હીટ વેવઃ ઉનાળામાં દાઝ્યા પર ડામ દેતી ગ્રીષ્‍મ લહેરનું વિજ્ઞાન

ભારતનાં અમુક સ્થળોને ધગધગતી ભઠ્ઠી બનાવી દેનાર કાળઝાળ ગરમીનો જુવાળ જાનલેવા કેમ નીવડી શકે?

આગામી દિવસોમાં હીટ વેવને કારણે ઉત્તર ભારતનાં ઘણાં સ્થળે તાપમાન ૪૭ અંશ સેલ્શિઅસને પાર થઈ જવાનું છે. આથી હવામાન ખાતાએ ‘રેડ એલર્ટ’ જારી કરીને સ્થાનિકોને બપોરે ૧થી પ ધોમ તડકામાં ન નીકળવાની સલાહ આપી છે.
----------------------------

કોણ કેટલું બળવાન? એ શીર્ષક હેઠળ લખાયેલી પેલી બાળવાર્તા યાદ છે કે જેમાં પોતાની બળુકાઇ સાબિત કરવા માટે પવન અને સૂર્ય વચ્ચે ગજગ્રાહ ચાલે છે? પવન સૂરજને કહે કે તારા કરતાં હું બળવાન અને સૂરજ કહે મારી આગળ તારી કશી વિસાત નહિ.

બન્ને વચ્ચે ચડસાચડસી ચાલતી હતી એ વખતે તેમણે પૃથ્વી પર પગપાળા નીકળેલા એક મુસાફરને દીઠો. મુસાફરે પોતાના શરીરે શાલ ઓઢી હતી.

સૂરજે પવનને કહ્યું, ‘આ મુસાફરની શાલ આપણા બેમાંથી જે ઉતરાવે તે વધુ બળવાન! બોલ, છે કબૂલ?’

પવને કહ્યું, ‘મંજૂર!’

મુસાફરના શરીર ઉપરથી શાલ ઉડાડી દેવા માટે પવન જોરજોરથી ફૂંકાવા લાગ્યો. પરંતુ પવન જેટલો જોરથી ફૂંકાયો, મુસાફરે એટલા જ જોરથી શાલ કસીને પોતાના શરીર સાથે લપેટી રાખી. પવને લાખ પ્રયત્નો કર્યા, પણ શાલ ઉડાડવામાં સફળતા ન મળી. આખરે પવનનો વારો પૂરો થયો.

હવે સૂરજનો વારો આવ્યો. સૂરજે પૃથ્વી તરફ માત્ર હૂંફાળું સ્મિત વેર્યું. મુસાફરને ગરમી લાગી અને તેણે શાલની પકડ ઢીલી કરી. સૂરજનું સ્મિત ક્રમશઃ વધતું ગયું તેમ પૃથ્વી પર ગરમીમાં વધારો થતો રહ્યો. આખરે અકળામણથી છુટકારો મેળવવા મુસાફરે શાલ ઉતારીને પોતાના હાથમાં લઈ લીધી. પવને માનવું પડ્યું કે સૂરજ વધુ બળવાન છે. વાર્તા સમાપ્ત!

નિર્દોષ બાળવાર્તાને વિજ્ઞાન જોડે ઝાઝી નિસ્બત ન હોય, પરંતુ ઉપરોક્ત કહાનીમાં હવામાનશાસ્ત્રનો ચપટીક ભેગ કરીને કહી શકાય કે વાયુદેવે હાર કબૂલી લેવામાં થોડી જલ્દબાજી કરી. સૂસવતા પવનનું બળ દાખવવાને બદલે વાયુદેવે કળ બતાવી એકાદ ગરમ મેદાની પ્રદેશના માથે આહિસ્તા આહિસ્તા પસાર થઈ હીટ વેવ સ્વરૂપે વહેવાની જરૂર હતી. લ્હાય બાળતી લહેરો ત્યાર પછી પેલા મુસાફર માટે અસહ્ય બની હોત અને તેણે શરીર પરથી શાલનો ઉલાળિયો કરી દીધો હોત. સૂર્યનો વારો આવવાનો સવાલ જ ન રહેત!

ઉનાળુ ગરમીનું સીધું કનેક્શન આપણે સૂર્ય જોડે સ્થાપવાને ટેવાયેલા છીએ, એટલે ગરમીનો પારો ઊંચો લઈ જવામાં પવનનો મોટો ફાળો હોવાનું કદાચ જલદી માનવામાં ન આવે. પરંતુ વાસ્તવમાં હીટ વેવ કહેવાતી ગ્રીષ્મ લહેર સૂર્યકિરણો કરતાં વધુ અકળાવનારી ગરમીનો અનુભવ કરાવતી હોય છે. ધ્યાન રહે કે સૂર્યની ગરમી અને ગરમીનું પવનરૂપી મોજું (હીટ વેવ) એકબીજાથી સાવ નોખી બાબતો છે.

શિયાળામાં પૃથ્વી સૂર્યથી દૂર હોવાથી વાતાવરણમાં ઠંડક રહે અને ઉનાળા દરમ્યાન પૃથ્વી-સૂર્ય વચ્ચેનું અંતર ઘટતાં બળબળતી ગરમી પડે એ ખ્યાલ પહેલાં તો મનમાંથી કાઢી નાખવા જેવો છે. કારણ કે હકીકત તેનાથી સાવ વિપરીત છે. જાન્યુઆરીમાં ઠંડીનો પ્રકોપ પરાકાષ્ઠાએ હોય ત્યારે અંતરિક્ષમાં પૃથ્વી સૂર્યની નિકટતમ (૧૪.૭ કરોડ કિલોમીટરે) રહીને પ્રવાસ કરતી હોય છે. જૂનમાં આપણે ગરમીની સારી એવી અસર અનુભવતા હોઈએ ત્યારે સૂર્ય-પૃથ્વી વચ્ચેનું અંતર મહત્તમ (૧પ.૨ કરોડ કિલોમીટર) હોય!

હકીકતે પૃથ્વી પર ગરમી-ઠંડીની અસર સૂર્યનાં અનુક્રમે સીધાં અને ત્રાંસાં કિરણોને આધીન છે. શિયાળામાં સૌરકિરણો લગભગ ૪૦ અંશના છીછરા ખૂણે પડતા હોવાથી ઓછા વેધક સાબિત થાય છે, જ્યારે ઉનાળામાં ૮૦ અંશના ખૂણે સીધી લીટીમાં પડતાં કિરણો પૃથ્વીને સખત રીતે તપાવી મૂકે છે. પૃથ્વી પર ઝિલાતાં સૂર્યકિરણો પૈકી પ૧% કિરણો જમીનને તથા મકાનોને તપાવવામાં કારણભૂત હોય ત્યારે દિવસભર તાપમાં શેકાતાં જમીન-મકાન સાંજ ઢળ્યે ગરમીનું ઉત્સર્જન ન કરે તો જ નવાઈ!


***હીટ વેવ એટલે શું?***

સરળ શબ્દોમાં હીટ વેવ એટલે ધગધગતી ગરમ હવાનો સમુદાય કે જે એકથી બીજા સ્થળે સતત સ્થાનાંતર કરતો રહે છે. ભારતના હવામાન ખાતાએ તય કરેલી વ્યાખ્યા મુજબ ઉનાળામાં ૪૦ અંશ સેલ્શિઅસ કે તેની આસપાસનું તાપમાન ધરાવતા સ્થળે થર્મોમીટરનો પારો જો વધુ ૬ અંશ સેલ્શિઅસ જેટલો ચડી જાય તો ત્યાં ગરમીનું મોજું ફરી વળ્યું હોવાનું કહેવાય છે. ઉદાહરણ તરીકે ઉનાળામાં રાજસ્થાનના ચુરુ ગામનું સરેરાશ તાપમાન સામાન્ય રીતે ૪૧થી ૪૩ ડિગ્રી સેલ્શિઅસ વચ્ચે રહેતું હોય છે. પરંતુ જૂન, ૨૦૧૯માં આવેલા ગરમીના મોજાએ ચુરુનું ટેમ્પ્રેચર ૪૯.૬ અંશ સેલ્શિઅસના આંકડે પહોંચાડી દીધું હતું. બીજો દાખલો શ્રીગંગાનગરનો છે. રાજસ્થાનનું એ શહેર સામાન્ય રીતે ઉનાળામાં ૪૩ ડિગ્રીએ ધગતું હોય, પરંતુ જૂન ૨૦૧૯ના હીટ વેવને કારણે પારો પ૦.૮ અંશ સુધી પહોંચી ગયો હતો.

