26 June: સિઆચેનના ‘ઓપરેશન રાજીવ’નો વિજય દિવસ

પરમવીર કેપ્ટન બાના સિંહને સલામ, અભિનંદન ને વંદન!

સમુદ્રસપાટીથી 20,000 ફીટ ઊંચાં હિમશિખરો, ઘૂંટણ સુધી ખૂંપી જવાય તેટલી જાડી હિમચાદર, શૂન્ય નીચે 40 ડિગ્રી સે‌લ્શિઅસનું અસહ્ય તાપમાન, પાતળી હવામાં‍ ઓક્સિજનનું 40 ટકા જેટલું ઓછું પ્રમાણ, પ્રત્યેક ડગલું શરીરની ઊર્જાનું ટીપેટીપું નીચવી નાખવા જેવું લાગે... આ છે સિઆચેન યુદ્ધક્ષેત્ર!‍‍

આ બધા પડકારો સામે હંમેશાં ઝઝૂમતા આપણા ‌જવાનોએ ‘ઓપરેશન રાજીવ’ હેઠળ જૂન, 1987માં સિઆચેનના પહાડોમાં પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ ખેલવાનું થયું હતું. સિઆચેનની સૌથી ઊંચી (21,200 ફીટ) કાઇદ પોસ્ટ પર કબજો જમાવીને બેઠેલા પાકિસ્તાનીઓ સામે લડીને ગમે તે ભોગે ત્યાં ત્રિરંગો લહેરાવવાનો હતો.

કાઇદ પોસ્ટ સુધી પહોંચવામાં 1,500 ફીટ ઊંચી, તીવ્ર ખૂણો ધરાવતી હિમકરાડ ચઢવાની હતી. મિશન ઇમ્પોસિબલ જેવું તે કાર્ય નાયબ સુબેદાર બાના સિંહ મુલતાનીના શિરે આવ્યું. ચાર સાથી જવાનોને લઈને તેઓ જૂન 26, 1987ના રોજ ઉપડ્યા. ઊંચી ચોકી પર બેઠેલા શસ્ત્રસજ્જ શત્રુને આગમનની ગંધ ન આવે તે રીતે કરાડ પર ચડયા.

પાકિસ્તાનના ૧૭ સૈનિકો સામે સ્વયં સહિત ૫ જવાનોને મેદાને જંગમાં ઊતારીને, સત્તર પૈકી સાત દુશ્મન સૈનિકોને એકલહથ્થે પૂરા કરીને, ઘવાયેલા ઉપરી અફસરનો તેમજ સાથી જવાનનો જીવ બચાવીને તેમજ જીતાયેલી દુશ્મન ચોકીનું આખી રાત કડકડતી ઠંડીમાં રખોપુ કરીને નાયબ સુબેદાર બાના સિહે અદ્ભુત નેતૃત્વનો તેમજ નીડરતાનો દાખલો બેસાડ્યો. સિઆચેનની સૌથી ઊંચી ચોકી ભારતના હાથમાં આવી. હજી ભારતના હાથમાં છે.

‘ઓપરેશન રાજીવ’ને સફળ બનાવવા માટે અને (અમદાવાદના કેપ્ટન નીલેશ સોની જેમાં વીરગતિ પામ્યા હતા તે) એપ્રિલ, ૧૯૮૪થી અધૂરા રહી ગયેલા ‘ઓપરેશન મેઘદૂત’ને સમાપને પહોંચાડવા બદલ નાયબ સુબેદાર બાના સિંહને સૈન્યના સર્વોચ્ચ ખિતાબ પરમવીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા. કેપ્ટનનો માનભર્યો હોદ્દો એનાયત કરાયો.


‘આ છે સિઆચેન’ પુસ્તકના તેમજ ‘પરમવીર ચક્ર’ પુસ્તકના સંદર્ભે પરમવીર બાના સિંહને અત્યાર સુધી કુલ 3 વખત મળવાનું થયું. ૨૦૧૮ના આરંભે તો કડિયાલ (જમ્મુ) ખાતે આવેલા તેમના નિવાસસ્થાને જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. અહીં તેમની જોડે બે કલાક પુષ્કળ વાતો થઈ.

છૂટા પડતી વખતે મેં તેમને કહ્યું, ‘સર ! એક બિનતી હૈ... ક્યા મૈં આપ કા પરમવીર ચક્ર દેખ સકતા હૂઁ ?’


‘હાઁ જી, જરૂર દેખ સકતે હો...’ કહીને બાના સિંહ બાજુના રૂમમાં ગયા અને ફૌજી કારકિર્દીમાં તેમને મળેલા તમામ ચંદ્રકો હથેળીમાં મૂકીને લેતા આવ્યા. ચંદ્રકોની હરોળમાં સૌથી પહેલો પરમવીર ચક્ર જાઇને અહોભાવની લાગણીનો કરન્ટ આખા શરીરમાં ફરી વળ્યો. આંખમાં ઝળઝળિયાં આવી ગયાં ને શ્વાસ ઘડીભર થંભી ગયો.

લાગણીઓના ઘોડાપૂરને માંડ કાબૂમાં રાખીને ફરી વિનંતી કરી, ‘ક્યા ઇસ શૌર્યપ્રતીક કો મૈં છૂ સકતા હૂઁ?’


બાના સિહે પરવાનગી આપી, એટલે અત્યંત આદરભાવે પરમવીર ચક્રને સ્પર્શ કર્યો. બે હાથ વડે તેને નતમસ્તક વંદન કર્યા વિના રહેવાયું નહિ. વીરતના પ્રતીકરૂપી ચંદ્રકનો તેમજ એ ચંદ્રકને પોતાની છાતીએ શોભાવનાર પરમવીર બાના સિંહનો સાક્ષાત્કાર થવો એ મારા માટે જીવનની શ્રેષ્ઠ પળોમાંથી એક હતી--અને શ્રેષ્ઠ પળો ભુલાવા માટે સર્જાતી નથી.

હમણાં થોડી જ વાર પહેલાં પરમવીર કેપ્ટન બાના સિંહ જોડે ટેલિફોનિક વાર્તાલાપ થયો. ‘ઓપરેશન રાજીવ’ વિજયદિનની તેમને મુબારકબાદી આપી ત્યારે રાબેતા મુજબની સાલસતા દાખવીને તેઓ બોલ્યા, ‘વહ તો હમારા ફર્ઝ થા...દેશ હૈ તો હમ હૈ!’

Comments

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન