ચીની ડ્રેગનનો ભરડો ભારત માટે ભયજનક કેમ છે?
લદ્દાખ-અરુણાચલમાં લશ્કરી કાંકરીચાળા ચાલુ રાખીને ચીન સસ્પેન્સના પડદા પાછળ બીજા કયા કારસા ઘડી રહ્યું છે?
લદ્દાખ, ગલવાન, પેંગોંગ સરોવર, દેમચોક, શ્યોક, દૌલત બેગ ઓલ્ડી... આ બધા શબ્દોથી હવે તો ભારતનો સરેરાશ નાગરિક સારી પેઠે પરિચિત છે. ગલવાનમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા લોહિયાળ સંઘર્ષથી પણ સૌ વાકેફ છે. આથી અહીં શરૂ થતી ચર્ચામાં એમાંનું કશું આવતું નથી. ચર્ચાનો મુદ્દો અલગ છે. વ્યૂહાત્મક રીતે મૂલ્યાંકન કરવા બેસો તો ગલવાન, પેંગોંગ સરોવર અને દૌલત બેગ ઓલ્ડી જેવાં લદ્દાખી ક્ષેત્રોમાં ચાલી રહેલા તણાવ કરતાં ક્યાંય વધારે ગંભીર છે. આમ છતાં તેના પ્રત્યે મીડિયાથી લઈને સોશ્યલ મીડિયાનું ધ્યાન એટલા માટે નથી પડતું કે તાજેતરમાં ગલવાન ખાતે ૨૦ ભારતીય જવાનો શહીદ થયાના હૃદયદ્રાવક બનાવની જેમ તે ઘટના પ્રકાશમાં આવતી નથી. સસ્પેન્સના ચીની પડદા ઓથે તે ઓઝલ છે. એક નજર પડદાની પેલે પાર કરવા જેવી છે.
આજે આર્થિક મોરચે કાઠું કાઢી રહેલા ચીને ભલે મૂડીવાદ અપનાવ્યો છે, પરંતુ એ દેશની હજારો વર્ષ લાંબી ઐતિહાસિક તવારીખ તપાસો તો ખ્યાલ આવે કે ચીની શાસકોની રાજનીતિ હંમેશાં વિસ્તારવાદી રહી છે. ઈ.સ. ૧૬૬૪માં ચિંગ વંશના શહેનશાહ ચીયેન લુંગે ભારતના નેફાનો (આજના અરુણાચલ પ્રદેશનો) તેમજ લદ્દાખનો પ્રદેશ પોતાના વિશાળ સામ્રાજ્યમાં ભેળવી દીધો હતો. વર્ષો બાદ બ્રિટન, જાપાન, અમેરિકા તેમજ રશિયા સામેના વિવિધ યુદ્ધોમાં ચીને પોતાનો કેટલોક પ્રદેશ ગુમાવવાનો વખત આવ્યો, જેમાં નેફા તેમજ લદ્દાખનોય સમાવેશ થતો હતો. અઢારમી સદીના આરંભે અરુણાચલ પ્રદેશ પર ભારતની બ્રિટિશહિંદ સરકારનો કબજો હતો, જ્યારે જમ્મુ-કાશ્મીરના મહારાજા ગુલાબ સિંહના સેનાપતિ જનરલ જોરાવર સિંહે ૧૮૩૪માં લદ્દાખ જીતી લઈ કાશ્મીર રજવાડામાં ભેળવી દીધું હતું.
ગુમાવેલા ભૌગોલિક પ્રદેશો ફરી કબજે મેળવવા માટે વખત જતાં ચીનના જે તે આગેવાનોએ પ્રયાસો આદર્યા. ૧૯૫૦માં તિબેટ પર હુમલો કરી એ દેશને હંમેશ માટે ચીનમાં ભેળવી દેવામાં આવ્યો. બાર વર્ષ પછી ૧૯૬૨ના યુદ્ધમાં ચીની વડા પ્રધાન ચાઉ-એન-લાઇએ ભારતના લદ્દાખનો અક્સાઇ ચીન કહેવાતો ૩૮,૦૦૦ ચોરસ કિલોમીટરનો પ્રદેશ ચીની છાબડીમાં ખેરવી લીધો, તો આજે ચીની ડ્રેગન આપણા અરુણાચલ પ્રદેશને તેમજ બાકીના લદ્દાખને ગળી જવા માગે છે.
