ઇલોન મસ્ક જેવા ઘણાખરા સ્વપ્નદૃષ્‍ટા સાહસિકો અમેરિકામાં જ કેમ પાકે છે?

વિજ્ઞાન-ટેક્નોલોજિના વિકાસ અર્થે અમેરિકાએ અપનાવેલી નીતિનું અનુકરણ કરવા જેવું છે

------------------------------

ઈ.સ. ૨૦૦પનું વર્ષ હતું. અમેરિકાની સ્‍પેસ એજન્‍સી NASA/ નાસાએ તે વર્ષે ઘોષણા કરી કે પૃથ્‍વી અને અંતરિક્ષ વચ્‍ચે ખેપ કરનારા સ્‍પેસ શટલ અવકાશયાનને નાસા હંમેશ માટે તિલાંજલિ આપવાનું ગંભીરતાથી વિચારે છે. આ સમાચારે ફક્ત અમેરિકામાં નહિ, અન્‍ય દેશોમાં પણ ખળભળાટ મચાવી દીધો. સ્‍પેસ શટલને વિદાય દીધા પછી અમેરિકાનો છેક ૧૯૬૮થી ચાલતો સમાનવ સ્‍પેસ પ્રોગ્રામ આગળ શી રીતે ધપશે તે અંગે સવાલો ઊઠ્યા. ચિંતાનું વાતાવરણ સર્જાયું.

ચિંતા સકારણ હતી. એપ્રિલ ૧૨, ૧૯૮૧ના રોજ સ્‍પેસ શટલની પહેલી સફળ ફ્લાઇટ યોજાઈ ત્‍યાર પછી એ અવકાશયાને કુલ ૧૩પ વખત પૃથ્‍વી- અંતરિક્ષ વચ્‍ચે આંટાફેરા કર્યા હતા. હબલ જેવા ટેલિસ્‍કોપથી માંડીને ઇન્‍ટરનેશનલ સ્‍પેસ સ્‍ટેશન માટે જરૂરી પુરજા, સામગ્રીઓ તથા અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં પહોંચાડ્યા હતા. આથી સ્‍પેસ શટલ નિવૃત્તિ લે તેમાં જગતને સમાનવ અવકાશયાત્રાના સાડા ત્રણ દાયકા લાંબા અમેરિકન યુગનું પૂર્ણવિરામ આવતું દેખાયું. 

બીજી તરફ ઇલોન મસ્‍ક નામના સ્‍વપ્નદૃષ્‍ટા શખ્સના મસ્‍તિષ્‍કમાં વિચારોની ગાડી જુદા પાટે ચાલતી હતી. અમેરિકાનો સમાનવ સ્‍પેસ પ્રોગ્રામ આગળ ધપાવવા શું કરવું જોઈએ તેનાં લેખાંજોખાં ઇલોને શરૂ કરી દીધાં હતાં. સ્‍પેસ શટલનું સ્‍થાન લઈ શકે તેવાં, પરંતુ વજનમાં (તથા કિંમતમાં) હળવાં રોકેટ બનાવી ભવિષ્‍યમાં સમાનવ અવકાશયાત્રા યોજવાનાં તેમજ સ્‍પેસ ટૂરિઝમનું નવું ક્ષેત્ર વિકસાવવાનાં ખ્વાબ ઇલોને સેવ્યાં. અવકાશયાત્રા ક્ષેત્રે નાસાનો ‘ઇજારો’ જોતાં ઇલોન મસ્‍કનું સપનું ત્‍યારે અનેક લોકોને દિવાસ્વપ્ન લાગ્યું હશે, પણ ૨૦૧૨માં એટલે કે સ્‍પેસ શટલને તિલાંજલિ અપાયાના અાગામી વર્ષે જ્યારે ઇલોનની SpaceX કંપનીએ ફાલ્‍કન-1 નામના રોકેટનું સફળ પરીક્ષણ કરી દેખાડ્યું ત્‍યારે જગતે માનવું પડ્યું કે, ‘લડકે મેં દમ હૈ!’ ઇલોનની વય ત્‍યારે ૩૭ વર્ષ હતી.

હવે મે ૩૧, ૨૦૨૦ના દિવસે બે અવકાશયાત્રીઓને ફાલ્‍કન-9 નામના રોકેટ દ્વારા ભૂસપાટીથી ૪૦૦ કિલોમીટર ઊંચે ઇન્‍ટરનેશનલ સ્‍પેસ સ્‍ટેશન/ ISS સુધી સહીસલામત પહોંચતા કરીને ઇલોન મસ્‍કે અમેરિકામાં ૨૦૧૧થી અટકી પડેલી સમાનવ અવકાશયાત્રાનાં શ્રીગણેશ કર્યાં. ૨૦૧૧થી અત્‍યાર સુધી અમેરિકી અવકાશયાત્રીઓ રશિયાના રોકેટ મારફત અંતરિક્ષમાં જતા હતા. ઇલોનની SpaceX કંપનીએ અમેરિકાને ફાલ્કન-9 થકી અવકાશયાત્રાના મામલે ફરી આત્‍મનિર્ભર બનાવી દીધું.

જગતના બહુધા લોકો અમુક દિવસો કે અમુક મહિના આગળનું વિચારીને આજે કામકાજનું આયોજન કરે. બીજી તરફ ઇલોન મસ્‍કની દૃષ્‍ટિ ૧પથી ૨૦ વર્ષ દૂરના ભવિષ્‍ય સુધી પહોંચી શકે છે. આથી જ સ્‍પેસ શટલનું ખાલી પડેલું સ્‍થાન લઈ શકે તેવાં રોકેટ બનાવવાનું કામ તેમણે આજથી પંદર વર્ષ પહેલાં શરૂ કરી દીધું હતું. 

ફાલ્કન-9ની સફળતા પછી હવે ઇલોન મસ્કની SpaceX કંપની અંતરિક્ષમાં પર્યટનની નવી દિશા ખોલવા જઈ રહી છે. મતલબ કે ઇલોન મસ્‍ક નિશ્ચિત રકમના બદલામાં પર્યટકોને અંતરિક્ષની તેમજ  ઇન્‍ટરનેશનલ સ્‍પેસ સ્‍ટેશનની સહેલ કરાવવા માગે છે. આ નવું પર્યટન ક્ષેત્ર હાલમાં વર્ષેદહાડે ૪૦૦ અબજ ડોલરનો તગડો બિઝનેસ કરાવી શકે છે, પણ દસેક વર્ષમાં તો આંકડો ૮૦પ અબજ ડોલરના આંકડે પહોંચવાની સંભાવના છે. આથી સ્‍પેસ ટૂરિઝમના ક્ષેત્રે જે સૌથી પહેલાં ઝંપલાવે તેની તિજોરી ‘ઓવરફ્લો’ થાય એ નક્કી વાત છે. મે ૩૧, ૨૦૨૦ના રોજ ઇલોન મસ્કની SpaceX કંપનીને મળેલી સફળતા જોતાં ધનલાભના યોગ ઇલોનના હશે.

આજથી સાડા છ દાયકા પહેલાં અમેરિકા અને રશિયાએ શરૂ કરેલો સ્‍પેસ પ્રોગ્રામ સંપૂર્ણપણે સરકારી સંસ્‍થાઓના હાથમાં રહ્યો. આટલાં વર્ષે પહેલી વાર સ્‍પેસ પ્રોગ્રામમાં એક ખાનગી કંપની SpaceXનું આગમન થયું એ હવે જાણીતી વાત છે. ઓછી જાણીતી અને જાણવાલાયક બાબત બીજી છેઃ સાડા છ દાયકા પહેલાં અમેરિકાનો અને સોવિયેત રશિયાનો સ્‍પેસ પ્રોગ્રામ લગોલગ શરૂ થયો હતો. અમુક મામલે તો રૂસી સંશોધકોએ અમેરિકન સંશોધકોને ઝાંખા પાડી દીધા હતા. તો પછી એવું તે શું બન્‍યું કે જેને કારણે સ્‍પેસ પ્રોગ્રામમાં રશિયા કરતાં પાછળ રહી ગયેલું અમેરિકા ઓવરટેક કરીને સડસડાટ આગળ નીકળી ગયું? ચંદ્રની ભૂમિ પર પહેલો પગ માંડનાર અવકાશયાત્રી રશિયન નહિ, પણ અમેરિકન હોવાનું અને હવે સ્‍પેસ પ્રોગ્રામમાં સરકારી ઇજારો તોડનાર કંપની રશિયન નહિ, પણ અમેરિકન SpaceX હોવાનું શું કારણ?

જવાબ રસપ્રદ છે એટલું જ નહિ, આપણા દેશે તેમાંથી ઘણું શીખવા જેવું છે. 
જગતનો સૌપ્રથમ ઉપગ્રહ ‘સ્પુતનિક’ સોવિયેત રશિયાએ ઓક્ટોબર ૪, ૧૯પ૭ના રોજ અંતરિક્ષમાં ચડાવ્યો હતો. આ ઉપગ્રહ માટે જરૂરી રોકેટ સર્ગેઇ કોરોલ્યેવ નામના રશિયન ઇજનેરની દિમાગી ઊપજ હતી. રોકેટનો આઇડિઆ જગતને આપનાર કોન્સ્તેન્તિન ત્સિઓલ્કોવ્સ્કી નામનો ભેજાબાજ પણ રશિયન હતો. અમેરિકાના રાઇટ બંધુઓનું પહેલું પ્લેન હજી તો આકાર પણ નહોતું પામ્યું ત્યારે કોન્સ્તેન્તિને ૧૮૯૫માં સૂચવ્યું હતું કે અંતરિક્ષમાં રોકેટને લાંબે સુધી મોકલવું હોય તો તેને ત્રણ-ચાર તબક્કામાં વહેંચી દેવું જોઈએ. આ આઇડિઆને અમલમાં મૂકીને અમેરિકાની નાસા સંસ્‍થાએ સેટર્ન-5 નામનું રોકેટ બનાવ્યું અને ૧૯૬૯માં તેના મારફત નીલ આર્મસ્‍ટ્રોંગને ચંદ્ર સુધી પહોંચાડ્યા હતા. 

ENIAC નામનું દુનિયાનું સૌથી પહેલું કમ્પ્યૂટર અમેરિકાએ ૧૯૪૫ બનાવ્યું એ જાણીતી વાત છે. પરંતુ કમ્પ્યૂટર બનાવવામાં રશિયનો પાછળ નહોતા. ૧૯૫૦માં તેમણે 'Large Electronic Computing Machine' નામનું વધુ પાવરફુલ કમ્પ્યૂટર બનાવી દીધું હતું. ભૌતિકસિદ્ધાંતો વડે લેસર કિરણોના આઇડિઆનો પાયો જેમણે નાખ્યો અને તે બદલ ૧૯૬૪નું નોબલ પારિતોષિક મેળવ્યું તે એલેક્ઝાન્ડર પ્રોખોરોવ રશિયન હતા. જગતનું સૌપ્રથમ સફળ હેલિકોપ્ટર ઇગોર સિકોર્સ્કી નામના રૂસી ભેજાબાજના હાથે બન્યું, તો અંતરિક્ષમાં માનવજાત વતી પહેલી હાજરી પૂરાવનાર અવકાશયાત્રી યુરી ગગારિન પણ રશિયન હતા.

