ચૂકશો નહિઃ આકાશી પડદે ભજવાઈ રહેલો કુદરતનો ભવ્‍ય સ્‍કાય-શો


19-07-2020. ગુજરાત સમાચાર. રવિપૂર્તિમાં પ્રગટ થયેલો લેખ.

કોલમનું નામઃ એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા (તંત્રીઃ ‘જિપ્સી’ મેગેઝિન www.iamgypsy.in)

ચૂકશો નહિઃ આકાશી પડદે ભજવાઈ રહેલો કુદરતનો ભવ્‍ય સ્‍કાય-શો

૨૨-૨૩ જુલાઈએ પૃથ્‍વીને છેલ્‍લી સલામ કરીને પસાર થનારા ‘નિઓવાઇસ’ ધૂમકેતુને નરી આંખે જોઈ શકાશે 

વર્ષ ૨૦૨૦નું નહિ, પણ ઈ.સ. ૮૮૨૦ હોવાનું ધારી લો. ખનિજ તેલ, કોલસો, નેચરલ ગેસ, યુરેનિયમ, જંગલો, ફળદ્રુપ જમીન વગેરે જેવી કુદરતી સંપદાનો સ્‍વાર્થી માનવજાતે કસ કાઢી નાખ્યા પછી હવે તેમાંનું કશું બચ્‍યું નથી. ગ્‍લોબલ વોર્મિંગને કારણે પૃથ્‍વીનું સરેરાશ તાપમાન હદ પાર વધી જતાં ધ્રુવ પ્રદેશોનો તેમજ હિમપહાડોનો બરફ ક્યારનો પીગળી ચૂક્યો છે અને તેનું મીઠું પાણી મહાસાગરમાં ભળ્યા પછી દરિયાની સપાટી ઊંચે ચડતાં તટવર્તી પ્રદેશો જળબંબાકાર બન્‍યા છે. તાપમાનમાં વધારો થયા પછી તો પૃથ્‍વીનું વાતાવરણ બળબળતી ભઠ્ઠી જેવું બન્‍યું છે.

ટૂંકમાં, પૃથ્‍વી જેવી આજે છે તેવી ૬,૮૦૦ વર્ષ પછી રહી નથી, એટલે માનવજાતે પોતાનું ‘ઘર બદલ્યું’ છે. પડોશી ગ્રહ મંગળ પર વસાહતો સ્‍થાપીને ધામા નાખ્યા છે. આ લખનારની અને લખેલું જેઓ વાંચી રહ્યા છે તેમની અનેક પેઢીઓ વીતી ચૂક્યા પછી દૂરના વંશજો રાતા ગ્રહ મંગળ પર જીવે છે. ઇસ્‍વી સનનું ગ્રેગરિયન કેલેન્‍ડર જો તેમણે મંગળ પર પણ અમલમાં રાખ્યું હોય તો ત્‍યાં વર્ષ ૮૮૨૦નું બતાવી રહ્યું છે. એક રાત્રે મંગળવાસીઓ આકાશમાં લાંબો લિસોટો દોરતો ‘C/2020 F3 નિઓવાઇસ’ નામનો પૂંછડિયો તારો અર્થાત્ ધૂમકેતુ પસાર થતો જુએ છે અને તે મનમોહક દૃશ્‍ય જોતાં જોતાં મનમાં વિચારે છે, ‘આ ધૂમકેતુને અાપણા આદિપૂર્વજોએ ૬,૮૦૦ વર્ષ પહેલાં પૃથ્વી નામના ગ્રહ પરથી જોતી વખતે કેવો રોમાંચ અનુભવ્‍યો હશે!’

આજથી ૬,૮૦૦ વર્ષ પછીની આપણી પેઢી કેવીક હશે એ તો કોને ખબર, પણ તે પૃથ્‍વી પર વસતી નહિ હોય એટલું નક્કી માનજો! આથી પૃથ્‍વી નામની દિવ્‍ય વસુંધરા પર ઊભા રહીને ‘નિઓવાઇસ’ ધૂમકેતુને Hi! Hello! કરી લેવું હોય તો અત્‍યારે છેલ્‍લો મોકો છે. દર ૬,૮૦૦ વર્ષે સૂર્યની મુલાકાતે આવતો ‘નિઓવાઇસ’ અત્‍યારે દરરોજ સાંજે સૂર્યાસ્‍ત પછી North-West/ વાયવ્ય દિશામાં જોવા મળી રહ્યો છે. જુલાઈ ૨૨-૨૩, ૨૦૨૦ દરમ્‍યાન તે પૃથ્‍વીની વધુ નજીક આવશે અને ઓગસ્‍ટ માસના આરંભ સુધીમાં તો દેખાતો બંધ થઈ જશે. અંતરિક્ષમાં અત્‍યંત લાંબો પ્રવાસ કરીને તે પોતાના માદરે વતન ઊર્ટના વાદળ તરફ પ્રયાણ કરશે.

ધૂમકેતુ ‘નિઓવાઇસ’

અલબત્ત, અત્‍યંત લાંબો એટલે ખરેખર કેટલો લાંબો પ્રવાસ? આ રહ્યો જવાબઃ પૃથ્‍વી પર બે સ્‍થળો વચ્‍ચેનું અંતર માઈલ તેમજ કિલોમીટરમાં માપવાનો ધારો છે. બીજી તરફ અફાટ અને અનંત અંતરિક્ષમાં બે અવકાશી પિંડ વચ્‍ચેનું અંતર એટલું બધું છે કે માઈલ તથા કિલોમીટર જેવાં એકમોનો પનો ટૂંકો પડે. આથી ખગોળવિદ્દોએ એસ્‍ટ્રોનોમિકલ યુનિટ/ AU નામની જરા લાંબા ગજાની ‘માપપટ્ટી’ નક્કી કરી છે. (૧ AU = ૧૪.૯૬ કરોડ કિલોમીટર અથવા પૃથ્‍વી અને સૂર્ય વચ્‍ચેનું અંતર). એસ્‍ટ્રોનોમિકલ યુનિટ મુજબ સૂર્યથી ઊર્ટના વાદળનું મિનિમમ અંતર પ,૦૦૦ AU અને મહત્તમ અંતર ૧૦,૦૦૦ AU છે. બન્‍ને આંકડાને કિલોમીટરમાં ફેરવો તો હિસાબ અનુક્રમે ૭૪,પ૦૦ કરોડ અને ૧,૪પ,૦૦૦ કરોડ એવો બેસે! આ હિસાબે ઊર્ટના વાદળથી નીકળીને સૂર્યની મુલાકાતે આવેલા અને પૃથ્‍વીના આકાશમાં દર્શન દઈ રહેલા ‘નિઓવાઇસ’ ધૂમકેતુએ કેટલી લાંબી મજલ ખેડી કહેવાય.

■ ■ ■

આજે અંતરિક્ષમાં આપણો સૂર્ય જ્યાં તગતગી રહ્યો છે ત્‍યાં ૪.પ અબજ વર્ષ પહેલાં ઘોર અંધકાર હતો. હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુનાં વિરાટ વાદળો તેમજ ખડકો, ઢેફાં, રજકણોનો સમૂહ ત્‍યાં એકઠો થયેલો હતો. ગુરુત્‍વાકર્ષણના પ્રભાવ હેઠળ તે બધું પરસ્‍પર ગંઠાતું ગયું તેમ બુધ, શુક્ર, પૃથ્‍વી અને મંગળ જેવા ગ્રહોના પિંડ બન્‍યા. વાયુઓનો સૌથી વધુ જમાવડો કેંદ્રમાં હતો કે જ્યાં ગુરુત્વાકર્ષણ બેસુમાર હદે વધ્‍યા પછી તાપમાન ૧૪૦ લાખ અંશ સેલ્‍શિઅસે પહોંચ્‍યું. હાઇડ્રોજન વાયુનું હિલિયમમાં રૂપાંતર થવા લાગ્યું ન્યૂક્લિઅર ફ્યુઝનની અણુપ્રક્રિયા શરૂ થતાં પ્રચંડ વિસ્‍ફોટ સાથે સૂર્યની ભઠ્ઠી ચેતી. એકસામટા લાખો અણુબોમ્‍બ ફાટે એટલી તીવ્રતાનો ધડાકો એટલો પ્રચંડ હતો કે કેંદ્રની આસપાસ કુંભારના ચાકડાની માફક ઘૂમરાતો અગણિત ખડકો, રજકણો તથા વાયુકણોનો જથ્‍થો તે વાવાઝોડામાં ધકેલાઈને બધી દિશામાં ફંગોળાયો. સૂર્યથી તેમનું અંતર કરોડો કિલોમીટરમાં હતું, જ્યાં સૂર્યની ગરમી ખાસ ન પહોંચે, માટે બધો ભંગાર થીજેલી હાલતે જ રહ્યો. સૂર્યમાળાની ભાગોળે રચાયેલા વાયુઓના તથા ખડકોરૂપી ભંગારના બનેલા ઊર્ટ વાદળના એ સભ્‍યો એટલે ‘નિઓવાઇસ’ અને તેના જેવા ધૂમકેતુઓ!

■ ■ ■

ઉપરોક્ત વર્ણનને હજી સરળ રીતે સમજવું છે? તો ચૂરમાના લાડુને ઉદાહરણ તરીકે લો. એક મોટા થાળમાં ઘઉંનું ચૂરમું, ઘી અને ગોળ જેવા કાચા માલને પરસ્‍પર મસળ્યા પછી બે હાથ વડે દબાણ આપી તેમના જુદા જુદા કદના લાડુ બનાવો. સૌથી મોટા લાડુને સૂર્ય કહો, તો તેનાથી નાના કદવાળા લાડુ બુધ, શુક્ર, પૃથ્‍વી, ચંદ્ર, મંગળ વગેરે જેવા અવકાશી પિંડ છે. થાળમાં વચ્‍ચોવચ તેમને ગોળ કુંડાળું કરીને ગોઠવી દીધા પછી થાળની કિનારીએ બધી બાજુ ખસખસના દાણા વેરી દો. આ દાણા એટલે સૂર્યમાળા રચાયા પછી શેષ બચેલી ખડકોરૂપી કણક અને તેમના વડે રચાયેલો વર્તુળાકાર પટ્ટો એટલે ઊર્ટનું વાદળ! 

આ વાદળમાં અગણિત ધૂમકેતુઓ આવેલા છે, જેમાંના કેટલાકને સૂર્યનું ગુરુત્વાકર્ષણ ખેંચવા માંડે ત્‍યારે તેમણે સૂર્ય ફરતે કાયમના ચક્કરો લગાવવાના થાય છે. જેમ કે, ઈ.સ. ૧૯૮૬માં માનવજાતને જોવા મળેલો ‘હેલી’નો ધૂમકેતુ દર ૭૬ વર્ષે સૂર્યને ચકરાવો લેવા આવે છે. જુલાઈ ૨૩, ૧૯૯પના રોજ જેનો પહેલી વખત પત્તો લાગેલો તે ‘હેલ-બોપ’ ધૂમકેતુના કેસમાં પુનઃ પધરામણીની અવધિ ૨,૪૦૦ વર્ષ છે, તો ૧૮૬૨માં પહેલી વાર દેખાયા પછી ૧૯૯૨માં ફરી દર્શન આપી ચૂકેલો ‘સ્‍વીફ્ટ-ટટલ’ નામનો ધૂમકેતુ દર ૧૩૦ વર્ષે પૃથ્‍વીને હાઉક કરવા આવે છે.
 