આ માટે અત્યાર સુધી ચીન તે બન્ને પ્રદેશોની સરહદે પોતાનું લશ્કર ગોઠવીને બેઠું હતું. પરંતુ એપ્રિલ, ૨૦૨૦થી તેણે રણનીતિ બદલી છે. આપણા ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યોની સીમાએ પણ ચીની લશ્કરની ગતિવિધિ ધમધમવા લાગી છે. ઉત્તરાખંડના હર્સિલ, બારાહોટી અને નેલાંગ ખીણપ્રદેશમાં વસતા લોકોએ તથા હિમાચલ પ્રદેશમાં કિન્નૌર ખીણના રહીશોએ ચીની હેલિકોપ્ટરની આવનજાવન દીઠાના કિસ્સા તાજેતરમાં બન્યા. નવાઈ સાથે આઘાતની વાત કે ગુપ્તતાના પડદા પાછળ ચીન લશ્કરી જમાવટ કરતું રહ્યું તેની આગોતરી ગંધ સુધ્ધાં ભારતને ન આવી. રહી રહીને આપણા લશ્કરે હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડમાં રક્ષણાત્મક હરોળ રચી.
ભારત સાથે ચીનની સરહદ લગભગ ૪,૦૦૦ કિલોમીટર લાંબી છે. આ લાંબા પટ્ટા પર ચીન કેટલાંક વર્ષ થયે ગુપચુપ રીતે રોડ-રસ્તા, લશ્કરી છાવણીઓ, બળતણના ભંડારો, શસ્ત્રભંડારો, ભારે તથા મધ્યમ તોપો વગેરેની જમાવટ કરી રહ્યું છે. કેટલાંક સ્થળે રેલવેનું નેટવર્ક સ્થાપી દીધું છે એટલું જ નહિ, પણ વાહતુક તેમજ લડાયક વિમાનોની આવનજાવન માટે હવાઇમથકો સ્થાપી દીધાં છે. આ સ્થિતિ ભારત માટે અત્યંત ચિંતાજનક ગણાય. આનું કારણ છે. લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશની સીમાએ ધારો કે યુદ્ધ સળગે તો રસ્તા, રેલવે અને હવાઇમથકો ઊભાં કરી ચૂકેલું ચીન સરહદે લાંબી, અસ્ખલિત લડત આપી શકે. પરંતુ આવશ્યક તેમજ પૂરતી આધાર સામગ્રીના (ઇન્ફ્રાસ્ટ્રક્ચરના) અભાવે આપણા લશ્કરને લડત આપવામાં કદાચ આપદા પડે. ચિંતાજનક બાબત છે કે સરહદી વિસ્તારોમાં લશ્કરી પુરવઠો, સૈન્યો, શસ્ત્રો વગેરે પહોંચાડવા માટે રોડરસ્તાનું વ્યાપક નેટવર્ક હજી આપણી પાસે નથી. સીમાડા સુધી પહોંચવાના પાકા રસ્તા મર્યાદિત છે. વળી તેમના પર રખે ચીની લશ્કર અંકુશ જમાવી દે તો ભારતની સપ્લાય લાઇન કપાઈ સમજો. ચીન સરહદે પાકા રસ્તાનું નેટવર્ક રચવા માટે કેંદ્ર સરકારે ₨૨૧,૦૦૦ કરોડનો પ્રોજેક્ટ ઘડી કાઢ્યો હતો, જેના અન્વયે લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તેમજ અરુણાચલ પ્રદેશના સીમાવર્તી વિસ્તારોમાં ૩,૩૪૬ કિલોમીટર લાંબા રસ્તા બાંધવાના છે. વિવિધ માર્ગોની કુલ સંખ્યા ૬૧ નક્કી કરવામાં આવી હતી, જે પૈકી ૩૬ બની ચૂક્યા છે. બાકીના હજી અધૂરા ક્યાં તો સદંતર બનવાના બાકી છે. દુશ્મન જ્યારે રોડ-રસ્તાનું મજબૂત નેટવર્ક રચીને બેઠો હોય ત્યારે આપણે હજી પહાડો કોતરીને રસ્તા કંડારતા હોઈએ તે સ્થિતિ યુદ્ધકાળમાં તો ખતરનાક સાબિત થાય.
■
હવે વાંચો એ મુદ્દો જેના વિશે આપણે ત્યાં ભાગ્યે જ ચર્ચા થાય છે. કેટલાંક વર્ષથી ચીની ડ્રેગનનો ડોળો ભારતના સરહદી પ્રદેશો ઉપરાંત ભારતમાં વાયા તિબેટ (ચીન) પ્રવેશતી નદીઓ પર મંડાયો છે. ચીની રેડારમાં આવી ચૂકેલું એક લક્ષ્યાંક બ્રહ્મપુત્ર નદી છે. તિબેટમાં કૈલાસ પાસે જન્મ લેતી (અને તિબેટમાં ત્સાંગ-પો તરીકે ઓળખાતી) બ્રહ્મપુત્ર નદીને હિંદુ પુરાણોએ નદ તરીકે ઓળખાવી છે. આ નદીના મહાત્મ્ય અંગે મહાત્મા ગાંધીએ કહેલું કે, ‘બ્રહ્મપુત્ર એવી વિશાળ નદી છે કે તે નારી મટી નર એટલે કે નદ થયેલ છે, છતાં તેની નમ્રતાનો પાર નથી.’
બ્રહ્મપુત્રનું વહેણ તિબેટથી વળાંક લેતું અરુણાચલ પ્રદેશમાં દાખલ થાય છે અને આસામમાં વહીને છેવટે વાયા બાંગલા દેશ અરબી સમુદ્રને મળે છે. ચીને બ્રહ્મપુત્ર નદીના ૫૦% કરતાં વધુ જળપ્રવાહને તેના ગોબી રેગિસ્તાન તરફ વાળી એ પ્રદેશને હરિયાળો બનાવવાનો એન્જિનિઅરિંગ પ્લાન તૈયાર કરી નાખ્યો છે. પ્લાન સિક્રેટ છે, એટલે તેનું અમલીકરણ ગુપ્ત રીતે કરવામાં આવી રહ્યું છે. દસેક વર્ષ પહેલાં ચીને તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર ગુપચુપ રીતે બંધ બાંધવાનું શરૂ કર્યું. ભારતની અનુમતિ લેવાનું તો ઠીક, બલકે ભારતને જાણ કરવાનું પણ તેણે જરૂરી ન માન્યું. અરુણાચલ પ્રદેશના ઊર્જા મંત્રી જબ્રોન ગામ્લિનને જ્યારે સૂચિત ડેમ બંધાવાના સમાચાર મળ્યા ત્યારે તેમણે વિરોધ વ્યક્ત કર્યો. દાદાગીરી અને દમદાટી કરવાને ટેવાયેલા ચીની શાસકો અાવા વિરોધને ધ્યાન પર લે ખરા? થોડા વખત પછી ભારતના વિદેશ મંત્રાલય વતી એસ. એમ. ક્રિશ્નાએ ચીનને સૂચિત બંધની ઊંચાઈ ઘટાડવાની દરખાસ્ત કરી ત્યારે બીજિંગ સરકારે તે તત્કાળ ફગાવી દીધી. દયામણા બનીને આજીજી કરવાને બદલે જલદ વિરોધ કરવો જોઈતો હતો.
આખરે ૨૦૧પમાં બ્રહ્મપુત્ર નદી પર ઝાંગ્મુ નામનો ૧૧૬ મીટર (૩૧૮ ફીટ) ઊંચો બંધ બન્યો. આજે તેની પાછળ બ્રહ્મપુત્રનું ૮.૬૬ કરોડ ઘન મીટર જળરાશિ કૃત્રિમ તળાવના સ્વરૂપે સંગ્રહિત રહે છે. અહીં નકશામાં બતાવ્યા મુજબ બ્રહ્મપુત્ર પર હજી તો વધુ કેટલાક બંધ ચણીને નદીનું વહેણ હાઇજેક કરી જવાનો ગુપ્ત પ્લાન ચીને બનાવ્યો છે.
હાઇજેકિંગની રાહે ‘મલ્ટિનેશનલ’ નદીના પ્રવાહને આંતરરાષ્ટ્રીય શિષ્ટાચારની ઐસીતૈસી કરીને ઉપરવાસમાં આંતરી લેવો એ ચીન માટે નવી વાત નથી. કેટલાંક વર્ષ પહેલાં તેણે માનવાન અને દચાઓશાન નામના બે ગંજાવર બંધ વડે મેકોંગ નદીને બાન પકડી અને હેઠવાસ તરફ જતા મેકોંગના જળપ્રવાહને ખાસ્સો ઘટાડી નાખ્યો. આ નદી ૪,૧૮૦ કિલોમીટર લાંબી છે. ઉદ્દભવ ચીનમાં થાય છે, પરંતુ મોટા ભાગની મજલ તે થાઇલેન્ડ, કમ્બોડિયા, લાઓસ, વિયેતનામ તથા મ્યાનમાર એમ પાંચ દેશોમાં ખેડે છે. ચીનના બહારવટાનું માઠું ફળ આજે પાંચેય દેશો લાચારીપૂર્વક વેઠી રહ્યા છે. દાખલા તરીકે અગાઉ કમ્બોડિયાને મેકોંગના સમૃદ્ધ વહેણમાંથી દર વર્ષે ૨૦ લાખ ટન માછલાંનો પુરવઠો મળી રહેતો, પરંતુ ચીનના બંધોને કારણે જળપ્રવાહ કપાયા બાદ મત્સ્યોદ્યોગને અસર થઈ છે. નદીની ઊંડાઈ ઘટ્યા પછી આંતરિક જળમાર્ગ તરીકે પણ મેકોંગનો ઉપયોગ સીમિત બન્યો છે. વિયેતનામ, લાઓસ, મ્યાનમાર અને થાઇલેન્ડ માટે પણ સ્થિતિ ખાસ જુદી નથી. ભવિષ્યમાં ઓર બગડી શકે, કારણ કે ચીન મેકોંગ નદી ઉપર વધુ બે મોટા ડેમ ચણી રહ્યું છે.
■
તિબેટમાં ઉદ્ભવતી બ્રહ્મપુત્રની વાત કરો તો ચીન દ્વારા તેનું સંભવિત હાઇજેકિંગ ભારતને ક્યાંય વધુ કફોડી સ્થિતિમાં મૂકી દે તેમ છે. પહેલાં તો બ્રહ્મપુત્ર પર ચીનનો ડોળો કેમ મંડાયો તે સમજવા જેવું છે. ઉત્તર-પશ્ચિમનું ગોબી રેગિસ્તાન ચીનનો (તથા અમુક હદે મોંગોલિયાનો) ૧૩,૦૦,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલો પ્રદેશ રોકે છે અને તેની સીમારેખા બધી તરફ વાર્ષિક ૩ કિલોમીટર લેખે ફેલાતી જાય છે. ગોબી ઠંડું રણ છે. પાણી વડે તેને નવસાધ્ય કરી શકાય, પરંતુ ચીનનો મીઠા પાણીનો ફક્ત ૭% જેટલો પુરવઠો ગોબીમાં છે. ચીન પોતાની હુઆંગ-હો અને યાંગત્સે જેવી એકેય નદીને રણ તરફ વાળવા માગતું નથી, કેમ કે એ નદીઓ પર જળવિદ્યુત મથકો સ્થપાયાં છે અને સિંચાઈ માટે નહેરોનું વ્યાપક નેટવર્ક રચવામાં આવ્યું છે. આથી ચીનને ગોબી માટે આવશ્યક પાણી તિબેટની નદીઓનો પ્રવાહ બદલીને મેળવવાનું પ્રલોભન થાય તેમાં આશ્ચર્ય નથી. ઇજનેરી દૃષ્ટિએ તે કામ પડકારરૂપ નીવડે, પરંતુ ચીન પાસે તેના માટેની જરૂરી ટેક્નોલોજિ છે અને નાણાંથી છલકાતી તિજોરી પણ છે.
માની લો કે આંતરરાષ્ટ્રીય શિષ્ટાચારને અવગણી (જેની પૂરી સંભાવના છે) ચીન પોતાનું ધાર્યું કરીને રહ્યું અને આજે નહિ તો સહેજ દૂરના ભવિષ્યમાં બ્રહ્મપુત્રનું વહેણ પોતાને ત્યાં વાળી ગયું તો ભારતના પૂર્વોત્તર રાજ્યો કેટકેટલી રીતે મુસીબતમાં આવે પડે તે જુઓ—
■ આ સમૃદ્ધ નદી દ્વારા ભારતને પ્રાપ્ત થવા પાત્ર જળવિદ્યુત ૨૮,૫૦૦ મેગાવૉટ કરતાં ઓછી નથી, જેને નાથવા માટે હાલ ૮ બંધો ચણવામાં આવ્યા છે. ભવિષ્યમાં વધુ કેટલાક ડેમ બાંધવાની યોજના છે. નદીનું વહેણ બદલાય અથવા ધીમું પડી જાય તો જળવિદ્યુત તો ભૂલી જાવ, અબજો રૂપિયાનો ખર્ચ માથે પડે. ટૂંકમાં, ભારતે ફક્ત પાણીની નહિ, વીજળીના ખાતે પણ જે નુકસાન વેઠવાનું થાય તે જેવું તેવું ન હોય.
■ બ્રહ્મપુત્રએ આસામને ફળદ્રુપ બનાવ્યું છે. શણની, ચાની અને ડાંગરની મબલખ પેદાશ તેને આભારી છે. ચોમાસા દરમ્યાન નદી બે કાંઠે થાય ત્યારે બન્ને તરફ ડાંગરનાં ખેતરોને સિંચાઈનું પાણી કુદરતી રીતે મળી રહે છે. ચાંચિયાગીરી વડે બ્રહ્મપુત્રનો ભારતને મળતો પુરવઠો ચીન કાપી દે તો ભારતે આવા બધા નૈસર્ગિક લાભો ગુમાવવા પડે તેમ છે.
■ ભારતમાં બ્રહ્મપુત્રનો ૯૧૮ કિલોમીટર લાંબો પ્રવાહ માલની અને મુસાફરોની હેરફેર કરતી નૌકાઓના જળમાર્ગ તરીકે વપરાય છે. હાઇવે જેટલું જ તેનું મહત્ત્વ છે. ઉપરવાસ અને હેઠવાસ વચ્ચે પુષ્કળ ટ્રાફિકની આવનજાવન રહે છે. પરિવહનના ક્ષેત્રે આસામ માટે બ્રહ્મપુત્ર ધોરી નસ છે. જળપ્રવાહ ઘટ્યા પછી નદીની સંખ્યાબંધ વિશાખાઓ ખાસ કરીને શિયાળા દરમ્યાન કોરા પટમાં ફેરવાય અને નદી સાથે જે તે વિશાખાનું જોડાણ કપાતાં હજારો ગામડાં વિખૂટાં પડી જવા પામે. ગામલોકો રોજીરોટી માટે અહીંથી ત્યાં આવ-જા કરી ન શકે અને વધુમાં તેમને રોજિંદી જીવન જરૂરિયાતની ચીજો પહોંચાડવાનું મુશ્કેલ બને. મત્સ્યોદ્યોગને પડતો ફટકો વધુ ગંભીર નીવડે, કેમ કે આસામની (તેમજ અરુણાચલની) પ્રજાના આહારમાં માછલાં કેંદ્રસ્થાને છે.
■ પરિસ્થિતિની ગંભીરતાનું સ્પષ્ટીકરણ કરતો છેલ્લો મુદ્દોઃ ચીન બ્રહ્મપુત્ર પર ચૂપકીદીપૂર્વક વધુ ત્રણ બંધ ઊભા કરે તો પૂર્વોત્તર રાજ્યોને મળતો પીવાલાયક મીઠા પાણીનો પુરવઠો કપાય—અને એ તો કોઈ પણ સંજોગોમાં ન પાલવે.
ભવિષ્યની વાત કરો તો પ્રશ્ન એકલી બ્રહ્મપુત્ર નદીનો નથી. ઉત્તર ભારતની સિંધુ, ઘાઘરા, સતલજ, કોસી જેવી નદીઓ અને તેમની વિશાખાઓ ચીનશાસિત તિબેટમાં જન્મ લે છે. ગંગાની પણ બે મુખ્ય શાખાઓ તિબેટમાંથી આવે છે. ધારો કે ચાંચિયા સ્વભાવનું ચીન બ્રહ્મપુત્રના મામલે પોતાનું ધાર્યું કરીને રહ્યું અને ભૂતકાળમાં જેમ ભારત મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતું રહ્યું તેમ વર્તમાનમાં પણ જોતું રહે તો ભવિષ્યમાં ચીન સામે લદ્દાખના કે અરુણાચલ પ્રદેશના નક્કર ભૌગોલિક ટુકડા માટે નહિ, પરંતુ પાણી માટે ખેલવું પડે એ સંભવ છે. રહી વાત લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ સરહદની, તો ત્યાં હવે પછી ગાફેલ રહેવું ભારતને બિલકુલ પોસાય તેમ નથી. ■
©Harshal Pushkarna
©કોપીરાઇટેડ મટીરીઅલ. લેખકની પરવાનગી વિના લખાણનો કે તેના ભાગનો ઉપયોગ કરવો નહિ.
Comments
Post a Comment