ભારતના અર્થતંત્રની ધમનીમાં કોલેસ્‍ટ્રોલની માફક જામેલા ચીની માલના બ્‍લોકેજથી છુટકારો મેળવવાનો વધુ કારગત કીમિયો કયો?

બોયકોટ કે બાયપાસ ‘સર્જરી’?

ચીની માલને બાયપાસ કરતા ‘સર્જિકલ ઓપરેશન’ની તાકીદે જરૂર છે, જે નહિ થાય ત્‍યાં સુધી બોયકોટ Made in Chinaની ઝુંબેશ હૃદયરોગના દરદીનો ઇલાજ કબજિયાતની ફાકી વડે કરવા બરાબર છે

------------------------

આત્‍મનિર્ભર બનવાના ખ્‍વાબ સેવતા ભારતમાં સ્‍વાભિમાનનો કૂકડો મોડો તો મોડો, પણ બોલ્‍યો ખરો. ટિકટોક સહિત કુલ પ૯ ચીની મોબાઇલ એપ્લિકેશન્‍સ (Apps) રાતોરાત બ્‍લોક કરીને આપણે ઘણા વખતે સ્‍વમાનનો ખોંખારો ખાધો છે. આ આવકારદાયક પગલું ભરીને એક કાંકરે ત્રણ લક્ષ્‍યાંક સાધ્યા છે.
(૧) ભારતમાં ટિકટોક જેવી Appsનાં બિસ્‍તરાં સંકેલાતાં ચીની કંપનીઓને આર્થિક ફટકો પડ્યો છે. જો કે અહીં મહત્ત્વ આંકડાનું નથી, બલકે ફટકો પડ્યો અને તેની અસર દીર્ઘકાલીન રહેશે એ વધુ અગત્‍યની વાત છે. કઈ રીતે તે જુઓ. ટિકટોક નામની App જેણે બનાવી હતી તે બાઇટડાન્‍સ નામની ચીની કંપનીએ ભારતમાં ગયા વર્ષે રૂપિયા ૪૩.૬ કરોડનો બિઝનેસ કર્યો હતો. એક જ વર્ષમાં આંકડો બમણાથી પણ વધીને રૂપિયા ૧૦૦ કરોડના આંકડે પહોંચ્‍યો. ઇન્‍ટરનેટ સર્ફિંગ માટેના UCWeb બ્રાઉઝરની  ચીની કંપનીએ ભારતમાં ગત વર્ષ ૨૨૬ કરોડનો વેપાર કર્યો હતો. આગામી વર્ષે કારોબાર ઓર મોટો થવાની સંભાવના હતી. 
ભારતમાં વર્ષેદહાડે કરોડો રૂપિયાનો નફો રળતી અન્‍ય ચીની Appsનો કેસ ટિકટોક અને UCWeb કરતાં જુદો નહોતો. મતલબ કે દરેકની ઉત્તરોત્તર આર્થિક પ્રગતિ થઈ રહી હતી. આ તમામ Appsને જાકારો મળ્યા પછી ચીની કંપનીઓને આજે કેટલું નુકસાન થયું એ બાબત ગૌણ છે. ભારત જેવું સુપરજાયન્‍ટ માર્કેટ ગુમાવી દીધા પછી આવનારાં વર્ષોમાં તે કંપનીઓનાં નફામાં મોટાં ગાબડાં પડશે એ ગણનાપાત્ર મુદ્દો છે. ટિકટોકની બાઇટડાન્‍સ કંપનીએ તો કુલ ૬ અબજ ડોલરનું નુકસાન થવાનું અનુમાન કર્યું છે.
(૨) ચીની મોબાઇલ Appsનું નીંદણ કરી નાખ્‍યા પછી ભારતના યુવાન એપ્‍લિકેશન ડેવલપર્સને ખીલવા માટે મોકળું મેદાન મળ્યું છે. શેરચેટ, InMobi તથા Bolo Indya જેવી સ્‍વદેશી એપ્‍લિકેશન્‍સના ભારતીય ભેજાબાજોને પહેલી વખત તેમના કાર્યની કદર થતી અને આર્થિક લાભ થતો દેખાય છે.