અત્‍યારે સંધ્‍યાકાળ પછી વાયવ્‍ય દિશામાં જોવા મળતો ‘નિઓવાઇસ’ ધૂમકેતુ તો પૂરા ૬,૮૦૦ વર્ષે સૂર્યની મુલાકાતે આવ્‍યો છે. જુલાઈની ૩જી તારીખે તે પૃથ્‍વીની ૪.૩ કરોડ કિલોમીટર ‘નજીક’થી પસાર થઈ ગયો, તો હવે ૨૨-૨૩ જુલાઈ દરમ્‍યાન ૧૦.૩ કરોડના અંતરેથી પૃથ્‍વીને છેલ્‍લી સલામ કરીને ઊર્ટના વાદળ તરફ ચાલ્યો જવાનો છે. પૃથ્‍વીવાસી માનવજાતને ‘નિઓવાઇસ’ ધૂમકેતુ પહેલી (અને લેખના આરંભે જણાવ્‍યું તેમ કદાચ છેલ્‍લી) વાર જોવા મળ્યો છે, એટલે તેનાં દર્શનનો લાભ ચૂકવા જેવો નથી.

■ ■ ■

દરેક ધૂમકેતુ એકાદ જાયન્‍ટ ખડકનો બનેલો હોય, જેને ખગોળશાસ્‍ત્રની પરિભાષામાં nucleus/ ન્યૂક્લિઅસ/ નાભિ કહે છે. માર્ચ ૩૧, ૨૦૨૦ના રોજ નાસાના નિઓવાઇસ સ્‍પેસ ટેલિસ્કોપે શોધી કાઢેલા ‘નિઓવાઇસ’ ધૂમકેતુની નાભિ પ કિલોમીટરનો વ્‍યાસ ધરાવતી હોવાનું તેની ઇન્‍ફ્રારેડ ‘સિગ્‍નેચર’ના આધારે જાણવા મળ્યું છે. નાભિમાં એટલે કે વિરાટ ખડકમાં થીજેલા પાણી ઉપરાંત કાર્બન મોનોક્સાઇડ, મિથેન, એમોનિયા તથા બીજા કેટલાક વાયુઅો બરફરૂપે કેદ હોય છે.  બરફમાં ટનના હિસાબે રજકણો પણ ખરા. એકાદ ધૂમકેતુ લાંબો પ્રવાસ ખેડીને જ્યારે સૂર્યની નજીક આવવા લાગે ત્યારે બરફરૂપે કેદ કાર્બન મોનોક્સાઇડ, મિથેન તથા એમોનિયા ગરમીની અસરમાં ઘન સ્‍વરૂપ તજીને વાયુમાં રૂપાંતર થવા લાગે છે. બરફમાં ભળેલા રજકણો પણ છૂટા પડે છે. પરિણામે વાયુનું તથા રજકણોનું મોટું, સફેદ વાદળ નાભિની ફરતે રચાય, જેને ખગોળશાસ્‍ત્રીઓ coma/ કોમા તરીકે ઓળખાવે છે.


‘નિઓવાઇસ’ જેવા ધૂમકેતુનું સૌથી ધ્‍યાનાકર્ષક ફીચર તેની અનેક કિલોમીટર લાંબી પૂંછડી છે. દિવાળીનું રોકેટ આકાશ તરફ ચડતું જાય તેમ પાછળ ધૂમ્રસેર છોડતું જાય તેમ ધૂમકેતુમાંથી વાયુ તથા રજકણો છૂટા પડ્યા પછી વિરુદ્ધ દિશામાં ઘસડાતા લાંબી ‘પૂંછડી’ રચે છે. ગુજરાતીમાં એટલે જ ધૂમકેતુને પૂંછડિયો તારો કહે છે. જો કે ધૂમકેતુ માટે ‘તારો’ શબ્‍દ વૈજ્ઞાનિક રીતે ભૂલભરેલો છે. આપણા સૂર્યની જેમ જે અવકાશી પિંડમાં અણુપ્રક્રિયા થતી હોય અને જે પિંડ સ્‍વયંપ્રકાશિત હોય તેને જ star/ તારો કહી શકાય. આ હકીકતને ધ્‍યાનમાં લેતા ધૂમકેતુ માટે પૂંછડિયો પિંડ શબ્‍દ વધુ બંધબેસતો જણાય.

દરેક ધૂમકેતુને હજારોથી લઈને કરોડો કિલોમીટર લાંબી પૂંછડી હોય છે. વળી એક નહિ, બે હોય છે. એક તો જાણે કાર્બન મોનોક્સાઇડ, મિથેન તથા એમોનિયા જેવા વાયુઓની અને બીજી રજકણોની, જે પણ નાનીસૂની હોતી નથી. એક ઉદાહરણઃ ૧૯૮૩ની સાલમાં ઇરાસ-એરાકી-આલ્કોક નામનો ધૂમકેતુ સેકન્‍ડદીઠ ૨૦૦ કિલોગ્રામ રજકણો રીલીઝ કરીને લગભગ ૪,૦૦,૦૦૦ કિલોમીટર લાંબી પૂંછડી રચતો હતો. અંતરિક્ષમાં કલાકના ૨,૮૧૬ કિલોમીટરની ઝડપે ધસી જતો ‘નિઓવાઇસ’ ધૂમકેતુ લગભગ પાંચ કરોડ કિલોમીટર લાંબી પૂંછડી રચતો હોવાનો અંદાજ છે. આ અંતર પૃથ્‍વી અને સૂર્ય વચ્‍ચેના ફાસલા કરતાં ત્રીજા ભાગનું થયું!

‘નિઓવાઇસ’ જેવો ધૂમકેતુ વાયુ-રજકણોની ફૂટપ્રિન્‍ટ પાછળ મૂકતો જાય તેનો સૂચિતાર્થ એ કે  પોતાનું રો-મટીરિઅલ તે આહિસ્‍તા આહિસ્‍તા ગુમાવતો રહે છે. નાભિમાં રહેલા વાયુઓ તથા રજકણોનો ધીમો, પણ નિશ્ચિત વ્યય થયા કરે છે. ઊનનો દડો જમીન પર લસરાવ્યે રાખો તો એક પછી એક વળ ઉકેલાતા ક્રમશઃ તે નાનો બનતો જાય તેમ સૂર્યની પ્રત્‍યેક ­પ્રદક્ષિણા વખતે વાયુ અને રજકણો ગુમાવવાથી ધૂમકેતુની કાયા જીર્ણ બને છે. દર મુલાકાતે અગાઉ કરતાં વધુ વેઇટલોસ તેણે વેઠવાનો થાય અને લાંબા ગાળે તો બધા છાલગોટલા નીકળી ગયા પછી ધૂમકેતુનું અસ્‍તિત્‍વ જ રહેતું નથી. ‘નિઓવાઇસ’ ધૂમકેતુના કેસમાં પણ આમ જ બનવાનું છે. જો કે તેનું આયખું પૂરું થવામાં હજી લાખો વર્ષની વાર છે.

દરમ્‍યાન જુલાઈની આખર સુધીમાં પૃથ્‍વીને છેલ્‍લી સલામ કરીને લાંબી સફરે નીકળી જનાર ‘નિઓવાઇસ’નાં દર્શન કરી લેવાં હોય તો અત્‍યારે સોનેરી મોકો છે. સૂર્ય ઢળ્યા પછી વાયવ્‍ય દિશામાં એક તેજલિસોટો જોવા મળે તો તે ‘નિઓવાઇસ’ ધૂમકેતુ હોવાનું સમજવું—અને તેને જોયા પછી ખુદને ભાગ્‍યશાળી સમજવું. કારણ કે સૂર્યમાળાના સર્જન વખતે નાત બહાર પામી ઊર્ટ વાદળે પહોંચેલા એ દૂર કા રાહીની ઘર વાપસી અસાધારણ ઘટના છે, જેને જોવી ૪.પ અબજ વર્ષ દૂરના ભૂતકાળમાં દૃષ્‍ટિપાત કર્યા બરાબર છે.■
©Harshal Pushkarna
©કોપીરાઇટેડ મટીરીઅલ. લેખકની પરવાનગી વિના લખાણનો કે તેના ભાગનો ઉપયોગ કરવો નહિ.

Comments

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન