આમ પહોંચી ભારતની आम જગતના ૧૯૪ દેશોમાં

ભારતની આમ વખત જતાં ‘ફળોના રાજા’ તરીકે ખાસ શી રીતે બની? હાફુસ, કેસર, પાયરી, બદામ, લંગડો, દશેરી, રાજાપુરી, તોતાપુરી, ગુલાબી, વનરાજ, જમાદાર, નીલમ... કેરીની જાણીતી વેરાઇટીનાં આથી વધુ નામો કદાચ આપણે લઈ ન શકીએ. કેરી વિશે જરા વધુ જ્ઞાન હોય તો ઉપરોક્ત લિસ્‍ટમાં વધુ કેટલાંક નામો ઉમેરી શકાય—અને છતાં ઉમેરો કર્યા પછી જે લાંબું લિસ્‍ટ બને તે કેરીની કુલ સ્‍પીસિસના આંકડા સામે નગણ્ય લેખાય તેટલું ટૂંકું સાબિત થાય. ભારતના નેશનલ હોર્ટિકલ્‍ચર બોર્ડે કરેલી સત્તાવાર નોંધણી અનુસાર આપણે ત્‍યાં કેરીની ૧,પ૦૦ વેરાઇટી થાય છે. દરેકનું કદ, કલર, સ્‍વાદ અને સોડમ એકમેકથી સાવ નોખાં! સવાર-સાંજના ભોજનમાં દૈનિક ૪ પ્રકારની કેરીને ‘ન્‍યાય’ આપો તો પણ ૧,પ૦૦ વેરાઇટી ચાખી રહેતાં ૩૭પ દિવસ લાગે અને અંતિમ દિવસે પાછું એ નક્કી કરવું મુશ્‍કેલ બને કે તમામ પૈકી સૌથી મજેદાર વેરાઇટી કઈ?
સામાન્‍ય રીતે હાફુસ અને કેસર જેવી જાણીતી તથા માનીતી કેરીને આપણે સ્‍વાદ-સોડમના મામલે સૌથી ટેસ્‍ટફુલ ગણીએ. અલબત્ત, grafting/ કલમ પદ્ધતિ વડે વિકસાવવામાં આવેલી કેટલીક હાઇબ્રિડ વેરાઇટી આપણી માનીતી કરતાં ચડિયાતી સાબિત થાય એ સંભવ છે, કેમ કે તેમાં બે જાતવાન કેરીના ગુણોનો ગુણાકાર થયો હોય છે. ઉદાહરણ તરીકે અર્કા અરુણા નામની કેરી હાફુસ અને બંગનાપલ્‍લીના સંયોજન વડે બની છે. જાતવાન હાફુસની ખાસિયત મીઠી મહેક અને મધુરો સ્‍વાદ છે. દક્ષિણ ભારતમાં આંધ્ર પ્રદેશની પ્રખ્‍યાત બંગનાપલ્‍લી કેરીની વાત કરો તો કદમાં હાફુસ કરતાં ક્યાંય મોટી હોવા ઉપરાંત તેના મીઠા, ખુશ્‍બોદાર ગરમાં (પલ્‍પમાં) રેસાની માત્રા નહિવત્ છે. આ ખૂબીઓનું સરેરાશ પ૦૦ ગ્રામનું જમ્‍બો ફળ ધરાવતી અર્કા અરુણામાં મિલન થયું છે, એટલે તે બમણી સગુણી બની છે.
ભારતમાં પાકતી રત્‍ના, સિંધુ (કે જેમાં ગોટલાનું કદ સાવ નગણ્ય છે), આમ્રપાલી, મલ્લિકા, મંજીરા, શબરી, જવાહર જેવી બીજી સેંકડો કેરીઓ કલમ વડે તૈયાર કરાયેલી હાઇબ્રિડ સ્‍પીસિસ છે. ઘણીખરી વેરાઇટી જે તે રાજ્યના કૃષિ નિગમે તેમજ કૃષિ યુનિવર્સિટીએ વિકસાવી છે. પરંતુ ઉત્તર પ્રદેશના હાજી કલિમુલ્‍લાહની કલમકળા જરા નિરાળી છે. ગ્રાફ્ટિંગ પદ્ધતિમાં મહારત હાંસલ કરનાર એ ‘કલમબાજે’ આંબાના એક જ વૃક્ષ પર કેરીની ૩૧પ વેરાઇટી વિકસાવી છે. ડાલ ડાલ પર ભાત ભાતની કેરીઓનું જીવંત મ્‍યૂઝિઅમ જોઈ લો! અા અનોખી સિદ્ધિ બદલ પદ્મશ્રી ખિતાબ મેળવનાર હાજી કલિમુલ્‍લાહે તૈયાર કરેલી કેરીની એક વેરાઇટીનું નામઃ ‘મોદી’!                                                                                     ■ હાઇબ્રિડ જાતોને ગણતરીમાં ન લો તો પણ ભારતમાં કેરીની સ્‍પીસિસનો આંકડો માતબર છે. વળી દુનિયાના અન્‍ય દેશોમાં આજે કેરીની જે કંઈ વેરાઇટી થાય છે તેમને સો ટકા ભારતીય નહિ તો પણ NRI વર્ગમાં તો ચોક્કસ મૂકી શકીએ, કેમ કે આખરે તો કેરીની એ દરેક સ્‍પીસિસનાં ‘મૂળ’ ભારતમાં નીકળે છે. મતલબ કે પરદેશોમાં આજે થતી કેરી મૂળભૂત રીતે વર્ષો પહેલાં ભારતમાંથી આયાત પામેલાં કેરીનાં છોડવાંનું ફરજંદ છે.
***કેરીની ભારતીય તવારીખ*** ભારતમાં કેરીનાં વૃક્ષોની હાજરી સૂચવતો પ્રથમ સાંયોગિક પુરાવો મેઘાલય રાજ્યમાં ગારો હિલ્‍સની ટેકરીઓમાં દમાલગિરિ નામના સ્‍થળે મળી આવ્યો હતો. અહીં ખોદકામ દરમ્‍યાન આપણા પુરાતત્ત્વ ખાતાને આંબાનાં વૃક્ષોનાં અશ્‍મિ મળ્યાં, જેમનું રેડિઓ કાર્બન ડેટિંગ વડે પરીક્ષણ કરાતાં તે ૬ કરોડ વર્ષ જૂના હોવાનું સાબિત થયું હતું. સ્‍વાભાવિક છે કે ૬ કરોડ વર્ષ પહેલાં ભારતભૂમિ પર આંબાનાં વૃક્ષો જંગલી અવસ્‍થામાં ઊગી નીકળતાં હતાં.
ઉત્તરાખંડ રાજ્યની કુમાઉં યુનિવર્સિટીના ડો. ઇન્‍દુ મહેતા જેવા ઇતિહાસકારો તેમજ નેશનલ હોર્ટિકલ્‍ચર બોર્ડેના સંશોધકો જણાવે છે કે ભારતમાં ખેતી વડે કેરીનો પાક લેવાનો આરંભ આજથી છ હજાર વર્ષ પહેલાં ઈ.સ. પૂર્વે ૪૦૦૦ના અરસામાં થયો હતો.
આપણાં કેટલાક પૌરાણિક ગ્રંથોમાં પણ આમ્ર એટલે કે કેરીનો ઉલ્‍લેખ જોવા મળે છે. જેમ કે, વાલ્મીકિ રામાયણમાં ‘અરણ્ય કાંડ’ના ૬૦મા તેમજ ૭૩મા સ્‍કંધમાં આંબાનાં વૃક્ષોનું વર્ણન છે. ઈ.સ. પૂર્વે ૭૦૦માં લખાયેલા ‘બૃહદારણ્યક’ ઉપનિષદના ચોથા પ્રકરણમાં આત્‍માનું મહાત્‍મ્ય સમજાવવામાં આવ્યું છે—અને તે માટે સ્‍તોત્ર ક્રમાંક ૪.૩.૩૬માં વડ, પીપળો અને આંબા જેવાં વૃક્ષોનાં ઉદાહરણો ટાંકવામાં આવ્યાં છે.
ઈ.સ. પૂર્વે ચોથી અને પાંચમી સદી દરમ્‍યાન અગ્નિ એશિયામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા નીકળેલા બૌદ્ધ ભિક્ષુકો પોતાની સાથે આંબાના છોડ લેતા ગયા ત્‍યારે બ્રહ્મદેશ (મ્‍યાનમાર), કમ્‍બોજ (કમ્‍બો‌ડિયા)‍, શ્‍યામ (થાઇલેન્‍ડ), મલયદેશ (મલયે‌શિયા), ચમ્‍પા (‌વિયેતનામ), લવદેશ (લાઓસ), સુવર્ણદ્વીપ (સુમાત્રા), યવદ્વીપ (જાવા), ‌સિંહપુર (‌સિંગાપુર) જેવા પ્રદેશોને સમયાંતરે પહેલી વાર કેરીનો લાભ મળતો થયો.
ચીતરી ચડાવતી ચિત્રવિચિત્ર ચીજવસ્‍તુઓ ખાનારા ચીનાઓને કેરી જેવું દિવ્ય ફળ મળ્યું તેનો શ્રેય સાતમી સદીમાં ભારતની મુલાકાતે આવેલા ચીની મુસાફર હ્યુએન ત્‍સાંગને આપવો પડે. આ જિજ્ઞાસુ સાહસિકે ભારતનાં ઘણાં પ્રદેશોમાં પગપાળા યાત્રા કરી હતી અને ભારતીયોની સંસ્‍કૃતિ, રીતરિવાજો, આહાર-વિહાર વગેરે વિશે પોતાની પ્રવાસપોથીમાં નોંધ ટપકાવી હતી. એક નોંધ ભારતની આંબાવાડીઓ તેમજ કેરી વિશે પણ છે. કેરીનો મીઠો સ્‍વાદ હ્યુએન ત્‍સાંગની દાઢે એવો વળગ્યો હતો કે વળતા પ્રવાસમાં તેઓ આંબાનાં ફળ તેમજ છોડ ચીન લેતા ગયા હતા. આ રીતે આઠમી સદી સુધીમાં તો ઘણુંખરું અગ્‍નિ એશિયા કેરીનો મબલખ પાક લેતું થઈ ચૂક્યું હતું.
બાકી રહ્યા યુરોપ, અમેરિકા અને આફ્રિકા, તો ત્‍યાં ભારતીય કેરીનું આગમન પંદરમી સદી પછીનાં વર્ષોમાં શરૂ થયું. ઈ.સ. ૧૪૯૮માં પોર્ચુગીઝ સાગરખેડુ સાહસિક વાસ્‍કો દ ગામાએ પહેલી વાર યુરોપ અને ભારત વચ્‍ચેનો દરિયાઈ રૂટ શોધી કેરળના કોઝિકોડ કાંઠે પગ મૂક્યો ત્‍યાર પછી ભારત-પોર્ટુગલ વચ્‍ચે આયાત નિકાસનો વેપાર ધમધમવા લાગ્યો. વર્ષોથી માંસના લૂખા, બેસ્‍વાદ કોળિયા ભરતા યુરોપિયનોના ભાણામાં પહેલી વાર ભારતના તજ, લવિંગ, કાળા મરી, જીરું, ઇલાયચી, હીંગ, મેથી, જાયફળ, ખસખસ વગેરે તેજાનાનો ‘વઘાર’ થયો. પોર્ચુગીઝ વહાણવટીઓ કાજુ, જમરૂખ, બટાટા તથા સીતાફળના છોડ ભારત લેતા આવ્યા, તો ભારતની કેરી પોર્ટુગલ પહોંચી. કેરળની મલયાલમ ભાષામાં કેરીને ‘માંગા’ કહેવાય, પણ પોર્ચુગીઝોએ માંગા શબ્‍દનું અપભ્રંશ કરીને ‘મેંગો’ કરી નાખ્‍યું. યુરોપી દેશોમાં પછી તો મેંગોના નામનો અને સ્વાદનો સિક્કો જામ્યો. ***હાફુસ અને કેસરનું યુરેકા!*** દક્ષિણ ભારતથી વહાણો મારફત પોર્ટુગલ જતી તત્‍કાલીન કેરી કઈ સ્‍પીસિસની હતી તે કહેવું જરા મુશ્‍કેલ છે, પરંતુ ભારતના જાણીતા કૃષિવિજ્ઞાની ડો. વાય. એલ. નેનેએ પ્રસિદ્ધ કરેલી એક અભ્‍યાસ નોંધ અનુસાર તે કેરીનો ગર (પલ્‍પ) જરા પોચો હોવાથી ચપ્‍પુ વડે કાપી ટુકડા કરવા જતાં ગરનો લોંદો થઈ જતો હતો. આપણા દેશમાં તો લોકો કેરીને બે હાથ વડે ઘોળી તેના નરમ, રસાળ અને મધુર રસયુક્ત ગરની મીઠી મીઠી ચુસ્‍કીઓ લેવાને ટેવાયેલા હતા, પણ છરી-કાંટા વડે ભોજન લેનારા ‘સુધરેલા’ યુરોપિયનોને ઘોળેલી કેરી ખાતી વખતે હાથ, મોઢું (અને કપડાં) ખરડાય એમાં ટેબલ મેનર્સ જળવાતી ન લાગી. આ સમસ્‍યાનો ઈ.સ. ૧પપ૦માં ગોવાના એક પોર્ચુગીઝ પાદરીએ આબાદ તોડ કાઢ્યો. મલબાર પ્રાંતમાં થતી બે નોખી વેરાઇટીની કેરીનું કલમ પદ્ધતિ વડે સંયોજન કરીને એક નવી જાત વિકાસાવી કે જેનો ગર વધારે ગીચ અને સહેજ કઠણ હોવાથી છરી વડે તેનાં ચકતાં કાપી શકાતાં હતાં. આજે દુનિયાભરના આમરસિકોની પહેલી પસંદ જેવી એ કેરીનું નામઃ આલ્ફોન્‍સો! ભારતીય ફઇબાઓએ આલ્ફોન્‍સો શબ્‍દનું અપભ્રંશ કરીને પાડેલું પ્રચલિત નામઃ હાફુસ!
આ નવી વેરાઇટીનાં વૃક્ષોનું પોર્ચુગીઝોએ ગોવા, રત્‍નાગિ‌િર અને કારવાર જેવા પ્રદેશોમાં વ્યાપક પ્રમાણમાં રોપણ કર્યું. આ તમામ પ્રદેશો ત્‍યારે પોર્ટુગલના વાલીપણા હેઠળ હતા. એક સમયે બિજાપુર સલ્‍તનતનો ભાગ એવું ગોવા તો પોર્ચુગીઝ સેનાપતિ આલ્ફોન્‍સો દ આલ્‍બુકર્કે છેક ઈ.સ. ૧પ૧૦માં જીતી લીધું હતું. (આલ્ફોન્‍સો કેરીનું નામ એ સેનાપતિની યાદમાં પસંદ કરાયું હતું.) ગોવા, રત્‍નાગિ‌િર અને કારવારની આંબાવાડીઓમાં પેદા થતી આલ્ફોન્‍સો એટલે કે હાફુસ કેરી પોર્ચુગીઝોએ સોળમી સદીની આખર સુધીમાં સમગ્ર યુરોપમાં પહોંચાડી દીધી. છરી-કાંટા વડે ભોજન લેનાર યુરોપિયનો હવે સમારેલી હાફુસના ટુકડા કાંટામાં ભરાવીને ખાઈ શકતા હતા.
ઈ.સ. ૧પ૨૬માં ખૈબર ઘાટના રસ્‍તે ભારત આવેલાે સમરકંદનાે ઝહીર ઉદદ્દીન મહમ્‍મદ ઉર્ફે બાબરને ભારતની કેરી જોડે love at first bite પ્રેમ થયો હતો. કેરી પ્રત્‍યે પોતાના અહોભાવને તેણે ‘બાબરનામા’માં શાબ્‍દિક રીતે વર્ણવ્યો છે. ભારતમાં મોગલ સામ્રાજ્યનાં મૂળ નાખનાર બાબરની આગામી પેઢીઓ પણ આમ્રપ્રેમી હતી. જેમ કે, અકબરે બિહારના દરભંગા પ્રાંતમાં કેરીની વિશાળ આંબાવાડી તૈયાર કરાવી, જેમાં આમ્રવૃક્ષોની સંખ્‍યા ૧,૦૦,૦૦૦ હોવાથી તે ‘લાખી બાગ’ની ઓળખાણ પામી. ભારતના વનસ્‍પતિ નિષ્‍ણાતો માટે ‘લાખી બાગ’ ઓપન એર પ્રયોગશાળા હતી, જ્યાં કલમ પદ્ધતિ વડે તોતાપુરી અને રતૌલ જેવી સંખ્‍યાબંધ વેરાઇટી વિકસી. એક વેરાઇટી સ્વાદ-સોડમ બાબતે બધામાં સૌથી ચડિયાતી હતીઃ કેસર! મોગલ શાસનમાં તેના સહિત ઘણી જાતો મધ્‍ય એશિયા પહોંચી. વર્ષો પછી (૧૯૩૧માં) જૂનાગઢના નવાબે કેસર કેરીનાં વૃક્ષોનું વાવેતર કરાવ્યું અને કલમ પદ્ધતિ વડે મૂળ કેસરની સંવર્ધિત આવૃતિ તૈયાર કરાવી. આજે તે ગીર કેસર તરીકે ઓળખાય છે.                                                                                      અઢારમી સદીના આરંભે પોર્ચુગીઝોએ ભારતની હાફુસ, કેસર, તોતાપુરી, (લખનૌના નવાબે દશેરી ગામની આંબાવાડીમાં કલમ વડે તૈયાર કરાવેલી) દશેરી અને બીજી કેટલીક વેરાઇટી દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલ પહોંચાડી. સાતેક દસકા પછી કેરિબિયન સમુદ્રમાં વેસ્‍ટ ઇન્‍ડિઝ ટાપુસમૂહના જમૈકામાં અને ત્‍યાંથી (૧૭૯૬માં) અમેરિકાના ફ્લોરિડામાં કેરીની પધરામણી થઈ. ૧૮૨૬માં આફ્રિકી દેશ ઇજિપ્‍તના રાજા મહમદ અલી પાશાએ ભારતથી કેરીના હજારો છોડ આયાત કરી શુબ્રા ખાતે પોતાના રાજમહેલ નજીક રોપાવ્યા ત્‍યાર બાદ ઇજિપ્‍તને તેમજ અન્‍ય આફ્રિકી દેશોને પહેલી વાર કેરીનો મીઠો સ્‍વાદ માણવાનો મોકો મળ્યો. ભારતથી કેરીની ૪૦ વેરાઇટી આયાત કરનાર ઓસ્‍ટ્રેલિયાને કેરીનો લહાવો ૧૮૭પમાં મળ્યો, તો બહામા અને બર્મ્યુડા જેવા ટાપુવાસીઓ તો ભારતીય કેરીનો લાભ છેક ૧૯૭૦માં પામી શક્યા.
ક્યાં ભારત અને ક્યાં ૧૨,પ૦૦ કિલોમીટર છેટે એટલાન્‍ટિક મહાસાગરનો અટૂલો બર્મ્યુડા ટાપુ! ઇતિહાસના અદૃશ્‍ય પ્રવાહે અને ઈ.સ. પૂર્વે પાંચમી સદીના બૌદ્ધ ભિક્ષુકોથી માંડીને પંદરમી સદીના વાસ્‍કો દ ગામા જેવા વહાણવટીઓએ ભારતની કેરીને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી!■
©Harshal Pushkarna
©કોપીરાઇટેડ મટીરીઅલ. લેખકની પરવાનગી વિના લખાણનો કે તેના ભાગનો ઉપયોગ કરવો નહિ.

Comments

Popular posts from this blog

Vijaygupta Maurya