1896નો પ્લેગઃ રોગચાળાએ જ્યારે આઝાદીની ચળવળનો તણખો વેર્યો
મહામારીમાં સરકારને લોકડાઉન જેવાં નિર્ણયોની સત્તા આપતા કાયદાના મૂળમાં રહેલી અજાણી કથા
1896ની પ્લેગ મહામારીને કાબૂમાં લેવા ગોરી સરકારે Epidemic Diseases Act 1897 નામનો જે કાયદો ઘડ્યો તેના અમાનુષી અમલીકરણે ચાફેકર બંધુઓને શસ્ત્ર ઉપાડવા માટે ફરજ પાડી.
૧૮પપનું વર્ષ હતું. કોરોના, સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ, સાર્સ વગેરે મહામારીઓના મેટરનીટી હોમ જેવા ચીનમાં ત્યારે બ્યુબોનિક પ્લેગ નામના રોગચાળાનું ઘોડિયું બંધાયું હતું. આ અસાધ્ય રોગ ચીનના યુનાન પ્રાંતમાં એક ગામે ઉદ્ભવ્યો અને ત્યાંથી આસ્તે આસ્તે આસપાસના વિસ્તારોમાં ફેલાઈ રહ્યો હતો. દરરોજ સેંકડો ચીના જીવ ગુમાવતા હતા. પચ્ચીસેક વર્ષમાં મૃત્યુઆંક લાખોમાં પહોંચ્યો અને મહામારી પોતે ૧,૪૦૦ કિલોમીટર છેટે સાગરકાંઠે વસેલા હોંગ કોંગ સુધી પહોંચી. ભારત અને ચીન વચ્ચે ત્યારે અફીણ, સિલ્ક, ખાંડ, ચા વગેરેનો દરિયાઈ વેપાર ચાલતો હતો અને હોંગ કોંગ તે વેપારનું મુખ્ય કેંદ્ર હતું. ૧૮૮૪માં એક માલવાહક જહાજ હોંગ કોંગથી મુંબઈ જવા નીકળ્યું ત્યારે તેના ફાલકામાં માલ ઉપરાંત પ્લેગના કારક મૂષકો પણ હતા.
ઉંદરના શરીરમાં રહેલા યેર્સિનીયા પેસ્ટીસ નામના બેક્ટીરિઆ જૂ તથા ઇતડી જેવી પરોપજીવી જીવાતો મારફત મનુષ્યમાં દાખલ થાય ત્યારે બ્યુબોનિક પ્લેગનો રોગ લાગુ પડે અને તે ચેપી હોવાથી મનુષ્યથી મનુષ્ય ફેલાય. હોંગ કોંગથી મુંબઈ આવેલા જહાજે ચીનના બ્યુબોનિક પ્લેગના વાહકોને ભારત પહોંચાડ્યા ત્યાર પછી મુંબઈની ગોદી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્લેગની પેશકદમી થવા લાગી. બ્રિટિશહિંદની તત્કાલીન સરકારે તે વિસ્તારોમાં સંચારબંધી લાગુ કરીને ચેપગ્રસ્તોને વહેલી તકે સારવાર આપવાની જરૂર હતી. પરંતુ ગોદી બંધ રાખી આયાત-નિકાસ વેપાર ઠપ્પ કરવા ન માગતા લાટસાહેબોએ તકેદારીનું એવું પગલું ન ભર્યું. ઊલટું, પ્રજાને ખડતી મૂકી દીધી. આનું બહુ ગંભીર પરિણામ આવ્યું. બોમ્બે પ્રેસિડન્સી તરીકે ઓળખાતો વર્તમાન ગુજરાત-મુંબઈનો સમગ્ર પ્રદેશ બ્યુબોનિક પ્લેગનું એપિસેન્ટર બન્યો. હજારો જણા માર્યા ગયા ત્યારે ગોરી સરકાર કુંભકર્ણ નિદ્રામાંથી સફાળી જાગી. મહામારીને કાબૂમાં લેવાના મરણિયા પ્રયાસો તાબડતોબ શરૂ કરવામાં આવ્યા. મુંબઈ પ્રાંતમાં ઠેર ઠેર કામચલાઉ દવાખાનાં ઊભાં કરાયાં, ચેપગ્રસ્તો માટે ક્વોરન્ટીન મથકો તૈયાર કરવામાં આવ્યાં અને અંગ્રેજ તબીબોની ટીમને ખડેપગે રાખવામાં આવી.
■
આ બધાં આવશ્યક પગલાં માટે ગોરી સરકારને ચોક્કસ બિરદાવવી રહી. પરંતુ મહામારીમાં ગોરા અમલદારોએ ભરેલાં અમુક અમાનુષી પગલાં બદલ તેમને માફ કરી ન શકાય. બન્યું એવું કે પ્લેગનો રોગ સમગ્ર મુંબઈ પ્રાંતને સકંજામાં લઈ ચૂક્યો ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગોરી સરકારે Epidemic Diseases Act, 1897/ મહામારી અધિનિયમ નામનો કાયદો ઘડી કાઢ્યો, જે મુજબ દેશમાં કે દેશના ચોક્કસ પ્રાંતમાં મહામારી ફેલાય ત્યારે તેની રોકથામ માટે સરકારને જરૂરી કાનૂની તેમજ તબીબી કાર્યવાહી કરવાની સત્તા મળી. સરકાર દ્વારા લેવાતાં પગલાં સામે વાંધો-વિરોધ કે રૂકાવટ કરનાર વ્યક્તિ સામે ધારા ૧૮૮ હેઠળ કાનૂની કાર્યવાહી કરી શકાતી હતી. કાયદાની આંખે પટ્ટી બાંધી હોવાનું કહેવાય છે, પણ કાયદાના પાલકો જ્યારે આંખે ડાબલા પહેરે ત્યારે શું બને તે જુઓ.
Epidemic Diseases Act ઘડવામાં આવ્યા પછી તેના અમલીકરણની જવાબદારી પૂણેના આસિસ્ટન્ટ કમિશનર વોલ્ટર ચાર્લ્સ રેન્ડને સોંપાઈ. આ ધૂર્તે પ્રજાલક્ષી કાયદાને પ્રજાની વિરુદ્ધ વાપર્યો. ગોરી ત્વચાના સૈનિકોની બનેલી લશ્કરી ટુકડી મેદાનમાં ઊતારી. બોમ્બે પ્રેસીડન્સીના મુંબઈ-પૂણે જેવાં શહેરોમાં અકેક ઘરમાં જવું, ત્યાં દવાનો છંટકાવ કરવો અને ઘરમાં કોઈ ચેપગ્રસ્ત હોવાનું માલૂમ પડે તો તેને તત્કાળ સારવાર કેંદ્રમાં અગર તો ક્વોરન્ટીન વોર્ડમાં પહોંચાડવો એ ટુકડીનું મુખ્ય કાર્ય હતું. પરંતુ ભારતીયો પ્રત્યે દ્વેષ ધરાવતા વોલ્ટર રેન્ડે તે કાર્ય બજાવવામાં ભારે ક્રૂરતા દાખવી.
શહેરના અકેક ઘરમાં તેના સૈનિકો બળજબરીપૂર્વક ઘૂસવા લાગ્યા. પ્લેગના વાહક ઉંદરોને શોધવા માટે ઘરનો સાજસામાન રફેદફે કરી દેવો, તોડફોડ મચાવવી અને ઘરની કોઈ વ્યક્તિ રખે પ્લેગનો શિકાર બની હોય તો મકાનનો બધો સરસામાન તેમજ રાશન બહાર કાઢી તેને પૂળો ચાંપી દેવો અંગ્રેજ સૈનિકોનો દૈનિક ક્રમ બન્યો. સરેરાશ હિંદુના ઘરમાં એકાદ દેવસ્થાન હોય. મકાનમાં તોડફોડ મચાવનારા ગોરા સૈનિકોએ તેને પણ ખંડિત કરવામાં કસર ન રાખી. દેવ-દેવીઓની મૂર્તિને જમીન પર પટકી દેતાં તેમને રતીભાર ક્ષોભ નડતો ન હતો. મંદિરોમાં જોડાં પહેરીને ઘૂસી જતા ગોરાઓએ ત્યાં સ્થાપિત મૂર્તિઓનો પણ આદર ન રાખ્યો. કોમ્બિંગ ઓપરેશનના નામે થતા આવા અત્યાચારોને ભારતની ગુલામ પ્રજાએ નીચી મુંડી રાખી મૂંગા મોઢે સહન કર્યે રાખવા પડતા હતા. અહીં તસવીરમાં બતાવ્યું છે તેમ ઘણાં શહેરોના રહીશોને પકડી પકડી લાકડાના ટબમાં બેસાડીને તેમના પર જલદ રસાયણયુક્ત દવાનો પરબારો છંટકાવ કરવામાં આવતો હતો.
■
Epidemic Diseases Act હેઠળ ભારતીયો પર ગુજારવામાં આવતો માનસિક અને આર્થિક ત્રાસ આટલા પૂરતો સીમિત ન રહ્યો. માણસાઈનો દીવો પ્રગટાવવા માટે સંસ્કારનું સમ ખાવા પૂરતુંય ટીપું ન ધરાવતો વોલ્ટર રેન્ડ બે ડગલાં આગળ વધ્યાે. ભારતીય સ્ત્રી-પુરુષોને જાહેરમાં એકઠા કરવામાં આવે, સૌને વસ્ત્રો ઉતારવાની ફરજ પાડવામાં આવે અને ત્યાર બાદ અંગ્રેજ નરાધમો અામાન્યાની ઐસીતૈસી કરી સૌનાં (સ્ત્રીઓનાં પણ) સાથળ અને બગલ તપાસે! (પ્લેગના રોગીને બગલમાં તેમજ જંઘામૂળમાં bubo/ ગાંઠ થતી હોવાથી રોગને બ્યુબોનિક એવું નામ મળ્યું છે.) સ્ત્રીનું સૌથી મોટું ઘરેણું લાજ છે, પણ અહીં તો અંગ્રેજોના હાથે એ ઘરેણાંનું મૂલ્ય કોડીનું થઈ જતું હતું.
આ જલ્લાદીપણા સામે અનેક ભારતીયોએ સ્વાભાવિક રીતે વિરોધ ઉઠાવ્યો, પણ Epidemic Diseases Actની આડમાં ભારતીયો પર સિતમ ગુજારવાનો મનસૂબો સેવીને બેઠેલા પૂણેના આસિસ્ટન્ટ કમિશનર વોલ્ટર ચાર્લ્સ રેન્ડના પેટનું પાણી ન હલ્યું. ઊલટું, કાયદાને હાથો બનાવી તેણે ભારતીય પ્રજા પર અત્યાચારો ચાલુ રાખ્યા. જાહેરમાં વસ્ત્રહીન થવું તેમજ પોતાનાં પરિવારજનોને એવી શરમજનક સ્થિતિમાં મુકાતા જોવા, ગોરા સૈનિકોની લાઠી ખાવી, બળજબરીપૂર્વક શરીર પર દવાનો છંટકાવ થવો, વહુ-દીકરીઓનો મલાજો રાખ્યા વિના ઘરમાં બિનધાસ્ત ઘૂસી આવતા અંગ્રેજ સૈનિકોની જોહુકમી સહેવી, ઘરના સામાનની તોડફોડ તથા નુકસાની વેઠવી વગેરે બધું સરેરાશ ભારતીય માટે અસહ્ય બન્યું. આ સિતમોથી બચવા માટે હજારો લોકો મુંબઈ જેવાં શહેરો છોડીને નાસવા લાગ્યા.
■
આ બધી અંધાધૂંધી વચ્ચે લોકમાન્ય ટિળક પ્રજાનો અવાજ બનીને અંગ્રેજો સામે પડ્યા. કાયદાનો દુરુપયોગ કરવા બદલ આસિસ્ટન્ટ કમિશનર વોલ્ટર ચાર્લ્સ રેન્ડની ઝાટકણી કરતા ઘણા લેખો ટિળકે પોતાના દૈનિક અખબાર ‘કેસરી’માં લખ્યા. આ લેખોની જડ પ્રકૃતિના વોલ્ડર રેન્ડને કશી અસર ન થઈ. અસર થાય પણ ક્યાંથી? એ માટે આત્મા જોઈએ.
બીજી તરફ પૂણેમાં દામોદર હરિ, બાલકૃષ્ણ હરિ અને વાસુદેવ હરિ ચાફેકર નામના ત્રણ સરફરોશ બંધુઓના દિમાગમાં આક્રોશની લાગણી ફાટ ફાટ થવા લાગી અને હૃદયમાં ક્રાંતિની જ્વાળાનો ભડકો ઊઠ્યો. મહામારીને અટકાવવાના પ્રયાસોની આડમાં ભારતીયો પ્રત્યે થતી અમાનવીય વર્તણૂકથી કકળી ઊઠેલા ત્રણેય ભાઈઓએ આસિસ્ટન્ટ કમિશનર વોલ્ટર ચાર્લ્સ રેન્ડનું કાસળ કાઢી દેવાનો સિક્રેટ પ્લાન બનાવ્યો. રેન્ડને ગોળીએ દેવાની મુખ્ય જવાબદારી વડીલ બંધુ દામોદર હરિએ પોતાના શિરે લીધી. નાના ભાઈ બાલકૃષ્ણ હરિએ તેમને જરૂરી સહયોગ આપવાનો હતો, જ્યારે સૌથી નાના ભાઈ વાસુદેવ હરિએ જરૂર પડ્યે જ તેમની મદદમાં આવવાનું હતું.
■
જૂન ૨૨, ૧૮૯૭.
આસિસ્ટન્ટ કમિશનર વોલ્ટર ચાર્લ્સ રેન્ડ અને તેનો અંગરક્ષક-કમ-મદદનીશ લેફ્ટનન્ટ આયરેસ્ટ પૂણેમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. સાંજનો સમય હતો. ચોતરફ અંધકાર અને સન્નાટો છવાયેલો હતો. વોલ્ટર રેન્ડની બગીને જોતરેલા ઘોડાનો આછો ડાબો દૂર સુધી સ્પષ્ટ સાંભળી શકાતો હતો. બગી જ્યાંથી પસાર થવાની હતી તે ગણેશખિંડ રોડ પર ચાફેકર બંધુઓ પિસ્તોલ અને તલવાર સાથે રેન્ડની પ્રતીક્ષા કરતા ઊભા રહ્યા. અહીં યલો બંગલો નામના મકાન નજીક બગી પહોંચી કે તરત દામોદર ચાફેકરે તેમના ભાઈઓએ સૂચિત કરવા બૂમ પાડીઃ ‘ગોંદ્યા આલા રે!’ મરાઠીમાં ગોંદ્યા એ ગોવિંદા શબ્દની હુલામણી આવૃત્તિ છે.
સાવધાન થયેલી ત્રિપુટીએ બગીને સહેજ આગળ જવા દીધી અને દબાતા પાગલે તેની પાછળ ચાલવા લાગ્યા. યોગ્ય લાગ શોધીને દામોદર હરિ ચાફેકર બગીની એક તરફ ગયા, કેનવાસનો પડદો ઊંચક્યો અને નિશાન સાધવામાં એકાદ ક્ષણ ગુમાવવાને બદલે ઉપરાછાપરી ગોળીઓ દાગી દીધી. પાછળ આવી રહેલા બાલકૃષ્ણ હરિએ બંદૂક વડે બગીની કેબિન તરફ ગોળીઓ છોડી. જોતજોતામાં શું બની ગયું તેનો બગીચાલકને અણસાર આવે તે પહેલાં તો ત્રણેય બંધુઓ આસિસ્ટન્ટ કમિશનર વોલ્ટર ચાર્લ્સ રેન્ડ અને લેફ્ટનન્ટ આયરેસ્ટનું કામ તમામ કરીને રાત્રિના અંધકારમાં ઓગળી ગયા.
આ ઘટનાએ દેશના લોકોને અંગ્રેજો સામે અવાજ ઉઠાવવાની જબરજસ્ત પ્રેરણા આપી. ક્રાંતિની જ્વાળા ચોતરફ ભભૂકી ઊઠી. એક ચુગલીખોર ગદ્દારે આપેલી બાતમીના આધારે દામોદર હરિ ચાફેકર તથા બાલકૃષ્ણ હરિ ચાફેકરની ધરપકડ કરવામાં આવી અને તેમના પર અદાલતી ખટલો ચાલ્યો. રાષ્ટ્રભક્તિના લેખો વડે ચાફેકર બંધુઓને ‘ઉકસાવવા’ના આરોપસર લોકમાન્ય ટિળકને પણ કઠેરામાં ખડા કરાયા, જ્યાં ઊભા રહીને તેમણે ઉચ્ચારેલું ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે...’ આઝાદીની લડાઈના ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવાનું હતું. ચાફેકર બંધુઓ સામે કોર્ટ કેસ ચાલ્યો તે દરમ્યાન યુરોપ-અમેરિકાના અખબારોમાં તેના સમાચાર છપાતા રહ્યા. મહામારીનું નિયંત્રણ કરવા જતાં આસિસ્ટન્ટ કમિશનર વોલ્ટર ચાર્લ્સ રેન્ડ અને તેના અંગ્રેજ સૈનિકોએ ભારતીયો પર ગુજારેલા ત્રાસનો ભાંડો ત્યાંના લોકો સમક્ષ પહેલી વાર ફૂટ્યો ત્યારે બ્રિટિશહિંદની સરકાર પર રાજકીય દબાણ આવ્યું અને તેણે Epidemic Diseases Actનો દુરુપયોગ થતો અટકાવી બધું ધ્યાન ફક્ત બ્યુબોનિક પ્લેગના ફેલાવાને કાબૂમાં રાખવા પર તેમજ પીડિતોની સારવાર પર કેંદ્રિત કર્યું. પ્લેગ સામેની કારગત રસી બન્યા પછી ભારતના ૪૦ લાખ લોકોને તેનો લાભ મળ્યો, પરંતુ દરમ્યાન બ્યુબોનિક પ્લેગ એક કરોડ લોકોનો ભોગ લઈ ચૂક્યો હતો.
દેશબાંધવોના આત્મસન્માન કાજે ચાફેકર બંધુઓ ફાંસીએ ચડી ગયા, પણ ગોરી હકૂમત સામે હિંસક લડત લડી લેવાની તેમણે જે પહેલ કરી તે ભગતસિંહથી લઈને સુભાષબાબુ જેવા અનેક ક્રાંતિવીરો માટે પ્રેરણા બની એ નોંધવું રહ્યું.
માર્ચ, ૨૦૨૦. કોરોના નામની મહામારી ભારત પર ત્રાટકે છે. ૧૮૯૭ના Epidemic Diseases Act ને ત્યારે ફરી યાદ કરાય છે એટલું જ નહિ, પણ સવાસો વર્ષે પહેલી વાર તેમાં એક કલમ ઉમેરાય છેઃ ‘મહામારીમાં સેવા બજાવતા સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.’ દેશના સ્વાસ્થ્ય રક્ષકોએ દેશબાંધવોથી બચવા માટે કાયદાનું છત્ર લેવું પડે તે વિિધની કેવી વક્રતા ને માનવમૂલ્યોની કેવી અધોગતિ! ■
©Harshal Pushkarna
©કોપીરાઇટેડ મટીરીઅલ. લેખકની પરવાનગી વિના લખાણનો કે તેના ભાગનો ઉપયોગ કરવો નહિ.
Comments
Post a Comment