(૩) ટિકટોક જેવી Apps ફોનમાં પેસેલા ચીની જાસૂસ જેવી હોવાનું અને તેનો ઉપયોગ કરતા લોકોનો વ્‍યક્તિગત ખાનગી ડેટા તેમની જાણ બહાર ‘પાછલા બારણે’ ચીન પહોંચતો હોવાનું કહેવાય છે. અલીબાબા નામની ચીની કંપનીએ તૈયાર કરેલું UCWeb નામનું બ્રાઉઝર ભારતીયોનો પર્સનલ ડેટા ગુપચુપ રીતે એકઠો કરી ચીની સરકારને પહોંચાડતો હોવાનું ૨૦૧૭માં બહાર આવ્યું હતું. લશ્‍કરના ત્રણેય દળોએ ત્‍યારે તમામ જવાનો, અફસરો, નાવિકો, પાઇલટ્સના મોબાઇલ ફોનમાંથી ચીની Apps તથા લેપટોપમાંથી UCWeb બ્રાઉઝર ફરજિયાત કઢાવી નાખ્યા હતા. આ ગંભીર બાબતને ત્‍યારે ગંભીરતાથી લેવામાં આવી હોત તો ચીની એપ્‍સના માધ્‍યમથી ભારતીયોનો ખાનગી ડેટા શત્રુ નંબર વન ચીનના હાથમાં જતો અટકી ગયો હોત. આ બાબતે આપણે મોડા પડ્યા છીએ. છતાં હવે પછી ડેટાની તફડંચી અટકી એટલો સધિયારો લઈ શકીએ.
■ ■ ■
આ બધું જાણ્યા પછી એક સહજ વિચાર આવે કે ચીની એપ્‍સને જે રીતે હાંકી કાઢવામાં આવી તેમ અન્‍ય Made in China ચીજવસ્‍તુઓનો બોયકોટ શા માટે કરી દેવામાં આવતો નથી?
ટૂંકો જવાબઃ કારણ કે એમ કરવું સંભવ નથી. 
હવે વિસ્‍તૃત જવાબઃ પહેલાં તો એ સમજી લેવું રહ્યું કે ટિકટોક જેવી મોબાઇલ એપ્‍સ અમૂર્ત ચીજ છે. મતલબ કે તેનું કોઈ નક્કર સ્‍વરૂપ નથી. દુકાનો, શોપિંગ મોલ તેમજ ઓનલાઇન સ્‍ટોર જેવાં સ્‍થળે તેનું વેચાણ થતું ન હોવાથી તેમની ઓચિંતી વિદાયથી ભારતના દુકાનદારો-વેપારીઓએ આર્થિક રીતે કશું ગુમાવવાનું થતું નથી. 
બીજી તરફ મોબાઇલ ફોનની વાત જુદી છે. મૂર્ત સ્‍વરૂપે તે ભારતભરની દુકાનોમાં રોજના હજારો નંગ લેખે વેચાય છે. ધારો કે આવતી કાલે વિવો, ઓપ્‍પો, શાઓમી, વન પ્‍લસ, લેનોવો, હુઆવે, કુલ પેડ, જિઓની વગેરે જેવા ચીની મોબાઇલ ફોનના વેચાણ પર રોક લાગી જાય તો દેશના દુકાનદારોનું આવી બને. ચીની મોબાઇલના સંભવિત ખરીદારોએ અન્‍ય વિકલ્‍પો શોધવાનાં થાય, જે દુર્ભાગ્‍યે બહુ ઓછાં છે.
અહીં મોબાઇલ ફોનનું ઉદાહરણ સમજૂતી ખાતર ટાંક્યું. બાકી તો ટેલિવિઝન, એર કન્ડિશનર્સ, ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર્સ, સરકીટ બોર્ડ, માઇક્રોચિપ જેવી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ, ડેસ્ક ટોપ કમ્પ્યૂટર, પ્રિન્‍ટર, મોડેમ, લેપટોપ, સોલાર સેલ, ફર્ટિલાઇઝર, સંદેશાવ્યવહારનાં ઉપકરણો, મશીનરી, બોલબેરિંગ, સ્પ્રિંગ, લોખંડ અને પોલાદ, પ્લાસ્ટિક, ફર્નિચર, લાઇટ ફિક્સ્ચર્સ, તબીબી સાધનો, ઓટોમોબાઇલ પાર્ટ્સ, ટાઇલ્‍સ અને સેનિટરી જેવી સિરામિક આઇટમ્સ, કિંમતી રત્નો, ખનિજ તેલ, ઔષધીય તત્ત્વો વગેરે જેવી અસંખ્‍ય ચીજવસ્‍તુઓ માટે આપણે ચીન પર વધુઓછા અંશે મદાર રાખીને બેઠા છીએ.
દેશના બજારોમાં Made in China માલનો પેસારો ખૂબ ઊંડે સુધી થઈ ચૂક્યો છે એટલું જ નહિ, આપણા અર્થતંત્રનાં ચક્રો ગતિમાન રાખવામાં ચીની માલનો ફાળો જેવો તેવો નથી. પરિણામે ટિકટોક સહિત પ૯ ચીની મોબાઇલ એપ્લિકેશન્‍સને જે રીતે એકાએક પાણીચું આપ્યું તેમ Made in China માલના કેસમાં સંભવ નથી. ચીની માલનો બોયકોટ કરવા જતાં અર્થતંત્ર પર નઠારી અસરો થયા વિના ન રહે.
■ ■ ■
—તો પછી આપણા અર્થતંત્રમાં ડેરો જમાવીને પડેલા ચીની માલના ચુંગાલમાંથી નીકળવું શી રીતે?
ટૂંકો જવાબઃ આહિસ્‍તા... આહિસ્‍તા!
હવે ધ્‍યાનથી વાંચવા જેવો અને મનોમંથન કરવા જેવો વિસ્‍તૃત જવાબઃ અઢારમી સદીની આખરમાં ચીન જોડે ઇંગ્‍લેન્‍ડનો આયાત-નિકાસ વેપાર ચાલતો હતો. ચીનના વિવિધ બંદરેથી ચા, રેશમ અને પોર્સેલીન (ચિનાઈ માટી) વિપુલ માત્રામાં ઇંગ્‍લેન્‍ડ નિકાસ પામતા હતા. દિવસની છ-સાત પ્‍યાલી ચા પીધા વિના ‘કાંટો’ ન ચડવાની અંગ્રેજોની આદત ચીન માટે લાભદાયી નીવડી. ચા પત્તીની નિકાસ વડે તેને એટલી ધરખમ આવક થવા લાગી કે બે દેશો વચ્‍ચેના આયાત-નિકાસ વેપારી ખાતાનું પલ્‍લું સંતુલિત ન રહ્યું. નિકાસ કરતાં આયાતનું પ્રમાણ વધી જતાં ઇંગ્લેન્‍ડને ભારે trade deficit/ વ્યાપારી ખાધ સહેવાની આવી. આ જોખમી સ્‍થિતિના ઉપાય માટે ઈ.સ. ૧૭૯૨માં ઇંગ્‍લેન્‍ડના રાજા જ્યોર્જ તૃતીયએ ચીનના શહેનશાહ કિનલોંગને વિનંતી કરી કે, ‘ચીનમાં અમારા માલવાહક જહાજો લાંગરી શકે તે માટે વધુ કેટલાંક બંદર ખોલી આપો.’
ઇંગ્લેન્‍ડથી પરચૂરણ માલ લઈને આવેલાં જહાજો ત્‍યારે ચીનના કેન્‍ટોન (ગુઆંગઝો) સિવાય અન્‍ય કોઈ બંદરે લાંગરી શકતાં ન હતાં. ચીનના શહેનશાહ કિનલોંગ વધુ કેટલાંક બંદરો ખોલી આપે તો ઇંગ્‍લેન્‍ડના વધુ માલનું ચીનમાં dumping/ ખડકલો કરી શકાય અને વ્યાપારી ખાધ પૂરી શકાય એવી રાજા જ્યોર્જની ગણતરી હતી. પરંતુ શહેનશાહે તે ઊંધી વાળી દીધી. રાજા જ્યોર્જને લખી જણાવ્યું કે, ‘કેન્‍ટોન બંદર ખુલ્લું રાખ્યું છે તેને આપના પર અમારો ઉપકાર ગણો. અમારે ત્‍યાં તમામ ચીજવસ્‍તુઓ ઉપલબ્‍ધ છે—અને ઉપલબ્‍ધ નહિ હોય તેવી ચીજો અમે બનાવી લઈશું, પણ અસંસ્‍કારી યુરોપિયનોનું અમને કશું ન ખપે.’
■ ■ ■
અઢારમી સદીમાં ઇંગ્લેન્‍ડની જે સ્‍થિતિ હતી તેવી આજે ભારતની છે. આયાત-નિકાસ વેપારના તાજા આંકડા મુજબ આપણો દેશ ચીન પાસેથી વર્ષે ૬૨.૩ અબજ ડોલરના મૂલ્યની ચીજવસ્તુઓ આયાત કરે છે, જ્યારે ચીનમાં નિકાસ થતી ભારતીય ચીજવસ્‍તુઓનું મૂલ્ય ફક્ત ૧૭.પ અબજ ડોલર છે. આયાત-નિકાસ વચ્ચેનો આંકડાકીય તફાવત જંગી છે. આ ફરક તરત ઘટાડવો હોય તો Made in China માલને બોયકોટ નહિ, બાયપાસ કરવાની જરૂર છે. આ રીતે—
■ ૧. ઉપર જણાવ્યું તેમ અત્‍યારે ટેલિવિઝનથી માંડીને ઔષધિય તત્ત્વો સુધીની અસંખ્‍ય ચીજવસ્‍તુઓ આપણે ચીનથી આયાત કરીએ છીએ. બધો મદાર ચીન પર રાખવા કરતાં તાઇવાન, વિએતનામ, સિંગાપુર, મલયેશિયા, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશોથી આયાતનું પ્રમાણ વધારવું જોઈએ. (આમાંના કેટલાક દેશોએ ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ગજબનું કાઠું કાઢ્યું છે.) ચીનની તુલનાએ તે દેશોનો માલ જરા મોંઘો પડે, પણ સરહદ પર આપણા જવાનોની મારપીટ કરતા દગાખોર ચીનના ચરણોમાં દેશનું સ્વાભિમાન ગીરવે મૂકવાનું ન થાય એ મોટી વાત છે. દરમ્‍યાન ઘરઆંગણે ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપી આત્‍મનિર્ભર બનવાની દિશામાં ઝડપી પગલાં લેવાં જોઈએ.

■ ૨. ભારતમાં કન્‍ફેડરેશન ઓફ ઓલ ઇન્‍ડિયા ટ્રેડર્સ નામનું વ્‍યાપારી સંગઠન ચાલે છે. દેશભરમાં કુલ ૬ કરોડ વેપારીઓ તેના કાયમી સભ્‍ય છે. અા સંગઠને જૂન, ૨૦૨૦માં ‘Indian Goods; Our Pride’ બેનર હેઠળ દેશવ્‍યાપી અભિયાન ઉપાડ્યું છે, જેના અંતર્ગત ચીની માલને બાયપાસ કરવાનો નવો રૂટ વિચારવામાં આવ્યો છે. રોજિંદા વપરાશમાં આવતી અને ભારતમાં બની શકતી હોવા છતાં ચીનથી આવતી ૩,૦૦૦ પ્રકારની ચીજવસ્‍તુઓનું લિસ્‍ટ કન્‍ફેડરેશન ઓફ ઓલ ઇન્‍ડિયા ટ્રેડર્સે તૈયાર કર્યું છે. ડિસેમ્‍બર ૨૦૨૧ સુધીમાં એ તમામ ચીજો ઘરઆંગણે બનાવી ચીની પ્રોડક્ટસને કાયમી જાકારો આપી દેવો એવું સંગઠનના ૬ કરોડ સભ્‍યોએ સર્વાનુમતે ઠરાવ્યું છે. આ પ્રોજેક્ટ પાર પડ્યા પછી ભારતનું ચીન સાથેનું આયાતબિલ વર્ષે ૧૩ અબજ ડોલર જેટલું ઘટી શકે તેમ છે. ઘરઆંગણે પ્રોડક્શન શરૂ થવાને કારણે ધંધા-રોજગાર ખીલે એ વધારાનો ફાયદો!
કન્‍ફેડરેશન ઓફ ઓલ ઇન્‍ડિયા ટ્રેડર્સે લીધા એવા સકારાત્‍મક નિર્ણયો સરકારે મોટા પાયે લઈને સ્‍થાનિક ઉત્‍પાદકોને પ્રોત્‍સાહિત કરવાની જરૂર છે.
■ ૩. આપણા દેશનો જે માલ ચીનને નિકાસ થાય છે તેની ગુણવત્તાના બહુ ઊંચાં ધોરણો બીજિંગ સરકારે નક્કી કર્યાં છે. આની પાછળ તેનો હેતુ માલના જથ્‍થા પર અંકુશ રાખવાનો છે. ડિટ્ટો નીતિ ભારતે ચીનના આયાતી માલ માટે અપનાવવી જોઈએ ગુણવત્તાનું ધોરણ ઊંચું લાવી દેવામાં આવે તો ચીનના સસ્‍તા અને તકલાદી આયાતી માલની આપોઆપ બાદબાકી થઈ જાય અને તેની અવેજીમાં ભારતીય ચીજવસ્‍તુઓનું ઉત્‍પાદન-વેચાણ કરી શકાય.
■ ૪. ઉત્‍પાદન ક્ષેત્રે આજે ચીન ભારત સહિત જગતના ઘણાખરા દેશોને એટલા માટે હંફાવી શકે છે કે ૧૯૭૮ના અરસામાં તેણે આર્થિક સુધારા અપનાવી મેન્‍યુફેકચરિંગને પ્રાધાન્‍ય આપ્યું. પરદેશથી આધુનિક યંત્રસામગ્રી મંગાવી જથ્‍થાબંધ ઉત્‍પાદન કરતાં જાયન્‍ટ એકમો સ્‍થાપી દીધાં. ૧૯૯૧માં ભારતના દીર્ઘદ્રષ્ટા વડા પ્રધાન નરસિંહ રાવે નાણાંમંત્રી મનમોહન સિંહના સહયોગમાં ઉદાર આર્થિક નીતિ અમલમાં મૂકી ત્‍યાર પછી આપણે વધુ ભાર મેન્‍યુફેકચરિંગને બદલે સોફ્ટવેર, ટેલિકોમ, આઉટસોર્સિંગ, સર્વિસ ક્ષેત્ર વગેરે પર મૂક્યો. આ તમામ મોરચે ભારત આગળ નીકળી ગયું, પણ ઉત્‍પાદન ક્ષેત્ર દુર્બળ રહી જવા પામ્યું. પરિણામ? દેશના લોકોની જરૂરિયાત સંતોષવા માટે વધુ ને વધુ (અને કેટલોક તો બિનજરૂરી) ચીની માલ આયાત કરાતો રહ્યો. આ આત્‍મઘાતી પગલાએ ભારતનાં ઘણાં ઔદ્યોગિક અેકમોની અવસાન નોંધ લખી નાખી.
હવે આત્‍મનિર્ભર બનવા માગતા ભારતે મેન્‍યુફેકચરિંગ ક્ષેત્રને બાહુબલિ બનાવવાની જરૂર છે—અને તે માટે સરકારે આર્થિક બૂસ્‍ટર ડોઝના ઇન્‍જેક્શન આપવાનાં થાય તો પણ શું? ઘી તો આખરે ખીચડીમાં રેડાવાનું છે.
ફર્ટિલાઇઝર, ઔષધીય તત્ત્વો, મોબાઇલ ફોન, સ્‍ટીલ, ટેલિકોમનાં વીજાણુ ઉપકરણો વગેરે જેવાં ઘણાં ક્ષેત્રોમાં ચીની માલ વાપર્યા વિના અત્‍યારે આપણો છૂટકો નથી. પરિણામે બોયકોટ Made in Chinaનો વિચાર સુધ્‍ધાં દેશના વેપારીબંધુઓ પર બેકફાયર થાય તેમ છે. આથી ટૂંકા ગાળામાં અન્‍ય દેશોનો માલ આયાત કરીને તથા લાંબે ગાળે ભારતમાં તે માલનું ઉત્‍પાદન હાથ ધરી ચીનને બાયપાસ કરવામાં સાર રહેલો છે.
દરદીની હૃદયધમનીમાં કોલેસ્‍ટ્રોલનો ભરાવો રક્તપ્રવાહને અવરોધવા લાગે ત્‍યારે તબીબો બાયપાસ સર્જરી કરે છે. મતલબ કે બ્‍લોકેજવાળી હૃદયધમનીનો વૈકલ્‍પિક માર્ગ રચવા (મોટે ભાગે દરદીના પગમાંથી કાઢેલી) શિરાનો ટુકડો જોડી રક્તપ્રવાહ માટે નવો રૂટ ખોલી આપે છે. આ પ્રકારનું ડાયવર્ઝન થયા પછી હાર્ટ અટેકનું જોખમ ટળી જાય છે અને શરીરતંત્ર વળી પાછું રંગેચંગે ચાલે છે.
આવી એક ‘બાયપાસ સર્જરી’ની દેશના અર્થતંત્રને પણ જરૂર છે, જે નહિ થાય ત્‍યાં સુધી બોયકોટ Made in Chinaની ઝુંબેશ હૃદયરોગના દરદીનો ઇલાજ કબજિયાતની ફાકી વડે કરવા બરાબર છે. ■
©Harshal Pushkarna
©કોપીરાઇટેડ મટીરીઅલ. લેખકની પરવાનગી વિના લખાણનો કે તેના ભાગનો ઉપયોગ કરવો નહિ.

Comments

Popular posts from this blog

Vijaygupta Maurya