ચીનની બરોબરી કરવા આવી રહ્યાં છે વાયુસેનાનાં બ્રાન્ડ-ન્યૂ યુદ્ધવિમાનો
ચીન સાથે બરાબરી કરી શકે એટલી સંખ્યામાં યુદ્ધવિમાનો વાયુસેના પાસે નથી
નવાં આવી રહેલાં ૧૨૨ વિમાનો વાયુસેનાની તાકાત વધારશે એમાં શંકા નથી
પ્રસંગ ચારેક વર્ષ પહેલાંનો છે, પણ લદ્દાખ સરહદે ચીન સાથે ચાલી રહેલી લશ્કરી ખટપટ જોતાં આજે પણ એટલો જ સમયોચિત જણાય તેવો છે. ન્યૂક્લિઅર સપ્લાયર્સ ગ્રૂપ નામના આંતરરાષ્ટ્રીય સંગઠનમાં જોડાવા માટે ભારતે ૨૦૧૬માં પ્રયાસો આદર્યા હતા. પચાસેક દેશોનું તે સંગઠન અણુઊર્જાને લગતા સરંજામના (યુરેનિયમ, અણુરિએક્ટર, યુરેનિયમના સમૃદ્ધિકરણ માટેનાં સાધનો ઇત્યાદિના) ખરીદી-વેચાણ પરનાં કાયદાકાનૂનો તેમજ નિયંત્રણો નક્કી કરવાની સત્તા ધરાવે છે. ભારત એ સંગઠનનું સભ્ય બની જાય તો અણુશક્તિના ક્ષેત્રે વિકસેલી આધુનિક ટેક્નોલોજિ મુક્ત આયાત દ્વારા વસાવવા-વાપરવાનો લાભ તેને મળે, જે કેટલાક દેશોએ લાદેલા રાજકીય પ્રતિબંધોને લીધે છેલ્લાં સાડા ચાર દાયકા થયે મળ્યો નહોતો. ભારતને ન્યૂક્લિઅર સપ્લાયર્સ ગ્રૂપમાં સ્થાન અપાવવા માટે અમેરિકા, બ્રિટન, કેનેડા, રશિયા, ફ્રાન્સ જેવા દેશો તૈયાર હતા. પરંતુ છેલ્લી ઘડીએ (જૂન ૨૨, ૨૦૧૬ના રોજ) ચીને ડિપ્લોમેટિક ફાચર મારીને ભારતના મનસૂબા પર ટાઢું પાણી ફેરવી દીધું. સંગઠનના સભ્યદેશોને ચીની સત્તાધીશોએ જણાવી દીધું કે ભારતને જો સભ્યપદ આપો તો પાકિસ્તાનને શા માટે નહિ? પાકિસ્તાન જેવા બેજવાબદાર દેશને ન્યૂક્લિઅર સપ્લાયર્સ ગ્રૂપનું સભ્ય બનાવવા કોઈ રાજી ન થાય એ સ્વાભાવિક હતું. ચીને રાજકીય સોગઠી ખેલીને ભારતની બાજી બગાડી દીધી.
આ ઘટનાના પગલે ભારત-ચીન રાજકીય સ્તરે આમને-સામને આવી ગયા. પાકિસ્તાન નામના લાડકા ‘ભઇલુ’ માટે ખોળો પાથરીને બેઠેલી બીજિંગ સરકારે ભારત સામે વધુ એક રાજકીય સોગઠી ખેલી. બીજિંગ સરકારે એક નિવેદનમાં કહ્યું કે, ‘હવે પછી જો ભારત-પાક યુદ્ધ થાય તો પાકિસ્તાન કટોકટીના સમયે ચીનના પૂરા સહકારની ખાતરી રાખી શકે છે. દક્ષિણ તિબેટમાં (અરુણાચલ પ્રદેશમાં) એ જ વખતે લશ્કર મોકલી અમે ત્યાંની (અરુણાચલની) પ્રજાને આઝાદ કરવા તૈયાર છીએ.’
બીજિંગ સરકારે ભારતને સહજ સૂકો દમ માર્યો હતો, છતાં બયાન ચિંતાજનક હતું. ચીનનું સંરક્ષણ દળ અરુણાચલ પ્રદેશની સરહદે મિસાઇલનાં સંકુલો, રેલવે ટ્રેક, લશ્કરી છાવણીઅો, એરબેઝ, રેડાર મથકો, મેક્મેહોન રેખા તેમજ નિયંત્રણ રેખા સુધી લંબાતા પાકા રસ્તા વગેરેનું નેટવર્ક ક્યારનું સ્થાપી ચૂક્યું હતું. તિબેટમાં ચીની વાયુસેનાએ ઊભાં કરેલાં એરબેઝની સંખ્યા ૨૭ જેટલી હતી—અને તે માતબર આંકડો ભારતીય વાયુ સેના માટે ખરેખર ચિંતાનો વિષય હતો. આથી બીજિંગ સરકારના નિવેદનના અનુસંધાનમાં ભારતીય વાયુ સેનાના તત્કાલીન સુકાની એર ચીફ માર્શલ બીરેન્દ્ર સિંહ ધનોઆએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘સામટાં બે મોરચે (ચીન અને પાક સરહદે) યુદ્ધ ફાટી નીકળે તો તેને પહોંચી વળવા માટે હાલમાં વાયુ સેના પાસે પર્યાપ્ત વિમાનો નથી.’
આ વિધાન ૨૦૧૬માં જેટલું યથાયોગ્ય હતું તેટલું આજે પણ છે. અેપ્રિલ, ૨૦૨૦થી લદ્દાખ સરહદે ચીનનો લશ્કરી જમાવડો અને જોહુકમી બેફામ વધ્યા છે. પાક હસ્તકના કાશ્મીરમાં સ્કર્દુ જેવાં સ્થળોએ ચીને પોતાનાં લડાયક વિમાનો તૈનાત રાખ્યાં છે. અરુણાચલ પ્રદેશ સરહદે તો ચીની લશ્કરની કિલ્લેબંધી અત્યંત મજબૂત છે. આ સંજોગોમાં ભારતીય લશ્કરની ત્રણેય પાંખોનાં શસ્ત્રાગારનું તળિયું દેખાઈ રહ્યું હોય તે કેમ ચાલે? સૌથી ખરાબ સ્થિતિ વાયુસેનાની છે કે જેની પાસે (એર-માર્શલ ધનોઆએ ચાર વર્ષ પહેલાં જણાવેલું તેમ) આજે પણ ચીનના વિમાનો સામે લડવા માટે પૂરતો મસલ પાવર નથી. ફાઇટર પ્લેનની સંખ્યા ચિંતાજનક હદે ઘટી છે.
■
લેટેસ્ટ આંકડા મુજબ ભારતીય વાયુસેનામાં અત્યારે લડાયક વિમાનોનાં ૩૨ સ્ક્વોડ્રન છે. એક સ્ક્વોડ્રનમાં ૧૬થી ૧૮ વિમાનો હોય એ જોતાં સરેરાશ આંકડો ૫૪૦ની આસપાસ બેસે. આ ફિગર તો જાણે બેશક કંગાળ છે, પરંતુ તે માયકાંગલા ફિગરમાં પણ ભારતીય વાયુસેનાની ઘટી ગયેલી પ્રહારશક્તિનું વાસ્તવિક ચિત્ર વ્યક્ત થતું નથી. ચિત્ર સ્પષ્ટ કરતી વાસ્તવિકતા એ કે પ૪૦ના આંકડામાં મિગ-૨૯ (કુલ ૬પ), સુખોઇ-૩૦ (૨૭૨), તેજસ (૧૭), મિરાજ-૨૦૦૦ (૪પ) અને રફાલ (૪) જેવાં હાલમાં સેવારત આધુનિક વિમાનોની સંખ્યા બાદ કરી દો તો શેષ વિમાનો એવાં છે જેમને વર્તમાન ટેક્નોલોજિના સંદર્ભે આઉટડેટેડ ગણવાં પડે. દાખલા તરીકે—
■ વાયુસેનામાં રશિયન બનાવટનાં પ૪ જેટલાં મિગ-૨૧ છે. આ સિંગલ એન્જિન વિમાન ૧૯૬૩નું મોડલ છે અને સાડા પાંચ દાયકા થયે તેની ડિઝાઇન-ટેક્નોલોજિમાં ખાસ કશો બદલાવ આવ્યો નથી.
■ વાયુદળ પાસે ૧૦૦ જેટલાં જેગ્યુઆર વિમાનો છે, જેમની ખરીદી છેક ૧૯૭૯માં થઈ હતી. જેગ્યુઆરને જુરાસિક યુગનાં પુરવાર કરનારાં ચોથી અને પાંચમી પેઢીનાં મલ્ટિ-રોલ ફાઇટર પ્લેન ક્યારનાં બની ગયાં છે. ચીન પાસે તો એવાં વિમાનોની ખોટ નથી.
■ રશિયન બનાવટનાં મિગ-૨૭ ને થોડા મહિના પહેલાં જ આપણે રિટાયર કરી દીધાં છે. ડિસેમ્બર ૨૭, ૨૦૧૯ના રોજ જોધપુર ખાતે મિગ-૨૭ ઉર્ફે ‘બહાદુરે’ અંતિમ ઉડાન ભરી. પાકિસ્તાન સામે ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં લડેલું ‘બહાદુર’ ભારતીય યુદ્ધની તવારીખમાં યાદગાર પ્રકરણ લખીને ઇતિહાસ બની ગયું. આ વિમાનની રુખસત પછી ખાલી પડેલી જગ્યા ભારતીય હવાઈ દળ ભરી શક્યું નથી.
એક તરફ બ્રાન્ડ-ન્યૂ વિમાનો ખરીદાતાં ન હોય અને બીજી તરફ લડાકુ વિમાનો વારાફરતી સેવાનિવૃત્ત થતાં હોય તે સ્થિતિ માત્ર ચિંતાજનક નહિ, ભયજનક પણ છે. ભારતની હવાઈ સીમાનો વ્યાપ જાતાં વાયુસેના પાસે ફાઇટર પ્લેનનાં અોછામાં અોછાં ૪૫ સ્ક્વોડ્રન હોવાં જોઈએ, જે નથી. આની સામે ચીનનું હવાઈદળ અટેક વિમાનોનાં આશરે ૫૮ સ્ક્વોડ્રન ધરાવતું હોય ત્યારે તેની સાથે લશ્કરી બળાબળની તુલના કરવાનો પણ મતલબ ન રહે.
■
ડિસેમ્બર ૨૭, ૨૦૧૯ના રોજ મિગ-૨૭ ને હંમેશ માટે વિદાય આપવામાં આવનાર હતી તેના બે મહિના અગાઉ સંરક્ષણ ખાતાએ તાબડતોબ નવાં વિમાનો ખરીદવાનો નિર્ણય લીધો હતો. રશિયન બનાવટનાં એકવીસ મિગ-૨૯ તથા એક ડઝન સુખોઈ-૩૦ એમ કુલ ૩૩ લડાકુ વિમાનો માટે રૂપિયા ૬,૦૦૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું. રશિયા સાથે વાટાઘાટો અને પેપરવર્ક મંથર ગતિએ ચાલ્યું, પરંતુ જૂન ૧પ, ૨૦૨૦ના રોજ લદ્દાખના ગલવાનમાં ચીન જોડે મચેલી ધડબડાટીએ સંરક્ષણ મંત્રાલયનો તંદ્રાભંગ કરી દીધો. રશિયા પાસેથી સૂચિત વિમાનોનું શોપિંગ ફાસ્ટ ટ્રેક પર લાવી દેવામાં આવ્યું. હવે ગણતરીના મહિનામાં સુખોઇ-૩૦ અને મિગ-૨૯નું આગમન થયા પછી ભારતીય વાયુ સેનાની સંખ્યાત્મક તાકાત બે સ્ક્વોડ્રન જેટલી વધી જશે. બીજી તરફ વ્યૂહાત્મક તાકાતમાં તો અનેકગણો વધારો થવાનો છે, કેમ કે બન્ને લડાયક વિમાનો ફોર્સ મલ્ટિપ્લાયર છે. અર્થાત્ બહુ મોટા આકાશી તેમજ ભૂમિ ફલકમાં પોતાની આણ ફેલાવી શકે છે. ભૂમિમોરચે ખુશ્કીદળની એકાદ બ્રિગેડ (૧ બ્રિગેડ = ૩,૦૦૦ સૈનિકો) દિવસો સુધી લડીને શત્રુ હરોળમાં જે ખાનાખરાબી કરી શકે તે કામ મિગ-૨૯ અને સુખોઇ-૩૦ જેવું મારકણું વિમાન હવાઇહુમલા વડે ગણતરીની મિનિટોમાં આટોપી લે છે.
૨૦૦૨ની સાલમાં પહેલી વાર ઊડેલું સુખોઇ-૩૦ અઢારેક વર્ષ જૂનું મોડલ છે, જ્યારે ૧૯૮૨માં પ્રથમ ઉડાન ભરનાર મિગ-૨૯ તો લગભગ ચાર દાયકા પુરાણું છે. આ જાણ્યા પછી સવાલ થાય કે રૂપિયા ૬,૦૦૦ કરોડનો ખર્ચ કરીને આપણે આજના સંદર્ભે જરા જુનવાણી જણાય તેવાં વિમાનો કેમ ખરીદ્યાં?
■ ખુલાસો નં. ૧ઃ મિગ અને સુખોઇની પાયાગત ડિઝાઇન ભલે જૂની ગણો, પરંતુ સમયાંતરે બન્નેમાં આધુનિક ટેક્નોલોજિનાં અનેક સંસ્કરણો કરતાં રહ્યાં છે. જેમ કે, ભારતે તાજેતરમાં ખરીદેલાં મિગ-૨૯ તેનાં પુરોગામી કરતાં ક્યાંય ચિડયાતાં છે. રૂસી સંશોધકોએ પ્લેનનું વજન ઘટાડી દીધું છે, એટલે ભરઆકાશે તે વધુ ઝડપી આટાપાટા ખેલી શકે છે. કોકપિટને અદ્યતન કમ્પ્યૂટર્સ, વીજાણુ ઉપકરણો અને સંકીર્ણ રેડાર સિસ્ટમ વડે સજ્જ કરવામાં આવી છે. આ બધી તથા તે ઉપરાંત વધુ કેટલીક ટેક્નોલોજિકલ ઉન્નતિ પામ્યા પછી ‘અબ નયા ઔર પહેલે સે બહેતર’ પેકેજિંગવાળું મિગ-૨૯ ચીનનાં તેમજ પાકિસ્તાનનાં એફ-૧૬ જેવાં આધુનિક સુપરફાઇટર્સને ભારે પડી શકે તેવી લાયકાત ધરાવતું થયું છે.
■ ખુલાસો નં.૨ઃ અત્યાધુનિક ફાઇટર પ્લેન મોંઘાદાટ હોય છે, એટલે તેમને વધુ સંખ્યામાં ખરીદવા જતાં દેશની તિજોરીમાં મોટાં ગાબડાં પડે. આ મુદ્દો સમજવા માટે રફાલનો દાખલો ધ્યાનમાં લેવા જેવો છે. આ ફ્રેન્ચ વિમાન માટે આપણે નંગદીઠ ૧,૬૦૦ કરોડ ચૂકવ્યા એ આંકડો મનમાં રાખી સીધો હિસાબ માંડો તો સમજાય કે ૬,૦૦૦ કરોડના બજેેટમાં જ્યાં ફક્ત ૪ રફાલ વસાવી શકાય તેની સામે ઓલ્ડ મોડલનાં, છતાં ટેક્નોલોજિની દૃષ્ટિએ જરીકે જુનવાણી નહિ તેવાં કુલ ૩૩ (એકવીસ મિગ-૨૯ વત્તા બાર સુખોઇ-૩૦) ખરીદી શકાતાં હોય ત્યારે એ સોદો નિઃસંદેહ આવકાર્ય છે.
બેંગલુરુની હિંદુસ્તાન એરોનોટિક્સે ઘરઆંગણે બનાવેલા મલ્ટિ-રોલ ફાઇટર તેજસના આગમન પછી તો વાયુસેનાનો મસલ પાવર ગુણાંકમાં વધી જવાનો છે. તેજસ ચીનના શેંગયાંગ J-10 ફાઇટર પ્લેનનું સમોવડિયું છે. નીચી સપાટીએ ઊડીને શત્રુ રેડારની નજર ચુકાવી શકતું અને દુશ્મન છાવણીમાં ઘૂસી ત્યાં બોમ્બમારા વડે તબાહી મચાવી શકતું તેજસ ડંખીલું વિમાન છે. ટૂંક સમયમાં કુલ ૮૩ તેજસ વડે સજ્જ થનાર ભારતીય વાયુ સેના લદ્દાખ-અરુણાચલના સરહદી વિસ્તારોમાં તેજસની કેટલીક સ્ક્વોડ્રન કાયમી ધોરણે તૈનાત કરવા માગે છે.
ભારતને ચિંતા કરાવે તેવું એક વિમાન ચીની શસ્ત્રાગારમાં અત્યારે મોજૂદ છે. પાંચમી પેઢીના એ સુપર ફાઇટરનું નામ ચેંગદુ J-20 છે. આકાશમાં આટાપાટા ખેલવામાં, તીવ્ર વળાંકો લેવામાં અને લક્ષ્યાંકનું મોતી વીંધવામાં J-20નો જવાબ નથી. અમેરિકાને બાદ કરતાં બીજા એકેય દેશ પાસે આવું ખતરનાક વિમાન નથી. (ચેંગદુ J-20 વાસ્તવમાં અમેરિકાના F-35 સુપરફાઇટરની ચીને હેકિંગ વડે તફડાવેલી બ્લૂપ્રિન્ટ પરથી બનેલી મેઇડ ઇન ચાઇના ‘કોપી-પેસ્ટ’ આવૃત્તિ છે.) આ વિમાન સામે લડવા માટે મિગ-૨૯, તેજસ અને સુખોઇ-૩૦ જેવાં પાંખાળાં આયુધો ન ચાલે. આથી ભારતીય વાયુસેનાએ ફ્રાન્સ પાસેથી મલ્ટિ-રોલ તેમજ અલ્ટ્રા-મોડર્ન રફાલ ખરીદ કરવા પડ્યાં છે. સોદો કુલ ૩૬ વિમાનોનો છે, જેમાંનાં ચારની ડિલિવરી અગાઉ મળી ચૂકી છે. બીજાં ૬ રફાલ જુલાઈ ૨૭, ૨૦૨૦ના રોજ ભારતભૂમિ પર ઊતરવાનાં છે.
ઇન શોર્ટ, નજીકના ભવિષ્યમાં ભારતીય વાયુસેેનાનો કુટુંબકબીલો કુલ ૧૨૨ વિમાનો વડે વધી જશે. ઘણાં વર્ષે વાયુસેનામાં આટલી વ્યાપક સંખ્યામાં ‘ડિલિવરી’ થઈ રહી છે. ‘નંદ ભયો, લાલ ભયો’ની વધામણીના એ પ્રસંગે દેશવાસીઓએ મોઢું મીઠું કરવું રહ્યું. ■
©Harshal Pushkarna
©કોપીરાઇટેડ મટીરીઅલ. લેખકની પરવાનગી વિના લખાણનો કે તેના ભાગનો ઉપયોગ કરવો નહિ.
Comments
Post a Comment