શત્રુ ભલે હજાર હુમલા કરે, દર વખતે તેને પાછો ધકેલીશઃ કર્નલ રાય
શત્રુ ભલે હજાર હુમલા કરે, દર વખતે તેને પાછો ધકેલીશઃ કર્નલ રાય
કાશ્મીરમાં કારગિલ, દ્રાસ, બટાલિક, જુબાર, કુકરથાંગ, તોલોલિંગ, ખાલુબાર વગેરે જેવાં ક્ષેત્રોમાં હિમાલયનાં ૧૬થી ૧૮ હજાર ફીટ ઊંચાં શિખરો પર ૧૯૯૯માં ખેલાયેલા ભીષણ સંગ્રામનું અને તેમાં પાકિસ્તાનની હાર અને ભારતને હારતોરાં થયાનું આજે એકવીસમું સીમાચિહ્ન છે. જગતની યુદ્ધ તવારીખ સેંકડો વર્ષ લાંબી છે. વિવિધ દેશોએ અનેકવિધ લોહિયાળ સંગ્રામો ખેલ્યા છે. પરંતુ એ બધાં યુદ્ધો એક તરફ અને કારગિલનું ભારત-પાક યુદ્ધ બીજી તરફ!
આ છેલ્લું વાક્ય નથી
શૌર્યરસનો પોરસ ચડાવવા માટે લખ્યું કે નથી તેમાં અતિશયોક્તિનો મસાલેદાર તડકો.
નક્કર વાસ્તવિકતા છે કે ભારતની સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરો સામે ૧૬,૦૦૦થી ૧૮,૦૦૦ હજાર ફીટની જે પહાડી યુદ્ધભૂમિએ યુદ્ધ ખેલ્યું તેના
જેવી ઉત્તુંગ ઊંચાઈએ યુદ્ધ અગાઉ લડાયું નથી. આપણા સિઆચેનમાં ખેલાયેલા સંગ્રામને
બાદ કરતાં જગતભરમાં બીજે ક્યાંય નહિ અને ક્યારેય નહિ. કારગિલનું યુદ્ધ એ દૃષ્ટિએ
અજોડ છે.
ભારતના શૂરવીર જવાનો અને
વાયુસેનાના જાઁબાઝ પાઇલટો લાગલગાટ ૭૪ દિવસ સુધી જોશભેર લડ્યા અને છેવટે જુલાઈ ૨૬, ૧૯૯૯ના રોજ ‘ઓપરેશન વિજય’માં આપણને જ્વલંત વિજય અપાવ્યો. આ
રેકોર્ડ-સર્જક યુદ્ધમાં અનેક જવાનોએ અને અફસરોએ અપ્રતિમ સાહસ દેખાડ્યું.
દુર્ભાગ્યે આપણા સવા પાંચસો શૂરવીરો યુદ્ધમેદાનમાં વીરગતિ પામ્યા અને તેમની
શૌર્યગાથાઓ નવી પેઢીને કહી સંભળાવી શક્યા નહિ.
બીજી તરફ જે સપૂતો જીવિત
રહ્યા તે જાણે કે જીવંત દંતકથા બની ગયા. કારગિલ યુદ્ધ વખતે બટાલિક ક્ષેત્રમાં
ખાલુબાર હિલ નામના ૧૭,પ૦૦ ફીટ ઊંચા પર્વતીય મોરચે લડેલા અને અજોડ સાહસ બદલ ‘વીર
ચક્ર’ જીતેલા કર્નલ લલિત રાય તેમાંના એક છે. આ શેરદિલની શૌર્યકથા વાંચતી વખતે છાતી
વારંવાર ફૂલતી જાય, હૃદય એકાદ-બે ધબકારા ચૂકી જાય અને વિચાર આવે કે, આ માણસ કઈ માટીનો બનેલો છે? આવી સરફરોશ વ્યક્તિ શું સાચે જ હોય?
■ ■ ■
નવેમ્બર, ૧૯૯૮માં કાશ્મીરનો આકરો શિયાળો શરૂ થતાં કારગિલ, દ્રાસ, બટાલિક, તોલોલિંગ, જુબાર, ટાઇગર હિલ વગેરે પહાડી મોરચે ગરુડના માળા જેવી ચોકીઓમાં ફરજ બજાવતા આપણા જવાનો પોતપોતાની
ચોકીઓ છોડી નીચેની છાવણીમાં આવી ગયા હતા. આ તકનો લાભ લઈને પાકિસ્તાને એ દરેક
ચોકીમાં પોતાના લશ્કરી તેમજ ભાડૂતી સૈનિકો બેસાડી દીધા. શિયાળો પૂરો થતાં મે ૪, ૧૯૯૯ના રોજ ભારતીય
જવાનો પોતાની ચોકીઓનો ચાર્જ સંભાળવા ગયા ત્યારે ઉપર બેઠેલા પાક ઘૂસણખોરોએ તેમના
પર ફાયરિંગ શરૂ કરતાં ચોથું ભારત-પાક યુદ્ધ ફાટી નીકળ્યું. ઊંચા પહાડોમાં આપણી જ
ચોકીઓમાં કબજો જમાવીને બેઠેલા પાક ઘૂસણખોરોને હાંકી કાઢવા ભારતીય ખુશ્કીદળે
‘ઓપરેશન વિજય’ નામનું લશ્કરી અભિયાન હાથ ધર્યું.
જૂનના આરંભથી આપણા શેરદિલ
સપૂતો જુદા જુદા પહાડી ક્ષેત્રે દુશ્મનના દાંત ખાટા કરવા લાગ્યા, ગુમાવેલી ચોકીઓ પાછી મેળવવા લાગ્યા અને ત્યાં ભારતનો
તિરંગો ખોડવા લાગ્યા. હિમાલયમાં પોતાના રક્ત વડે વિજયગાથા લખનાર એક સૈનિક ટુકડી
૧૧મી ગોરખા રાઇફલ્સની ૧લી બટાલિઅન હતી. કર્નલ લલિત રાયના નેતૃત્વ હેઠળ તે
બટાલિઅને જુબાર હિલ્સ અને કુકરથાંગ જેવાં પહાડોમાં વિજયધ્વજ લહેરાવી દીધો હતો.
જૂન, ૧૯૯૯ની
આખરમાં તે ટુકડીને વધુ એક મિશન મળ્યુંઃ ૧૭,પ૦૦ ફીટ ઊંચા ખાલુબાર પર્વત પરથી ઘૂસણખોર શત્રુના સફાયાનું!
■ ■ ■
જુલાઈ ૧, ૧૯૯૯ના રોજ કર્નલ લલિત રાય સોએક ગોરખા જવાનો સાથે મિશનને
અંજામ આપવા માટે નીકળ્યા. બટાલિક ક્ષેત્રમાં ખાલુબર પર્વતની તળેટી સુધી પહોંચવા માટે
સતત ૧૪ કલાકનો પગપાળા પ્રવાસ કરવાનો થયો, જે દરમ્યાન વારંવાર આરોહણ-અવરોહણ કરતા રહીને ટુકડીના દરેક
સૈનિકનું શરીર વખતોવખત કસોટીએ ચડ્યું. સપાટ જમીન પર ચાલતો માણસ બે મિનિટમાં ૧૦૦
વાર જેટલું અંતર કાપી નાખે, તો પર્વતીય ભૂપૃષ્ઠ પર તે અંતર કાપતાં દસ મિનિટ લાગે. ઊંચાઈ
વધે તેમ પાતળી હવામાં શસ્ત્રોનો, જાડાં વસ્ત્રોનો અને ખોરાકનો બોજો નાકે દમ આણી દે, માટે અવારનવાર વચ્ચે અટકીને વિસામો લેવો પડે.
હિમાલયની કડકડતી ઠંડીમાં
પણ પરસેવે રેબઝેબ કરી દેનારો શારીરિક શ્રમ વેઠીને કર્નલ લલિત રાય અને તેમના ગોરખા
બહાદુરો તળેટીએ પહોંચ્યા. ખાલુબારના શિખરે બેઠેલા પાકિસ્તાનના સશસ્ત્ર સૈનિકોની
નજરે ચડી ન જવાય તેની તકેદારી રાખીને ટુકડીએ આરોહણ આરંભ્યું. જુલાઈની ૨જી તારીખે
તેમના અને શિખર વચ્ચે ફક્ત પપ૦ મીટરનું અંતર બચ્યું ત્યારે ફતેહ નજીક દેખાતી
હતી. દુર્ભાગ્યે શત્રુએ અણીના મોકે મશીન ગન્સ તથા મોર્ટાર તોપો ગરજતી કરી દીધી.
કર્નલ રાયની ટુકડીના કેટલાક ગોરખા જવાનો તે હુમલામાં વીરગતિ પામ્યા. અમુક ગંભીર
રીતે જખમી થતાં તેમને નીચેની છાવણી તરફ પાછા લઈ જવા પડ્યા. સો જવાનોનું સંખ્યાબળ
ઘટીને હવે ફક્ત ૬૦નું થઈ જવા પામ્યું, જે પૂરતું ન હોવા છતાં કર્નલ લલિત રાયે ખરાખરીનો ખેલ પાડી
દેવાનું નક્કી કર્યું.
કર્નલ હોદ્દાના કમાન્ડિંગ
અફસર સામાન્ય રીતે યુદ્ધભૂમિમાં લડવા માટે ન ઊતરે. કમાન્ડિંગ અફસર યુદ્ધની
રણનીતિ તૈયાર કરે, જેના અમલીકરણ માટે મેજર, કેપ્ટન અથવા લેફ્ટનન્ટ રેન્કના જુનિઅર અફસરો મેદાને
જંગમાં જવાનોની આગેવાની કરે. આ સામાન્ય પ્રણાલી છે. કર્નલ લલિત રાયે સ્વયં
રણભૂમિમાં લડી તે પ્રણાલીમાં અપવાદ સર્જ્યો.
■ ■ ■
જુલાઈ ૨, ૧૯૯૯.
સમય મોડી રાતનો.
ઊંચાઈ ૧૭,૦૦૦ ફીટ અને બહારનું તાપમાન શૂન્ય નીચે ૨૯ અંશ સેલ્શિઅસ.
કર્નલ રાયે તેમની ટુકડીને
૩૦-૩૦ના બે જૂથમાં વહેંચી દીધી. એકનું નેતૃત્વ પોતે લીધું અને બીજી ટુકડીની
જવાબદારી લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે નામના ૨૩ વર્ષીય યુવાન અફસરને સોંપી.
રાત્રિના અંધકારનો લાભ લઈને બન્ને ટુકડીએ નોખી દિશાથી ખાલુબારનું શેષ બચેલું પપ૦
વારનું અંતર તય કરવા માટે લગભગ ૮૦ અંશનું તીવ્ર આરોહણ આરંભ્યું એ સાથે ઉપરની
ચોકીમાં ગોઠવાયેલા શત્રુએ મશીન ગન ધણધણતી કરી દીધી. દુશ્મન મોર્ટાર તોપોનાં
નાળચાંમાંથી છૂટેલાં ગોળા ભારતીય જવાનોની અહીં તહીં પડવા લાગ્યા. એક ગોળો કર્નલ
રાયની નજીક ફાટ્યો. ધાતુની તીક્ષ્ણ કરચોએ કર્નલના પગને લોહીલુહાણ કરી મૂક્યો, છતાં તેમણે આગેકૂચ ચાલુ રાખી. થોડી વારમાં દુશ્મનની એક
ગોળી પગમાં વાગતાં લોહીની સરવાણી ફૂટી. આરોહણ સ્થગિત કરી પાછા વળી જવા માટે કર્નલ
રાય પાસે હવે વાજબી કારણ હતું. પરંતુ નેતૃત્વની મિસાલ કાયમ કરવા માગતા એ અફસરને
પીછેહઠ મંજૂર નહોતી. ઊલટું, જખમ પર પટ્ટીઓ બાંધીને તેઓ આગળ વધતા ગયા અને સાથી જવાનોને
જોમ-જુસ્સો દેતા રહ્યા.
શત્રુ તરફથી રાતભર ચાલેલા
ફાયરિંગ વચ્ચે ગોરખા જવાનોની બન્ને ટુકડી ધીમી પણ નિશ્ચિત આગેકૂચ કરતી શિખરની
વધુ નજીક પહોંચી. જુલાઈ ૩, ૧૯૯૯ની પ્રભાતનું પહેલું કિરણ ફૂટતાં જ ગોરખા જવાનો હાથમાં
ખુલ્લી ખુકરી અને મુખે ‘જય મહાકાલિ, આયો રે ગોરખાલી!’ના યુદ્ધનારા સાથે શત્રુ તરફ ધસી ગયા. આ
લખનાર સાથે લાંબા વાર્તાલાપ દરમ્યાન કર્નલ લલિત રાયે જણાવ્યું હતું તેમ, ‘હું મારી ટુકડી સાથે આરોહણ કરતો હતો ત્યારે ખાલુબાર હિલના
ઢોળાવ પરથી પાક સૈનિકોનાં (ખુકરીથી) કપાયેલાં મસ્તક નીચે દડતાં જોવા મળતાં હતાં.
મારા પાંચ ફૂટિયા ગોરખા જવાનો પાકિસ્તાનના છ ફૂટિયા હટ્ટાકટ્ટા પઠાણ સૈનિકોને ભારે
પડી રહ્યા હતા.’
■ ■ ■
જુલાઈ ૩, ૧૯૯૯ની સવારે લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે તેમની ટુકડી સાથે
શિખરે પહોંચ્યા અને ત્યાં પાકિસ્તાની સૈૈિનકોનાં એક પછી એક કુલ ૩ બંકર ધ્વંસ
કરી નાખ્યા. નસીબનો ક્રૂર ખેલ કે દેશકાજે ફરજ બજાવવા જતાં તેઓ વીરગતિને પ્રાપ્ત
થયા. ત્રેવીસ વર્ષની જુવાનજોધ વયે હિમાલયના ખોળે માથું ઢાળીને પોઢી ગયા. ‘પરમવીર
ચક્ર’ મેળવવાનું તેમણે નાનપણમાં જોયેલું સ્વપ્ન પૂરું તો થયું, પણ તેને પૂરું થયેલું જોવા માટે તેઓ ખુદ હયાત ન હતા.
આ તરફ કર્નલ રાય અને તેમના
સાથી જવાનો જુદા માર્ગે શિખરે આવી પહોંચ્યા. હવે કુલ સંખ્યાબળ ગણીને ફક્ત ૮
જણાનું હતું—અને તેમાંય વળી કર્નલ રાય તો બૂરી રીતે જખમી થયેલા હતા. સાડા સત્તર
હજાર ફીટ ઊંચું ખાલુબાર શિખર હાથમાં તો આવ્યું, પણ તિરંગો ફરકાવાય એ પહેલાં જ કેટલાક પાકિસ્તાની સૈનિકો
શિખર તરફ ધસી આવ્યા. શત્રુને મારી હટાવવા માટે કર્નલ રાય પાસે ન તો પૂરતા સૈનિકો
હતા કે ન પૂરતાં શસ્ત્રો. ટુકડીનો આગેવાન જ્યારે ભડવીર હોય અને મોતની પરવા ન કરતો
હોય ત્યારે જવાનોમાં લોહીના છેલ્લા ટીપા સુધી લડી લેવાનો જોશ જળવાયેલો રહે. અહીં
એવું જ બન્યું. મર્યાદિત શસ્ત્ર-સૈનિક વડે લડી લેવાનો, એકાદ ઇંચ પણ પીછેહઠ નહિ કરવાનો અને છેલ્લામાં છેલ્લી ગોળી
લેખે લગાડવાનો દૃઢસંકલ્પ કરીને બેઠેલા કર્નલ રાય તેમના સાથીઓ માટે ઊર્જાનું
પાવરહાઉસ સાબિત થયા.
ખડકોની આડશ લઈને ગોરખા
જવાનોએ ગોળીબાર શરૂ કર્યો. અકેક પાકિસ્તાની હુમલાખોરને વીણી વીણીને ખતમ કર્યો.
બચી ગયેલા શત્રુઓ પાછા વળી ગયા, પણ થોડી વારમાં તો નવો હુમલો આવ્યો. આ વખતે ચાલીસેક
હુમલાખોરો હતા. આઠ જણાના ‘લશ્કરે’ તેમને ખદેડી મૂક્યા. કર્નલ રાય જોડે વાતચીત
દરમ્યાન તેમના મોઢે સાંભળેલું બીજું જુસ્સાદાર વાક્ય, ‘શત્રુએ ભલે એક હજાર વખત હુમલા કર્યા હોત, અમે તેમને લોહી વહેતા નાકે હજાર વાર પાછા ધકેલ્યા હોત.’
હજાર તો નહિ, પણ ચારેક વખત શત્રુને ભગાડી દીધા પછી કર્નલ રાય પાસે ગણીને
ફક્ત બે બુલેટ રહી. આ શેરદિલની ખુમારી જુઓ કે એક ગોળી તેમણે શત્રુને હણવા માટે
રાખી ને બીજી પોતાના માટે! દુશ્મનના હાથે જીવતા પકડાઈને તેની જેલમાં સડવા કરતાં
માતૃભૂમિ પર સ્વેચ્છાએ પ્રાણત્યાગ કરવો એક ફરજપરસ્ત ફૌજીને છાજે તેવો વિચાર
હતો.
■ ■ ■
ખાલુબારનું ગુમાવેલું શિખર
પાછું મેળવવા માટે પાકિસ્તાન તરફથી હુમલાનો વધુ એક દોર શરૂ થયો. આ વખતે શત્રુ
સામે લડવા માટે ખાલી રાઇફલોના કૂંદા અને ગોરખા જવાનોની ખુકરી સિવાય કશું નહોતું.
આથી કર્નલ રાયે કુકરથાંગ નામના મોરચે તૈનાત ભારતીય તોપચી ટુકડીનો રેડિઓ સંપર્ક
કર્યોઃ ‘તમે જાણો છું હું અત્યારે ક્યાં છું?’
‘હા, અમને જાણકારી છે!’
‘બસ
ત્યારે, એ લક્ષ્યાંક
પર ગોળા વરસાવવાનું શરૂ કરી દો!’
‘વ્હોટ?’ સામેથી આઘાતભર્યો પ્રત્યુત્તર આવ્યો.
આઘાત લાગતો સ્વાભાવિક હતો, કેમ કે કર્નલનું પગલું સ્યુસાઇડ કરવા જેવું હતું. ભારતીય
બોફર્સ તોપનો ગોળો જ્યાં પડે તેની ચોતરફ અગ્નિશિખા ઊઠે, હાડમાંસની વ્યક્તિ ભસ્મ થાય અને કાચાં-પાકાં બાંધકામોનુંય
અસ્તિત્વ ન રહે. આ બધું શું કર્નલ રાય જાણતા નહિ હોય? આમ છતાં તેમણે ફાયરિંગનો આદેશ એટલા માટે આપ્યો કે પાકિસ્તાનીઓ
સામે લડવાનો બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો. કર્નલ રાય અને તેમના ગોરખા જવાનો
ખડકોની આડશ
લઈને બેઠા. થોડી જ મિનિટોમાં કુકરથાંગથી બોફર્સના ગોળાની વર્ષા શરૂ થઈ. ખાલુબારનું
શિખર ધણધણવા લાગ્યું. કાનમાં ધાક બેસાડી દેતાં અવાજનાં મોજાં બધી દિશામાં ફરી
વળ્યાં. કર્નલ લલિત રાય સાથેની રૂબરૂ ચર્ચામાં જાણવા મળેલું ત્રીજું વાક્યઃ ‘બોફર્સ
તોપ ખરેખર કેટલી મારકણી છે તેનો પરચો અત્યાર સુધી દુશ્મનને મળતો રહ્યો, પણ
એ દિવસે અમને તેની પ્રહારશક્તિનો ખ્યાલ આવ્યો. ધડાકાના અવાજથી માથું ભમવા લાગ્યું
હતું. રાહતના નામે કંઈક હોય તો એટલું કે વારંવાર ઊઠતા આગના લબકારા અમને ૧૭,પ૦૦
ફીટ ઊંચેની કડકડતી ઠંડીમાં તત્પુરતી રાહત આપતા હતા.’
કર્નલ રાયનો આત્મઘાતી, છતાં
અસરકારક કીમિયો કામ કરી ગયો. ખાલુબારના શિખરે બોફર્સના સંખ્યાબંધ ગોળા ઝીંકાયા
પછી દુશ્મન હરોળમાં ગાબડાં પડી ગયાં અને પાક સૈનિકો મોરચો છોડી નાસી ગયા. આખરે
જુલાઈ ૬, ૧૯૯૯ના
રોજ ખાલુબારની જટામાં ભારતીય તિરંગાનું છોગું લાગ્યું. કારગિલના સૌથી કઠિન સંગ્રામ
પૈકી એક એવો બેટલ ઓફ ખાલુબાર સંપન્ન થયો. અલબત્ત, મિશન
ઇમ્પોસિબલને સુખરુપ પાર પાડવા માટે આપણા યોદ્ધાઓએ પોતાનું લોહી રેડવું પડ્યું
હતું. કર્નલ લલિત રાયે અને તેમના સાત ભડવીર જવાનોએ પૂરા ૪૮ કલાક શિખરનું રખોપું
કરતા બેસવું પડ્યું હતું. આ દરમ્યાન હિમાલયની હાડ ગાળી નાખતી ઠંડીનો તેમણે સામનો
કર્યો. ખોરાકનો એકેય દાણો પેટમાં ઓર્યો નહોતો અને પાણીની એકાદ બુંદ સુધ્ધાં નહિ.
શત્રુ છાપામાર હુમલો ન કરે તે માટે ચોકીપહેરો કરવામાં તેમણે સળંગ ૩૬ કલાકનો ઉજાગરો
વેઠ્યો. આ બધી તકલીફો જો તેમણે ન ઉઠાવી હોત તો ખાલુબારની પહાડી ચોકી ફરી દુશ્મનના
હાથમાં ગઈ હોત અને પરમવીર લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે તેમજ તેમના સાથીઓએ આપેલું
સર્વોચ્ચ બલિદાન લાજ્યું હોત.
કર્નલ રાય અને લેફ્ટન્ટ પાંડે જેવા
બીજા તો કેટકેટલા સપૂતોના અથાગ પરિશ્રમ અને અપ્રતિમ સાહસે ‘ઓપરેશન વિજય’ને સફળ
બનાવ્યું. જુલાઈ ૨૭, ૧૯૯૯ના રોજ આપણી જ્વલંત જીત
સાથે કારગિલ યુદ્ધનું સમાપન થયું. કર્નલ રાય સાથેની વિસ્તૃત ચર્ચા વખતે એ સપૂતના
મુખે સાંભળવા મળેલું એક વાક્ય તો અવિસ્મરણીય હતુંઃ ‘લશ્કરમાં સેવા દરમ્યાન
મેં વીસેક ગોળીઓ ઝીલી હતી. બુલેટ સીસા અને તાંબા વડે બનેલી હોય છે. આથી મારાં
પત્ની મને મીઠું મહેણું મારતાં કહેતાં કે બીજાના પતિઓ હીરા, સોનું, રત્નો
કમાય છે, અને એક તમે છો કે જે દર થોડા
વખતે સીસું અને તાંબુ લઈ આવો છો.’
આ વાક્ય ભારતીય સેનાના સરેરાશ ફૌજીની જિંદગી માટે થોડામાં ઘણું કહી જાય છે.■
Comments
Post a Comment