સૌથી ઊંચું ને સૌથી જોખમી હવાઈમથકઃ દૌલત બેગ ઓલ્ડી, લદ્દાખ
અહીં વિમાન ઉતારવું પાઇલટો માટે મોતના મુખમાં ઊતરવા જેવું કેમ છે?
આમુખઃ આપણા વતનપરસ્ત જાંબાઝ પાઇલટો જાનના જોખમે દૌલત બેગ ઓલ્ડીમાં શસ્ત્રસરંજામનો પુરવઠો પહોંચાડે છે. વાયુ સેનાનો મુદ્રાલેખ नभः स्पृशं दीप्तम् એ સરફરોશોએ સાચા અર્થમાં દીપાવ્યો છે.
અવનવા વિશ્વવિક્રમોના સંસ્કરણ ‘ગિનેસ બુક ઓફ રેકોર્ડ્ઝ’ મુજબ વિશ્વનું સૌથી ઊંચું એરપોર્ટ ચીન હસ્તકના તિબેટમાં આવેલું દાઓચેંગ યાડિંગ છે. સમુદ્ર સપાટીથી તેની ઊંચાઈ ૧૪,૪૭૨ ફીટ છે. સપ્ટેમ્બર ૧૬, ૨૦૧૩ના રોજ Air China ના અેરબસ A319 પ્રકારના પેસેન્જર વિમાને ૧૧૮ મુસાફરો સાથે દાઓચેંગ યાડિંગ એરપોર્ટના રનવે પર પૈડાં ટેકવ્યાં એ સાથે ઉડ્ડયનની આંતરરાષ્ટ્રીય તવારીખમાં નવો કીર્તિમાન દર્જ થયોઃ પેસેન્જર પ્લેનને ૧૪,૪૭૨ ફીટની ઉત્તુંગ ઊંચાઈએ ઉતારવાનો!
આ વિક્રમ ઘણું કરીને તો તૂટવાનો નથી, કેમ કે પેસેન્જર પ્લેને પંદરેક હજાર ફીટ કરતાં વધુ ઊંચાઈએ લેન્ડ કરવું અને પછી ત્યાંથી ટેક-ઓફ કરવું અત્યંત કપરું થઈ પડે. આનું કારણ છે. પંદર હજાર ફીટની ઊંચાઈએ હવા અત્યંત પાતળી હોવાથી વિમાનની પાંખો નીચે હવાનું પૂરતું દબાણ સર્જાતું નથી. પાંખો નીચે એર પ્રેશર જો માફકસરનું ન હોય તો લિફ્ટનું અત્યંત આવશ્યક પરિબળ ગુમાવી દેતું વિમાન આખરે જમીનદોસ્ત થયા વિના ન રહે. આ નક્કર વિજ્ઞાન છે—અને વિજ્ઞાનના નિયમો સૌને માટે એકસરખા છે. અપવાદને ગુંજાશ હોતી નથી.
બીજી તરફ ભારતીય હવાઈ દળના કસાયેલા, વતનપરસ્ત, ફરજપરસ્ત અને જાંબાઝ પાઇલટો વિજ્ઞાનના ઉપરોક્ત નિયમની ઐસીતૈસી કરીને લદ્દાખના સિઆચેન (૧૮,૦૦૦થી ૨૧,૦૦૦ ફીટ) તેમજ દૌલત બેગ ઓલ્ડી (૧૬,૬૧૪ ફીટ) જેવા ગગનચુંબી ક્ષેત્રોમાં હેલિકોપ્ટર્સ તથા વિમાનોનું સફળ ઉડ્ડયન કરતા આવ્યા છે. ભારતીય વાયુસેનાનો મુદ્રાલેખ ‘नभः स्पृशं दीप्तम्/ આકાશને સ્પર્શતી દીપ્તિ’ એ સરફરોશોએ સાચા અર્થમાં દીપાવ્યો છે.
■
ઉપર નોંધ્યું તેમ તિબેટનું દાઓચેંગ યાડિંગ ૧૪,૪૭૨ ફીટની ઊંચાઈ સાથે જગતનું સૌથી ઊંચું એરપોર્ટ છે, તો આજકાલ સમાચારોમાં જેનો વારંવાર ઉલ્લેખ થાય છે તે લદ્દાખનું દૌલત બેગ ઓલ્ડી ૧૬,૬૧૪ ફીટના લેવલે આવેલું વિશ્વનું સૌથી ઊંચું એરફીલ્ડ છે. એરપોર્ટ અને એરફીલ્ડ વચ્ચે પાયાનો તફાવત પહેલાં તો સમજી લેવો રહ્યો. મુસાફરો લઈને ઊડતા પેસેન્જર વિમાનની જ્યાં આવનજાવન હોય તે એરપોર્ટ કહેવાય, જ્યારે સરહદી વિસ્તારોમાં સ્થપાયેલી લશ્કરી ચોકીઓને સૈનિકો, શસ્ત્રસરંજામ, ખાધાખોરાકી, બળતણનો પુરવઠો વગેરે પહોંચાડવા માટે વાયુદળનાં વિમાનો જ્યાં નિયમિત ખેપ કરે તે એરફીલ્ડ છે.
લદ્દાખમાં આપણા લશ્કરે થોઇસ (૧૦,૦૭૦ ફીટ), ફુકચે (૧૩,૭૦૦ ફીટ), ન્યોમા (૧૩,૭૧૦ ફીટ) ચુશુલ (૧૪,૩૦૪ ફીટ), અને દૌલત બેગ ઓલ્ડી (૧૬,૬૧૪ ફીટ) જેવાં મહત્ત્વનાં સ્થળોએ એરફીલ્ડનું નિર્માણ કર્યું છે. ગલવાન ખીણ, પેંગોંગ સરોવર, ચુશુલ, દેમચોક વગેરે જેવાં LAC/ વાસ્તવિક નિયંત્રણ રેખા નજીકની આપણી લશ્કરી ચોકીઓ માટે દિલ્લી તથા ચંદીગઢથી પુરવઠો લઈને નીકળતાં માલવાહક વિમાનો અહીં નિયમિત ઊતરે છે અને વિશાળ ફાલકામાં આવેલો પુરવઠો ખાલી કરીને બનતી ત્વરાએ દિલ્લી-ચંદીગઢ રવાના થઈ જાય છે.
આ પ્રક્રિયા શાબ્દિક રીતે જેટલી સીધીસાદી જણાય છે તેટલી વાસ્તવમાં નથી. વિમાન માટે કેટલાક ટેક્નિકલ પડકારો છે, જ્યારે પાઇલટ માટે તો જાનનું જોખમ છે. મુદ્દો સરળતાથી સમજવા માટે ૧૬,૬૧૪ ફીટ ઊંચે દૌલત બેગ ઓલ્ડીની હવાઈપટ્ટીની જ વાત કરીએ. ઓક્ટોબર, ૧૯૬૨માં ચીને લદ્દાખ પર હુમલો કર્યો તેનાં કેટલાક મહિના પહેલાં ખુશ્કીદળના ઇજનેરોએ ૧૬,૬૧૪ ફીટના લેવલે પહાડોમાં કાચો રનવે તૈયાર કરીને વિશ્વની સૌથી ઊંચી હવાઈપટ્ટી બનાવવાનો રેકોર્ડ સ્થાપ્યો, તો એ જ વર્ષે વાયુસેનાના સ્ક્વોડ્રન લીડર ચંદ્રકાંત શાંતારામ રાજે નામના ભડવીર પાઇલટે ‘ફેરચાઇલ્ડ C-119 પેકેટ’ પ્રકારનું વિમાન તે રનવે પર ઉતારીને સૌથી ઊંચી હવાઈપટ્ટી પર વિમાનનું લેન્ડિંગ કરવાનો વિક્રમ સ્થાપ્યો.
■
સ્ક્વોડ્રન લીડર ચંદ્રકાંત રાજેનું કાર્ય કેટલું પડકારભર્યું હતું તેનો ખ્યાલ એ વાતે આવે કે, દૌલત બેગ ઓલ્ડીના રનવેને કારાકોરમ પર્વતમાળાના ૧૮,પ૦૦ ફીટથી લઈને ૧૯,૮૦૦ ફીટ ઊંચા પહાડો ઘેરો ઘાલીને ઊભા છે. વિમાને પહેલાં તો એ દરેકને ટપી જવું રહ્યું. અહીં એક સમસ્યા હતીઃ આજનાં આધુનિક વિમાનો સમદબાવ (પ્રેશરાઇઝ્ડ) હોવાથી ૩પ-૪૦ હજાર ફીટના લેવલે ઊડી શકે, જ્યારે જૂના જમાનાનું ‘ફેરચાઇલ્ડ C-119 પેકેટ’ સમદબાવ ન હોવાથી તેની સર્વિસ સીલિંગ અર્થાત્ ઊંચાઈની મહત્તમ મર્યાદા ૧૩થી ૧પ હજાર ફીટ હતી. વિમાનને આના કરતાં વધુ ઊંચે લઈ જવામાં એન્જિન પર વધુ પડતો બોજો આવે. હવામાં ઓક્સિજનની માત્રા ૪૦ ટકા ઘટી જવાથી એન્જિનની દહન ચેમ્બરમાં બળતણનું પૂરેપૂરું દહન થાય નહિ. નતીજારૂપે વિમાનને હવામાં તરતું રાખવા માટે એન્જિન આવશ્યક થ્રસ્ટ (ધક્કો) પેદા ન કરી શકે—અને એવું બને તો વિમાનનું હવામાં ટકી રહેવું અસંભવ બને.
અલબત્ત, વિમાનના મશીન પાવર કરતાં ખુદના મેન્ટલ પાવર ઉપર વધુ મુસ્તાક એવા સ્ક્વોડ્રન લીડર રાજેએ તમામ જોખમો અવગણ્યાં. ‘ફેરચાઇલ્ડ C-119 પેકેટ’ વિમાન સાથે ઉત્તુંગ પહાડોને હેમખેમ કુદાવી ગયા. બહુ મોટી ઘાત ટળી. હવે વિમાનને રનવેની સીધમાં લાવવાની ચેલેન્જ હતી. અમદાવાદ, મુંબઈ, દિલ્લી જેવાં મેદાની પ્રદેશના એરપોર્ટ પર લેન્ડિંગ કરવા માગતો પાઇલટ વિમાનને રનવેની સીધાણમાં રાખી ઊંચાઈ આસ્તે આસ્તે ઘટાડી શકે. પરંતુ દૌલત બેગ ઓલ્ડીના પહાડી મોરચે અેમ કરવું શક્ય ન બને. કારણ અહીં તસવીરમાં દૌલત બેગ ઓલ્ડીના કાચા રનવેની પૃષ્ઠભૂમિમાં દેખાતા પર્વતો છે. ચારેય તરફ ઉત્તુંગ પર્વતો હોય ત્યારે પાઇલટ લેન્ડિંગનો પરંપરાગત તરીકો અપનાવી શકે નહિ. પહાડોની વચ્ચેના અાકાશી ‘ગોખલા’માં તેણે પ્લેનને (ગગનમાં મંડરાતી સમડીની જેમ) મોટા વર્તુળમાં ચક્કર કપાવવા પડે અને દરેક ચકરાવે થોડા સો ફીટની ઊંચાઈ ઘટાડવાની થાય. ચકરાવાના અંતિમ તબક્કે તો વિમાનને ઓચિંતી ડાઇવ મરાવી સીધું રનવે પર લાવવાનું થાય, જે કુશળ પાઇલટના પણ કપાળે પસીનો લાવી દેનારું કાર્ય છે. કાચા, ઊબડખાબડ રનેવે પર વિમાનને ઉતારવું અને ઊતર્યા પછી કલાકના સેંકડો કિલોમીટરની ઝડપે દોટ મૂકતા વિમાને કાબૂમાં રાખવું પણ ઓછું પડકારભર્યું નહિ.
સ્ક્વોડ્રન લીડર ચંદ્રકાંત શાંતારામ રાજે જો કે તમામ કસોટીઓમાંથી ખરા ઊતર્યા. સમુદ્રસપાટીથી ૧૬,૬૧૪ ફીટના લેવલે સફળ લેન્ડિંગ કરીને વિમાન ઉડ્ડયનની ભારતીય જ નહિ, આંતરરાષ્ટ્રીય તવારીખમાં તેમણે સોનેરી પ્રકરણ લખ્યું. આ લાખો મેં એક સિદ્ધિ બદલ વાયુ સેનાએ સ્ક્વોડ્રન લીડર ચંદ્રકાંત રાજેને પરમ વિશિષ્ટ સેના મેડલથી નવાજ્યા.
■
૧૯૬૨થી લઈ ૧૯૬પ સુધી આપણા ડેરડેવિલ પાઇલટો દૌલત બેગ ઓલ્ડીની નિયમિત ખેપ કરતા રહ્યા. ૧૯૬પમાં બે મોટા બદલાવે તે સિલસિલો અટકાવ્યો. પહેલું પરિવર્તન તો જાણે ભૌગોલિક હતું. લદ્દાખમાં તે વર્ષે આવેલા ભૂકંપે દૌલત બેગ ઓલ્ડીના કાચા રનવેનો ચહેરો બગાડી નાખ્યો. એ જ અરસામાં ભારતીય વાયુ સેનાએ ‘ફેરચાઇલ્ડ C-119 પેકેટ’ વિમાનને રિટાયર કરી દીધાં. પરિણામે જગતની સૌથી ઊંચી હવાઈપટ્ટી સૂની પડી અને પૂરાં ૪૩ વર્ષ સૂમસામ રહી. કોણ જાણે કેમ, પરંતુ કોઈને તે પુનઃ શરૂ કરવાનો વિચાર ન આવ્યો.
૨૦૦૮ની સાલમાં વાયુ સેનાની પશ્ચિમ પાંખના વડા તરીકે નિયુક્ત થયેલા એર માર્શલ પ્રનબ કુમાર બરબોરાની દીર્ઘદૃષ્ટિ દૌલત બેગ ઓલ્ડી સુધી પહોંચી. લદ્દાખમાં તૈનાત ભારતીય દળોને લશ્કરી કુમક તેમજ માલસામાન પહોંચાડવા માટેના વ્યૂહાત્મક મથક તરીકે દૌલત બેગ ઓલ્ડીની હવાઈપટ્ટીને ભારતનાં વાહતુક વિમાનો વડે ફરી ધમધમતી કરવાનો તેમણે નિર્ણય લીધો. સરકારનું એકેય કામ લખાપટ્ટી, વિનંતીપત્રો કે મંજૂરીપત્રો વિના આગળ ન ચાલે. દૌલત બેગ ઓલ્ડીના અેરફીલ્ડને કાર્યરત કરવું હોય તો વાયુ સેનાએ સંરક્ષણ મંત્રાલયની અને સંરક્ષણ મંત્રાલયે વડા પ્રધાનની લેખિત મંજૂરી લેવી પડે. પરંતુ એ બધી કાર્યવાહીમાં સમય બરબાદ કરવા ન માગતા અને ખાસ તો સરકારનો સંભવિત નનૈયો સાંભળવા ન માગતા એર માર્શલ બરબોરા તંત્રની ‘ઉપરવટ’ ગયા. દૌલત બેગ ઓલ્ડીનો રનવે ગુપચુપ રીતે દુરસ્ત કરાવ્યો અને રશિયન બનાવટનું એન્તનોવ AN-32 પ્રકારનું વિમાન જાતે પોતે ઉડાડીને દૌલત બેગ ઓલ્ડી ખાતે લેન્ડ કરવાનો છૂપો પ્લાન બનાવ્યો. ગુપ્તતા એટલી હદની કે એર માર્શલ બરબોરાનાં પત્ની સુધ્ધાં સંપૂર્ણપણે બેખબર હતાં.
મિશનની તમામ તૈયારી થઈ ચૂકી ત્યારે મે, ૨૦૦૮માં એર માર્શલ તેમના ઉપરી અને વાયુદળના વડા એર ચીફ માર્શલ ફલી હોમી મેજરને તથા ખુશ્કીદળના વડા જનરલ દીપક કપૂરને રૂબરૂ મળ્યા. બન્નેની મૌખિક પરવાનગી માગી. મિશન ખુફિયા હતું, એટલે લેખિત મંજૂરી મળવાનો તો સવાલ જ નહોતો. દૌલત બેગ ઓલ્ડીનું વ્યૂહાત્મક મહત્ત્વ સારી પેઠે સમજતા બન્ને સીનિઅર અધિકારીઓએ સંમતિ આપી દીધી. લીલી ઝંડી મળતાં જ એર માર્શલ પ્રનબ કુમાર બરબોરા અને તેમના ચાર સાથીઓ જીવ પડીકે બાંધી ચંદીગઢથી AN-32 વિમાનમાં દૌલત બેગ ઓલ્ડી જવા નીકળ્યા. વિમાનનું સુકાન એર માર્શલે પોતે સંભાળ્યું.
ભારતીય વાયુ સેનામાં ‘સતલુજ’ના નામે ઓળખાતું AN-32 વિમાન સમુદ્રસપાટીથી ૧૪,૦૦૦ ફીટ કરતાં વધુ ઊંચા લેવલે ન તો લેન્ડિંગ માટે ફિટ હતું કે ન ટેક-ઓફ માટે યોગ્ય હતું. દૌલત બેગ ઓલ્ડીની સાડા સોળ હજાર ફીટની ઊંચાઈ જોતાં વિમાન અને તેના સારથિ બેયની અગ્નિપરીક્ષા થવાની હતી. ચંદીગઢથી વહેલી સવારે નીકળેલું વિમાન કારાકોરમ પર્વતમાળામાં પહોંચ્યું, આભને આંબતાં શિખરો પાર કર્યાં અને ચકરાવા લેતું જ્યારે રનવે પર ઊતર્યું ત્યારે વિમાનની કાયા ધણધણી ઊઠી. ઘણા વખત પછી એર માર્શલ બરબોરાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું તેમ, ‘અમે પાંચેય જણા કોકપિટની ખુરશીમાં નહિ, પણ ઊંટની કાંધે સવારી કરતા હોઈએ તેવો અનુભવ થયો. અખડદખડ રનવે પર દોડી રહેલા વિમાન પર લગામ રાખવાનું બહુ અઘરું હતું. લેન્ડિંગ ગીઅરનું ટાયર ફાટી જશે તો? એ સવાલ સતત મનમાં સળવળતો હતો.’
મે ૩૧, ૨૦૦૮ની વહેલી સવારે પઃ૦૦ વાગ્યે ચંદીગઢથી નીકળેલા સાહસિકો સવારે ૯ઃ૦૦ વાગ્યે દૌલત બેગ ઓલ્ડી પહોંચ્યા. આશરે સાડા ચાર દાયકાથી ભેંકાર પડેલી હવાઈપટ્ટીને AN-32નાં ચાર પ્રોપેલર એન્જિનોની ધમધમાટીએ જીવંત કરી. વાયુ સેનાના નરબંકાઓને વધાવવા માટે એરફીલ્ડ પર ખુશ્કીદળના લેફ્ટનન્ટ જનરલ ભારદ્વાજ તેમના સાથી અફસરો તથા જવાનો ઉપસ્થિત હતા. દેશની લશ્કરી તવારીખમાં વધુ એક સોનેરી પ્રકરણ ઉમેરાયું તેની ખુશાલીમાં મુબારકબાદીનું આદાનપ્રદાન થયું. સૌએ મીઠાઈ વડે મોં મીઠું કર્યું.
પંદરેક મિનિટનું ટૂંકું રોકાણ કરીને એર માર્શલ પ્રનબ કુમાર બરબોરાએ વળતી સફરનો આરંભ કર્યો ત્યારે સાડા સોળ હજાર ફીટની પાતળી હવામાં વિમાન ટેક-ઓફ કરી શકશે કે કેમ તે બાબતે ભારે સંશય હતો. છતાં તેમણે AN-32ને રનવેના છેડે થોભાવ્યું. ચારેય એન્જિનો પૂરજોશમાં ફરતા કરી દીધાં અને બ્રેક પેડલ પરથી પગ હટાવ્યો. કારાકોરમનાં પહાડોમાં ઘૂઘવાટીના પડઘા ફેલાવતું AN-32 ઝડપભેર દોટ મૂકીને આગળ વધ્યું. અગાઉ નોંધ્યું તેમ સમુદ્રસપાટીથી ૧પ,૦૦૦ ફીટ ઊંચે પાતળી હવામાં વિમાનની પાંખ નીચે ટેક-ઓફ માટે આવશ્યક એર પ્રેશર જલદી સર્જાતું નથી. વિજ્ઞાનનો એ નિયમ અહીં પણ લાગુ પડ્યો. એર માર્શલના વિમાને નોર્મલ કરતાં વધુ લાંબી દોટ મૂકવી પડી. પાંખ નીચે હવાનું દબાણ રખે ન સર્જાયું હોત તો વિમાન રનવેની બિલકુલ સામેના પહાડોને જઈ ટકરાયું હોત. સદ્ભાગ્યે એવું ન બન્યું. આશરે ૨૮,૦૦૦ કિલોગ્રામની ભારેખમ કાયા ધરાવતા AN-32 વિમાનનો મોરો ઊંચકાયો અને તે આકાશમાં ચડી ગયું. જમીનથી કેટલાક સો ફીટ તે ઊંચકાયું ત્યાં તો બિલકુલ સામે પર્વત આવ્યો. એર માર્શલ બરબોરાએ વિમાનને તત્કાળ જમણી તરફ વાળીને સંભવિત અથડામણ ટાળી.
