરકારે સ્વીકાર્યો નહિ. નકાર્યો પણ નહિ. અક્સાઇ ચીનના સીમાંકનનો પ્રશ્ન લટકતો રહેવા દીધો. આ બહુ મોટી ભૂલ હતી, જેની સજા વર્ષો પછી આપણે ભોગવવાની આવી. દેશને સ્‍વતંત્રતા આપીને અંગ્રેજો તો ઉચાળા ભરી ગયા, પણ પાછળ અનેક સરહદી વિખવાદો મૂકતા ગયા. લદ્દાખના સીમાંકનનો વિખવાદ તેમાંનો એક હતો, જેનું આઝાદ ભારતની સરકારે સોલ્‍યુશન ન આણ્યું એટલે ચીનને ફાવતું મળ્યું. ૧૯૫૦માં ચીની લશ્‍કરે બૌદ્ધધર્મી તિબેટ પર ફરી વળી તે દેશને પોતાના રાજકીય સીમાડામાં સમાવી દીધો. ત્રણેક વર્ષ પછી વિના યુદ્ધે અક્સાઇ ચીનનો ટુકડો ખેરવી લીધો અને આખરે ઓક્ટોબર, ૧૯૬૨માં લદ્દાખને લક્ષ્‍યાંક બનાવ્‍યું.
લદ્દાખ પર તેનું ઝંઝાવાતી આક્રમણ દેમચોક, પેંગોંગ સરોવર, ગલવાન, દૌલત બેગ ઓલ્‍ડી એમ જુદા જુદા ક્ષેત્રોમાં એકસામટું થયું. દરેક મોરચે આપણા જવાનોએ (લેખના આરંભે નોંધ્‍યું તેમ) ટાંચાં શસ્‍ત્રો વડે ચીનના અત્‍યાધુનિક શસ્‍ત્રોનો મુકાબલો કર્યો. આમાં કેટલાંક પરાક્રમો તો માનો યા ન માનો જેવાં હતાં. જેમ કે, પેંગોંગ સરોવર નજીક ખેલાયેલા ‘બેટલ ઓફ રેઝાંગ લા’ના ભીષણ સંગ્રામમાં મેજર શૈતાન સિંહ ભાટી અને તેમના સવાસો નરબંકા સાથીઓએ ૧,૩૧૦ ચીની સૈૈનિકોને મોતના હવાલે કરી દીધા હતા. ઓક્ટોબર ૨૦, ૧૯૬૨ના દિવસે લદ્દાખમાં ગલવાન ખીણપ્રદેશમાં તૈનાત આપણી પાંચમી જાટ બટાલિઅનના ૬૩ જવાનો સામે ચીને લગભગ ૨,૦૦૦ સૈનિકો ઉતાર્યા. બટાલિઅનના મેજર સુદર્શન શ્રીકાંત હસબનીસ નામના કમાન્‍ડરે પીછેહઠ કરી જવાને બદલે જવાનોને સામી છાતીએ મુકાબલો કરવાનો અને દેશ કાજે લોહીનું ટીપેટીપું રેડી દેવાનો આદેશ આપ્યો. બેટલ ઓફ ગલવાનના એ સંગ્રામમાં સંખ્‍યાબંધ જવાનો શહીદ થઈ ગયા.


***૨૦૨૦ઃ લદ્દાખમાં શું બની રહ્યું છે?***

આજે પેંગોંગ સરોવર તથા ગલવાન ખાતે ભારત અને ચીનનાં લશ્‍કર આમને-સામને આવ્યાં છે. પેંગોંગ સરોવરથી ઉત્તરે દૌલત બેગ ઓલ્‍ડી સુધી આપણે પાકી સડકનું નિર્માણ કરીને ગલવાન ખાતે લશ્‍કરી ચોકીઓ સ્‍થાપી રહ્યા છીએ તે વાતનું બીજિંગ સરકારને પેટમાં દુખે છે. કારણ સ્‍વાભાવિક છેઃ પાકી સડકનું નેટવર્ક ઊભું થયા પછી અક્સાઇ ચીન નજીકની ભારતીય ચોકીઓ સુધી આપણા લશ્‍કરી ખટારા સૈનિકોનો તથા શસ્‍ત્રસરંજામનો પુરવઠો બહુ ઝડપથી પહોંચતો કરી શકશે. ભૂતકાળમાં અહીં રોડ ડેવલપમેન્ટનું કાર્ય અટકાવી દેવા ચીની ડ્રેગન ભારત સામે અનેક ફૂંફાડા મારી ચૂક્યો છે—અને ત્‍યારે સડક બાંધવાનું કાર્ય આપણે થોડોક સમય બંધ રાખ્યું! હવે ચીનનો સૂકો દમ કે દમદાટી સાંખી ન લેવાની આક્રમક નીતિ અપનાવવામાં આવી છે, એટલે આપણા જવાનો જરા કડક હાથે કામ લે છે.

દાખલા તરીકે મે પ-૬, ૨૦૨૦ના રોજ ગલવાનમાં ચીની સૈનિકટુકડીએ ઘૂસણખોરી મચાવી ત્‍યારે ભારતીય ખુશ્‍કીદળના જવાનોએ તેમને પહેલાં શાબ્‍દિક વોર્નિંગ આપીને અટકાવ્યા. વાકયુદ્ધથી વાત ન બની. આથી પથ્‍થરબાજી શરૂ થઈ અને પછી તો રીતસર લાતયુદ્ધ! બેય દેશના સૈનિકોએ આપસી બાથંબાથામાં હાથની ચળ ઊતારી. આ બધું કૌતુકપ્રેરક લાગતું હોય તો જાણી લો કે લશ્‍કરની પરિભાષામાં આને હેન્‍ડ-ટુ-હેન્‍ડ કોમ્‍બેટ કહે છે—અને શાંતિકાળ દરમ્‍યાન એવી લડાઈમાં ઊતરતા સૈનિકે ‘શિસ્‍ત’ના ભાગરૂપે પોતાની રાઇફલ, રિવોલ્‍વર, ચાકૂ બાજુએ મૂકી ખુલ્‍લા હાથે લડવાનું હોય છે. 

આજે સ્‍થિતિ એવી છે કે ગલવાનમાં ચીની ખુશ્‍કીદળે ૮૦ તંબૂઓ નાખી પોતાની સૈનિકટુકડી તૈનાત કરી દીધી છે, તો ભારતે ત્‍યાં પોતાનું સૈનિકબળ અગાઉ કરતાં વધાર્યું છે. ચીનની પરવા કર્યા વિના ભારતે ગલવાનમાં લશ્‍કરી ચોકીઓનું બાંધકામ બિનધાસ્‍ત ચાલુ રાખ્‍યું છે.
લદ્દાખમાં ચીનાઓની સૌથી વધુ ઘૂસણખોરી થતી હોય તો પેંગોંગ સરોવર ખાતે કે જ્યાં આસપાસની ઊંચી ટેકરીઓ પર બન્‍ને દેશોએ પોતાની ચોકીઓ સ્‍થાપી છે. પેંગોંગ સરોવરથી લઈને ચુશુલ સુધીના પ્રદેશ પર ચીને ડોળો માંડ્યો છે. આથી ત્‍યાં આપણા લશ્‍કરે કડક જાપતો રાખ્યો છે. પેટ્રોલિંગ માટે નીકળતી સૈનિક ટુકડી ઘણી વાર આમને-સામને આવે છે અને બાથ ભીડે છે. મે પ, ૨૦૨૦ના રોજ એમ જ બન્‍યું. બેય પક્ષના ૨પ૦ સૈનિકો વચ્‍ચે લોહિયાળ સંઘર્ષ થતાં ઘણા સૈનિક ઘવાયા.

પેંગોંગ સરોવરમાં ચીની નૌકાદળે ઉતારેલી પેટ્રોલબોટ આપણા જળ-વિસ્‍તારમાં ઘૂસી આવે ત્‍યારે ભારતની  હાઈ-સ્‍પીડ પેટ્રોલબોટ્સ તેમને પડકારવા પહોંચી જાય છે. મે માસના આરંભે એવો પ્રસંગ એક કરતાં વધુ વાર બન્‍યો ત્‍યારે ભારતને દમ મારવા ચીને પેંગોંગ સરોવરના આકાશમાં તેનાં હેલિકોપ્‍ટર્સ ઊડતાં કર્યાં. બદલામાં ભારતીય વાયુ સેનાએ સુખોઇ-30 વિમાનો સામાં મોકલી નહલે પે દહલાનો દાવ ખેલ્યો.

આપણા લદ્દાખનો અક્સાઇ ચીન કહેવાતો ૩૭,૨પ૦ ચોરસ કિલોમીટરનો પ્રદેશ ચીન ૧૯પ૩માં પડાવી ચૂક્યું છે. આ કોળિયો ભરી લીધા પછી પણ ચીની ડ્રેગનને ઓડકાર આવ્યો નથી. લદ્દાખભૂમિનું વધુ એક બટકું ભરી દૌલત બેગ ઓલ્‍ડી, ગલવાન, ચુશુલ તથા પેંગોંગ ગળી જવા માટે ધમપછાડા કરતા ડ્રેગન પર આપણા લશ્‍કરે બળપૂર્વક લગામ નાખવી જરૂરી નહિ, અનિવાર્ય છે. ભારતના એક દૂરંદેશી નેતાએ સાચું જ કહ્યું છેઃ

कलयुग में हम अहिंसा के बदले अहिंसा लौटाएंगे... लेकिन अगर कोई हमारे खिलाफ बल का सहारा ले तो हम इसे बल के साथ मिलेंगे

લદ્દાખને હડપ કરી જવાનો મનસૂબો ધરાવતી બીજિંગ સરકારના પેટમાં રહેલી છૂપી કાતર છેક ૧૯પ૦માં પામી જનાર એ દૂરંદેશી નેતા કોણ? સરદાર પટેલ!■

Comments

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન