ચાલો, ચીને ૬૦ વર્ષથી તાબે રાખેલા આપણા અક્સાઈ ચીનની સફરે!
લંકાપતિ રાવણનો વધ કર્યા પછી શ્રીરામ અને તેમના અનુજ લક્ષ્મણજી લંકાભ્રમણ માટે નીકળ્યા હતા. સુવર્ણ નગરીની ચમકદમકથી લક્ષ્મણજી એટલા અંજાઈ ગયા કે લંકાને સ્વર્ગની ઉપમા આપી બેઠા. અહીં કેટલોક સમય રોકાણ કરવાની જ્યારે તેમણે વડીલ બંધુ સમક્ષ ઇચ્છા પ્રગટ કરી ત્યારે મર્યાદા પુરુષોત્તમે ‘जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी’ શ્લોક ઉચ્ચારી અનુજને વાર્યા. માતૃભૂમિનું મહાત્મ્ય દર્શાવતો એ શ્લોક મહર્ષિ વાલ્મીકિ કૃત મહાકાવ્ય ‘રામાયણ’માં વાંચવા મળે છે. આ ઉપરાંત વધુ એક ઠેકાણે વાંચી શકાય છેઃ આપણા પડોશી દેશ નેપાળના રાજચિહ્નમાં! સૂર્યવંશી શ્રીરામના મુખેથી નીકળેલું ‘जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी’ વાક્ય નેપાળે એટલી ગંભીરતાથી લીધું છે કે આજ દિન સુધી નથી તે દેશ પર કોઈ પરદેશી હકૂમત સત્તા જમાવી શકી કે નથી નેપાળની ભૂમિનો નાનો સરખોયે ટુકડો અન્ય કોઈ દેશની એડી નીચે! જન્મભૂમિની રક્ષા કાજે બનતું કરી છૂટવાની નેપાળી પરંપરાનું તેમજ તીવ્ર દેશદાઝનું એ પરિણામ છે.
અફસોસની વાત છે કે જન્મભૂમિનું મહાત્મ્ય સમજાવતા રાજા રામના શબ્દો સમજવામાં આપણા દેશે જબરી થાપ ખાધી છે. ઓગસ્ટ, ૧૯૪૭માં સ્વતંત્રતા મળ્યા પછી આપણે માતૃભૂમિનો બહુ મોટો પ્રદેશ ગુમાવી ચૂક્યા છીએ. શરૂઆત કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન પ્રાંતનો ૭૩,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલો માતબર વિસ્તાર ગુમાવવાથી થઈ. આગામી વારો કથિત ‘આઝાદ કાશ્મીર’ના ૧૩,૩૦૦ ચોરસ કિલોમીટરના કાશ્મીરનો આવ્યો. સ્વર્ગથી પણ ચડિયાતી એવી માતૃભૂમિના બે મોટા અંગ આપણે ઠંડે કલેજે જવા દીધા.
કેટલાંક વર્ષ પછી ૧૯પ૭-પ૮માં ચીન લદ્દાખના ૩૭,૨પ૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા અક્સાઇ ચીનનું બટકું ભરી ગયું. આ ભૂમિને પાછી મેળવવાની વાત તો દૂરની રહી, પણ સરકારની ભૂલનો તત્કાલીન વડા પ્રધાને લૂલો બચાવ કર્યો. સંસદમાં તેમણે ઉચ્ચારેલા શબ્દો આમ હતાઃ
‘ભૂલી જાવ એ ગુમાવેલા પ્રદેશને! ઘાસનું એકાદ તણખલું સુધ્ધાં ત્યાં ઊગતું નથી એટલો તે ઉજ્જડ છે.’
વડા પ્રધાનનું આવું નિવેદન સાંભળીને મહાવીર ત્યાગી નામના બુઝુર્ગ સાંસદ ઊભા થયા અને પોતાના કેશરહિત ‘ઉજ્જડ’ મસ્તક તરફ આંગળી ચીંધીને બોલ્યા, ‘નેહરુજી, તણખલું તો અહીં પણ ઊગતું નથી, તો શું હું મારું શીશ કોઈને ઉતારી આપું?’
■ ■ ■
સમ ખાવા પૂરતી પણ એકાદ ગોળી દાગ્યા વિના જ ચીને પચાવી પાડેલા આપણા અક્સાઇ ચીનમાં શું સાચે જ ઘાસનું તણખલું ઊગતું નથી? નહિ, સાવ એવું નથી.
