સ્‍તોક કાંગડી શિખર આરોહણનાં ૪ વર્ષઃ એક સંભારણું, એક સંકલ્‍પ

જૂન ૨૮, ૨૦૧૬ની એ સવાર ક્યારેય નહિ ભૂલાય કે જ્યારે બરાબર ૮ઃ૧૦ વાગ્યે લદ્દાખની સ્‍તોક પર્વતમાળાના સૌથી (6,153 મીટર/20,187 ફીટ) ઊંચા શિખરની ઊંચાઈએ પગ મૂક્યો હતો.


શિખર સુધી પહોંચવા માટેનાં છેલ્‍લાં વીસ ડગલાં મારી જિંદગીની સૌથી લાંબી સફર હતી. સખત ઠંડી, પાતળી હવા, ભૂસપાટી કરતાં પચાસ ટકા ઓછો પ્રાણવાયુ, મધરાતે ૧૨ વાગ્યે શરૂ કરેલા સળંગ આઠ કલાકના કષ્‍ટદાયક ટ્રેકથી થાકી ગયેલું શરીર, પાચનશક્તિ ખોરવાઈ ચૂકી હોવાથી પેટમાં અન્‍નરૂપી ઇંધણ નહિ, ઓક્સિજન માટે વલખાં મારતાં ફેફસાં અને ડ્રમ બિટ્સની માફક ધડકતું હ્દય! 


વીસ હજાર ફીટ ઊંચેના વિષમ સંજોગોમાં ઉપરોક્ત સમસ્‍યાઓ વચ્‍ચે એક વધારાની તકલીફનો મેં સામનો કર્યો હતો, જેના વિશે ‘આ છે સિઆચેન’ પુસ્તકમાં લખ્યું નથી. આજે પહેલી વાર અહીં વાચકો સાથે શેર કરું છું.


સ્‍તોક કાંગડીના બર્ફીલા શિખરે પહોંચ્યો ત્‍યાં સુધીમાં મગજ રીતસર બહેર મારી ગયું હતું. હવામાં ઓક્સિજનની કમીને કારણે મગજને મળતા પ્રાણવાયુ યુક્ત લોહીનો પુરવઠો ઘટતાં વિચારોનું અને નજર સામે જોયેલાં દૃશ્‍યોનું પ્રોસેસિંગ મંથર ગતિએ થતું હતું. મેમરી પાવર ઘટ્યો હતો. સૂઝબૂઝ અને નિર્ણયશક્તિ પર માઠી અસર થઈ હતી. આ બાયોલોજિકલ સમસ્‍યાનું પરિણામ એ આવ્યું કે 6,153 મીટર/ 20,187 ફીટના શિખરે પહોંચ્‍યા પછી મિશન સક્સેસ થયાનો ખ્યાલ જ ન રહ્યો. બરફના ઢગલા પર સૂન્‍ન થઈને બેઠો હતો ત્‍યાં મારા ગાઇડ જુમાએ મને ઢંઢોળ્યો, ‘સર! આપને કર દિખાયા, વેલ ડન!’


માનો યા ન માનો પણ ગાઇડના શબ્‍દો મગજ જાણે મોડા મોડા પહોંચતા હોય તેમ જવાબ આપવામાં મને સામાન્‍ય કરતાં કેટલીક વધારાની સેકન્ડસ લાગી. સ્‍તોક કાંગડીના શિખરે વિજયધ્વજ અને દેશનો રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવવાનો હતો એ ભૂલી જવાયું હતું એટલું જ નહિ, પણ શિખર સર કરાયાની ખુશાલાની સમાચાર આપવા માટે ઘરે ફોન કરવાનું (ઘરવાળાને આગોતરું આપી રાખેલું વચન) સુધ્‍ધાં વિસરાઇ ગયું. (સ્‍તોક કાંગડીની ટોચે બી.એસ.એન.એલ.ના ફુલ સિગ્નલ્‍સ આવે છે.) મારી માનસિક સ્‍થિતિ પામી ગયેલા ગાઇડે મને બેઠો કર્યો અને વિજયઘોષ કરવા માટે આગ્રહ કર્યો.


‘S...t...o...k... K...a...n...g...r...i.... At last!’ શરીરનું બધું જોર વાપરીને મેં બૂમ પાડી—અને ત્‍યારે મને પહેલી વાર અહેસાસ થયો કે શિખરનું આરોહણ સફળ રીતે પાર પડ્યું છે. ખિસ્‍સામાં રહેલા ધ્‍વજ બહાર કાઢીને ફરકાવ્યા. ગાઇડે ત્‍યારે કહ્યું, ‘અરે, સર! ફોટો નહીં લેના હૈ ક્યા?’


આ મહત્વનું કાર્ય પણ ઉત્તુંગ ઊંચાઈમાં પ્રાણવાયુની અછતથી ‘ભુલક્કડ’ બની ગયેલું મગજ ભૂલી ગયેલું. ગાઇડે યાદ ન કરાવ્યું હોત તો અહીં મૂકેલી એકેય તસવીર આજે મારી ફોટો બેંકમાં ન હોત.


વીસ હજાર ફીટની ઊંચાઇએ વાતાવરણની શરીર પર કેવી માઠી અસરો થાય છે તે સ્‍તોક કાંગડીના આરોહણ વખતે અનુભવ્યું, એટલે સિઆચેનમાં સરેરાશ ૧૯,૦૦૦ ફીટની ઊંચાઇએ હિમપહાડોમાં ફરજ બજાવતા આપણા જવાનોની શારીરિક-માનસિક સ્‍થિતિને શબ્‍દોમાં ઢાળી શક્યો. સિઆચેનની મુલાકાત વખતે ૧૯,૭૦૦ ફીટની ઊંચાઇ સુધી જઇ શક્યો તેમાં પણ સ્‍તોક કાંગડીનું ‘હોમવર્ક’ કામ લાગ્યું. 


આજે 28-6-2020ના રોજ સ્‍તોક કાંગડી ફતેહ કર્યાને ચાર વર્ષ થયાં. આ પ્રસંગ નિમિત્તે એક નિર્ધાર લઉં છુંઃ 2021ના અંત પહેલાં હિમાલયના 6,800 મીટર/ 22,000 ફીટ કે તેથી ઊંચા એકાદ શિખર પર વિજયધ્વજ ખોડીને રહીશ. 


યે વાદા રહા!

Comments