વૈજ્ઞાનિક શોધ-સંશોધનોમાં અમેરિકા સામે સોવિયેત રશિયાની સરસાઈ દર્શાવતાં બીજાં ઘણાં ઉદાહરણો આપી શકાય તેમ છે. ધ્‍યાનમાં લેવા જેવી વાત એ કે સોવિયેત રશિયાએ જગતને ઉપગ્રહ, રોકેટ, લેસર, કમ્પ્યૂટર વગેરે જેવી પાયાની મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધો આપી હોવા છતાં આજે તેમાંની એકેય શોધ ખુદ રશિયા માટે ખણખણિયાં વરસાવી દેતા વિશાળ ઔદ્યોગિક એકમોમાં પરિણમી નથી. દા.ત. રોકેટની ડિઝાઇનનું ‘યુરેકા!’ સોવિયેત રશિયામાં થયું, પણ આજે reusable/ પુનઃ વાપરી શકાય તેવું ફાલ્‍કન-9 રોકેટ બનાવવાની મહારત હાંસલ કરનાર ઇલોન મસ્‍ક અમેરિકન છે. અમેરિકાની IBM, HP, માઇક્રોસોફ્ટ, એપલ જેવી કંપનીઓના કમ્‍પ્‍યૂટર જગતભરમાં વેચાય છે, પણ રશિયન બનાવટનું કમ્પ્યૂટર ક્યાંય જોયું? સ્પેસ ટેક્નોલોજિમાં પણ રશિયા કરતાં નાસા ક્યાંય આગળ છે. 

એક સમયે વિજ્ઞાન-ટેક્નોલોજિના ક્ષેત્રે અગ્રેસર રહેલું સોવિયેત રશિયા વખત જતાં કેમ બેકગ્રાઉન્‍ડમાં સરી ગયું? મુખ્‍યત્‍વે એટલા માટે કે સોવિયેત રશિયાનાં ઘણાંખરાં વૈજ્ઞાનિક સંશોધનો તત્કાલીન સામ્‍યવાદી સરકારોના રાજકીય દબાણ હેઠળ થયાં હતાં. અમેરિકાથી બે ડગલાં આગળ રહેવાનો સોવિયેત રશિયાના શાસકોનો ભયંકર હઠાગ્રહ હતો. પરિણામે અવનવાં શોધ-સંશોધનનું મોતી વીંધી સોવિયેત સંઘનો ડંકો વગાડવા માટે તેઓ રૂસી વિજ્ઞાનીઓ પર ટોર્ચરની હદે દબાણ કરતા હતા. જેમ કે, રશિયન અણુપ્રોગ્રામના પિતામહ આન્દ્રેઇ સખારોવને દિવસોના દિવસો સુધી બંધ લેબોરેટરીમાં ‘નજરકેદ’ રાખી ફરજિયાત રિસર્ચકાર્ય કરાવવામાં આવતું. સોવિયેત સ્પેસ પ્રોગ્રામના સૂત્રધાર સર્ગેઇ કોરોલ્યેવ પર રૂસી સરમુખત્‍યાર જોસેફ સ્તાલિન વિરુદ્ધ કાવતરાં રચવાનો આરોપ મૂકી તેમને સાઇબિરિયાની જેલમાં ધકેલી દેવામાં આવ્‍યા. સાઇબિરિયાની કડકડતી ઠંડીના શીતાગારમાં કોરોલ્‍યેવ પાસે ૬ વર્ષ સુધી રોકેટવિજ્ઞાન અંગે સંશોધનકાર્ય કરાવવામાં આવ્યું. બીજા વિશ્વયુદ્ધના અરસામાં જોસેફ સ્તાલિનને મિસાઇલ બનાવવાની આવશ્યકતા જણાતાં કોરોલ્યેવને સજામાફી આપી મિસાઇલ પ્રોગ્રામમાં બળજબરીપૂર્વક જોતરી દેવામાં આવ્‍યા. વિમાનવિદ્યાના ખુરાંટ ઇજનેર આન્દ્રેઇ તુપલોવને પણ વર્ષો સુધી બંદીવાન બનાવીને તેમની પાસે વિમાનો બનાવવા અંગેનું રિસર્ચ કરાવવામાં આવ્યું હતું. હેલિકોપ્‍ટરના પ્રણેતા ઇગોર સિકોર્સ્કી પર તો સોવિયેત રશિયાની સરકારે એટલો બધો માનસિક ત્રાસ ગુજાર્યો હતો કે તેઓ દેશ છોડી અમેરિકા આવીને વસી ગયા.
સોવિયેત રશિયાના લોખંડી પડદા ઓથે આવું બધું ચાલ્યું એ દરમ્યાન અમેરિકામાં શું બન્યું તે હવે જુઓ. ૧૯૫૭માં રશિયાએ ‘સ્પુતનિક’ નામનો સૌપ્રથમ સેટેલાઇટ ચડાવ્યો ત્યારે સ્‍પેસ રેસ કહેવાતી દોડમાં અમેરિકા કેમ પાછળ રહી ગયું તેનાં કારણો શોધવા અમેરિકન સરકારે તપાસ સમિતિનું ગઠન કર્યું. સમિતિએ અહેવાલમાં જણાવ્યું કે શાળા-કોલેજના વિદ્યાર્થીઓની સર્જનશક્તિને તેમજ વિચારશક્તિને છૂટો દોર આપવાને બદલે પાઠ્યપુસ્તકોમાં તેમને બાંધી રાખવામાં આવતા હતા. પરિણામે સાયન્સ અને ટેક્નોલોજિના ક્ષેત્રે તેઓ પૂર્ણ કળાએ ખીલી શકતા ન હતા. સમિતિની ભલામણોના અનુસંધાનમાં સરકારે એવી શિક્ષણ પદ્ધતિ ઘડી કે જેના મુજબ વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસક્રમ જણાવાય અને મેક્મિલન-મેક્ગ્રોહિલ, મેરિલ પબ્લિશિંગ જેવા પ્રકાશકો શ્રેષ્ઠ લેખકોને રોકી તેમની પાસે અભ્યાસક્રમ મુજબનાં પુસ્તકો તૈયાર કરાવી લે. એક જ વિષય પર વિવિધ પ્રકાશકોનાં ૧૦-૧૨ પુસ્તકો બજારમાં મુકાય, જેમાંથી વિદ્યાર્થી મનપસંદ પુસ્તકો ખરીદી લે. વિષયને બરાબર સમજી લીધા બાદ વિદ્યાર્થીએ પરીક્ષામાં જો સારા માર્ક્સ પ્રાપ્‍ત કરવા હોય તો પુસ્તકોના લખાણને વળગી રહેવાને બદલે પોતાની મૌલિક ભાષામાં સ્પષ્ટ, રસાળ અને સચોટ જવાબ લખી સમજશક્તિનું અને સર્જનશક્તિનું પણ પ્રમાણ આપવું રહ્યું.

શિક્ષણપ્રણાલીમાં આવેલા આવા સકારાત્‍મક ફેરફારોએ અમેરિકામાં બિલ ગેટ્સ, સ્‍ટીવ જોબ્સ અને ઇલોન મસ્‍ક જેવા ‘ખોપરી’ માટે રસ્‍તો મોકળો કરી દીધો. હવે તેમણે પાઠ્યપુસ્‍તકોના ખીલે બંધાવાની જરૂર નહોતી. ઊલટું, અભ્‍યાસક્રમનું ભારણ ઘટતાં આવી ‘ખોપરીઓ’નું ફોકસ મૌલિક વિચારો, તુક્કા, લોજિક, અવનવી શોધ તેમજ સંશોધન તરફ વળ્યું. શાળા-કોલેજોની ચાર દીવાલો વચ્‍ચે ભણીને બહાર નીકળેલી સ્‍નાતકોની ફોજને બદલે અમેરિકાને વિચારકો, વિજ્ઞાનીઓ તેમજ વિદ્વાનો મળવા લાગ્યા. અમેે‌િરકાની પેટન્‍ટ ઓફિસો અવનવી વૈજ્ઞાનિક શોધખોળોની પેટન્ટ અરજીઓથી ઊભરાવા લાગી.

શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તનની લગોલગ અમેરિકન સરકારે વિજ્ઞાનીઓને, ઇજનેરોને તેમજ સંશોધકોને પોતપોતાનું કામ કરવા માટે છૂટો દોર આપી દીધો. અવનવાં શોધ-સંશોધનો માટે સરકારે ન તેમના પર રાજકીય દબાણ કર્યું કે ન તેમના કાર્યમાં દખલગીરી કરી. ભારત જેવા દેશોનું બુદ્ધિધન પોતાને ત્‍યાં તેડાવ્યું, જ્યાં સૌને મુક્ત વાતાવરણ મળતાં કલ્પનાશક્તિને તેમજ વિચારશક્તિને પાંખો ફૂટી. પરિણામ? સંરક્ષણ, સ્પેસ ટેક્નોલોજિ, કમ્‍પ્‍યૂટર ટેક્નોલોજિ જેવાં અનેક ક્ષેત્રે અમેરિકાએ વિશ્વબજાર સર કરી લીધું.

વિજ્ઞાન-ટેક્નોલોજિના ક્ષેત્રે પંદરથી વીસ વર્ષ પછીનાં સ્‍થિતિસંજોગો આજે ભાખી શકતા ઇલોન મસ્‍ક, i-phone વડે મોબાઇલ ફોનની વ્‍યાખ્‍યા ધરમૂળથી બદલી નાખનાર સ્‍ટીવ જોબ્સ, જગતના કરોડો કમ્‍પ્‍યૂટરને જેના વિના ન ચાલે તે વિન્‍ડોઝ ઓપરેટિંગ સિસ્‍ટમના શોધક બિલ ગેટ્સ, કમ્‍પ્‍યૂટર તેમજ મોબાઇલ ફોન વાપરનારા લોકોના જીવ સાથે વણાઈ ચૂકેલા ગૂગલના સ્‍થાપક સર્ગી બ્રિન અને લેરી પેજ, દુનિયાની અડધોઅડધ વસ્‍તીને ફેસબુકનો ચસ્‍કો લગાડનાર માર્ક ઝકરબર્ગ વગેરે જેવા સ્‍વપ્નદૃષ્‍ટાઓ અમેરિકામાં કેમ પાકે છે તે સમજાયું? આ બધા ‘ખોપરીઓ’ને અમેરિકી સરકારે પાઠ્યપુસ્‍તકના ખીલે મુશ્‍કેટાટ બાંધી રાખ્યા હોત અને તેમની સમજશક્તિ તથા સર્જનશક્તિનું બાળમરણ કરી નાખ્યું હોત તો?

ઉપરોક્ત ઉદાહરણો આપણે ધ્‍યાનમાં લેવા જેવા છે અને પોપટનેય આંટી જતા  મેમરી પાવર આધારિત ભણતર પદ્ધતિનાં મૂળિયાં ખેંચી કાઢી સમજશક્તિ અને સર્જનશક્તિ પર આધારિત ગણતર પદ્ધતિ દાખલ કરવાની જરૂર છે. ભારતનું બુદ્ધિધન ત્‍યાર પછી અમેરિકાની વાટ નહિ પકડે, ઇલોન મસ્‍ક જેવા સંખ્‍યાબંધ સ્‍વપ્નદૃષ્‍ટા સાહસિકો આપણે ત્‍યાં પાકશે અને દેશની પેટન્ટ ઓફિસો વિવિધ શોધ-સંશોધનની પેટન્‍ટ અરજીઓથી ઊભરાશે. ■

Comments

Popular posts from this blog

Vijaygupta Maurya