પ્રસિદ્ધિના પડદા પાછળ રહેતી ખુશ્‍કીદળની એન્જિનિઅર્સ ટુકડીના ગુમનામ બહાદુરો



કુછ યાદ ઈન્‍હેં ભી કર લો...

ગલવાનમાંથી પસાર થતી ભારતીય સડક જો ચીન માટે સિરદર્દ છે, તો શ્યોક નદી પર આપણા ઈજનેરોએ ૧૪,૬પ૦ ફીટની ઊંચાઈએ ઊભો કરેલો ચવાંગ રીંગચેન બ્રિજ છાતીમાં ભોંકાતી શૂળ છે. વાંચો તેનું કારણ—


લદ્દાખના Durbuk/ દર્બુકથી દૌલત બેગ ઓલ્‍ડી/ Daulat Beg Oldi વચ્‍ચેના મોટરમાર્ગનો નકશો ગૂગલ મેપ્‍સ પાસે માગો તો બે નોખા રૂટ હાજર કરે છે. એક રસ્‍તો દુર્બુકથી વાયા શ્‍યોક-ખાલસર-સુમુર-પનામિક-સસોમા-મુર્ગો છેવટે દૌલત બેગ ઓલ્‍ડીને મળે છે. બીજો રૂટ શ્‍યોક નદીના કાંઠે કાંઠે પસાર થાય છે. ગૂગલ મેપ્‍સ બન્‍ને રૂટની પ્રવાસાવધિ અનુક્રમે દસ કલાક અને સાડા આઠ કલાક દર્શાવે છે, પણ તે આંકડાને શત શત-પ્રતિશત સાચા માની લેવાની જરૂર નથી. લદ્દાખના પહાડી ક્ષેત્રમાં પ્રવાસ કરતા હો ત્‍યારે પ્રવાસાવધિ ગૂગલના એલ્‍ગોરિધમને નહિ, બલકે પ્રાકૃતિક સંજોગોને આધીન હોય છે. આથી હવે પછી શરૂ થતી ચર્ચામાં તે મુદ્દો ધ્‍યાનમાં લેવો રહ્યો.
આ કોલમ હેઠળ ૨૪મી જૂને પ્રગટ થયેલા લેખમાં નોંધેલું તેમ દૌલત બેગ ઓલ્‍ડીમાં ભારતે જગતની ઊંચામાં ઊંચી હવાઈપટ્ટી બનાવી છે. ઉત્તર લદ્દાખમાં LAC/ વાસ્‍તવિક નિયંત્રણ રેખા નજીકની આપણી લશ્‍કરી ચોકીઓ માટે દિલ્‍લી અને ચંદીગઢથી ખાધાખોરાકીનો તેમજ શસ્‍ત્રસરંજામનો પુરવઠો લઈને નીકળતાં માલવાહક વિમાનો દૌલત બેગ ઓલ્‍ડીમાં નિયમિત ઊતરે છે. અહીં એકત્રિત થયેલો પુરવઠો અક્સાઇ ચીન નજીકની આપણી લશ્‍કરી ચોકીઓને પહોંચાડવા માટે ભારતે દર્બુક-ટુ-દૌલત બેગ ઓલ્‍ડી વચ્‍ચે ૨પપ કિલોમીટર લાંબી સડકનું નિર્માણ કર્યું છે. સડક ગલવાન ખીણમાંથી પસાર થાય છે, જ્યાં તેની બોચી મરડી નાખવા માટે ચીનના હાથમાં ચળ ઊપડી છે. ખરું પૂછો તો ચીનની પેટબળતરા ફક્ત ગલવાનમાંથી નીકળતી સડક પૂરતી સીમિત નથી. વધુ તકલીફ તેને શ્‍યોક નદી પર ભારતીય લશ્‍કરના ઇજનેરોએ ઊભા કરેલા ચવાંગ રીંગચેન સેતુ નામના પુલથી છે—અને તે પાછળનું કારણ સમજવા જેવું છે. 
                                                                            
દર્બુકથી દૌલત બેગ ઓલ્‍ડીની ૨પપ કિલોમીટર લાંબી પાકી સડક બની તે પહેલાં આપણાં લશ્‍કરી ખટારા મુર્ગો-સસોમા-પનામિક-સુમુર-ખાલસર-લેહના રસ્‍તે આવનજાવન કરતા હતા. આ માર્ગમાં સાસ્‍સેર નામનો ૧૭,પ૦૦ ફીટ ઊંચો પહાડી ઘાટ આવે, જેને પાર કરવો ભારે પડકારરૂપ બની રહેતો. ઊંચી ચોટી પરથી ધસી આવતી ભેખડો ઘણી વાર રસ્‍તાને બ્‍લોક કરી દે, ચોમાસામાં કાચી સડકનું ધોવાણ થતાં અનેક જગ્યાએ ગાબડાં પડે અને શિયાળામાં તો પુષ્‍કળ હિમવર્ષાને કારણે કોઈ મોટરવાહન પસાર જ ન થઈ શકે. આમાંની એકેય અડચણ ન હોય તો પણ દૌલત બેગ ઓલ્‍ડીથી રવાના થયેલા ભારતીય સેનાના ખટારાને સાસ્‍સેર ઘાટના પહાડી રસ્‍તે હંકારી લેહ પહોંચવામાં કમ સે કમ ચોવીસ કલાક નીકળી જતા હતા. વળી વિષમ હવામાનને લીધે વર્ષના ૧૮૦ દિવસ લશ્‍કરી કાફલાનો ટ્રાફિક સદંતર થંભી જતો એ સૌથી મોટો પ્રોબ્‍લેમ હતો.
આ સમસ્‍યાના નિરાકરણ માટે ૨૦૦૦ની સાલમાં ૧૭,પ૦૦ ફીટ ઊંચા સાસ્‍સેર ઘાટને બાયપાસ કરી દે તેવી દર્બુકથી શ્‍યોક નદીના કાંઠે કાંઠે જતી સડક બનાવવાનું તય થયું. અહીં એક સમસ્‍યા હતી. લગભગ અઢીસો કિલોમીટરના સૂચિત માર્ગ પર ઠેકઠેકાણે પાણીનાં નાળાં આવતાં હતાં. વધુ મોટી અડચણ તો સુલનાત ચુશ્‍કુ નામના સ્‍થળે શ્‍યોક નદીનો ૪૩૦ મીટર (૧,૪૧૦ ફીટ) પહોળો પટ હતો. એકાદ મજબૂત પુલ બાંધ્‍યા વિના તેને પાર કરી શકાય નહિ અને સમુદ્રસપાટીથી ૧૪,૬પ૦ ફીટ ઊંચા લેવલે પુલ બાંધવો એ જેવો તેવો ઇજનેરી પડકાર નહિ.
એમ તો અઢીસો કિલોમીટર લાંબા સૂચિત રોડનું બાંધકામ પણ ક્યાં ઓછું પડકારજનક હતું? ભારતીય ખુશ્‍કીદળના ઇજનેરોની ટીમે કરેલા સર્વેક્ષણ મુજબ પોણા ભાગનો માર્ગ નદી-નાળાંના પટ સોંસરવો નીકળતો હતો. ઉનાળામાં પહાડી હિમ પીગળવાથી નદી-નાળાં છલકાય ત્‍યારે સડકનું ધોવાણ થતું અટકાવવું હોય તો કાં પુરાણ વડે રસ્‍તો ઊંચો લેવો પડે અથવા તો પુલો બાંધવાના થાય.