ચાલુ વર્ષે મે મહિનામાં ગરમીનાં મોજાંએ ચુરુ (૪૭.૩), જગતિયાલ, તેલંગણ (૪૭.૨), પીલાણી (૪૬.૭), નાગપુર (૪૬.૬), શ્રીગંગાનગર (૪૬.૬), ઝાંસી (૪૬.૧), ખજુરાહો (૪૬), આકોલા (૪૬), આગ્રા (૪૬), ગ્વાલિયર (૪પ.૯) જેવાં ગામો-શહેરોમાં લોકોને દોજખમાં શેકાતા હોવાનો અનુભવ કરાવ્યો. આગામી દિવસોમાં ઉત્તર ભારતનાં ઘણાં ગામો-શહેરોને હીટ વેવનો પરચો મળવાનો છે. તાપમાનનો પારો ઓચિંતી છલાંગ લગાવી ૪૭ અંશ સેલ્શિઅસને પાર થઈ જવાનો છે. આથી હવામાન ખાતાએ તે તમામ ગામો-શહેરો માટે ‘રેડ એલર્ટ’ જારી કરીને સ્થાનિકોને બપોરે ૧થી પ ધોમ તાપમાં ન નીકળવાની સલાહ આપી છે. સમગ્ર ભારત જ્યારે ઉનાળાની બળબળતી ગરમીનો સામનો કરતું હોય ત્યારે અમુક ચોક્કસ વિસ્તારો જ રેકોર્ડ-બ્રેકર તાપમાન નોંધાવે તેનું કારણ હીટ વેવની આકરી અસર છે.


***હીટ વેવ કેવી રીતે ઉદ્ભવે છે?***

હીટ વેવરૂપી ગરમીનાં મોજાં ઘણું કરીને ખુલ્લા મેદાની પ્રદેશ પર પેદા થતાં હોય છે. ભારતમાં એવો પ્રદેશ રાજસ્થાનમાં લગભગ સવા બે લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા થર રેગિસ્તાનનો છે. અગાઉ નોંધ્યું તેમ ઉનાળામાં પૃથ્વીની સપાટી પર સૂર્યનાં કિરણો સીધી લીટીમાં પડે છે. અત્યંત વેધક સૌરકિરણો થર રેગિસ્તાનની રેતને દિવસભર તપાવે છે. ભરબપોરે રેતનું તાપમાન ૬૦થી ૬પ અંશ સે. પહોંચી જાય, એટલે રખે તેના પર ખુલ્લો પગ મૂકો તો ઝવેરચંદ મેઘાણીની પંક્તિ ‘સૂરજ! ધીમા તપો, ધીમા તપો... મારી પાની સુંવાળી બળી જાય રે’ શબ્દશઃ સાચી ઠરે! રેતનું તાપમાન આટલું બધું ઊંચું હોય ત્યારે તેના સંસર્ગમાં આવતી આસપાસની હવા પણ સખત રીતે તપી નીકળ્યા પછી ઊંચે ચડે અને વાતાવરણમાં ત્રણથી પાંચ હજાર મીટરના લેવલે સતત ઘૂમરાયા કરે. અમુક દિવસોથી માંડીને અમુક અઠવાડિયા સુધી વારંવાર ઉપરતળે થતી હવા સખત વલોપાત તેમજ દબાણને કારણે વધુ ને વધુ ગરમ બનતી રહે છે. હવામાનશાસ્ત્રની પરિભાષામાં એ સ્થિતિને હાઈ-પ્રેશર સિસ્ટમ (દબાણયુક્ત હવાનો સમુદાય) કહેવામાં આવે છે.

એક વખત આવી સિસ્ટમ રચાય, એટલે ઉપલા વાતાવરણમાં ઘૂમરાતા ગરમ હવાના સુસવાટા બહુ વેગપૂર્વક જમીન તરફ ‘પડતું’ મૂકે છે. ધગધગતી હવાનો સમુદાય પ્રમાણમાં ઓછા તાપમાનવાળા વિસ્તારો તરફ હીટ વેવના સ્વરૂપે વહી નીકળે છે, એટલે ત્યાંના હવામાનમાં ઓચિંતો પલટો આવે છે. ચામડીને દઝાડતા પવનો સ્થાનિક તાપમાનને ઓચિંતું ૬થી ૮ ડિગ્રી સે‌લ્શિઅસ જેટલું વધારી મૂકે છે.

ભારતના હીટ વેવનું ઉદ્ભવસ્થાન મુખ્યત્વે થરનું રણ છે, જ્યાંથી ફૂંકાતી ગ્રીષ્મ લહેરોની પહોંચ ખાસ્સી વ્યાપક છે. હીટ વેવની ગરમીનો સૌથી જલદ ડામ સ્વાભાવિક રીતે રાજસ્થાનને મળે, એટલે ચુરુ તથા શ્રીગંગાનગર જેવાં શહેરો ૪૭ ડિગ્રી કરતાં વધારે તાપમાન સાથે કુદરતી ભઠ્ઠી બને છે. થરના રણ નજીક વસેલા ગામો-શહેરોનું તો આવી જ બને. જેમ કે, મે ૧૯, ૨૦૧૬ના દિવસે જોધપુર જિલ્લામાં ફાલોદી ગામના રહીશોએ ૫૧ અંશ સેલ્શિઅસની કાળઝાળ ગરમી સહન કરવી પડી હતી.

ઘણી વાર ઉત્તર ગુજરાત અને ક્યારેક મધ્ય ગુજરાત પણ હીટ વેવના સપાટે ચડે છે. દા.ત. ગુજરાતના ઇડરમાં મે ૨૧, ૨૦૧૦ના રોજ મહત્તમ તાપમાન ૪૮.પ સેલ્શિઅસ નોંધાયું હતું. ઈ.સ. ૧૯૦૧ પછી પહેલી વાર ત્યાં આટલી બધી ગરમી પડી. મે, ૨૦૧૦ની ગ્રીષ્મ લહેર એટલી જલદ હતી કે અમદાવાદમાં ગરમીનો પારો ૪૬.૮ સેલ્શિઅસે પહોંચતા ૧,૩૪૪ લોકોનો ભોગ લેવાયો. આ કટુ અનુભવ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હીટ એક્શન પ્લાન નામનો ખાસ પ્રોગ્રામ ઘડી કાઢ્યો, જેના અંતર્ગત સંભવિત હીટ વેવ સામે નાગરિકોને સુરક્ષિત રાખવાના વિવિધ ઉપાયો સૂચવવામાં આવ્યા.

રાજસ્થાનમાં જન્મ લેતા હીટ વેવનો જે તે પ્રદેશને અમુક કલાકોથી માંડીને અમુક દિવસો સુધી પરચો મળતો હોય છે. ૨૦૧૦માં ઇડરને તથા અમદાવાદને એકાદ-બે દિવસ પૂરતી ઝાળ લાગી, તો ૨૦૧૪માં આવેલી ગ્રીષ્મ લહેરે પાટનગર દિલ્લીને એક અઠવાડિયા સુધી ‘બાન’ પકડ્યું હતું. આ દિવસો દરમ્યાન તાપમાન ૪પ અંશ સેલ્શિઅસ કરતાં ઊંચું રહ્યું, પણ જૂન ૯, ૨૦૧૪ના રોજ નોંધાયેલા ૪૭.૮ના તાપમાને તો ૬૩ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો.


***હીટ વેવ ઘાતક કેમ નીવડે?***

ઉનાળા દરમ્યાન ભારતની ૬પ.૧૨% વસ્તીએ ૪૦ ડિગ્રી સેલ્શિઅસ તાપમાન વેઠવું પડતું હોય છે. આ વિષમ સ્થિતિમાં જ્યારે દાહજનક ગ્રીષ્મ લહેરો આવી ચડે ત્યારે લોકોએ દાઝ્યા પર ડામ વેઠવો રહ્યો. ચાલીસ ડિગ્રીનું તાપમાન જ જ્યારે શરીર માટે જોખમકારક સાબિત થતું હોય ત્યારે તેમાં સાત-આઠ ડિગ્રીનો ઉમેરો જોખમમાં અનેકગણો વધારો કરી દે છે. ઘણા લોકો માટે તે ગરમી જાનલેવા સાબિત થાય છે.

સૌ જાણે છે તેમ માણસનો આદિ પૂર્વજ આફ્રિકાના ઉષ્ણ પ્રદેશમાં ઉદ્ભવ્યો હતો, માટે ત્યાંના જરા ગરમીયુક્ત વાતાવરણ જોડે અનુકૂલન સાધી શકાય એ પ્રકારનાં શારીરિક અંગો તેને મળ્યાં છે. જેમ કે, શરીરમાં રહેલી વધારાની ગરમીના નિકાલ માટે લાંબા હાથ-પગ છે, જરા પહોળી છાતી છે અને એટલી જ પહોળી પીઠ છે. લગભગ પોણા બે ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી ત્વચા નીચે પથરાયેલી ૨૦ લાખ પ્રસ્વેદગ્રંથિ મારફત નીકળી આવતો પસીનો તો શરીરની બેસ્ટ કૂલિંગ સિસ્ટમ છે.

આ રચનાને લીધે શરીરનું તાપમાન હંમેશાં ૩૬.પ થી ૩૭.પ અંશ સેલ્શિઅસ વચ્ચે જળવાયેલું રહે છે. શારીરિક તાપમાન આનાથી વિશેષ વધવું ન જોઈએ. બીજી તરફ હીટ વેવની અસર હેઠળ આવતા શરીરનું ટેમ્પ્રેચર ભયજનક રીતે વધતાં હાઈપરથર્મિયાની સમસ્યા ઊભી થાય છે. વધારાની ગરમીનો નિકાલ કરવા માટે શરીર વધુ માત્રામાં પસીનો પેદા કરે, જેના નતીજારૂપે શરીરના પાણીનો જથ્થો ઘટવા માંડે છે. કુલ જથ્થો ૨.૫% જેટલો પણ ઘટે તો શારીરિક તાકાત ૨૫% ઓછી થઈ જવા પામે છે. ટટ્ટાર રહીને ચાલવાનુંય પછી તો મુશ્કેલ બને. શરીરમાં પાણીનો જથ્થો રખે ૧૦% અોછો થાય ત્યારે ત્વચા શુષ્ક બનવા લાગે, લોહી ઘટ્ટ બને, બ્લડ પ્રેશર ઘટી જતાં હૃદયે વધુ જોરમાં પમ્પિંગ કરવું પડે, લોહીનો પુરવઠો છતાં પણ જે તે અવયવોને પૂરતી માત્રામાં ન મળે તો સ્નાયુઓ ખેંચ અનુભવે અને લીવર તેમજ કીડની જેવાં મહત્ત્વનાં અવયવોનું કામકાજ ખોરંભે પડી જાય. મર્યાદિત રક્તપ્રવાહની સૌથી વધુ સમસ્યા તો મગજ અનુભવે, એટલે ચક્કર આવવાથી માંડીને મૂર્છિત થવા સુધીની તકલીફો ઊભી થાય છે. સમયસર સારવાર ન મળે તો દરદીનું બચવું મુશ્કેલ થઈ પડે છે. આ બધી સમસ્યાઓથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય તો બપોરની ગરમીમાં બહાર ન નીકળવાનો છે અને પાણી પીતા રહી શરીરમાં વોટર લેવલ જાળવી રાખવાનો છે.

જૂન ૧૩, ૧૯૨૬ના રોજ લ્હાય બાળતા પવનોએ ઓડિશાના બાલાસોરના ગરમ તાપમાનમાં વધારાની ૧૨.પ ડિગ્રી સે. ગરમી લાવી દીધી હતી. ભારતીય હવામાનની તવારીખમાં સૌથી આકરા હીટ વેવના નામે બોલતો એ રેકોર્ડ હજી તૂટ્યો નથી—અને ન તૂટે એમાં જ સૌની સલામતી છે. ■

Comments

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન