હવે કેસરના દાણા દાણામાં કાશ્‍મીરનો દમ!


29-07-2020. ગુજરાત સમાચાર. શતદલ પૂર્તિમાં પ્રગટ થયેલો લેખ.

કોલમનું નામઃ એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા (તંત્રીઃ ‘જિપ્સી’ મેગેઝિન www.iamgypsy.in)

કાશ્‍મીરી કેસરને Geographical Indication/ ભૌગોલિક ઓળખ તરીકે સ્‍વતંત્ર ઓળખાણ મળ્યા પછી

હવે કેસરના દાણા દાણામાં કાશ્‍મીરનો દમ!

જગતના સૌથી મોંઘા તેજાનાનું બિરુદ પામેલી કેસરની ખેતી કરવી ભારે મહેનતનું કામ હોવા ઉપરાંત મહારતનું પણ કાર્ય છે. એક કિલોગ્રામ જેટલું કેસર મેળવવું હોય તો આશરે ૧,૫૦,૦૦૦ ફૂલો જોઈએ.

 
વિલિયમ શેક્સપિયરના ‘રોમિઓ એન્‍ડ જુલિઅટ’ નાટકમાં એક સંવાદ આવે છેઃ નામમાં શું રાખ્યું છે? ગુલાબના ફૂલને કો’ક બીજું નામ આપો તો પણ તે એટલી જ મીઠી મહેક આપશે જેટલી પહેલાં આપતું હતું. 

લાખ ટકાની વાત છે. પરંતુ કબરમાં શાંતિથી પોઢેલા બિચારા શેક્સપિયર શું જાણે કે તેમની સરસ મજાની ફિલસૂફીનો Geographical Indication/ જિઓગ્રાફિકલ ઇન્‍ડિકેશન/ GI નામની કાનૂની કલમે ફિયાસ્કો કરી મૂક્યો છે. આ કલમ કહે છે કે બીજું બધું છોડો, બધો કમાલ નામનો છે. 

કોઈપણ ચીજવસ્‍તુના નામ આગળ તે જ્યાંની ઊપજ હોય એ મૂળ ભૌગોલિક પ્રદેશનું નામ પૂર્વગ તરીકે જોડાય ત્‍યારે તેને Geographical Indication/ જિઓગ્રાફિકલ ઇન્‍ડિકેશન/ GI ઓળખ મળી ગણાય છે. કેટલાંક ઉદાહરણોઃ દાર્જિલિંગ ચા, મૈસૂર સિલ્‍ક, ચંદેરી સાડી, કોલ્‍હાપુરી ચપ્‍પલ, બિકાનેરી ભુજિયા, રામપુરી ચાકુ, બનારસી સાડી, પાટણના પટોળા, કચ્‍છી ભરત, સંખેડા ફર્નિચર, રતલામી સેવ. 

ઉપરોક્ત દરેક ચીજવસ્‍તુને GIની મહોર લાગી છે, માટે જે પ્રદેશમાં તેનું ઉત્‍પાદન થતું હોય તેના સિવાયના અન્‍ય વિસ્‍તારોમાં એ નામે ચીજ બનાવીને વેચી ન શકાય. જેમ કે, દક્ષિણ ભારતના કુન્‍નૂરમાં તૈયાર થતી ચા પત્તીનું વેચાણ ‘દાર્જિલિંગ ટી’ લેબલ હેઠળ કરી શકાતું નથી. એ જ રીતે અમદાવાદના એકાદ કંદોઈ ભુજિયા સેવ બનાવે તે ચાલે, પણ તેને ‘બિકાનેરી ભુજિયા’ના નામે વેચી શકે નહિ. આમ કરવું જિઓગ્રાફિકલ ઇન્‍ડિકેશન/ GI હેઠળ કાનૂની ગુનો ઠરે છે.
ભારતમાં હાલ ૩૭૦ જેટલી ચીજવસ્‍તુઓને GI ઓળખ મળી છે. આ લાંબા લિસ્‍ટમાં થોડા દિવસ પહેલાં કાશ્‍મીરી કેસરનો ઉમેરો થયો. કાશ્‍મીરના કિશ્તવર તથા પેંપોર જેવા વિસ્‍તારોમાં કેસરની વ્‍યાપક ખેતી થાય છે. અહીંની ઊંચી ગુણવત્તાની કેસર સામે હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડમાં થતી કેસર સ્‍વાદ—સોડમ—રંગે જરા ફિક્કી લાગે—અને છતાં ઉત્‍પાદકો તેને ‘કાશ્‍મીરી કેસર’ના લેબલ હેઠળ વર્ષોથી વેચતા આવ્યા છે. હવે પછી તેઓ ‘કાશ્‍મીરી’ શબ્‍દ વાપરી શકશે નહિ, કેમ કે એ નામ ફક્ત કિશ્તવર અને પેંપોરમાં થતી કેસર માટે GI હેઠળ રિઝર્વ થયું છે.
■ ■ ■
કાશ્‍મીરી ભાષામાં કાંગ પોશ, સંસ્‍કૃતમાં કુંકુમ, હિંદી-ગુજરાતીમાં કેસર, મરાઠીમાં કેશર, ઉર્દૂમાં ઝાફરાન, ફ્રેન્‍ચ તથા જર્મન ભાષામાં સફરાન, ગ્રીકમાં ઝફોરા અને સ્‍પેનિશ ભાષામાં અઝાફરાન તરીકે ઓળખાતી કેસર જગતના સૌથી મોંઘા તેજાનાનું બિરુદ પામી છે. એક કિલોગ્રામ કેસરના સહેજે ૧,૦૦,૦૦૦ રૂપિયા ચૂકવવા પડે. ઊંચી ગુણવત્તાની કાશ્‍મીરી કેસર હોય તો કિલોગ્રામ દીઠ ભાવ ૨,પ૦,૦૦૦ જેટલો પણ હોઈ શકે છે. ભારત ઉપરાંત ચીન, ફ્રાન્‍સ, સ્‍પેન, ઇટાલી, ગ્રીસ, તુર્કી તથા ઈરાન જેવા દેશોમાં કેસરની વ્‍યાપક ખેતી થાય છે. વર્ષે ૪૩૦ ટન ઉત્‍પાદન સાથે ઈરાન સૌથી મોખરે છે, જ્યારે ભારતમાં કેસરની ફક્ત ૯.૮૧ ટન ફસલ પ્રાપ્‍ત થાય છે—અને તે નાના આંકડામાં કાશ્‍મીરી કેસરનો મોટો ફાળો છે.

કેસરનું મૂળ વતન પ્રાચીન ઈરાન (પર્શિયા) છે. બ્રિટિશ ઇતિહાસકાર એન્‍ડ્રયુ ડેલ્‍બીએ તેમના પુસ્‍તક Dangerous Tastes: The Story of Spicesમાં નોંધ્‍યા અનુસાર ઈસ્વી સન છઠ્ઠી સદી દરમ્‍યાન પર્શિયન સોદાગરો કેસરના છોડ ભારતના કાશ્‍મીર પ્રાંતમાં લેતા આવ્યા હતા. કાશ્‍મીરમાં ઠેકઠેકાણે કેસરનું વાવેતર થયું, પરંતુ છોડને પાંગરવા માટે સમુદ્રસપાટીથી મિનિમમ ૧,પ૦૦ મીટર ઊંચું ભૂપૃષ્‍ઠ, સૂકી આબોહવા, ૧પથી ૨પ અંશ સેલ્‍શિઅસ વચ્‍ચેનું તાપમાન, દિવસના ઓછામાં ઓછા દસ કલાકનો સૂર્યપ્રકાશ વગેરે જેવી આવશ્‍યકતા જોતાં કાશ્‍મીરમાં પેંપોર અને કિશ્તવરને બાદ કરતાં બીજાં કોઈ સ્‍થળે કેસરની સફળ ખેતી શક્ય ન બની. 

સાતમી સદીમાં તે બન્‍ને ઠેકાણે કેસરની સારી એવી ઊપજ થવા લાગી હોવાનું કનૌજના મહારાજા હર્ષવર્ધનને લખેલા સંસ્‍કૃત  નાટક ‘રત્‍નાવલિ’માં જાણવા મળે છે. તવારીખી નોંધ પ્રમાણે અઢારમી સદીની આખરમાં તો પેંપોર અને કિશ્તવરમાં કેસરનો વાર્ષિક વીસેક ટન ફાલ ઊતરવા લાગ્યો. તમામ ફસલ પર જમ્‍મુ-કાશ્‍મીરના તત્‍કાલીન ડોગરા મહારાજા ગુલાબ સિંહનો અધિકાર, એટલે કેસરની ઊપજમાંથી જે ધરખમ આવક થતી તેમાંથી તેઓ પોતાના લશ્‍કર માટે પરદેશી શસ્‍ત્રો ખરીદતા અને લશ્‍કરના સૈનિકોને મહિને દહાડે સારી એવી રકમ પગાર આપતા. 

આજે લદ્દાખનો વિશાળ વિસ્‍તાર ભારતભૂમિનો ભાગ હોવા પાછળ કેસરના બારીક તાંતણા નિમિત્ત બન્યા હોવાનું માની શકો?  માનો યા ન માનો જેવી વાત લાગે, પણ ભૂતકાળમાં જરા અભ્‍યાસુ નજરે દૃષ્‍ટિ કરો તો સમજાય કે વાતમાં ભારોભાર તથ્ય છે. કાશ્‍મીરના પેંપોર અને કિશ્તવરમાં કેસરનાં ખેતરો મહારાજા ગુલાબસિંહની માલિકીનાં હતાં. આ ખેતરોમાં કામ કરતા કારીગરો જે કેસર મેળવી આપે તેના બદલામાં એટલું જ નમક તેમને મહેનતાણા તરીકે આપવામાં આવતું. (નમક ત્‍યારે કેવી દુર્લભ ચીજ હશે! આજે રેઢે પિટાય છે ત્‍યારે માણસોમાં મીઠું દુર્લભ બન્‍યું છે.) કેસરના વેચાણમાંથી મળતી અઢળક આવક વડે મહારાજા ગુલાબ ‌િસંહનું સૈન્‍યબળ તેમજ શસ્‍ત્રબળ અભૂતપૂર્વ રીતે વધ્‍યું ત્‍યારે મહારાજાના વફાદાર ડોગરા સેનાપતિ જનરલ જોરાવર‌ સિંહ કહલુરિયાએ ૧૮૩૪માં લદ્દાખ પર જંગી આક્રમણ કરી ચીનાઓને હાંકી કાઢ્યા. લદ્દાખ જીત્‍યા પછી તેઓ ઉત્તર દિશાએ કૂચ કરીને તિબેટમાં પ્રવેશ્‍યા અને ત્‍યાં અડ્ડો જમાવી બેઠેલા ચીનાઅોને ખદેડી મૂક્યા. તિબેટના પાટનગર લ્હાસામાં ચીની સેનાપતિ પાસે તેમણે શરણાગતિનો પત્ર લખાવ્યો. 

આ કાર્યવાહી શક્ય બની મહારાજા ગુલાબ સિંહના અત્‍યંત સમૃદ્ધ લશ્‍કરને કારણે—અને લશ્‍કર સમૃદ્ધ બની શક્યું કેસરની નિકાસ વાટે થતી ધરખમ આવકને કારણે! ઇતિહાસ નામની ઝીણી ઝીણી ચદરિયાના તાણાવાણા ક્યાંથી ક્યાં નીકળતા હોય છે!
■ ■ ■
કાશ્‍મીરના પ્રથમ ડોગરા મહારાજા ગુલાબ સિંહના નિધન પછી ઈ.સ. ૧૮પ૭માં તેમના પુત્ર રણબીર સિંહ જામવાલે ગાદી સંભાળી અને કેસરની ખેતીને વધુ પ્રાધાન્‍ય આપ્યું. પેંપોરની આસપાસના ખોનમોહ, ઝેવાન, બલ્‍હામા, સંેપોરા, દુસ્‍સુ, સંબુરા વગેરે જેવાં ગામોમાં કેસરની ખેતી શરૂ કરાવી. આજે પણ તે ગામો કેસરની ઊપજ મેળવે છે, પણ ‘સેફ્રન ટાઉન’ કહેવાતા પેંપોરની તુલનાએ જથ્થો નગણ્ય જેવો છે.
જો કે ઉત્‍પાદનનો જથ્‍થો તો પેંપોરમાં પણ ઘટ્યો છે. સિંચાઈની સવલતનો અભાવ, વરસાદની અનિયમિતતા, કેસરના ખેતરોની આસપાસ બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલાં કારખાનાંનું પ્રદૂષણ, કેસરના છોડને બરબાદ કરતી ફૂગનું વધતું પ્રમાણ વગેરે પરિબળોએ કાશ્‍મીરી કેસરનું વાર્ષિક ઉત્‍પાદન (વીસમી સદીની તુલનાએ) લગભગ અડધું કરી નાખ્યું છે. વધુ એક પ્રોબ્લેમ પારંગત કારીગરોની ઘટતી સંખ્‍યાનો છે. કેસરની ખેતી કરવી ભારે મહેનતનું કામ હોવા ઉપરાંત મહારતનું પણ કાર્ય છે. કેસરની ઊપજ અન્‍ય ફસલોની જેમ સરળતાથી મળતી નથી, બલકે તે માટે સારી એવી તકેદારી લેવી પડે છે. ખેતરમાં કેસરનાં જાંબલી રંગનાં પુષ્‍પો પુખ્‍ત વયે ખીલી રહે ત્‍યારે સવારનો તડકો નીકળ્યા પછી તેમને ચૂંટી લેવામાં આવે છે. ફૂલોની અંદર જમા થયેલો રાતભરની ઝાંકળનો ભેજ સૂર્યતાપમાં બાષ્‍પીભવન પામે તે જરૂરી છે. જમીનસરસા ઊગેલાં પુષ્‍પોને કમરથી વળીને કે પછી ઉભડક બેસીને અકેક કરી ચૂંટવાનું કાર્ય શારીરિક લોથ બની રહે છે. કમરમાં, સાથળમાં અને ઘૂંટણમાં દુખાવો ઊપડ્યા વિના રહેતો નથી.

દિવસ દરમ્‍યાન ચૂંટેલા ફૂલોને એક છાબડીમાં એકઠા કર્યા પછી કેટલોક સમય તેમને સૂકા વાતાવરણમાં મૂકી રાખવામાં આવે છે. કુશળ કારીગરો ત્‍યાર બાદ પ્રત્યેક ફૂલમાંથી કેસરના તાંતણા છૂટા પાડવાની પ્રક્રિયા શરૂ કરે છે. આ માટે એક હાથમાં ફૂલને પકડી બીજા હાથે તાંતણાને મૂળમાંથી અલગ કરવાના રહે છે. દરેક પુષ્‍પમાં ૩ તાંતણા હોય, જેઓ નીચેના ભાગે સફેદ, ત્‍યાર બાદ પીળી, પછી કેસરી, લાલ અને ઘેરી રતુંબડી ઝાંય ધરાવે છે. ત્રણેય તાંતણા નીચેના હિસ્‍સે કેસરદંડ થકી પરસ્‍પર જોડાયેલા હોવાથી કારીગરે તેમને છૂટા પણ કરવા રહ્યા. આમાં કલાકોના કલાકો નીકળી જાય છે. ભારે મહેનતના અંતે હસ્‍તગત કરાયેલા જથ્‍થાને કેટલાક દિવસ બંધ ઓરડામાં સૂકવવા મુકાય ત્‍યારે જઈને કેસરમાં સ્‍વાદ-સોડમ ખીલે અને તે વેચવા તેમજ વાપરવા યોગ્ય બને છે.
સૌથી મોંઘા તેજાનાનું બિરુદ પામેલી કેસરના ઊંચા દામ માટે તેના સ્વાદ-સોડમ જવાબદાર હોવાનું સૌ જાણે છે. ઓછી જાણીતી વાત એ કે ઉપર જણાવ્યા મુજબ કેસર મેળવવાનું કામ સહેલું નથી. એક કિલોગ્રામ જેટલું કેસર મેળવવું હોય તો આશરે ૧,૫૦,૦૦૦ ફૂલો જોઈએ. અર્થાત્ ફૂલો ચૂંટવાથી માંડી તેમાંથી કેસર તારવવાની જે પ્રક્રિયા અગાઉ વર્ણવી તે દોઢ લાખ પુષ્‍પો માટે કરવાની! આટલી મોટી માત્રામાં ફૂલો ઉગાડવા માટે વળી અોછામાં અોછા ૨,૦૦૦ ચોરસ મીટરનું ખેતર આવશ્યક બની રહે. સ્‍વાભાવિક છે કે આટલા મોટા ખેતરની સારસંભાળનો ખર્ચ પણ સારો એવો હોય. સખત મહેનત કરીને મેળવેલી કેસરને જ્યારે બંધ ઓરડામાં સૂકવાય ત્યારે તેના વજનમાં લગભગ ૮૦ ટકાનો ઘટાડો થાય એ પાછું કેસરને મોંઘીદાટ બનાવતું ત્રીજું કારણભૂત પાસું! આનો સૂચિતાર્થ એ કે ૧ કિલોગ્રામ વજનના તાંતણા સૂકાયા પછી ત્રાજવે ફક્ત ૨૦૦ ગ્રામ વજન બતાવે! 
■ ■ ■
પેંપોર જેવા ગામોમાં થતી કાશ્મીરી કેસર માટે Geographical Indication/ જિઓગ્રાફિકલ ઇન્‍ડિકેશન/ GI મહોર કેમ લેવી પડે એ પણ છેલ્‍લે જાણી લો. કેટલાંક વર્ષથી ભેળસેળિયા ઉત્‍પાદકોએ બનાવટી કેસર વડે કાશ્‍મીરી ખેડૂતોના પેટે પાટુ માર્યું છે. ઓરિજનલ કેસરમાં તેઓ મકાઈના લાલ કલરથી રંગી નાખેલા રેસા ભેળવતા હતા. પરંતુ હવે તેમણે વધુ એક તરીકો અપનાવ્યો છે. કેસરના દરેક તાંતણા પર તેઓ ગ્‍લિસરોલ નામના પદાર્થનું લેયર ચડાવવા માંડ્યા છે. આ પદાર્થને રંગ નથી. વળી સ્‍વાદમાં તે સહેજ મીઠો છે, એટલે કેસરમાં ભળ્યા પછી તેની હાજરી પકડાતી નથી. બીજી તરફ ગ્‍લિસરોલનો પાશ ચડ્યા પછી કેસરનું વજન થોડુંઘણું વધી જાય છે—અને તે વજન ભેળસેળિયા ઉત્‍પાદકોને ‘ઉપરની આવક’ મેળવી આપે છે.

આજથી દસેક વર્ષ પહેલાં પેંપોરના કાશ્‍મીરી કેસર ઉત્‍પાદકોને ૧૦ ગ્રામ કેસરના પ૦૦ રૂપિયા મળતા હતા. આજે ફક્ત ૧પ૦ રૂપિયા મળે છે. આ બિસ્‍માર સ્‍થિતિ કેસરના ભેળસેળિયા ઉત્‍પાદકોને આભારી છે, જેઓ પોતાનો જાલી માલ ‘કાશ્‍મીરી કેસર’ના લેબલ હેઠળ બિનધાસ્‍ત રીતે વેચતા આવ્યા છે. હવે કાશ્‍મીરમાં થતી કેસરને જિઓગ્રાફિકલ ઇન્‍ડિકેશન/ GI મહોર મળી ગયા પછી તેઓ ‘કાશ્‍મીરી કેસર’ નામ વાપરી શકવાના નથી.
હવે ખ્યાલ આવ્યો કે નામનું મહાત્મ્ય કેટલું છે? સોરી, મિ. શેક્સપિયર, પણ નામ મેં બહુત કુછ રખ્‍ખા હૈ! ■
©Harshal Pushkarna

©કોપીરાઇટેડ મટીરીઅલ. લેખકની પરવાનગી વિના લેખાણનો કે તેના ભાગનો ઉપયોગ કરવો નહિ.

Comments

Popular posts from this blog

Vijaygupta Maurya