સમુદ્રસપાટીથી મિનિમમ ૧૩,૦૦૦ ફીટ અને મહત્તમ ૧૬,પ૦૦ ફીટ ઊંચાઈએ હિમાલયના પહાડોમાં બારુદી ધડાકા કરવા, ટનબંધ ખડકો અહીંથી તહીં ખસેડવા, યાંત્રિક શારડી વડે પહાડોમાં ડ્રિલિંગ કરવું, સડક માટે સમતળ જગ્યા બનાવવી વગેરે કાર્યો
ઇજનેરી દૃષ્‍ટિ કષ્‍ટદાયક હતા તેમ કસોટીદાયક પણ ખરા. આ ઉપરાંત એક વધારાની કસોટીમાંથી ખુશ્‍કીદળની ૮૧મી બ્રિગેડના ઇજનેરોએ તેમજ મજૂરીકામમાં જોતરાયેલા શ્રમિકોએ પસાર થવું પડતું હતુંઃ હિમાલયની ઉત્તુંગ ઊંચાઈનું વિષમ વાતાવરણ! હાડ ગાળી નાખતી ઠંડી, સૂસવતા ઠંડાગાર પવનો, હવામાં ઓક્સિજનની કમી વગેરે પડકારો જોડે તેમણે રોજેરોજ બાથ ભીડવાની થઈ.

સડક બાંધવાનું કામ અઘરું હતું; અસંભવ નહિ. ભારતીય સેનાના જોડણીકોશમાં ‘અસંભવ’ જેવો શબ્‍દ તો આમેય નથી. પરંતુ સેના ઉપર સરકાર બેઠી છે—અને સરકારના જોડણીકોશમાં ‘ત્‍વરિત’, ‘વેગ’, ‘ઝડપ’ જેવા શબ્‍દો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. દૌલત બેગ ઓલ્‍ડી-ટુ-દર્બુકના સૂચિત રોડ પ્રોજેક્ટ પર કામ તો શરૂ થયું, પણ તેની ગતિ એવી મંથર કે સરખામણી માટે ગોકળગાય શબ્‍દ વધુ પડતો ગતિસૂચક લાગે.
કોઈ પણ કાર્યને શરૂ કર્યા પછી તેને સંપન્‍ન કરવા પાછળનું મુખ્ય ચાલકબળ ઇચ્‍છાશક્તિ હોય છે. આ પાસું તત્‍કાલીન સરકારમાં ખૂટતું હતું. આથી બારેક વર્ષ ઠીચૂક... ઠીચૂક... ચાલતો રહેલો અને રૂપિયા ૧૬૦ કરોડના ભ્રષ્‍ટાચારનો શિકાર બનેલો પ્રોજેક્ટ નિયત સમયમર્યાદા (૨૦૧૧) વટાવી ગયા છતાં તેનો છેડો દેખાતો નહોતો. ૨૦૧૪માં સ્‍થિતિસંજોગોમાં બદલાવ આવ્યો. લદ્દાખ-અરુણાચલ પ્રદેશના મોરચે રોડ-રસ્‍તા-પુલોનું વ્યૂહાત્‍મક નેટવર્ક રચવાનો મેગાપ્રોજેક્ટ તે વર્ષે ઘડી કાઢવામાં આવ્યો, જેની સીધી અસર દર્બુક-દૌલત બેગ ઓલ્‍ડી સડકમાર્ગના પ્રોજેક્ટ પર પડી. પહેલી વાર તેમાં શક્તિસંચાર થયો અને પાંચ વર્ષમાં તો ૨પપ કિલોમીટર લાંબી સડક બની ગઈ. હવે તે રૂટનાં નદી-નાળાં પર પુલો ઊભા કરવાના બાકી હતા. 
                                                                            ■
ભારતીય ખુશ્‍કીદળમાં Corps of Engineers/ કોર ઓફ એન્‍જિનિઅર્સ કહેવાતી શાખા છે. (કોર = લશ્કરની ટુકડી). ખુશ્‍કીદળમાં જોડાયા પછી ઇજનેરી વિદ્યાનો અભ્‍યાસ કરી સ્‍નાતક બનેલા અફસરો તે કોરમાં સેવા આપે છે. કામચલાઉ અથવા કાયમી પુલો રચવા, માર્ગમાં આવતી આડશોને બારુદી વિસ્ફોટ વડે નાબૂદ કરવી, ‘ડેડ એન્ડ’ હોય ત્યાં બાયપાસ જેવો માર્ગ રચી આપવો, જમીનમાં ખોદકામ કરી ખાઈ રચી આપવી વગેરે કામમાં તે એન્જિનિયર્સ નિપુણ છે. બોર્ડર રોડ્ઝ ઓર્ગેનાઇઝેશ/ BROમાં આવા એન્‍જિનિઅર્સ બહુ મોટી સંખ્‍યામાં સેવા આપે છે.
એક નીવડેલા એન્‍જિનિઅર બ્રિગેડિઅર ડી. એમ. પૂર્વીમથ હતા. દર્બુગ-દૌલત બેગ ઓલ્‍ડી રોડની સૌથી મહત્ત્વપૂર્ણ કડી જોડવાનું કામ તેમને સોંપવામાં આવ્યું. આ કડી એટલે શ્‍યોક નદીના ૧,૪૧૦ ફીટ પહોળા પટ પરનો પુલ! અગાઉ નોંધ્‍યું તેમ સેતુ બાંધ્‍યા વિના શ્‍યોક નદીને પાર કરવી અસંભવ હતી, કેમ કે ઉનાળામાં ઊંચા શિખરોનું હિમ પીગળે ત્‍યારે શ્‍યોકનું વહેણ અનેકગણું વધી જવા પામતું હતું. પ્રવાહનો વેગ પાછો જોશીલો, એટલે તેમાં ઊતરવાનો તો વિચાર પણ ન કરી શકાય. ભૂતકાળમાં કેટલાક સ્‍થાનિક લદ્દાખીઓ શ્‍યોકનું વહેણ પાર કરવા જતાં ડૂબીને માર્યા ગયા હોવાના દાખલા બન્‍યા હતા. 

૧૯૮પમાં ભારતીય ખુશ્‍કીદળની કોર ઓફ એન્‍જિનિઅર્સમાં જોડાયેલા અને આગવી કોઠાસૂઝભરી સેવાઓ બદલ એક નહિ, પણ બબ્‍બે વખતે ‘વિશિષ્ટ સેના મેડલ’ પામેલા બ્રિગેડિઅર ડી. એમ. પૂર્વીમથના શિરે બહુ મોટી જિમ્‍મેદારી હતી. સમુદ્રસપાટીથી ૧૪,૬પ૦ ફીટ ઊંચા લેવલે તેમણે એવો પુલ ઊભો કરવાનો હતો કે જે (૧) ઉનાળામાં શ્‍યોકના ધસમસતા વહેણની ઢીંક ઝીલી શકે અને (૨) ભારતીય ખુશ્‍કીદળના ભારેખમ લશ્‍કરી ખટારાનો તેમજ ટેન્‍ક જેવાં હેવીવેઇટ બખ્‍તરિયા વાહનોનો બોજ ખમી શકે.

પુલ માટે આવશ્‍યક પોલાદનાં ગર્ડર્સ, પોલાદની પાટો, નટ-બોલ્‍ટ, વેલ્‍ડિંગ મશીન જેવો સામાન વાયુસેનાના વાહતુક વિમાનો મારફત દૌલત બેગ ઓલ્‍ડી મંગાવવામાં આવ્યો. દરમ્‍યાન બ્રિગેડિઅર પૂર્વીમથે તેમના સહકર્મીઓને તેમજ શ્રમિકોને તાલીમ આપવાનું શરૂ કર્યું. ઠંડી, પાતળી હવા, મર્યાદિત ઓક્સિજન જેવી વિષમતાઓનો સામનો કેવી રીતે કરવો તે સમજાવ્યું અને ૨૦૧૬માં પુલનું બાંધકામ શરૂ કરાવ્‍યું. ઉનાળામાં શ્‍યોકનો પ્રવાહ અનેકગણો વધી જાય ત્‍યારનો તેમજ શિયાળામાં પુષ્‍કળ હિમવર્ષા થાય તે દિવસોનો સમયગાળો બાદ કરતાં બાંધકામ લગભગ વણઅટક્યું ચાલ્યું. શિયાળામાં તાપમાન શૂન્‍ય નીચે ૪૦ અંશ સેલ્‍શિઅસ થઈ જાય ત્‍યારે ઠંડાગાર પોલાદી ગર્ડસનું કટિંગ, વેલ્‍ડિંગ અને નટ-બોલ્‍ટ વડે ફિક્સિંગ ટોર્ચરની હદે ત્રાસદાયક નીવડે, તો ઉનાળામાં સૂર્યનાં વેધક અલ્‍ટ્રાવાયોલેટ કિરણો ત્‍વચાને રીતસર ભૂંજી નાખે. આ તકલીફો કેવીક હોય તેનો આપણને રતીભાર અંદાજ ન આવે. બીજી તરફ શ્રમિકોની તેમજ બ્રિગેડિઅર ડી. એમ. પૂર્વીમથ જેવા ઇજનેર અફસરોની ફરજપરસ્‍ત ટીમ ટાઢ-તાપ જોયા વિના તેમને સોંપાયેલા જવાબદારીભર્યા કાર્યને સમર્પિત રહી.
પંદર માસના અથાક પરિશ્રમના અંતે ૨૦૧૮માં શ્‍યોક નદીના પટ ઉપર ૧,૪૧૦ ફીટ લાંબો અને (ટેન્‍ક જેવાં જરા પહોળાં વાહનો પસાર થઈ શકે એ માટે) ૧૪ ફીટ પહોળો પુલ બની રહ્યો. ભારતનો સૌથી ઊંચો પુલ બાંધવાનું કાર્ય કુશળતાપૂર્વક પાર પાડવા બદલ જાન્‍યુઆરી ૨૬, ૨૦૧૯ના રોજ વડા પ્રધાનના હસ્‍તે બ્રિગેડિઅર ડી. એમ. પૂર્વીમથનું સન્‍માન કરવામાં આવ્યું.
                                                                            ■
 ઓક્ટોબર, ૨૦૧૯. ભારતના સંરક્ષણ મંત્રી શ્‍યોક નદી પરના (દેશના સર્વાધિક ઊંચા) પુલના ઉદઘાટન માટે પહોંચે છે. ૧૯૪૭ના તેમજ ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધમાં લડીને બે વખત મહાવીર ચક્ર વિજેતા બનેલા મૂળ લદ્દાખના યોદ્ધા કર્નલ ચવાંગ રીંગચેનની સ્‍મૃતિમાં પુલને ‘ચવાંગ રીંગચેન સેતુ’ નામ આપે છે. ભારતના પ્રેસ ઇન્‍ફર્મેશન બ્‍યુરો તે સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ કરે છે અને તે સાથે જ ચીનમાં આઘાતનો અને સરપ્રાઇઝનો જોરદાર ભૂકંપ આવે છે. સમુદ્રસપાટીથી ૧૪,૬પ૦ ફીટ ઊંચે પ્રાકૃતિક વિષમતાઓ વચ્‍ચે તેમજ પૂરતા સાધન સગવડના અભાવ વચ્‍ચે ભારતીય લશ્‍કરના ઇજનેરોએ પુલ કેવી રીતે અને ખાસ તો ક્યારે બાંધી નાખ્યો એ ચીનાઓની સમજ બહારનો વિષય બને છે.
આ પુલ વાસ્‍તવિક નિયંત્રણ રેખાથી ૪પ કિલોમીટર અંદર હોવાથી ત્‍યાં સુધી ન તો ચીની લશ્‍કરની નજર પહોંચી કે ન ત્‍યાં સુધી તેની પહોંચ હતી. આથી ‘ચવાંગ રીંગચેન સેતુ’ના બાંધકામથી અકળાયેલા ડ્રેગને ગલવાન તરફ ડોળો માંડ્યો. અહીં દર્બુક-દૌલત બેગ ઓલ્‍ડીની સડક પર બંધાઈ રહેલા ૬૦ મીટર લાંબા પુલનું બાંધકામ અટકાવી દેવાના આશયે એપ્રિલ, ૨૦૨૦થી ચીની લશ્‍કરની પેશકદમી થવા લાગી અને મામલો ક્રમશઃ બિચકતો છેવટે જૂન ૧પ-૧૬ના લોહિયાળ સંઘર્ષમાં પરિણમ્યો. આ દર્દનાક ઘટનાના બીજે જ દિવસે ગલવાન નદી પર પુલનું બાંધકામ કરતી ખુશ્‍કીદળની કોર ઓફ એન્‍જિનિઅર્સની ટુકડીના અફસરોને હુકમ મળ્યો કે, દિવસરાત એક કરવા પડે તો કરી દો, પણ પુલનું બાંધકામ તત્‍કાળ આટોપી દો!
કોર ઓફ એન્‍જિનિઅર્સના લશ્‍કરી અફસરો તથા બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના શ્રમિકો ભૂખ-તરસ-શ્રમ-થકાવટ બધું ભૂલીને મચી પડ્યા. સરપ્રાઇઝ! સરપ્રાઇઝ! જૂનની ૧૯મી તારીખે પુલના મુખ્ય ઇજનેર અફસરે લશ્‍કરના ઉપરી કમાન્‍ડને મેસેજ પાઠવ્યો કે ગલવાન નદીનો બ્રિજ ટ્રાફિકના વહન માટે સંપૂર્ણ તૈયાર છે. અગાઉ શ્‍યોક નદી પર ‘ચવાંગ રીંગચેન સેતુ’ બન્‍યાના સમાચારનો રેચ મેળવી ચૂકેલી બીજિંગ સરકારને જુલાબનો વધુ એક ડોઝ લેવો પડ્યો.
                                                                            ■
આજથી વીસ વર્ષ પહેલાં દર્બુક-દૌલત બેગ ઓલ્‍ડીની બારમાસી સડકનું જે ખ્‍વાબ આપણા લશ્‍કરે જોયું હતું તે આજે કોર ઓફ એન્‍જિનિઅર્સના ખંતીલા ઇજનેરોએ તથા બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના શ્રમિકોએ પૂરું કર્યું છે. આવતી કાલે ધારો કે ઉત્તર લદ્દાખની વાસ્‍તવિક નિયંત્રણ રેખાના દૌલત બેગ ઓલ્‍ડી, ચિપ ચેપ નદી, રાકી નાળા, જીવન નાળા, ગલવાન જેવા લશ્‍કરી ક્ષેત્રોમાં ચીન જોડે છમકલું થાય તો આપણા લશ્‍કરી ખટારા શસ્‍ત્રસરંજામ તથા સૈનિકો સાથે ત્‍યાં જોતજોતામાં ધસી જશે. લેહથી વાયા સાસ્‍સેર ઘાટના રસ્‍તે દૌલત બેગ ઓલ્‍ડી પહોંચવામાં અગાઉ ૨૪ કલાક થતા હતા, હવે નવા રસ્‍તે ગણીને ૬-૭ કલાક થશે. યુદ્ધકાળમાં અકેક મિનિટ કિંમતી હોય ત્‍યારે સમયની આવી બચત નાનીસૂની ન કહેવાય. 
આ બચત ખુશ્‍કીદળની કોર ઓફ એન્‍જિનિઅર્સના લશ્‍કરી અફસરોને તથા બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના શ્રમિકોને આભારી છે. પરિવારથી દૂર હિમાલયના એકાંતવાસમાં તેમજ વિષમ વાતાવરણમાં રહીને તેમણે બનાવેલા રસ્તા-પુલોએ નિયંત્રણ રેખાનાં વ્‍યૂહાત્‍મક સંજોગો ભારતની તરફેણમાં અને ચીનની વિરુદ્ધમાં કરી દીધાં છે. આ ગુમનામ નરબંકાઓ પણ આભાર-અભિનંદન-વંદનના સાચા હક્કદાર છે. એક સલામ એ ગુમનામીઓને નામ!  ■
©Harshal Pushkarna
©કોપીરાઇટેડ મટીરીઅલ. લેખકની પરવાનગી વિના લખાણનો કે તેના ભાગનો ઉપયોગ કરવો નહિ.

Comments

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન