આહાર-ઉપવાસ-એનેમાઃ અલ્ટિમેટ ઇમ્યુનિટી બૂસ્‍ટર

પાચનતંત્રની ખરાબીને કારણે શરીરમાં થતી રોગરૂપી ખાનાખરાબી અટકાવવાનો ‘થ્રી-ડી’ ઉપચાર


મોરારજી દેસાઈ ભારતના વડા પ્રધાન હતા ત્‍યારે તેમણે કોમનવેલ્‍થ સભ્‍યોની મીટિંગમાં હાજરી આપવા આફ્રિકી દેશ ઝૈર પ્રજાસત્તાક જવાનું થયું હતું. મોરારજી ભાઈ જેટલા ચુસ્‍ત ગાંધીવાદી હતા એટલા જ ચુસ્‍ત ‘સ્‍વાસ્‍થ્યવાદી’ પણ ખરા. માનવજાત ખોરાક રાંધતી થઈ ત્યારથી અનેકવિધ માંદગીમાં સપડાતી થઈ એવા મતલબની કદાચ તેમની માન્‍યતા હતી, એટલે રાંધ્‍યા વિનાનો ખોરાક લેવાની તેમણે આદત કેળવી હતી. ભારતમાં તો જાણે એવો ખોરાક મળી રહે, પરંતુ ઝૈર પ્રજાસત્તાકમાં યોજાનારી મીટિંગમાં મોરારજી ભાઈને માફક આવતા ભોજનની સગવડ ન સચવાય એ નક્કી હતું. મીટિંગમાં વળી રાજકીય આગેવાનો સાથે બેસીને ભોજન લીધા વિના પણ ન ચાલે. આથી મોરારજી ભાઈએ પોતાનું મેન્‍યુ-કાર્ડ જાતે તૈયાર કર્યું અને વિદેશ મંત્રી નટવર સિંહ મારફત ઝૈર પ્રજાસત્તાકની સરકારને મોકલી આપ્યું. આ રહી મેન્‍યુ-કાર્ડની ‘વાનગીઓ’ઃ

સવારનો નાસ્‍તોઃ લાલ, મીઠાં અને રસાળ ગાજરનો જ્યૂસ.

બપોરનું ભોજનઃ કાચા લસણની પાંચ પેશીઓ, અડધો લિટર ગાયનું મોળું દૂધ, ગાયના દૂધનું પ૦ ગ્રામ પનીર, કેળાં, લીચી, કેરી, સફરજન, પપૈયું જેવાં ફળો, પ૦ ગ્રામ કાજુ, ૨૦ ગ્રામ બદામ, પ૦ ગ્રામ પિસ્‍તા અને પ૦ ગ્રામ મગફળીના શેકેલા દાણા.

બપોરની ચાના સમયેઃ લીલા નાળિયેરનું પાણી અથવા તડબૂચ/સફરજનનો તાજો રસ.

રાત્રિભોજનઃ લંચમાં લીધેલી ‘વાનગીઓ’નું વન્‍સ મોર!

તેલ-ઘીમાં પકવેલાં શાકભાજી, ઘઉં-ચોખા જેવાં ધાન્‍ય, ચીઝ, બટર, ખાંડ, મીઠું, મરચું, અન્‍ય મસાલા વગેરે જેવી ચીજવસ્‍તુઓ મોરારજી ભાઈના મેન્‍યુ-કાર્ડમાં બાકાત હતી. વળી એટલા માટે હતી કે એવી ‘અખાદ્ય’ ચીજોથી તેમણે અનેક પ્રકાશવર્ષનું અંતર રાખેલું. આખી જિંદગી સૂકો મેવો, ફળફળાદિ અને દૂધનું સેવન કરી ૯૯ વર્ષનું એકંદરે સાવ નીરોગી આયુષ્‍ય ભોગવ્યું.

આ જાણ્યા પછી પેલો ફિલ્‍મી ડાયલોગ ‘अरे ये जीना भी कोई जीना है...’યાદ આવતો હોય તેમજ ચટપટી વાનગીઓ વિનાનું સાવ બેસ્‍વાદ, ફિક્કું જીવન ૯૯ વર્ષ જીવ્યા તોય શું અને ન જીવ્યા તોય શું? એવી ફિલસૂફી ઝટકારવાનું મન થતું હોય તો આગામી પંદરેક મિનિટ તે બન્‍ને લાગણીઓ પર કાબૂ રાખજો. આહારને જીભની સ્‍વાદગ્રંથિઓ વડે અને નાકની ઘ્રાણેન્દ્રિયો વડે માણવાને ટેવાયેલા મનને થોડી વાર પૂરતું શરીરવિજ્ઞાન તરફ વાળી આહાર, ઉપવાસ અને એનેમાની શરીર પર થતી અસરો સમજવા જેવી છે. પહેલાં આહારની વાત કરીએ.

***આહાર***
પાણીપૂરીથી લઈને પિત્‍ઝા જેવી એકાદ ટેસ્ટફૂલ વાનગી ખાધાનો સંતોષ મોઢામાં તેનો કોળિયો મૂકો ત્યારે મળે છે—અને તૃપ્‍તિના ‘Wow!’ અહેસાસનો સમયગાળો ૧૦થી ૧પ સેકન્ડ કરતાં વધુ હોતો નથી. પંદરેક સેકન્‍ડમાં કોળિયો જીભ પરથી લપસીને પાચનતંત્રમાં દાખલ થાય છે. અહીં વિવિધ તબક્કાઅોમાંથી પસાર થઈ નિકાલ પામતા તેને ૧,૭૨,૮૦૦ સેકન્ડ્સ લાગે—અને શરીરનો આકાર તેમજ સ્વાસ્થ્ય એ સમયગાળા દરમ્યાન નક્કી થતો હોય છે. પરંતુ જીભને માત્ર ૧પ સેકન્‍ડ ટેસડો પાડવા જતાં આપણે ઘણી વાર અખાદ્ય ખોરાક આરોગીને શરીર પર ૧,૭૨,૮૦૦ સેકન્ડ્સ સુધી ટોર્ચર કરતા હોઈએ છીએ. આયુર્વેદની દૃષ્‍ટિએ અખાદ્ય ગણાતો ખોરાક શરીર પર કેવોક જુલમ કરે એ સમજવા માટે પહેલાં ચયાપચયની ક્રિયા સમજવી રહી.

ખોરાકનો કોળિયો મોઢામાં મૂકી દાંત વડે તેને ચાવવાનું શરૂ કરો ત્યારથી પાચનક્રિયાનો આરંભ થઈ જતો હોય છે. સૌ પહેલાં લાળગ્રંથિઅો મારફત મોઢામાં ભળતા લાળરસમાં રહેલા એમાઇલેઝ નામના એન્ઝાઇમ્સ સ્ટાર્ચને શર્કરામાં ફેરવે છે. એકરસ થયા પછી લીસ્સો બનેલો ખોરાક અન્‍નનળી વાટે નીચે ઊતર્યા બાદ જઠરમાં પહોંચે છે. અહીં ખોરાક કેટલો સમય પડ્યો રહે તેનો આધાર શું ખાધું તેના પર છે. ફળો એક-દોઢ કલાકમાં વિદાય લે, પણ તેલ-મસાલાયુક્ત પંજાબી ખાણું જઠરમાંથી ચારેક કલાક સુધી ખસવાનું નામ લેતું નથી. આ સમય દરમ્યાન જઠરની આંતરિક સપાટીએ આવેલી બારીક ગ્રંથિઅોમાંથી ઝરતું પેપ્સિન નામનું દ્રવ્‍ય પ્રોટીનનું પાચન કરે છે, જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાકમાં રહેલા બેક્ટિરિઆનો નાશ કરે છે. 

જઠરમાં અર્ધપાચિત તેમજ અર્ધપ્રવાહી ખોરાક ચારેક કલાકે નાના આંતરડામાં પહોંચે, જ્યાં પિત્તરસ વડે ચરબીનું પાચન થાય છે. (પિત્તરસ એ લીવરમાં  બનતું લીલાશ પડતું પીળું પ્રવાહી છે. પાચનક્રિયામાં તેનો બહુ અગત્યનો ફાળો છે.) નાના આંતરડાની આંતરિક દીવાલો પર માઇક્રોવિલિ કહેવાતા બારીક કદના લાખો રસાંકુરો આવેલા છે, જેઅો ફેટી એસિડ, એમિનો એસિડ, પ્રોટીન, ગ્લીસરોલ વગેરે ઘટકોને શોષી લે છે. આ ઘટકો છેવટે લોહીમાં ભળે, એટલે લોહી મારફત શરીરના જે તે અવયવોને તે ઘટકોનો લાભ મળે છે. તમામ રસકસ શોષાઈ ગયા પછી અંતે પોષક દ્રવ્યોરહિત ખોરાક મોટા આંતરડાં તરફ આગળ વધી લગભગ ૪૮ કલાકે શરીરમાંથી નિકાલ પામે છે.
આ તો થઈ ચયાપચયની નોર્મલ ક્રિયા, પરંતુ દરેક વ્‍યક્તિના શરીરમાં તે નોર્મલ રીતે ચાલતી હોય એવું જરૂરી નથી. ભારતનું પ્રાચીન તેમજ પરિપૂર્ણ તબીબી વિજ્ઞાન આયુર્વેદ હંમેશાં તાજો રાંધેલો (ચૂલા પરથી સીધો ભાણામાં પીરસેલો) ખોરાક ખાવાની સલાહ આપે છે. વાસી ખોરાકમાં નથી પોષણમૂલ્ય રહેતું કે નથી મૂળભૂત સ્વાદ રહેતો, માટે તે ખોરાકને આયુર્વેદ અપથ્ય ગણે છે. આયુર્વેદ મુજબ અપથ્‍ય ખોરાકનું લિસ્‍ટ બહુ લાંબું છે અને લિસ્‍ટને અનુસરવું કે નહિ તે વ્‍ય‌ક્તિગત મામલો છે. પરંતુ એટલું ખરું કે ખોરાકમાં મેંદો, ચીઝ, બટર, પોટેટો ચિપ્‍સ, ઠંડાં પીણાં, તેલ, મરચું, મસાલા, નમક વગેરેની અતિમાત્રા ઘણી વાર પાચનક્રિયાને ખોરંભે પાડી દે છે. વધુ પડતો ચરબીયુક્ત પદાર્થ (દા.ત. ચીઝ બર્ગર) તેમજ વધુ પડતો ખારો પદાર્થ (દા.ત. પોટેટો ચિપ્સ) પિત્તરસનો વિકાર કરી શકે છે. મતલબ કે પિત્તરસ દૂષિત બની ખટાશ પકડે છે. આવો વિદગ્‍ધ પિત્તરસ ખોરાકનું પાચન કરી ન શકતાં ગેસ, એસિડિટી, કબજિયાત, માથાનો દુખાવો, ઊલટી, તાવ જેવી સમસ્‍યાઓ ઊભી થાય છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ પર તેની માઠી અસર પડવાની સંભાવના રહેલી છે. 

ટૂંકમાં, આહારમાં મોરારજી દેસાઈ જેવી લશ્‍કરી ડિસિપ્લિન ન રાખીએ તો પણ થોડીઘણી શિસ્‍ત રાખવી જરૂરી છે. આયુર્વેદ મુજબ એ શિસ્‍ત એટલે ભાણાંમાં હળવા, સુપાચ્‍ય, તાજા ખોરાકની હાજરી અને તળેલી, તીખી, ખાટી, ખારી, વાસી ચીજોની બાદબાકી!

***ઉપવાસ***
સવારે ઊઠ્યા પછી શરૂ થતી પેટની ચક્કીને રાત સુધી ઘણી વાર અને ઘણું બધું દળણું મળતું રહે છે. આથી ચયાપચયની ક્રિયા ખોરાકનાં પોષક તત્ત્વો શોષવાનું કામ કરે તે સાથે બાયપ્રોડક્ટ તરીકે લેક્ટિક એસિડ જેવી અશુદ્ધિઓ પેદા કરતી હોય છે. ઓવર ઇટિંગને લીધે ખોરાકનું બરાબર પાચન ન થાય તો પાચનતંત્રમાં આમ/ toxins બને છે. શરીર માટે તે હાનિકર્તા છે, કેમ કે અરુચિ, આળસ, અંગોમાં કળતર, પેટમાં ચૂંક અને દુખાવો વગેરે જેવી સંખ્‍યાબંધ વ્‍યાધિ નોતરી લાવે છે.

આ માઠી અસરોથી છુટકારો મેળવવાનો એક ઉપાય ઉપવાસ છે. આયુર્વેદ અને નેચરોપથી અનુસાર ઉપવાસ શરીરના ઘણા રોગોનું નિવારણ કરી આપે છે. આધુનિક એલોપથી ચિકિત્‍સા પદ્ધતિએ પણ ઉપવાસનું મહત્ત્વ સ્‍વીકાર્યું છે એટલું જ નહિ, પણ વિદેશોમાં અનેક લોકો શરીરને detoxify/ ડિટોક્સિફાય/ આમમુક્ત કરવા માટે ઉપવાસ તરફ વળ્યા છે. હિંદુઓમાં વ્રત-ઉપવાસ, એકટાણાં, જૈનોમાં એકાસણા, ચોવિયાર, અઠ્ઠાઈ, બૌદ્ધોમાં ઉપોસથા વ્રત અને મુસ્‍લિમોનાં રોજા શરીરને ડિટોક્સિફાય કરવાની ધાર્મિક પરંપરા છે. ધર્મ ઉપરાંત વધુ તો તે પરંપરા વિજ્ઞાન પર આધારિત છે. અહીં વિજ્ઞાનના જ સંદર્ભે ઉપવાસનો મહિમા સમજીએ.

ઉપવાસનો મૂળ અને મુખ્‍ય ઉદ્દેશ પાચનતંત્રને અમુક કલાકોથી લઈને ‌અમુક દિવસો સુધી આરામ આપવાનો છે. ખોરાક લીધા વિના કેટલો સમય ખેંચી શકાય એ બહુ સાપેક્ષ મામલો છે. અર્થાત્ અઠ્ઠાઈ કરતા જૈન સાધકો આઠ દિવસ અન્‍નત્‍યાગ કરી શકે, તો કેટલાક લોકો ખોરાક વિના આઠ કલાક પણ રહી શકતા નથી. આ વાસ્‍તવિકતા જોતાં ઉપવાસ ઘણી બધી રીતે કરી શકાય છે. એક પ્રચલિત પ્રકાર intermittent fasting/ ઇન્‍ટરમિટન્‍ટ ફાસ્‍ટિંગનો કે જેમાં દિવસના ૧૬ કલાક ઉપવાસ રાખી શેષ ૮ કલાક દરમ્‍યાન બે-ત્રણ વખત (બપોરે બાર પછી અને રાત્રે આઠ પહેલાં) સ્‍વાદ-રુચિ મુજબનો પૌષ્‍ટિક ખોરાક લેવાનો હોય છે.

સોળ કલાક સુધી અન્‍નનો દાણો સુધ્ધાં ન મળે ત્‍યારે શરીરનું કામકાજ ખોરંભાય એવું ધારી બેસીએ. પરંતુ ઉપવાસને પહોંચી વળવા માટે શરીર પાસે પોતાની બેક-અપ સિસ્‍ટમ છે. સૌ પહેલાં લીવર સક્રિય બની ગ્‍લાઇકોજેનનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરવા લાગે છે. મગજથી લઈને કિડની સુધીના અવયવો માટે ગ્લુકોઝ સૌથી મહત્ત્વનું પોષક તત્ત્વ છે. લીવરમાં રહેલો ગ્લાઇકોજેનનો પુરવઠો ખૂટી જાય ત્‍યાર પછી શું? શરીર પાસે વધુ એક બેક-અપ છે. માંસપેશીઓમાં ગ્‍લાઇકોજેનનો કેટલોક સ્‍ટોક હોય છે. જરૂર પડ્યે તે સ્‍ટોક એમિનો એસિડમાં રૂપાંતર પામી લીવરમાં પહોંચે છે, જ્યાં લીવર તેને ગ્લુકોઝમાં ફેરવી નાખે એટલે શરીરને એનર્જીનો વધુ એક બૂસ્‍ટર ડોઝ મળ્યો સમજો. માંસપેશીનું પ્રોટીન પણ શરીરને કેલરીરૂપી ઊર્જા આપી શકે છે.

આમ, ઉપવાસનો ઇન્‍ટરમિટન્‍ટ ફાસ્‍ટિંગ જેવો તરીકો અપનાવવામાં આવે ત્‍યારે પેટ ખાલી હોવા છતાં શરીરની બાયોલોજિકલ ક્રિયાઓમાં ખાસ વિક્ષેપ આવતો નથી. ઊલટું, પાચનતંત્રમાં જમા થયેલો આમ (ટોક્સિન્‍સ) તથા આંતરાડામાં પડી રહેલો કચરો આસ્‍તે આસ્‍તે નિકાલ પામતાં શરીરમાં શક્તિ-સ્‍ફૂર્તિનો સંચાર થાય છે. તબીબી પરીક્ષણોમાં જાણવા મળ્યું છે તેમ ઉપવાસ દરમ્‍યાન શ્વેત રક્તકણોનું ઉત્‍પાદન વધતાં રોગ પ્રતિકારક શક્તિ વધુ પાવરફુલ બને છે. (શ્વેત કણોમાં રહેલું સાઇટોકાઇન પ્રોટીન કોરોના જેવા વિષાણુના હુમલા સામે લડતું હોય છે.) જીભના ચટાકા માટે કરીને પેટમાં પધરાવવામાં આવતો બિનજરૂરી ખોરાક ઇન્‍ટરમિટન્‍ટ ફાસ્‍ટિંગ જેવા ઉપવાસ દરમ્‍યાન બંધ થતાં શારીરિક વજનમાં ક્રમશઃ ઘટાડો આવે તે વધારાનો ફાયદો! 

છેલ્‍લે ઉપવાસનો મહિમા સમજાવતા આયુર્વેદનાં યાદ રાખવા જેવાં બે વાક્યોઃ (૧) ‘લંધનમ્‌ પરમ્‌ ઔષધમ્‌’ એટલે કે ઉપવાસ એ ઉત્તમ ઔષધ છે. (૨) ‘આહારં પચતિ શીખી, દોષાન્‌ આહાર વર્જિતઃ’ અર્થાત્ જઠરાગ્નિનું કાર્ય ભોજનને પચાવવાનું છે, પરંતુ ભોજનની ગેરહાજરીમાં તે શરીરના દોષોને (ટોક્સિન્‍સ) પચાવે છે.

***એન‌‌િમા (બસ્ત‌‌િ)***
પાચનતંત્રને રોજના કુલ ૧પ-૧૬ કલાક આરામ મળતો હોય ત્‍યારે શરીરના બાયોકેમિકલ તંત્રને દેહશુદ્ધિ માટેનો અવસર મળે છે. દરરોજ ‘વિઝિટે’ જઈ આવ્યા, એટલે આંતરડાંમાં જમા થયેલા બધા કચરાનો નિકાલ થઈ ગયો એમ માની લેવાની જરૂર નથી. આંતરડાંના ખાંચામાં જૂનો મળ બાઝેલો હોય છે. ઇન્‍ટરમિટન્‍ટ જેવા કે પછી જૈનોના અઠ્ઠાઈ જેવા ઉપવાસ દરમ્‍યાન તે અશુદ્ધિનો આસ્‍તે આસ્‍તે નિકાલ થતો રહે છે.

નિકાલની વધુ એક તેમજ ઇન્‍સ્‍ટન્‍ટ પદ્ધતિ એનેમા લેવાની છે. આયુર્વેદમાં તેને બસ્તિ તરીકે ઓળખવામાં આવે છે. શરીરમાં વાયુના પ્રકોપને કારણે થતા ૮૦ પ્રકારના જે રોગો મહર્ષિ વાગ્ભેટે ‘અષ્ટાંગ હૃદય’ (આઠ અંગરૂપે આયુર્વેદનું હાર્દ) ગ્રંથમાં વર્ણવ્યા છે તેમાં બસ્તિ ચિકિત્સા અકસીર સાબિત થાય છે. સાદું પાણી, ઔષધયુક્ત તેલ કે મધયુક્ત ઉકાળો નળી વાટે ગુદામાર્ગે દાખલ કરીને મોટા આંતરડાં સુધી પહોંચાડવાની તબીબી ક્રિયાને એનેમા અથવા બસ્‍તિ કહે છે. બસ્‍તિક્રિયા પૂરી થતાં પ્રવાહીને કેટલોક સમય આંતરડામાં રાખવાનું હોય છે. આંતરડાની આંતરિક સપાટી પર ખૂણેખાંચરે બાઝેલી અશુદ્ધિઓ તે પ્રવાહીમાં ભળ્યા પછી છેવટે ૧૦થી ૧પ મિનિટે મળમાર્ગે ઉત્‍સર્જન પામે છે.

ટૂંકમાં, એનેમા અથવા બસ્તિક્રિયા આંતરડાનું સફાઈ  અભિયાન છે, જે સંપન્‍ન થયા પછી વાયુના રોગો શાંત થાય છે. સમગ્ર પાચનતંત્ર સુધરે છે. આપણું જ નહિ, પશ્ચિમનું પણ તબીબી વિજ્ઞાન એક વાત સ્‍પષ્‍ટપણે કહે છેઃ મનુષ્‍યનું પેટ તમામ રોગોનું ઘર છે. યોગ્‍ય આહાર, નિયમિત ઉપવાસ તથા એનેમા શરીરને રોગનું ઘર બનતા અટકાવે છે. શરીર તંદુરસ્‍ત રહે છે, એટલે રોગ પ્રતિકારક શક્તિ પણ ટકોરાબંધ રહે એ સ્‍વાભાવિક છે. પરંતુ રોજિંદા જીવનમાં નથી આહારની પરેજી રાખી શકાતી કે નથી ઉપવાસ કરી શકાતા. બધો વાંક મુખગુહામાં બેઠેલી પેલી કમબખ્ત જીભનો છે, જે પાણીપૂરીથી માંડીને પિત્‍ઝાનો ચટાકો છોડવા તૈયાર નથી. આથી આપણે ધરાર તેની ‘જીદ’ પૂરી કરવી પડે છે. ઉફ્ફ! કેવી મજબૂરી!■

નોંધઃ પ્રસ્‍તુત લેખનો ઉદ્દેશ માત્ર વૈજ્ઞાનિક જાણકારી આપવાનો છે. તબીબી સલાહ વિના આમાંનો કોઈ ઉપચાર જાતે કરવો નહિ.
©Harshal Pushkarna
©કોપીરાઇટેડ મટીરીઅલ. લેખકની પરવાનગી વિના લખાણનો કે તેના ભાગનો ઉપયોગ કરવો નહિ.

Comments

Popular posts from this blog

Vijaygupta Maurya