માર્ક્સલક્ષી હેવીવેઈટ ભણતર કે જ્ઞાનલક્ષી હળવુંફુલ ગણતર?
ધોરણ-૧૦ના નબળા પરિણામે ફરી તાજો કરેલો યક્ષપ્રશ્નઃ બેમાંથી કયો વિકલ્પ સારો?
બસ્સો વર્ષના શાસન દરમ્યાન સફેદ લૂંટ ચલાવી ભારતને આર્થિક રીતે પાયમાલ કરનાર અને મંગલ પાંડેથી લઈને ભગત સિંહ સુધીના અસંખ્ય ક્રાંતિકારો પર અમાનુષી અત્યાચારો કરનાર ગોરી (છતાં ગેંડાછાપ) ચામડીના અંગ્રેજો માટે સરેરાશ સ્વમાની ભારતીયને ઝાઝું માન ન હોય. છતાં બ્રિટિશરાજના કેટલાક અંગ્રેજો તેમના ઊંચા, સંતુલિત અને સકારાત્મક વિચારો બદલ થોડાઘણા આદરને પાત્ર હતા તેમાં શંકા નહિ. આવા ચુટકીભર ચુનંદા ગોરા અમલદારોમાં એક નામ હોરેસ હેમન વિલ્સનનું હતું. બહુમુખી પ્રતિભા ધરાવતા હોરેસ વિલ્સન ૧૮૦૮માં ભારત આવી બંગાળમાં surgeon/ શલ્ય ચિકિત્સક તરીકે સેવા આપતા હતા. કલકત્તામાં તેઓ પહેલી વાર ભારતના પ્રાચીન સંસ્કૃત ગ્રંથોના સંપર્કમાં આવ્યા, જેમને વાંચવા-સમજવા માટેની અસીમ ઉત્કંઠાએ હોરેસને સંસ્કૃત ભાષા શીખવાની પ્રેરણા આપી.
બહુ નજીવા સમયમાં હોરેસ વિલ્સને સંસ્કૃતનું ભાષાજ્ઞાન મેળવ્યું અને વેદો-પુરાણો, ઉપનિષદો, કાલિદાસનું ‘મેઘદૂત’ જેવું કાવ્ય વગેરેનો ઊંડાણથી અભ્યાસ કર્યો. આ સમૃદ્ધ સાહિત્યનો પશ્ચિમી દેશોને લાભ મળી શકે તે ખાતર હોરેસે તેમનું અંગ્રેજી ભાષાંતર કર્યું એટલું જ નહિ, પણ ૧૮૧૮માં જગતની સૌ પ્રથમ સંસ્કૃત-અંગ્રેજી ડિક્શનરી પ્રગટ કરી. અહીં યાદ અપાવવાનું કે ઓગણીસમી સદીની આરંભના તે અરસામાં આપણે ત્યાં શિક્ષણનું માધ્યમ સંસ્કૃત, હિંદી, ફારસી અને ઉર્દૂ હતું. હોરેસ વિલ્સન દૃઢપણે માનતા હતા કે ભારતીયોને અંગ્રેજીનું જ્ઞાન અલગ ભાષા તરીકે ભલે આપો, પરંતુ શિક્ષણ તો તેમની મૂળ ભાષાઓમાં જ મળવું રહ્યું. બિલકુલ આવી જ વિચારસરણી ૧૭૭૦માં બ્રિટિશહિંદના ગવર્નર-જનરલ રહી ચૂકેલા વોરેન હેસ્ટિંગ્સની પણ હતી.
■
બીજી તરફ થોમસ બેબિંગ્ટન મેકોલે નામના ભારતદ્વેશી અંગ્રેજના વિચારો બિલકુલ વિરુદ્ધ દિશાના હતા. ભારતીય શિક્ષણમાં સંસ્કૃત, હિંદી, ફારસી અને ઉર્દૂ જેવી પ્રાંતીય ભાષાઓ હટાવી દઈ તેમના સ્થાને અંગ્રેજીનું આધિપત્ય સ્થાપવાનું ખ્વાબ તેણે સેવી રાખ્યું હતું. થોમસ મેકોલે બ્રિટનમાં સંસદ સભ્ય હોવા ઉપરાંત બ્રિટિશહિંદની ગવર્નર-જનરલ સલાહકાર સમિતિનો સભ્ય ખરો, જેની રૂએ તેને ભારતમાં ચંચુપાત કરવાની સત્તા મળી હતી. ૧૮૩૨માં તેણે બ્રિટિશ સંસદમાં કરેલી રજૂઆતે ભારતના ઇતિહાસ અને ભવિષ્ય બદલી નાખ્યા. રજૂઆત આમ હતીઃ
“We must do our best to form a class who may be interpreters between us and the millions whom we govern; a class of persons Indians in blood and colour, but English in taste, in opinion, in morals, and in intellect.”
ભાવાર્થઃ ભારતમાં રાજકીય વહીવટકર્તા અંગ્રેજ અમલદારો અને (અંગ્રેજી ન સમજતી) પ્રજા વચ્ચે આપણે મધ્યસ્થી દુભાષિયાઓનો મોટો વર્ગ ઊભો કરવો પડશે... એવા મધ્યસ્થીઓ કે જે માત્ર રક્ત અને વર્ણથી ભારતીય હોય, બાકી તેમના વિચારો, અભિપ્રાયો અને નીતિમત્તા સંપૂર્ણતઃ અંગ્રેજ!
■
બ્રિટિશહિંદના લાટસાહેબોને તેમના વહીવટી કામકાજમાં સહાયક બની શકે તેવા પોથીજ્ઞાની અંગ્રેજી ભાષી ‘શિક્ષિત’ બાબુઓની આમેય આવશ્યકતા હતી, એટલે થોમસ મેકોલેના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો. ભારતના કથિત ‘ભાગ્ય વિધાતાઓ’ બ્રિટિશ સંસદમાં બેઠા બેઠા જે નિર્ણયો લે તેને ગુલામ ભારતીયોએ તો ચૂં કે ચાં કર્યા વિના સર આંખો પર ચડાવવો પડે. છૂટકો જ નહોતો! જો કે ભારતની પ્રાંતીય ભાષાઓની તેમજ બુનિયાદી શિક્ષણપ્રથાની કતલ થવા દેવા ન માગતા હોરેસ હેમન વિલ્સન જેવા કેટલાક ઠરેલ અંગ્રેજ વિદ્વાનોએ મેકોલે સામે વિરોધના વાવટા ફરકાવ્યા. લંડનવાસી અંગ્રેજ ફિલસૂફ જ્હોન સ્ટુઅર્ટ મિલે તો મેકોલેએ સૂચવેલી શિક્ષણનીતિનો વિરોધ કરતો ફાયર-બ્રાન્ડ પત્ર બ્રિટિશ સાંસદોને લખ્યો.
અલબત્ત, આખરે તો એ જ થયું કે જે પૂર્વનિર્ધારિત હતું. ફેબ્રુઆરી, ૧૮૩પમાં આપણા દેશમાં થોમસ મેકોલેની પાઠ્યપુસ્તકિયા બ્રાન્ડ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ દાખલ કરવામાં આવી. અંગ્રેજીને વધારાની એક ભાષા (ફોરેન લેન્ગ્વેજ) તરીકે દાખલ કરી હોત તો હિંદુસ્તાનના લોકોએ તેને ફારસી અને ઉર્દૂની માફક હોંશે હોંશે અપનાવી લીધી હોત. પરંતુ મેકોલેના વિચારો ખંડનાત્મક હતા. ભારતીય ભાષાઓના ગળે ફંદો કસીને તે અંગ્રેજીની સર્વોપરીતા પ્રસ્થાપિત કરવા માગતો હતો. આ હઠાગ્રહનું પરિણામ એ આવ્યું કે અંગ્રેજીના સુનામી મોજાં સામે સંસ્કૃતની નૈયા ડગમગવા લાગી. દેશમાં વધુ ને વધુ લોકો અંગ્રેજી બોલતા થયા અને દેવભાષા સંસ્કૃતને સેલાઇન વોટર પર ચડાવવી પડી. ફારસી ભાષા તો વેન્ટિલેટર પર આવી ગઈ.
મેકોલે ફક્ત અંગ્રેજી ભાષાના અાક્રમણથી અટક્યાે નહોતાે. ગોરા લાટસાહેબોના મદદનીશ બાબુઓની ફોજ તૈયાર કરવા માટે તેણે પુસ્તકિયા જ્ઞાન પર આધારિત પ્રાથમિક પ્રકારનું શિક્ષણ દાખલ કર્યું. નતીજારૂપે આપણી વૈદિક, બુનિયાદી અને ખાસ તો જિજ્ઞાસા આધારિત શિક્ષણ પ્રણાલીનો આસ્તે આસ્તે ખાતમો બોલવા લાગ્યો. આર્યભટ્ટ, શ્રીધર, પાણિનિ, ચાણક્ય, કૌટિલ્ય, બ્રહ્મગુપ્ત, કણાદ, વરાહમિહિર, ભાસ્કર, ચરક, સુશ્રુત, બ્રહ્મદેવ, શ્રીપતિ, અચ્યુત પિષારટિ, નીલકંઠ સોમયાજી વગેરે જેવા વિદ્વાનો-વિચારકો-વિજ્ઞાનીઓનો ભારત દેશ વખત જતાં ડિગ્રીધારી સ્નાતકોનો દેશ બન્યો. અંગ્રેજીના આગમનથી યુરોપ-અમેરિકાનું વિજ્ઞાન તેમજ ઉમદા સાહિત્ય ભારતમાં સુલભ બન્યું તેની બિલકુલ ના નહિ, પણ એ ફાયદા સામે શિક્ષણના પોથીજ્ઞાન મોડલે કરેલું નુકસાન ક્યાંય મોટું છે.
■
ઓગસ્ટ ૧પ, ૧૯૪૭માં અંગ્રેજોએ વિદાય લીધી ત્યારે તેમની પોથીલક્ષી શિક્ષણ પ્રણાલીનું પોટલું વાળી તેમની કાંધે નાખી દેવાની અને બુનિયાદી તાલીમની મૂળ ભારતીય એજ્યુકેશન સિસ્ટમ સમયોચિત જરૂરી ફેરફારો સાથે (ફરી વાંચો, આવશ્યક ફેરફારો સાથે) અમલમાં મૂકવાની જરૂર હતી. પરંતુ ત્યારે એમ ન બન્યું. આજે ગોખણપટ્ટી કરીને ભણો, જેટલું યાદ રહ્યું હોય તે આવતી કાલે પરીક્ષામાં અક્ષરશઃ ઠાલવી નાખો, એટલે પરમ દિવસે મગજની પાટી કોરીકટ! આ જાતની અવ્યવહારુ સિસ્ટમને આપણે વળગી રહ્યા. ઘણાં વર્ષો પછી પ્રોફેસર યશ પાલ જેવા પીઢ વિજ્ઞાની-કમ-વિચારકે શિક્ષણની ગુણવત્તા સુધારવા બાબતે મૌલિક વિચારો આપ્યા, જેમાંના કેટલાકનું અમલીકરણ થયું પણ ખરું. અલબત્ત, એ પૂરતું નહોતું. સદ્ગત પ્રો. યશ પાલે શિક્ષણરૂપી ‘બોધિવૃક્ષ’ની સડી ગયેલી ડાળોને prunning/ પ્રૂનિંગ/ કાંટ-છાંટ કરી આપી હતી. આજે તો એ વૃક્ષ મૂળથી માવજત માગી રહ્યું છે.
ભણતરના વર્તમાન મોડલમાં નથી વિદ્યાર્થીઓને અવનવા સવાલો પૂછવાની છૂટ કે નથી શિક્ષકોને અભ્યાસક્રમ બહારની એકાદ મૌલિક, જ્ઞાનવર્ધક માહિતી શીખવવાની સત્તા. દિલ્લીની એક સેન્ટ્રલ બોર્ડ સ્કૂલનો કિસ્સાે અહીં ટાંકવા જેવો છે. આઠમા ધોરણના વિદ્યાર્થીઓને તેમના ક્લાસ ટીચરે ૧૮મી સદીની Industrial Revolution/ ઔદ્યોગિક ક્રાંતિ પર નિબંધ લખવા જણાવ્યું ત્યારે એક વિદ્યાર્થીએ પોતાના નિબંધમાં જાણીતા અંગ્રેજ કવિ તથા ચિત્રકાર વિલિયમ બ્લેકની The Echoing Green કવિતાના કેટલાક અંશો ટાંક્યા. આ મૌલિકતા દાખવવા બદલ અને ખાસ તો ટેક્સ્ટબુકનો ‘ઉંબરો’ ઓળંગ્યા બદલ ટીચરનો ઠપકો મળ્યો.
દિલ્લીની બીજી સ્કૂલનો કિસ્સો આના કરતાં વિપરીત છે. અહીં બાળકોની મૌલિકતા, વિચારશક્તિ, સર્જનશક્તિને છૂટો દોર આપવા ટીચર કટિબદ્ધ છે. પરંતુ ટેક્સ્ટબુકલક્ષી એજ્યુકેશન સિસ્ટમે ટીચરના હાથ બાંધી રાખ્યા છે. આ ટીચરના કહેવા મુજબ, ‘આપણી શિક્ષણપદ્ધતિ પ્રેક્ટિકલને બદલે પુસ્તકિયા જ્ઞાન પર અવલંબે તે ખેદની વાત છે. અમારે વિદ્યાર્થીઓને વારંવાર ટપારવા પડે છે કે સારા માર્ક્સ સ્કોર કરવા હોય તો ટેક્સ્ટબુકને વળગી રહેજો અને તેમાં ન હોય એવું વધારાનું કશું જ પેપરમાં લખતા નહિ.’
બન્ને પ્રસંગો એકમેકથી વિરોધાભાસી છે. એકમાં વિદ્યાર્થીની મજબૂરી છે, તો બીજામાં શિક્ષકની ફરિયાદ છે. પરંતુ બેય કિસ્સામાં આરોપી તો એક જ છે: આપણી ખોડખાંપણવાળી શિક્ષણપ્રથા કે જે વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને પાઠ્યપુસ્તકના ખીલે મુશ્કેટાટ બાંધી રાખવામાં માને છે. જ્ઞાનની સદી કહેવાતી એકવીસમી સદી માટે નવી પેઢીને તૈયાર કરવાની હોય ત્યારે આવું જક્કી વલણ કેમ ચાલે? વિદ્યાર્થીની મૌલિકતા તેમજ વૈચારિક ઉત્ક્રાંતિ માટે અન્ય દેશો કેટકેટલું કરી છૂટે છે તે જુઓઃ
■ યુરોપી દેશ ફિનલેન્ડમાં વિદ્યાર્થીઓને હોમવર્ક આપવાનો ધારો નથી. સ્કૂલના કલાકો પાંચથી વધુ નહિ અને સ્કૂલથી ઘરે ગયેલા વિદ્યાર્થીએ વાંચન કે અન્ય ગમતી રચનાત્મક પ્રવૃત્તિ કરવાની.
■ પોલેન્ડમાં ચોક્કસ વિષય પર એક કરતાં વધુ પાઠ્યપુસ્તકો છે. કયા પુસ્તકમાંથી શું અને કેટલું ભણાવવું તે શિક્ષક પોતે નક્કી કરે. વર્ગમાં જે કંઈ શીખવા મળ્યું હતો તેને વિદ્યાર્થીઓ ખુદની સમજશક્તિ અનુસાર મૌલિક રીતે પરીક્ષામાં લખી શકે.
■ ચીનમાં નિશાળોએ ૧થી ૬ ધોરણના વિદ્યાર્થીઓને ગૃહકાર્ય આપવાનું બંધ કર્યું છે. (નિશાળ પછી બાળકોને ટ્યૂશન ક્લાસમાં મૂકનાર વાલીઓ સામે કાયદાકીય પગલાં લેવાય છે.) હોમવર્કની અવેજીમાં વાલીઓએ પોતાનાં સંતાનોને વિવિધ મ્યૂઝિઅમ્સની, ફેક્ટરીની, એરપોર્ટની, રેલવે સ્ટેશનની તેમજ લાઇબ્રેરીની મુલાકાત કરાવવાની રહે છે. મુલાકાતમાં જોયેલી-જાણેલી ચીજવસ્તુઓનું તેમજ જાતઅનુભવોનું વિવરણ વિદ્યાર્થીએ શિક્ષક સમક્ષ લેખિત યા મૌખિક સ્વરૂપે રજૂ કરવાનું.
■ ઘણા દેશોમાં સ્ટુડન્ટસને માર્ક્સ આપવાને બદલે તેમની યોગ્યતાનું મૂલ્યાંકન excellent, good, qualified, will-be qualified એ ચાર પૈકી એકાદ ગ્રેડ વડે કરવામાં આવે છે. આની પાછળનું કારણ ઓછા ગુણ પ્રાપ્ત કરવાથી હતોત્સાહ થનાર તેમજ ભણતરથી વિમુખ થનાર વિદ્યાર્થીનું જોમ જાળવી રાખવાનું છે.
■ નિશાળમાં વિદ્યાર્થીઓ રમતગમતની તેમજ ‘જાતે બનાવો’ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં મિનિમમ ૧ કલાક વ્યસ્ત રહે, લાઇબ્રેરીમાંથી મનગમતા પુસ્તકનું ઇતર વાંચન કરે, ગુરુ-શિષ્યો પરસ્પર જ્ઞાનસંવાદ યોજે અને વિદ્યાર્થીઓ જે તે વિષયને ગોખણપટ્ટી વડે ગળી જઈ અપચો વહોરી લેવાને બદલે સમજશક્તિ, તર્કશક્તિ અને જિજ્ઞાસાવૃત્તિ વડે ચાવી ચાવીને પચાવે તે શિક્ષણનો આદર્શ પ્રકાર છે. જુદા શબ્દોમાં તેને ભણતર ઉપરાંતનું એવું ગણતર કહી શકીએ કે જેમાં બુદ્ધિમત્તા, લોજિક, તર્કશક્તિ અને ખાસ તો જિજ્ઞાસા નવી ઊંચાઈએ પહોંચે—અને નવી પેઢીમાં આવા ગુણો ખીલે તો પછી બીજું શું જોઈએ?
પરંતુ એ માટે શુષ્ક અને નિરસ અભ્યાસક્રમને રસાળ શૈલી, સરળ રજૂઆત, પૂરતાં ચિત્રો તેમજ ડાયાગ્રામ્સ વડે એકદમ રસપ્રદ બનાવવો જોઈએ. અભેરાઇએ ચડાવી રાખેલા ‘વાંચે ગુજરાત’ જેવા ઇતર વાંચનના પ્રોગ્રામ્સ પુનઃ શરૂ કરવા જોઈએ. પાઠ્યપુસ્તક બહારની પણ જ્ઞાન-વિજ્ઞાનની વાત કરવામાં તેમજ સાંભળવામાં શાળાએ તથા શિક્ષકોએ તૈયારી બતાવવી પડે. ટીચર્સ ટ્રેઇનિંગ પ્રોગ્રામ હેઠળ શિક્ષકોને ઉચ્ચ કોટિની તાલીમ આપી વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષવા સુસજ્જ બનાવવા પડે અને ખાસ તો વિદ્યાર્થીઓને જિજ્ઞાસાની પાંખો ફેલાવવાનો મોકો આપવો પડે. અવનવું જાણવા માટે સરેરાશ વિદ્યાર્થીની જિજ્ઞાસા ખીલે એ સૌથી મહત્ત્વની બાબત છે, કેમ કે એ ગુણ વખત જતાં સ્વભાવ બની ગયા પછી કોઈ વિષય નિરસ રહેતો નથી; કોઈ વિષય અઘરો પણ જણાતો નથી.
આ શુભ દિન જ્યારે આવશે ત્યારે ‘ડિગ્રી ડ્રિવન’ સ્નાતકોનો ભારત દેશ ફરી ‘નોલેજ ડ્રિવન’ વિદ્વાનો-વિચારકો-વિજ્ઞાનીઓનો દેશ બનશે. શુભમસ્તુ! ■
©Harshal Pushkarna
©કોપીરાઇટેડ મટીરીઅલ. લેખકની પરવાનગી વિના લખાણનો કે તેના ભાગનો ઉપયોગ કરવો નહિ.
Comments
Post a Comment