મિશન સફળ! ખુશાલીના સમાચારે આપણે ત્યાં આનંદ-ઉત્સાહ ફેલાવી દીધો, તો સરહદપાર ચીનની બીજિંગ સરકારને અસહ્ય રેચ આપ્યો. ભારતીય પાઇલટો એન્તનોવ AN-32 જેવા જુનવાણી વિમાનને ૧૬,૬૧૪ ફીટના લેવલે દૌલત બેગ ઓલ્ડીમાં ઉતારે એ તેના માટે આઘાત તથા આશ્ચર્યની વાત હતી.
■
એર માર્શલ પ્રનબ કુમાર બરબોરાએ અને તેમના હવાબાજોએ જીવના જોખમે જે મિશન પાર પાડ્યું તેનું પરિણામ એ આવ્યું કે દૌલત બેગ ઓલ્ડીનું એરફીલ્ડ ફરી ધમધમતું થયું. આજે આપણાં આધુનિક C-130J સુપર હરક્યુલિસ વિમાનો સૈનિકો, શસ્ત્રો, ટેન્ક, બખ્તરિયાં વાહનો, ખોરાકનો પુરવઠો લઈને નિયમિત આવે છે. દિલ્લી અને/અથવા ચંદીગઢથી વહેલી સવારે નીકળતું વિમાન સવારે નવેક વાગ્યા સુધીમાં દૌલત બેગ ઓલ્ડી પહોંચી જાય છે અને વેળાસર પાછું ફરે છે. હિમાલયના જોશીલા પવનોમાં વિમાનને કાબૂમાં રાખવું, કારાકોરમના ઊંચા પર્વતોમાંથી પસાર થવું, પર્વતો વચ્ચેના આકાશી ‘ગોખલા’માંથી ઉતરાણનો માર્ગ કંડારવો, કાચી હવાઈપટ્ટી પર વિમાનને હેમખેમ ઉતારવું, પાતળી હવાના વાતાવરણમાં જોખમકારક ટેક-ઓફ કરવું વગેરે એક કહેતાં અનેક પડકારો સાથે આપણા જાંબાઝ પાઇલટો બાથ ભીડે છે. ઉડ્ડયનમાં રહેલાં જોખમો જોતાં તેમની જિંદગી દાવ પર લાગે છે એમ કહેવું જરાય ખોટું નહિ. છતાં જાનની પરવા કર્યા વિના તેઓ વતનનો સાદ ઝીલવા હંમેશાં તૈયાર રહે છે, તત્પર રહે છે.
આ ગુમનામ નરબંકાઓ સવાસો કરોડ ભારતીયોની સલામોના અને સ્ક્વોડ્રન લીડર ચંદ્રકાંત શાંતારામ રાજે તથા એર માર્શલ પ્રનબ કુમાર બરબોરા હૃદયના ઊંડાણથી વંદનના સાચા અધિકારી છે.
જય હિંદ! જય હિંદ કી સેના!■
©Harshal Pushkarna
©કોપીરાઇટેડ મટીરીઅલ. લેખકની પરવાનગી વિના લખાણનો કે તેના ભાગનો ઉપયોગ કરવો નહિ.
Comments
Post a Comment