ચીનના સિંન્કિયાંગ પ્રાંતમાં તિબેટનો પઠાર (સપાટ મેદાનોવાળો) પ્રદેશ આવેલો છે. સમુદ્રસપાટીથી તેની સરેરાશ ઊંચાઈ ૧પ,૦૦૦ ફીટ છે. અંગ્રેજીમાં તિબેટિયન પ્લેટો તરીકે ઓળખાતા પઠાર પ્રદેશનો ઉત્તરથી દક્ષિણ વ્યાપ ૧,૦૦૦ કિલોમીટર છે, જ્યારે પૂર્વ-પશ્ચિમ પહોળાઈ તો ખાસ્સી ૨,પ૦૦ કિલોમીટર જેટલી છે. અક્સાઇ ચીનની ઘણીખરી ભૂમિ તિબેટિયન પ્લેટોનો ભાગ છે. આ ભૂમિને ‘અક્સાઇ ચીન’ નામ ઉઇગર જાતિના મુસ્લિમ ધર્મી લોકોએ આપ્યું હતું. તુર્કી મિશ્રિત ઉઇગર બોલીમાં ‘અક’ એટલે સફેદ, ‘સાઇ’નો અર્થ ખીણપ્રદેશ અને ‘ચોઅલ’ શબ્દનો મતલબ ઉજ્જડ-ભેંકાર એવો થાય છે. ચોઅલ શબ્દનું મૂળ આજે નામશેષ થઈ ચૂકેલી પ્રાચીન ખિતાની ભાષામાં નીકળે છે, જેમાં ઉજ્જડ-ભેંકાર પ્રદેશને ‘ચીન’ તરીકે ઓળખવામાં આવતો હતો. આમ, અક્સાઇ ચીન એટલે પથરાળ અને ઉજ્જડ રેગિસ્તાની પ્રદેશ!
આશરે ૩૮,૦૦૦ ચોરસ કિલોમીટરના અક્સાઇ ચીન પર મેઘરાજાની ઝાઝી મહેર નથી, એટલે ભારતના અન્ય મેદાની તેમજ પહાડી પ્રદેશોમાં જોવા મળે તેવી વનરાજી ત્યાં ખીલતી નથી. છતાં પાણી વિના પાંગરી શકતા જંગલી છોડ તથા ઘાસ ઠેર ઠેર ઊગી નીકળે છે. કાશ્મીરનાં હરિયાળાં અને ખૂબસૂરત ખીણપ્રદેશો જોવાને ટેવાયેલા પંડિત નહેરુએ અક્સાઇ ચીનનું મૂલ્યાંકન (કે પછી અવમૂલ્યન) ભલે તણખલા ભાર કરી દીધું, પરંતુ ગાઢ વનરાજીના મેક-અપ વિના તે પ્રદેશ બદસૂરત રહી ગયો એવું માની લેવાની જરૂર નથી. ઊલટું, અહીંનું landscape/ પરિદૃશ્ય જ નિરાળું છે—અને તેની સુંદરતા જોવા માટે નજર નહિ, પણ દૃષ્ટિ જોઈઅે.
અક્સાઇ ચીનના પ્રદેશને કોઈ વિરાટ કદની તાસક ગણો, તો કુદરતે તેમાં ગણેશજીના પ્રિય મોદક જેવા અકારવાળા અસંખ્ય પર્વતોનો ભોગ સજાવ્યો છે. કુનલુન પર્વતમાળાના એ પહાડો ૧૪,૦૦૦થી ૨૩,૦૦૦ ફીટની ઊંચાઈ ધરાવે છે. વર્ષના ઘણાખરા દિવસ તેમના મસ્તક પર હિમનો અભિષેક થયા કરે છે. (તસવીર નં.૧). શિખરે જમા થતું હિમ સૂર્યતાપથી પીગળીને નદી-નાળાં સ્વરૂપે અક્સાઇ ચીનના મેદાની પ્રદેશમાં લગભગ બારેમાસ વહેતું રહે છે. અક્સાઇ ચીનમાં મોટાં શહેરો-નગરો વસ્યાં નથી, પરંતુ મીઠા પાણીનાં નદી-નાળાં જ્યાંથી પસાર થાય તેવાં છૂટપૂટ સ્થળોએ મૂળ તિબેટી વંશના ખાનાબદોશ ભરવાડો તંબૂ ખોડીને વસવાટ છે. પાલક જેવી ભાજી અને ઘઉં તેમજ જવ જેવું ધાન્ય ઉગાડીને તેઓ પોતાનો રોજિંદો ખોરાક મેળવે છે. યાકનું અને બકરાંનું માંસ તેમની મુખ્ય ખાદ્યસામગ્રી છે. આ ચરબીયુક્ત ખોરાક હાડ ગાળી નાખતી ઠંડીનો સામનો કરવા માટે શારીરિક ઊષ્મા આપે છે. તિબેટી ભરવાડોને બાહ્ય જગત જોડે નામમાત્ર પણ સંપર્ક નથી, એટલે દુનિયામાં રોજેરોજ જે નવાજૂની બને તેનાથી તેઓ બેખબર છે. જગત ૨૧મી સદીમાં પહોંચી ગયું, પણ તેઓ જાણે મધ્યકાલીન યુગમાં જીવતા હોય તેમ પોતાની નાની અમસ્તી દુનિયામાં ‘થોડા ખાના ઔર ખૂબી સે રહેના’ વાળી ફિલસૂફી ભર્યું અલગારી જીવન વીતાવે છે. વર્ષ, તારીખ, વાર, કલાક, મિનિટ જેવાં સમયનાં કેટકેટલાં માપિયાં આપણે બનાવ્યાં છે. પરંતુ અક્સાઇ ચીનના ખાનાબદોશ લોકો માટે સમયનાં ગણીને ફક્ત બે એકમો છેઃ દિવસ અને રાત!
નીલવર્ણી પાણી લઈને ખળખળ વહેતી કારાકાશ (તસવીર નં.૩), અક્સાઇ ચીન, ગલવાન, ચાંગ ચેન્મો અહીંની મુખ્ય નદીઓ છે. નદી-નાળાંની કુલ સંખ્યા બે ડઝન કરતાંય વધુ અને સરોવરોનો જુમલો ૭ હોવાનું જાણો ત્યારે સમજાય કે નપાણિયું અક્સાઇ ચીન સાવ સૂકુંભટ નથી. પહાડો પરથી ઊતરી આવેલું નાળાંનું આસમાની-નીલું પાણી તેનાં સરોવરોને તરબતર રાખે છે. અહીંનું એક સરોવર તો જાણે પેલું ‘થ્રી-ઇડિયટ્સ’ ફિલ્મવાળું પેંગોંગ (તસવીર નં.૨) કે જેનો કેટલોક ભાગ આપણા હસ્તકના લદ્દાખમાં આવેલો છે. બીજું મુખ્ય સરોવર અક્સાઇ ચીન નામનું છે, જે ૧પ કિલોમીટર બાય ૮ કિલોમીટરના વ્યાપમાં ફેલાયેલું છે. અક્સાઇ ચીન નદી તેનો મુખ્ય સ્રોત છે. લગભગ ૬૨ ચોરસ કિલોમીટરનો ફેલાવો ધરાવતું ત્રીજું સરોવર સ્પાંગુર ત્સો છે, જેની મુલાકાતે પટ્ટાયત હંસ અને કાળી ડોકવાળાં કુંજ જેવાં યાયાવર પંખીડાં દર શિયાળે આવતાં હોય છે.
ઊંચા પર્વતો, સપાટ મેદાનો, નદી-નાળાં, લાંબી-પહોળી ખીણો, સરોવરો વગેરે જેવું વૈવિધ્યપૂર્ણ ભૌગોલિક ફીચર ધરાવતું અક્સાઇ ચીન કુદરતી અજાયબી છે. આ વેરાન ભૂમિ પર વાહનોથી માંડીને ઔદ્યોગિક એકમોનું ન્યૂસન્સ નથી, એટલે હવા અણીશુદ્ધ અને વાતાવરણ કાચ જેવું ચોખ્ખું રહે છે. આકાશ દિવસભર ભડક ભૂરો રંગ ધારણ કરે અને રાત પડતાં તેણે કાળા મખમલની હીરાજડિત ચાદર ઓઢી હોય તેવો આભાસ થાય. ક્ષિતિજથી ક્ષિતિજ સુધી પથરાતો દૂધગંગાનો પટ્ટો અને તેનાં અગણિત તારા નરી આંખે સ્પષ્ટ જોઈ શકાય.
■ ■ ■
અફસોસ કે આમાંનું કશું આપણે માણી શકીએ તેમ નથી. એક નવી જ દુનિયામાં આવી ચડ્યાની અનુભૂતિ કરાવતો અક્સાઇ ચીનનો વેરાન, પણ વૈવિધ્યસભર ભૂસ્તરીય વિસ્તાર આપણી માતૃભૂમિનું અંગ હોવા છતાં લાઇન ઓફ એચ્યુઅલ કન્ટ્રોલ નામની કમબખ્ત ફાચરે તેને આપણાથી જુદો કરી નાખ્યો છે. આજથી ૬ દાયકા પહેલાં ચીને તે ટુકડો સિફતપૂર્વક પડાવી લીધા પછી આજે તેની સ્થિતિ શી છે?
જૈસે થે! મતલબ કે ૬૦ વર્ષ પહેલાં અક્સાઇ ચીન જે સ્થિતિમાં હતું તેમ જ આજે પણ છે. આટલાં વર્ષોમાં ચીનની સરકારે સ્થાનિકો માટે ડેવલપમેન્ટના નામે એકાદ ઇમારત સુધ્ધાં ઊભી કરી નથી. આ બહોળા વિસ્તારમાં વસતા દસેક હજાર ખાનાબદોશ રહીશોને તેમના ભરોસે તરછોડી દીધા છે. સાઠ વર્ષમાં કંઈ નવાજૂની બની હોય તો તિબેટના લ્હાસાથી નીકળીને વાયા અક્સાઇ ચીન થતી સિંન્કિયાંગ પહોંચતી પાકી સડક કે જેનું નિર્માણ ચીને વર્ષો પહેલાં કર્યું હતું. કુલ ૧૦,૦૦૦ કિલોમીટર લાંબી તે સડક મારફત આજે ચીનના લશ્કરી તેમજ વ્યાપારી ખટારા તિબેટ અને (વાયા કારાકોરમ ઘાટ) પાકિસ્તાન વચ્ચે નિયમિત ખેપ કરે છે. આ વ્યૂહાત્મક માર્ગનો ઘણો મોટો ભાગ અક્સાઇ ચીનમાંથી નીકળતો હોવા છતાં છ-છ દાયકાથી આપણે આંટીએ પગ ચડાવીને બેસી રહ્યા છીએ.
અક્સાઇ ચીનમાં વિકાસના નામે ચીને બીજું શું કર્યું તે પણ જાણી લો. લાઇન ઓફ એચ્યુઅલ કન્ટ્રોલની પેલે પાર ચીની લશ્કરે અનેક સ્થળોએ છાવણીઅો સ્થાપી દીધી છે. અમુક છાવણીનાં પાકાં મકાનો તો ત્રણથી ચાર માળની ઊંચાઈ અને માતબર પહોળાઈ ધરાવે છે. ૨૦૧૩માં બીજિંગ સરકારે અખબારોમાં તેમની તસવીરો પ્રગટ કરાવી એટલું જ નહિ, પણ અક્સાઇ ચીનમાં નિયુક્ત તેના સૈનિકોના પણ ફોટા છપાવ્યા. આવી તસવીરો વડે ચીને જાણે કે ભારતને પરોક્ષ રીતે ગૂઢ મેસેજ આપ્યોઃ ‘આ છે અક્સાઇ ચીનમાં અમારો પથારો! થાય તે કરી લો!’
હવે ‘વિકાસ’નો ત્રીજો દાખલો. અહીંના પર્વતીય પ્રદેશો ખનિજોનો ભંડાર ધરાવે છે. ૨૦૧પમાં કુનલુન પર્વતમાળાના પશ્ચિમી વિસ્તારમાં હુઓશાઓયુન નામના સ્થળે ચીનને જસતનો બમ્પર દલ્લો મળી આવ્યો. આ મફતિયા માલને ચીન છેલ્લાં પાંચ વર્ષથી ઉલેચીને ઘરભેગો કરી રહ્યું છે. આને ચીનના પક્ષે વિકાસ ગણો, પરંતુ ભારત માટે તો રકાસ છે.
ખેદની વાત છે કે ભૂતકાળમાં થયેલી રાજકીય ભૂલોને કારણે આપણે અક્સાઇ ચીન નામની એક ભૌગોલિક અજાયબી ગુમાવી દેવી પડી. માનો યા ન માનો જેવું લાગે, પણ આજે તે અજાયબીને જોવા માટે તથા ત્યાંની ચોખ્ખી હવાનો અને અલૌકિક વાતાવરણનો અનુભવ કરવા માટે પરદેશી પર્યટકો લ્હાસાથી ખાસ જીપ સફારી કરવા આવે છે. કેટલાક ખંતીલા સાહસિકો તો અક્સાઇ ચીનમાં સાઇક્લિંગ પ્રવાસે નીકળી પડે છે અને ત્યાંના કુદરતી સૌંદર્યનો આસ્તે આસ્તે કેફ માણે છે. દિવસભર પેડલિંગ કરતા રહેવું, રાત પડે તારાજડિત અાકાશી ચંદરવા નીચે તંબૂ ખોડીને પોર્ટેબલ સ્ટવ પર ભોજન બનાવીને ખાવું, સ્લીપિંગ બેગમાં ભરાઈને રાતભર મીઠી નીંદર માણવી અને સવારે વળી પાછો પ્રવાસ શરૂ કરી દેવો... આ બધું જે માણે તે જાણે કે અક્સાઇ ચીનની ખૂબસૂરતી આખરે કેવી અપ્રતિમ છે!
આ માણવા-જાણવાનો મોકો ભારતીયોને પણ મળે એ સપરમા દિવસની પ્રતીક્ષા રહેશે. ■
©Harshal Pushkarna
©કોપીરાઇટેડ મટીરીઅલ. લેખકની પરવાનગી વિના લખાણનો કે તેના ભાગનો ઉપયોગ કરવો નહિ.
Comments
Post a Comment