ગલવાન દંગલઃ મારકણાં શસ્ત્રોના યુગમાં પથ્થર વડે કેમ લડવું પડ્યું?
આક્રોશનો ભારેલો અગ્નિ શમ્યો ત્યાર પછી ભારત-ચીન વચ્ચે શાંતિસુલેહની વાટાઘાટોનો દૌર શરૂ થયો. રેતી પીલીને તેલ કાઢવા જેવું તે અર્થહીન કાર્ય હતું, એટલે છેવટે તો તેનું કશું નક્કર પરિણામ ન આવ્યું. ગલવાનમાં તંગદિલીનો માહોલ યથાવત્ રહ્યો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જૂન ૬, ૨૦૨૦ના રોજ બેઉ દેશોના લેફ્ટનન્ટ-જનરલનો સીનિઅર હોદ્દો ધરાવતા અફસરો ફરી વખત મંત્રણા માટે ભેગા થયા, જે પણ નર્યાં ફોતરાં ખાંડવા જેવી સાબિત થઈ.
ગલવાનની વ્યૂહાત્મક પરિસ્થિતિમાં નાટકીય વળાંક ત્યાર પછી આવ્યો. જૂન, ૨૦૨૦ના બીજા સપ્તાહે ચીની લશ્કરના કેટલાક સૈનિકો વાસ્તવિક નિયંત્રણ રેખા/ લાઇન ઓફ એચ્યુઅલ કન્ટ્રોલ/ LAC પાર કરી ગલવાન ખીણમાં ભારતીય પ્રદેશની અંદર ઘૂસી આવ્યા એટલું જ નહિ, પણ ત્યાં બિનધાસ્ત રીતે તંબૂઓ ખોડ્યા. ભારતભૂમિ પર ડેરો જમાવી રાખવાનો તેમનો મનસૂબો હતો, પરંતુ બિન બુલાયે મહેમાનોને ‘પોંખવા’ માટે આપણા જવાનો પહોંચી ગયા. ચીનાઓ જોડે હેન્ડ-ટુ-હેન્ડ કોમ્બેટ પ્રકારનું અશસ્ત્ર દંગલ જામ્યું. જવાનોએ ચીની તંબૂઓ ઉખેડી લીધા અને ઘવાયેલા ચીનાઓને તેમની પઠારી લશ્કરી છાવણી તરફ પાછા વળવા માટે ફરજ પાડી.
કંદોઈની દુકાને થાળમાં મૂકેલી મીઠાઈ પર બણબણતી માખોને ગમે તેટલી વાર ઊડાડો, પણ તે પાછી જ્યાંની ત્યાં આવી જાય તેમ ચીનાઓ પણ ધરાર ખસવાનું નામ ન લેતી ચીપકુ માખ જેવી પ્રકૃતિના છે. જૂન ૧૪ના રોજ ચીની સૈનિકો વધુ મોટી સંખ્યામાં ગલવાન આવી ચડ્યા. આપણા જવાનોએ તેમને શાબ્દિક વોર્નિંગ આપી રોકવાનો પ્રયાસ કર્યો, પણ વ્યર્થ! થોડી જ વારમાં પથ્થરબાજીનો દોર શરૂ થયો. આ વખતે બેમાંથી એકેય પક્ષ પીછેહઠ કરવા તૈયાર નહોતો, એટલે ચડસાચડસી આગામી દિવસે એટલે કે જૂનની ૧પ તારીખે તો ચરમસીમાએ પહોંચી. ગલવાન નદી જ્યાંથી વહે છે તે કોતરની ધારે બન્ને દેશના સૈનિકો બથોબથ આવ્યા. ભીષણ દંગલ મુક્કાબાજી અને પથ્થરબાજી પૂરતું સીમિત ન રહ્યું, બલકે લોખંડના સળિયા, ક્રિકેટનું તેમજ બેઝબોલનું બેટ જેવાં સાધનો વડે લોહિયાળ મારપીટ થઈ. આપણા કેટલાક જવાનો બહુ ગંભીર રીતે ઘવાયા. અમુક દુર્ભાગીઓ કોતરની ધારથી સંતુલન ગુમાવીને ખીણમાં પટકાઈને શહીદ થયા. ચીનના પક્ષે પણ સારી એવી ખુવારી થઈ.
થોડા કલાકોમાં મામલો જરા શાંત પડ્યો ત્યારે બિહાર રેજિમેન્ટની ૧૬મી બટાલિઅનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ કેટલાક સાથી જવાનો સાથે ચીની સૈનિકો તરફ ગયા. કર્નલનો ઉદ્દેશ બન્ને પક્ષે વધુ લોહી ન રેડાય એ ખાતર ચીની અફસરોને પીછેહઠ કરી જવા માટે શાંતિપૂર્વક સમજાવવાનો હતો. છતાં કોઈ પણ પ્રકારનું હથિયાર લીધા વિના માત્ર શાંતિસંદેશ લઈને ગયેલા કર્નલ સંતોષ બાબુ અને તેમના સાથીઓ પર ચીનાઓ તૂટી પડ્યા. બે હાથે ઊંચકવા પડે તેવા ભારે ખડકો વડે, લાંબા ખીલા ઠોકેલા લાકડાના પાટિયા વડે અને કાંટાળો તાર વીંટેલા પથ્થરો વડે હુમલો શરૂ કરી દીધો.
શાંતિનો સંદેશ કે પછી વાટાઘાટોની રજૂઆત લઈને આવેલા શત્રુ પર હુમલો ન કરવો એ જગતના તમામ દેશોના લશ્કરે અપનાવેલો વણલખ્યો નિયમ છે. નિયમના ઉલ્લંઘનમાં લશ્કરી શિસ્ત-શિષ્ટાચારનો સરાસર ભંગ થાય એ તો ખરું, તદુપરાંત સૈન્યની ગરિમાને પણ ધબ્બો લાગે. પરંતુ ખંધા ચીનને શિસ્ત, શિષ્ટાચાર, ગરિમા જેવા શબ્દો સાથે શી લેવાદેવા? સડકછાપ મવાલી જેવું વર્તન દાખવીને ચીની સૈૈિનકોએ કર્નલ સંતોષ બાબુ અને તેમના સાથી જવાનોને લોહીલુહાણ કરી મૂક્યા. જૂન ૧પ, ૨૦૨૦નો એ દિવસ કર્નલ સંતોષ બાબુ સહિત આપણા બીજા ૧૯ વતનપરસ્ત જવાનો માટે મનહૂસ સાબિત થયો. માતૃભૂમિના સીમાડાનું રખોપું કરવા જતાં તેમણે સર્વોચ્ચ બલિદાન આપી દીધું. મા ભારતીની ગોદમાં માથું ઢાળીને હંમેશ માટે પોઢી ગયા.
જવાબઃ એટલા માટે કે ભારત-ચીન વચ્ચે થયેલી લેખિત સમજૂતી શાંતિકાળમાં બે પૈકી એકેય દેશને શસ્ત્રો ઉપાડવાની અનુમતિ આપતી નથી. લદ્દાખ અને અક્સાઇ ચીન વચ્ચે કામચલાઉ ધોરણે આંકવામાં આવેલી વાસ્તવિક નિયંત્રણ રેખા/ LACને અનુલક્ષી ૧૯૯૩, ૧૯૯૬ અને ૨૦૧૩માં ભારત-ચીને કેટલાક કાયદા ઘડ્યા છે, જે મુજબ—
■ બેમાંથી એકેય દેશના સૈનિકો LAC પાર કરીને શત્રુ પ્રદેશમાં ઘૂસણખોરી કરી શકતા નથી. રખે એવી ઘટના ઘટે, તો મૌખિક વોર્નિંગ આપી ‘ઘૂસણખોર’ સૈનિકોને પાછા વળી જવા જણાવવું રહ્યું. સરહદ ઓળંગવાની ચેષ્ટા કરનાર શત્રુએ પણ ચેતવણી મળ્યા પછી કોઈ તકરાર કર્યા વિના પોતાના ભૌગોલિક પ્રદેશમાં પરત આવી જવું. આ કલમ કી લકીરનું ભારતીય સેના આજ દિન સુધી પાલન કરતી આવી છે. મતલબ કે લદ્દાખમાં LACને આપણે આજ પર્યંત પાર કરી નથી, જ્યારે ચીના સૈનિકો વારંવાર ભારતીય પ્રદેશમાં ઘૂસી આવે છે.
■ કલમનો બીજો મુદ્દો જણાવે છે તેમ શાંતિકાળમાં LAC પર બે દેશોની સૈનિકટુકડી જ્યારે આમનેસામને આવે ત્યારે કોઈ પણ પ્રકારની લશ્કરી કાર્યવાહી હાથ ધર્યા વિના શાંતિપૂર્વક મામલો નિપટાવવો—અને તેમ કરવા માટે રાજકીય/લશ્કરી વાટાઘાટોના ટેબલ પર આવવું.
ભારત અને ચીનનાં લશ્કરી દળો વચ્ચે અત્યાર સુધી હેન્ડ-ટુ-હેન્ડ પ્રકારે જ બાથંબાથા થતા હતા, પણ તાજેતરમાં લદ્દાખના પેંગોંગ સરોવર, ગલવાન ખીણ, દેમચોક, દૌલત બેગ ઓલ્ડી જેવા LAC નજીકના વિસ્તારોમાં જે ચકમક ઝરી તેણે પથ્થર, મોટા ખડક, ક્રિકેટ તેમજ બેઝબોલના બેટ, લાકડાના પાટિયા, લોખંડના સળિયા, કાંટાળા તાર જેવા ‘હથિયારો’ને હાથવગાં બનાવી દીધાં. આમાંની એકેય ચીજ ન વાપરવા અંગે ઉપર જે કલમો વર્ણવી તેમાં મનાઈ નથી. પરંતુ જૂન ૧પ, ૨૦૨૦નો લોહિયાળ બનાવ જોતાં હવે પછી આવાં મારકણી ચીજવસ્તુના ઉપયોગ સામે રોક લગાવી દેવી જરૂરી લાગે છે.
Comments
Post a Comment